સાહસ, પ્રકૃત્તિ અને અધ્યાત્મનો ત્રિવેણીસંગમ એટલે પોળો જંગલ

06 Jan 2023 16:23:38

polo forest vijaynagar
 
 
#  રોજિંદા ખળભળાટથી દૂર, ગાઢજંગલની કેડીઓ પર સાહસભરી સહેલની ગરજ સારતું આ વન એક સમૃદ્ધ ઇતિહાસનું સાક્ષી છે
 
#  અહીં 450 પ્રકારની ઔષધિઓ, 275 જાતના પક્ષીઓ, 30 પ્રકારના સસ્તન પ્રાણીઓ અને 32 પ્રકારના સરીસૃપ જીવો વસે છે
 
 
 
ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલું સુંદર ગાઢ જંગલ, દિવસ દરમિયાન પક્ષીઓનો કલરવ, તો રાત્રિના વાતાવરણમાં નાનકડા સૂક્ષ્મ બલ્બ ઊડતાં હોય તેવા આગિયા જીવને જોવાનો લહાવો, ખળ- ખળ વહેતી નદી અને ધોધ, તો ક્યાંક સદીઓ પુરાણાં પૌરાણિક મંદિરો – સાહસ, પ્રકૃતિ અને અધ્યાત્મનો આ ત્રિવેણીસંગમ સમું સ્થળ એટલે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં હરણાવ નદીને કિનારે આવેલું પોળોનુ જંગલ.
 

પોળો શબ્દનો અર્થ શું?

 
પોળ એ સંસ્કૃતભાષામાંથી ઉતરી આવેલો મારવાડી ભાષાનો શબ્દ છે – જેનો અર્થ છે પ્રવેશદ્વાર. અર્વાચીન સમયમાં, પોળો એ ભૌગોલિક દ્રષ્ટિએ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતની વચ્ચેનું પ્રવેશદ્વાર હોવાનું મનાય છે.
 

શું છે ઇતિહાસ?

 
રોજિંદા ખળભળાટથી દૂર, ગાઢજંગલની કેડીઓ પર સાહસભરી સહેલની ગરજ સારતું આ વન એક સમૃદ્ધ ઇતિહાસનું સાક્ષી છે. આ વન ચૌદમી અને પંદરમી સદીના વૈભવી સ્થાપત્યકળાનું બેનમૂન નજરાણું છે. અહીં પ્રાચીન જૈન અને શિવ મંદિરો આવેલા છે. મંદિરોની બાંધણીમાં સોલંકી વંશનું સ્થાપત્ય જોવા મળે છે. જોકે આ શહેરની સ્થાપના વિશે વિવિધ મત-મતાંતરો છે. કહેવાય છે કે ઇડરના પરિહાર રાજાઓ દ્વારા 10મી સદીમાં આ પ્રાચીન શહેરની સ્થાપના કરવામાં આવી હતી અને પછી મારવાડના રાઠોડ રાજપૂતો દ્વારા 15મી સદીમાં આ શહેરને કબજે કરાયું હતું.
 
 

polo forest vijaynagar 
 

જોવાલાયક સ્થળો કયા?

 

અભાપુરનું શિવ- શક્તિ મંદિર

 
આ પશ્ચિમાભિમુખ મંદિરમાં શિવશક્તિના દ્વૈત દર્શન રૃપના (ઇન્દ્ર- ઇન્દ્રાણિ, શિવ અને પાર્વતી તેમજ બ્રહ્મા અને બ્રહ્માણીના)શિલ્પો છે. તો મધ્યમાં દર્પણ કન્યા અને અપ્સરાના શિલ્પો આકર્ષણ જન્માવે છે.
 

કલાત્મક છત્રીઓ

 
પોળોના પરિસરમાં આવેલી કલાત્મક છત્રીઓ પથ્થરમાંથી કંડારાયેલી છે. તેનો ગુંબજ ગોળાકાર ઘુમ્મટ ધરાવે છે. મોટાભાગની છત્રીઓ જોડીમાં જોવા મળે છે. આ છત્રીઓનું બાંધકામ પંદરમી સદીમાં થયું હોવાનું મનાય છે.
 

શરણેશ્વર મહાદેવ

 
આ મંદિર સાથે કથા જોડાયેલી છે! આ મંદિરમાં મહાદેવજી સાથે માતા ઉમા પણ બિરાજમાન છે. આ મંદિર રાજસ્થાનના સીરોહીની રાજકુંવરીએ બનાવ્યું હોવાનું મનાય છે. આ રાજકુંવરીનો રોજનો એક નિયમ હતો કે શિવ આરાધના કર્યા પછી જ ભોજન ગ્રહણ કરવું. પરંતુ રાજકુમારીના લગ્ન વિજયકુમાર સાથે થવાથી તે આ નિયમ પાળી શકી નહીં. આથી તેણીએ ભગવાન શિવની ઉપાસના કરી અને તેનાથી પ્રસન્ન થઇ ભગવાન શિવે આ સ્થળે સ્વયંભૂ શિવલિંગ રૃપે પ્રગટ થઇ રાજકુંવરીને દર્શન આપ્યા. આ જ માનમાં રાજકુંવરીએ અહીં ભવ્યમંદિરનું નિર્માણ કરાવ્યું. જોકે એક કિવદંતી એ પણ છે કે મહારાણા પ્રતાપ અહીં ગુપ્તવેશમાં રહ્યા હતા. પ્રખર શિવભક્ત મહારાણા પ્રતાપે રાજ્ય પાછું મેળવવા અહીં શિવ ઉપાસના કરી હતી.
શરણેશ્વર મહાદેવનું મંદિર અભાપુરના જંગલોમાં છ વીઘા જમીનમાં પથરાયેલું છે. આ મંદિરના ચોકમાં નંદી ચોકી આવેલી છે. મંદિરના બહારના ભાગમાં શિવ, ભૈરવ, વિશ્વકર્માના શિલ્પો કંડારેલા છે. આ મંદિરમાં ગર્ભગૃહ, અંતરાલ, પ્રદક્ષિણા પંથ, ગૂઢ મંડપ, શ્રૃંગાર ચોકી વગેરે આવેલા છે. મંદિરની બહારના ભાગમાં વેદી પણ છે. જેના પર યજ્ઞકુંડની રચના કરેલી જોવા મળે છે. મંદિરના સ્તંભો છેક ઉપરથી નીચે સુધી વૃત્તાકારના જોવા મળે છે.
 
 

polo forest vijaynagar 

રક્ત ચામુંડા

 
શરણેશ્વર મંદિરના ચોકમાં ડાબી બાજુએ રક્ત ચામુંડાની ચાર હાથવાળી મૂર્તિ છે. મૂર્તિના ઉપરના હાથમાં વજ્ર અને નીચલા ડાબા હાથમાં ખટવાંગ ધારણ કરેલ છે. ઉપરના ડાબા હાથમાં રક્તપાત્ર પકડેલું છે. જેથી આ મૂર્તિ રક્ત ચામુંડા તરીકે ઓળખાય છે.
 

લાખેણાંના દેરાં

 
દંતકથા પ્રમાણે, લાખા વણજારાની પુત્રીએ જિદ કરીને આ જૈન દેરાસર બંધાવ્યું છે. મંદિરમાં અસંખ્ય થાંભલા છે. આ દેરાસરનું શિલ્પ સોલંકી કાળનું હોવાનું મનાય છે. દેરાસર પરિસરમાં વિશાળ નૃત્યમંડપ અને 80થી વધુ સ્તંભો અહીંના ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવે છે. તેમજ દહેરાના પથ્થરિયા દરવાજામાં કળાત્મક બાકોરા છે. બહાર શું ચાલે એ જોવાય અને નાના પંખીઓ પણ અહીં રહે.
 

સદેવંત અને સાવળિંગાના દેરાં

 
ઐતિહાસિક ધરોહર એવા આ સ્થાપત્ય સાથે પ્રેમકથા જોડાયેલી હોવાનું મનાય છે. સદેવંત અને નગરશેઠની પુત્રી સાવળિંગાના નામથી જોડાયેલા આ દેરાસર તેમની સ્મૃતિમાં બાંધવામાં આવેલું હોવાનું મનાય છે.
 

polo forest vijaynagar 
 

આ પ્રેમકથાનો જાણીએ ઇતિહાસ

 
લોકવાયકા છે કે સદેવંતને નાનપણથી નગરશેઠની સ્વરૃપાવન દીકરી સાવળિંગા સાથે પ્રીત હતી. એ જમાનામાં બાળપણમાં વેવિશાળ થઇ જતા. જોકે, આ પ્રીતમાં આંતરજ્ઞાતિય પરિબળ નડતર હતું. સદેવંત ક્ષત્રિય હતો તો સાવળિંગા વૈશ્ય. નગરશેઠે દીકરીના લગ્ન વડનગરના નગરશેઠા પુત્ર રૃપાશા સાથે કરેલા પણ જાન આવી ત્યારે સાવળિંગાએ પોતાની સખીને દુલ્હન તરીકે ઘૂંઘટ ઓઢાડી લગ્નમંડપમાં બેસાડી અને પોતે દાસી તરીકે વડનગર ગઇ. સાળવિંગાએ લવંગિકાને સાથે સંસાર શરૃ કર્યો પણ આખરે તેનું છળ પકડાતા સાવળિંગાએ કબૂલ્યું કે, તે દિલથી સદેવંતને જ ચાહે છે અને જો રૃપાશા સાથે લગ્ન થશે તો પોતે આપઘાત કરશે. બાકી દાસી તરીકે અપરિણત તરીકે સેવા આપવાનું કહ્યું, બીજી તરફ રૃપાશા પણ લવંગિકા સાથે પ્રેમના તાંતણે બંધાઇ ગયા હતા.,આમ રૃપાશાએ સદેવંતને બોલાવી સાવળિંગા સાથે લગ્ન કરાવ્યા. અને તેમના માનમાં નવ દેરાં સદેવંત- સાવળિંગા દેરાં બનાવ્યા. આ દંતકથા જેટલી રોચક છે, આ દેરાં તેટલો જ ભવ્ય ભૂતકાળ સાચવીને બેઠાં છે.
 

વીરેશ્વર મહાદેવ મંદિર

 
વીરેશ્વર મહાદેવ મંદિરનું પણ આગવું મહત્ત્વ છે. અહીં ઉમરાના વૃક્ષના મૂળમાંથી ‘ગુપ્તગંગા’ એટલે કે પાણીનો સ્ત્રોત વહે છે, જે સહેલાણીઓમાં આકર્ષણ ઊભું કરે છે.
 

polo forest vijaynagar 
 

બીજું શું જોશો?

 
પ્રકૃતિ, કુદરત, શાંતિ, સાહસ, ઇતિહાસ અને અધ્યાત્મ જેવા અનેક વિશ્વને સંગ્રહીને બેઠેલું આ વન એક જ જગ્યાએ અનેક વિશ્વની અનુભૂતિ કરાવે છે. અહીં 450 પ્રકારની ઔષધિઓ, 275 જાતના પક્ષીઓ, 30 પ્રકારના સસ્તન પ્રાણીઓ અને 32 પ્રકારના સરીસૃપ જીવો વસે છે. આ સાથે ગાઢ જંગલમાં રીંછ, ઝરખ, દીપડા, સાપ અને ઉડતી ખિસકોલી પણ જોવા મળે છે.
અહીં ગીધથી લઇ ચકલી સુધી વિવિધપ્રજાતિના પક્ષીઓ તેમજ માણસના કદ જેટલા કરોળિયાના જાળાં પ્રવાસના રોમાંચને બેવડો કરે છે.
 
આમ, પોળોના આ જંગલમાં કુદરત, ઇતિહાસ અને અધ્યાત્મનો ત્રિવેણી સંગમ જોવા મળે છે.
 

કઇ ઋતુમાં જવું બેસ્ટ?

 
વિજયનગરનું આ પોળો જંગલ 3 થી 4 કિલોમીટરના વ્યાપમાં વિસ્તરેલું છે. અહીં મુલાકાત લેવા માટેનો શ્રેષ્ઠ સમય છે વર્ષાઋતુ. વર્ષાઋતુમાં વરસેલા વરસાદને કારણે પોળોનું જંગલ કોઇ નવોઢાની જેમ નવશણગાર પહેરીને જાણે આવી હોય તેમ લાગે! લીલીછમ ચાદરોએ ઝીલેલું ઝાકળ, જગ્યાએ- જગ્યાએ ફૂટી નીકળેલા ઝરણાંઓ આનંદ અને રોમાંચના બેવડા વરસાદમાં નવડાવે છે. સાહસપ્રેમીઓ માટે મોન્સૂન ટ્રેકિંગની મજા અનોખો અનુભવ કરાવે છે તો પ્રકૃતિ પ્રેમીઓ માટે આ ઋતુ કુદરત સાથે તાદાત્મય કેળવવા માટે જોઇતા વાતાવરણની ગરજ સારે છે. તો ગરમીની ઋતુમાં અહીનીં લીલીછમ હરિયાળી તમારા તન અને મન બંનેને ઠંડક આપશે. જોકે , સહેલાણીઓ વિશેષ કરીને શિયાળાની ફુલગુલાબી ઠંડીમાં અહીંની મુલાકાત લેતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ફેબ્રુઆરીમાં મહિનામાં પોળો ઉત્સવ ઉજવવામાં આવે છે. આમ, પ્રકૃતિ પ્રેમીઓ માટે શિયાળા, ઉનાળા કે ચોમાસામાંથી કોઇપણ ઋતુમાં આ સ્થળની મુલાકાત વિવિધ અનુભવોનો આત્મસાત કરાવે છે.
 

પોળો ઉત્સવ ક્યારે ઊજવાય?

 
પોળો ઉત્સવ એટલે પારંપરિક નૃત્ય, ભાતિગળ સંસ્કૃતિ અને ગુજરાતની લોકપરંપરાઓનો અનુભવ. પોળોના સૌંદર્યને સ્થાનિક પ્રવાસીઓ ઉપરાંત વિદેશી પ્રવાસીઓ માણી શકે અને સ્થાનિકો માટે રોજગારીની તકોનું સર્જન થાય તે હેતુથી રાજ્ય સરકારે વર્ષ 2015થી પોળો ઉત્સવની ઉજવણીનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. જોકે, કોરોના મહામારી અને અન્ય કારણોસર છેલ્લા 4 વર્ષથી આ ઉત્સવ થઇ શક્યો નથી. આ ઉત્સવમાં સાયક્લિંગ, રિવરસાઇડ વોકિંગ, કેમલ કાર્ટ, ટ્રેકિંગ અને બર્ડવોચિંગ જેવા કાર્યક્રમો આકર્ષણના કેન્દ્ર બની રહેતા હોય છે.
 

સેલ્ફી પોઇન્ટ, પ્રી- વેડિંગ શૂટ અને ફોટોગ્રાફી પ્લેસ તરીકે પણ લોકપ્રિય

 
સહેલાણીઓની સાથે કળાપ્રેમીઓ અને યુવાનોમાં પણ આ સ્થળ લોકપ્રિય છે. આ સ્થળના મોટાભાગના નજારાઓ કેમેરાની ક્લિક પહેલા લોકોની આંખ અને હૈયામાં ક્લિક થઇ જતા હોય છે. એટલે જ ફોટોગ્રાફીમાં રસ ધરાવતા લોકો માટે આ સ્થળ અદ્ભુત દ્રશ્યોનો ખજાનો પૂરો પાડે છે. તો પ્રી- વેડિંગ શૂટિંગ માટે પણ આ સ્થળ યુવાનોમાં લોકપ્રિય છે.
 

કેવી રીતે જશો?

 
વિજયનગર પોળો કેમ્પ સાઇટ અમદાવાદથી 110 કિલોમીટર દૂર છે. અમદાવાદથી હિંમતનગર, પ્રાંતિજ થઇને ઇડરથી પોળો જંગલ પહોંચવામાં માત્ર બે થી અઢી કલાક જેટલો સમય લાગે છે. વન ડે પિકનિક તરીકે જાણીતા આ સ્થળમાં રાત્રિ રોકાણ કરવા જૂજ વ્યવસ્થા છે. જેમાં વનવિભાગની કેમ્પસાઇટમાં રોકાણ કરી શકાય. જોકે, તેના માટે સાબરકાંઠા વનવિભાગમાં અરજી કરવી પડે છે.
 

નોંધ

 
પ્રકૃતિ અને કુદરત આપણને સતત કંઇક આપતું રહે છે. પોળોનું આ જંગલ કંઇક- કેટલા જીવોનું ઘર છે. આ જંગલ આપણને પણ આનંદ, સાહસ અને રોમાંચ સહિત અનેક અનુભૂતિઓની દેણ આપે છે. ત્યારે, પણ પ્રકૃતિ તરફની આપણી ફરજનું પાલન કરીએ અને તંત્ર દ્વારા પ્લાસ્ટિક પર મૂકવામાં આવેલા પ્રતિબંધો સહિતના નિયમોનું પાલન કરીએ!
 
 
- જ્યોતિ દવે
 
Powered By Sangraha 9.0