ફૂલનો ધર્મ કોમળતા અને સુગંધ રાષ્ટગીત | રોજ સવારે ઊગતું ફૂલ વિશ્વને હાસ્યસંદેશો આપે છે.

09 Jan 2023 14:48:38

Essay on Flower in gujarati
 
સુગંધ બોલો એટલે આંખ સામે ફૂલોની ફોજ ખડી થઈ જાય... ફૂલોથી ડાળખી જીવંત લાગે છે. ફૂલ વગરનું વૃક્ષ વૈધવ્ય પાળતી સ્ત્રી જેવું લાગે છે. ફૂલ કદી એપ્રિલફૂલ બનાવતાં નથી. એ જેવાં છે એવાં જ રજૂ થઈ જાય છે. બાગની આન, બાન, શાન ફૂલ છે. સવારમાં રંગબેરંગી ગણવેશ પહેરી પ્રકૃતિની નિશાળમાં હાજરી નોંધાવી દે છે. સુગંધ જેનું રાષ્ટગીત અને કોમળતા ધર્મ છે. જગતની દરેક આંખોને ભરીભાદરી કરવાનો એનો જીવનમંત્ર છે. હાસ્ય પ્રસરાવાનો જેનો વ્યવસાય છે અને આનંદની અઢળક કમાણી કરે છે. બગીચાના કુટુંબમાં કદી વિખવાદ સર્જાતો નથી. એકબીજાથી રળિયાત છીએનો સુગંધી સંદેશ વિશ્વને પહોંચાડે છે. કાલ સાંજે ખાલી ખાલી લાગતી ડાળી આજે સવારે બગીચામાં હરીભરી થઈ જાય છે. બગીચાનો આ સ્પિરિટ જબરદસ્ત છે. પાનખરને પછાડી વસંત સાથે તંત જોડે છે. આપણે તો ધંધામાં ખોટ આવે તો લાગે કે પીડાના પહાડ ખડકાયા.. હંમેશા રાત પછી જ સવાર હોય છે અને પરસેવા પછી જ પરફ્યુમ પ્રસરે છે.
 
ફૂલોનો વાર્ષિક ઉત્સવ એટલે વસંત. કામદેવનો જન્મદિવસ. ત્યારે સુગંધનું સેલિબ્રેશન અને મહેકનો મહોત્સવ મનાવવામાં આવે છે. નવપરિણીત યુગલ નવપલ્લવિત થઈ જાય છે. ઋતુરાણીના રજવાડામાં છડેચોક પ્રેમનો પોકાર થાય છે. કશા છોછ વગર પ્રણયપ્રક્રિયા થાય છે. અહીં મદમત્ત અને મનમોહક મોસમમાં એક માત્ર દેવની પૂજા થાય છે અને એ છે કામદેવ. અહીં પ્રેમનો પ્રાદુર્ભાવ છે. પ્રેમ અને પ્રકૃતિનો સુભગ સમન્વય સધાયો છે. એટલે જ પ્રથમ મિલનથી પ્રથમ રાત્રી સુધી પુષ્પની સૌગાત મળતી રહી છે. જન્મદિનથી જનાજા સુધી ફૂલોનો સંગાથ રહ્યો છે. બૂકેથી બૂફેના ટેબલ શણગારવા સુધીના દરેક પ્રસંગમાં પુષ્પ અનિવાર્ય હિસ્સો છે. ઉમાશંકર જોશીએ આખો દિવસ ભાગદોડ કરતા નગરવાસીઓને ઉદ્દેશીને લખ્યું કે, પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નથી. જે માણસ ફૂલોની ભાષા નથી સમજતો એ સ્નાતક હોવા છતાં પણ અભણ છે. રસ્તામાં જ્યાં પણ ફૂલ દેખાય છે ત્યાં આપોઆપ પગમાં બ્રેક લાગી જાય છે અને આંખ દોડવા લાગે છે. સાઇકલ લઈને ફૂલને રસ્તે નીકળીએ તો ઝાકળના બમ્પ બહુ આવે. અત્તરમાં અનેક ફૂલોની ચીસો સંભળાય છે.
 
ફૂલને મસળી શકાય છે પરંતુ સુગંધને નકારી ન શકીએ. સારા માણસની સુગંધ આપોઆપ ફેલાય છે. એનો ઢંઢેરો પીટવો પડતો નથી. સૂરજમુખીની સલ્તનત અને રાતરાણીનું રજવાડું તરત પરખાઈ જાય છે. એનું માર્કેટિંગ કરવું પડતું નથી. પ્રાકૃત ગાથાકોશના પ્રાચીન મુક્તકમાં ફૂલોના રૂપક દ્વારા લાગણીની લવચીકતા આલેખાય છે. ફૂલોની પાંખડીમાં મધુમત્ત ભમરાઓ બિન્દાસ બેઠા હોય છે. ચંદ્રએ અંધારનું નિકંદન કાઢી નાખ્યું છે. જેની ગાંઠો વાતાવરણમાં વિખેરાય છે. રાત્રિસભામાં જૂઈના જલસામાં તમરાનું તારસપ્તક સાંભળવા શશી પણ ધરતી પર આવી જાય છે. આજની કરુણાંતિકા એ છે કે ફ્લાવર શૉ કરતા ફેશન શૉમાં આપણને વધુ રસ પડે છે. અમદાવાદના રિવર ફ્રન્ટ પર યોજાતો ફ્લાવર શો નિહાળીને આપણા હાથની ડાળીની રગરગમાં પર્ણરંધ્ર ફૂટે છે. ફૂલોંકી ઘાટિયાંમાં અમુક ફૂલો પાસે વધુ વખત બેસવાથી માણસની મદહોશ અને બેહોશ થવાની પૂરી વકી ! વેલી ઓફ ફ્લાવર્સ નિહાળો એટલે એના ફોલોઅર્સ થઈ જ જાવ. અહીં આકાશ અને અસ્તિત્વ વચ્ચે હાથવેંતનું છેટું છે. ભાતીગળ ફૂલો અને ઘાસનાં મેદાનોવાળું પ્રાકૃતિક સૌંદર્ય આંખ અને અંતરને ઠારે છે. કહેવાતા મઠના અનુયાયી થવા કરતાં ફૂલના ભક્ત થવું વધુ સારું. સોગિયાં મોં કદી ઉપવનનાં સદસ્ય ન બની શકે. ફૂલો સાથે ફારગતી કરનારનો કદી વિશ્વાસ ન કરવો. રોજ સવારે ઊગતું ફૂલ વિશ્વને હાસ્યસંદેશો આપે છે.
 
પહેલાંના સમયમાં ફૂલોમાંથી રંગો બનાવી સુંદર ચિત્રાવલીઓ અંકિત થતી. દરેક ફૂલની એક આગવી ઓળખ અને વહાલસોયી વિશેષતા છે. ફૂલોનું જીવન માત્ર એક દિવસનું હોય છે છતાં એક એક ક્ષણને મહેકાવી જાય છે. પ્રિયકાંત મણિયારને ફૂલોના કવિ કહ્યા છે. એમની પુષ્પપ્રીતિનાં અનેક ઉદાહરણો મળી આવે છે. પ્રકૃતિનું આકંઠ પાન કર્યું છે. એટલે ફૂલોના સમાનાર્થી બની ગયા છે. ફૂલનો બોજો કદી કો ડાળને હોતો નથી. ફૂલોની જેમ પ્રિયકાંતને કવિતા ફૂટી એમ સહુની સંવેદનાને સુગંધ મળે એવી પુષ્પપ્રાર્થના.
 
જયહિન્દ| લોભી માણસ રણપ્રદેશની જમીન જેવો છે. વરસાદનું પાણી પી જાય છે પણ બીજાના ઉપયોગ માટે
એક તણખલું પણ પેદા કરી શકતો નથી.- ઝેનો
 
 
 
 
 
Powered By Sangraha 9.0