# સૂર્યમંદિર | ઓરિસ્સાના કોનાર્ક સૂર્ય મંદિર પછી બીજુ સૌથી પ્રસિદ્ધ સૂર્ય મંદિર
# મોઢેરા સૂર્યમંદિરમાં જોઈ શકાય છે ઈરાની શૈલીની બનાવટ
# અહીંના સૂર્યકુંડની આસપાસ 108 દેવી દેવતાઓના નાના મંદિરો બનાવામાં આવ્યા છે.
ગુજરાતી વિશ્વકોશ પ્રમાણે ભારતમાં અનેક સ્થળોએ સૂર્યમંદિરો આવેલાં છે. ગુજરાતમાં સૂત્રાપાડા, થાન, મહુ, પોળા, પ્રભાસતીર્થ, ભોળાદ, થરાદ, વડનગર, કોટાઈ (કચ્છ), વિસાવાડા, બગવદર, પસનાવાડા, પાતા, પિંડારા, બોરીચા, પાસ્થર, કિન્નરખેડા, ઘૂમલી, અખોદર, ખંભાત, નગરા કોટ્યર્ક, મોઢેરા, ડભોઈ, વરવાળા, પાટણ, વડોદરા, મૂળી અને સૂરતમાં સૂર્યમંદિરો આવેલાં છે. રાજસ્થાનમાં ઓસિયા, ઘોટારસી, આસીમાર, ભિન્નમાળ, રાણકપુર, બોમનેરા, વાસા, સતવાસ અને મંદસોરમાં સૂર્યમંદિરો છે. કાશ્મીરમાં આવેલું માર્તણ્ડમંદિર સૂર્યનું છે. ઓરિસામાં કોણાર્કનું સૂર્યમંદિર પ્રસિદ્ધ છે. મુલતાન, દશપુર, કુરુક્ષેત્ર અને પટણામાં પણ સૂર્યમંદિરો આવેલાં છે. આ સર્વમાં કોણાર્ક અને મોઢેરાનાં સૂર્યમંદિરો જગપ્રસિદ્ધ છે.
મોઢેરામાં પુષ્પામતી નદિના કાંઠે આવેલ સૂર્યમંદિર તેની અનેક વિશેષતાઓ અને રહસ્યોના લીધે ખૂબ પ્રસિદ્ધ છે. તે પોતાની સ્થાપત્ય કલાથી સહેલાઈઓને આકર્ષિત કરે છે. તેની બનાવટમાં રહેલ ઈરાની શૈલી અને ઉમદા નકશીકામના લીધે તેને ગુજરાતના ખજૂરાહો તરીકે ઓળખવામાં આવે છે. 2014માં યુનેસ્કો દ્વારા મંદિરને વર્લ્ડ હેરિટેજ સ્મારક જાહેર કરવામાં આવ્યુ હતુ. તેમજ મંદિરના ઐતિહાસિક મહત્વને જોતા રાજ્ય પુરારત્વ ખાતા દ્વારા તેની દેખરેખ રાખવામાં આવે છે.
કોણે બંધાવ્યું
મોઢેરા સૂર્યમંદિરનું નિર્માણ ઈ.સ. 1026 માં સોલંકી વંશના સૂર્યવંશી રાજા ભીમદેવ પહેલાએ કરાવ્યુ હતુ. સૂર્ય દેવ કુળદેવતા હોવાની સાથે તેને સૂર્યદેવમાં આસ્થાના લીધે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ.
ગુજરાતમાં ક્યાં આવેલું છે મંદિર
સૂર્ય મંદિર ગુજરાત રાજયના મહેસાણા જિલ્લાના પાટણથી 30 કિમી દક્ષિણ તરફ મોઢેરા નામના ગામમાં આવેલું છે. આ મંદિર ઓરિસ્સાના કોનાર્ક સૂર્ય મંદિર પછી બીજુ સૌથી પ્રસિદ્ધ સૂર્ય મંદિર છે. મંદિર ગુજરાત રાજ્યના મહત્વના પ્રવાસન સ્થળોમાં મુખ્ય છે.તેમજ તેના જટિલ અને કલાત્મક નકશી કામના લીધે મંદિરને ગુજરાતના ખજૂરાહો તરીકે પણ ઓળખવામાં આવે છે.
મંદિરની વિશેષતા
મંદિરમાં હાલ સૂર્યદેવતાની કોઈ મૂર્તિ નથી. પરંતુ કહેવાય છે કે તે સમયે રાજા ભીમસેન પહેલા દ્વારા ગર્ભગૃહમાં સૂર્યદેવની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. આ મંદિરમાં મૂર્તિ એવી રીતે સ્થાપિત કરવામાં આવી હતી કે સૂર્યનું પહેલું કિરણ ભગવાન સૂર્યદેવની મૂર્તિના મસ્તક પર રહેલ હીરા પર પડતા સંપૂર્ણ મંદિર સુવર્ણ પ્રકાશથી ઝળહળી ઉઠે છે.
સ્થાપત્ય કલા
આ મંદિરની સ્થાપત્ય કલાની વાત કરી એ તો તે ઈરાની સ્થાપત્ય શૈલીમાં નિર્મિત છે. મંદિરના નિર્માણમાં કયાંય પણ ચૂનાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. મંદિર સંપૂર્ણ રીતે કમળના નીચના ભાગ જેવું દેખાય છે. મંદિર બે ભાગમાં બનેલું છે. એક ભાગ ગર્ભગૃહ કહેવાય છે. જ્યારે તેનો બીજો ભાગ સભામંડપ તરીકે ઓળખાય છે. ગર્ભગૃહની લંબાઈ 51 ફૂટ 9 ઈંચ છે. અને પહોળાઈ 25 ફૂટ 8 ઈંચની આસપાસ છે. સભામંડપની આગળ એક વિશાળ કુંડ છે જેને સુર્યકુંડ કે રામકુંડથી ઓળખવામાં આવે છે. મંદિરના નિર્માણ વખતે સૂર્યની બ્રહ્માંડમાં સ્થિતિ અને તેની વિભિન્ન અસરોને ધ્યાનમાં રાખવામાં આવ્યું હતુ.
સભામંડપની બનાવટની વાત કરીએ તો તેમાં કુલ 52 સ્તંભ છે. આ સ્તંભોની ખાસ વિશેષતા એ છે કે તેના પર રામણાયણ અને મહાભારત કાળના સુંદર ચિત્રો અને પ્રસંગોનું ચિત્રણ કરવામાં આવ્યું છે. સૂર્યમંદિરના નિર્માણ વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે સૂર્યનું પહેલું કિરણ ગર્ભગૃહ પર પડે અને વર્તમાનમાં પણ સૂર્યની સૌથી પહેલું કિરણ ગર્ભગૃહ પર જ પડે છે. સભામંડપમાં બનાવામાં આવેલ 52 સ્તંભ તે વર્ષના 52 અઠવાડિયાને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્તંભ એટલા વિસ્મયકારી છે કે તેને નીચેની તરફથી જોતા તે અષ્ટકોણીય દેખાય છે, જ્યારે ઉપરની તરફથી જોતા તે ગોળાકાર દેખાય છે.
રામકુંડ - સૂર્યકુંડ...
અહીં આવેલ રામકુંડ કે સૂર્યકુંડમાં જવા માટે સીડીઓનો ઉપયોગ કરવો પડે છે. આ કુંડની આસપાસ 108 દેવી દેવતાઓના નાના મંદિરો બનાવામાં આવ્યા છે. તે લંબચોરસ છે. તેના બંન્ને ખૂણાઓમાં ભગવાન ગણેશ અને વિષ્ણુના મંદિર છે. એક ખૂણામાં ભગવાન શિવની તાંડવ કરતી મૂર્તિ છે જેનું મુખ ગર્ભગૃહ તરફ છે. સૌથી મહત્વની વાત છે એ છે કે ચારે મંદિરોથી કુડની તરફ નીચે જતા સીડીઓ તે ભગવાનોની મુદ્રાઓ મુજબ બનાવામાં આવી છે. આ પરથી કહી શકાય કે આ બધી સીડીઓ લયબદ્ધ છે. આ સીડીનો એક ભાગ સભામંડપ તરફ છે. જ્યાં ઉપરની 12 સીડીઓ પર 12 સ્તંભ છે, જેનાથી સૂર્ય મંદિર ઘેરાયેલું છે. આ સ્તંભો પર બનેલ આકૃતિઓ સૂર્યના 12 રૂપ દર્શાવે છે અથવા તો કહી શકાય કે 12 મહિના અનુસાર સૂર્યના 12 રૂપ. મંદિરમાં શૃંગારિક કોતરણી છે જેતે યુગના અન્ય મંદિરોમાં પણ જોઈ શકાય છે.
ઈસ્લામિક આક્રમણ
ઈ.સ. 7મી અને 8મી સદી એવી હતી કે જ્યારે મુઘલોની સેના દ્વારા ભારતની પશ્ચિમી સરહદ પર હુમલાઓ શરૂ થઈ ચૂક્યા હતા. આ હુમલાઓમાં તેમનો મુખ્ય નિશાન હિંદુ મંદિરો હતા.તેનું મુખ્ય કારણ એ હતુ કે ત્યાંથી તેમને પુષ્કળ પ્રમાણમાં ધન સંપત્તિ મળતી તેમજ તે હિંદુ મંદિરોને નષ્ટ કરી હિંદુ સંસ્કૃતિનો નાશ ઈચ્છતા હતા. મોહમદ ગઝનીએ પોતાના ક્રૂર હુમલાથી મોઢેરા સૂર્ય મંદિરને ધ્વંસ્ત કરી દીધૂ હતુ.તેણે મંદિરમાં રહેલ ભગવાન સૂર્યની મૂર્તિ પણ તોડી નાખી હતી.
પૌરાણિક કથા
આમ તો આ મંદિરનું નિર્માણ સૂર્યવંશી રાજાએ કરાવ્યું છે, પરંતુ ઉલ્લેખનીય વાત એ છે કે મંદિરનો ઉલ્લેખ આપણને પુરાણો અને રામાયણકાળમાં મળે છે. સ્કંદ અને બ્રહ્મ પુરાણ મુજબ પ્રાચીન સમયમાં આ મંદિર અને તેની આસપાસનો વિસ્તાર ધર્મરણ્ય તરીકે ઓળખાતો હતો. તે સાથે જ પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે જ્યારે પ્રભુ શ્રી રામે રાવણ વધ કર્યો ત્યારે તેમણે ગુરુ વશિષ્ટ પાસે બ્રાહ્મણ હત્યાના પાપથી મુક્તિ મેળવવા માટે ઉપાય માંગ્યો હતો. ગુરુ વિશિષ્ટે આત્મશુદ્ધિ અને બાહ્મણ હત્યાના પાપથી મુક્તિ માટે ધર્મારણ્ય (હાલનું મોઢેરા ) જઈ પાશ્ચાતાપ કરવા કહ્યું હતુ.
મોઢેરા નૃત્ય ઉત્સવ અને મેળા
અહીં ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે જાન્યુઆરીમાં ઉત્તરાયણ પછી મોઢેરા સૂર્ય મંદિરમાં ત્રણ દિવસીય નૃત્ય મહોત્સવનું આયોજન થાય છે. આ ઉત્સવ જાન્યુઆરી મહિનાના ત્રીજા અઠવાડિયમાં આયોજિત કરવામાં આવે છે. આ નૃત્ય ઉત્સવમાં દેશ વિદેશમાંથી ઘણા નૃત્યકારો ભાગ લે છે, જેને જોવા માટે મોટી સંખ્યામા લોકો આવે છે. નૃત્ય ઉત્સવ ઉપરાંત અહીં દર વર્ષે શ્રાવણ માસની અમાસનો મેળો ભરાય છે. જેમાં શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર હાજર રહે છે. તેમજ અહીં આવેલ રામકુંડમાં પવિત્ર સ્નાનનો લાહ્વો લે છે.
પૂજા પર પ્રતિબંધ
મોઢેરા સૂર્યમંદિરમાં ઈસ્લામિક આક્રમણ દરમિયાન અહીં રહેલ સૂર્ય ભગવાનની પ્રતિમાને નષ્ટ કરવામાં આવઈ હતી. ત્યાર બાદથી આ મંદિરમાં ફરી કોઈ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી નથી. જેના કારણે અહીં પૂજા પર પ્રતિબંધ છે. હાલ આ સ્થળ પ્રવાસન માટે વધુ જાણીતું છે. એવું કહી શકાય કે જ્યાં સૂર્યનું પ્રથમ કિરણ ભગવાન સૂર્યદેવની મૂર્તિના મસ્તક પર પડતું હતું પણ હાલ અહીં ભગવાનની મૂર્તિ નથી.
કઈ રીતે જવું | How To Reach
હવાઈ માર્ગઃ મોઢેરા સૂર્ય મંદિર જવા જો તમે હવાઈ માર્ગનો ઉપયોગ કરવા માંગતા હોવ તો તેની નજીકનું એરપોર્ટ અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ ટ છે. જે મોઢેરાથી 100 કિમીના અંતરે છે.
રેલ માર્ગઃ જો તમે રેલ માર્ગથી મંદિર જવા ઈચ્છતા હોવ તો તે માટે તમારે બહુચરાજી રેલ્વે સ્ટેશન નજીકનું સ્ટેશન છે. તે સ્ટેશનથી મંદિર 16 કિમીના અંતરે આવેલું છે.
સડક માર્ગઃ સ઼ડક માર્ગથી જવા માટે અનેક વિકલ્પો છે. જેમાં રાજય પરિવહનની ઘણી બસો કાર્યરત છે. તેમ જ મુખ્ય શહેરો સાથે જોડાયેલ છે હોવાથી સડક માર્ગે મંદિર જવામાં સરળતા રહે છે.
- મોનાલી ગજ્જર