સ્ટેચ્યુ ઓફ યુનિટી | 2021 સુધીમાં જ્યાં એક કરોડથી વધુ સહેલાણીઓએ આ મુલાકાત લીધી છે

સ્વતંત્રતા વખતે 562 રજવાડાઓને ભેગા કરી દેશને એક માળામાં પરોવનારા સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારતના શિલ્પી હતા.. દેશના પ્રથમ ગૃહમંત્રી રહી ચૂકેલા અને લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર પટેલને સમર્પિત કરતું સ્મારક એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી.

    09-Jan-2023
કુલ દૃશ્યો |

Statue Of Unity in gujarati

સ્ટેચ્યુ ઓફ યુનિટી: ‘મહામાનવ’ ને ‘મહાઅંજલી’ | Statue Of Unity

 
# 182 મીટર ઊંચાઇ ધરાવતી આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા
 
# ‘અખંડ ભારતના શિલ્પી - સરદાર’ની શિલ્પ પ્રતિમા દેશ - વિદેશના પ્રવાસીઓ માટે છે લોકપ્રિય પ્રવાસન સ્થળ
 
#  વર્ષ 2018થી લઇ વર્ષ 2021 સુધી એક કરોડથી વધુ સહેલાણીઓએ આ સ્થળની મુલાકાત લીધી છે
 
 

દેશ- વિદેશથી અહીં મોટી સંખ્યામાં આવે છે સહેલાણીઓ

 
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટીએ વિશ્વભરના શ્રેષ્ઠ ટુરિસ્ટ સ્થળોની યાદીમાં મોખરાનું સ્થાન હાંસલ કર્યુ છે. વર્ષ 2018થી લઇ વર્ષ 2021 સુધી એક કરોડથી વધુ સહેલાણીઓએ આ સ્થળની મુલાકાત લીધી છે. તો વિદેશથી પણ અહીં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ નોંધાયા છે. કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત ફ્લાવર ઓફ વેલી, ક્રેકટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, જંગલ સફારી જેવા અનેક જોવાલાયક સ્થળો આવેલા છે.

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા

 
ભરૃચના નર્મદા જિલ્લામાં આવેલી આ પ્રતિમા સાધુ બેટ નામના ટાપુ પર સ્થિત છે. 31 ઓક્ટોબર 2013ના રોજ સરદાર વલ્લભભાઇ પટેલની 138મી જન્મજયંતિ નિમિત્તે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રમોદીએ આ પ્રતિમાનો શિલાન્યાસ કર્યો હતો. તેમજ આ પ્રતિમાનું અનાવરણ વર્ષ 2018માં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી દ્વારા કરવામાં આવ્યું હતું. 182 મીટર ઊંચાઇ ધરાવતી આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.
 
 

Statue Of Unity in gujarati 
 

મૂર્તિના નિર્માણમાં દેશભરના અનેક ખેડૂતોનું યોગદાન

 
આ પ્રતિમાના નિર્માણ માટે મોટાપાયે લોખંડની જરૃરિયાત હોવાથી એક અભિયાન શરૃ કરવામાં આવ્યું. દેશભરના ગામડાઓમાં રહેતા ખેડૂતોએ તેમના જૂના અને નકામા ઓજારોનું દાન આપ્યું. 3 માસ સુધી ચાલેલા આ અભિયાનમાં 5 લાખ ખેડૂતો પાસેથી લોખંડ ઉઘરાવવાના લક્ષ્યાંકની સામે 6 લાખ ગ્રામીણોએ લોખંડનું દાન કર્યું. જેમાં 5 હજાર મેટ્રિક ટન લોખંડનું દાન મળ્યું.
 

સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા બમણી છે ઊંચાઇ

 
આ પ્રતિમા અમેરિકાની સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા બમણી ઊંચાઇ ધરાવે છે. સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની લંબાઇ 93 મીટર છે, જ્યારે ચીનમાં આવેલી વિશ્વની બીજા નંબરની સૌથી ઊંચી મૂર્તિ સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધની ઊંચાઇ 153 મીટર છે. ગુજરાતમાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની લંબાઇ 182 મીટર એટલે કે 597 ફુટ લાંબી છે. ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદીના સરદાર સરોવર ડેમથી 3.5 કિલોમીટરના અંતરે રહેલી આ પ્રતિમાને 7 કિલોમીટર દૂરથી પણ જોઇ શકાય છે.
 

Statue Of Unity in gujarati 
 

આ પ્રતિમાના નિર્માણ વિશે

 
એન્જિનિયર માર્વેલ ગણાતી આ પ્રતિમાના નિર્માણમાં 4 ધાતુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 70 હજાર ટન સિમેન્ટ, 25 હજાર ટન સ્ટીલ, 12 હજાર તાંબાની પેનલ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી આ પ્રતિમાનું કુલ વજન 1700 ટન છે. તેમજ પગની ઊંચાઇ 70 ફૂટ છે, જ્યારે ખભાની ઊંચાઇ 140 ફૂટ અને ચહેરાની ઊંચાઇ 70 ફૂટ છે. આ પ્રતિમાના નિર્માણ પાછળ 3 હજાર કરોડનો ખર્ચ થયો છે તેમજ પ્રખ્યાત શિલ્પકાર રામ વી. સુતાર દ્વારા તેની ડિઝાઇન કરવામાં આવી છે. આ મૂર્તિને બનાવવા માટે 2,000 તસવીરોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેથી સરદાર પટેલના ભાવોને પ્રતિમામાં આબેહૂબ રીતે ઉજાગર કરી શકાય.
 

લોખંડી પુરુષની ‘અડગ’ પ્રતિમા

 
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા હવા, જળ, ભૂકંપ જેવી પ્રાકૃત્તિક આપત્તિઓ સામે લડવામાં સક્ષમ છે. આ પ્રતિમા 180 કિલોમીટર પ્રતિ કલાકે ચાલનારી હવામાં પણ અડગ રહી શકે છે તો 6.5ની તીવ્રતાવાળા ભૂકંપને પણ સહન કરી શકે છે.
 
 

Statue Of Unity in gujarati 
 

સહેલાણીઓ માટે કેમ આકર્ષણનું કેન્દ્ર છે આ પ્રતિમા । what to visit

 
 
વ્યૂઇંગ ગેલરી
 
ક્રોંકિટના ટાવરોમાંથી બનાવેલાના પગના ભાગમાં લિફ્ટ આવેલી છે, પ્રવેશ ટીકિટ લીધા પછી લિફ્ટના માધ્યમથી સરદાર પટેલની મૂર્તિના છાતીના ભાગમાં પહોંચીને સહેલાણીઓ ગેલરીમાંથી આસપાસના પર્વતોને અને નર્મદા નદીના અદ્ભુત નજારાને માણી શકે છે. આની ખાસિયત છે કે આ લિફ્ટમાં એક જ વખતમાં એકસાથે 26 લોકો 40 સેકન્ડ સુધીમાં વ્યુઇંગ ગેલરી સુધી પહોંચી શકે છે.
 
સંગ્રહાલય
 
અહીં આવેલું સંગ્રહાલય આઝાદીમાં સરદાર વલ્લભભાઇના પટેલના યોગદાનને ઉજાગર કરવા સાથે ઇતિહાસના સંક્ષિપ્તભાગને માહિતી રૃપે રજૂ કરે છે.
 
વિભિન્ન પ્રકારના રંગબેરંગી ફૂલોનું ઉપવન
 
એકતરફ નર્મદા નદીના નયનરમ્ય નજારાનું દ્રશ્ય, આકાશને આંબતી હોય તેવો આભાસ કરાવતી સરદારની પ્રતિમા, તો બીજી તરફ ઉપવનમાં વિભિન્ન રંગબેરંગી ફૂલોની સજાવટ, સમગ્ર માહોલનો અવર્ણનીય અનુભવ અપાવે છે.
લેઝર શો – સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલની પ્રતિમા પર રોજ સાંજે લેઝરશોનું આયોજન કરવામાં આવે છે. મુલાકાતીઓ માટે આ લેઝર શો વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. આ લેઝર શોમાં સરદારના જીવનકથાને દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમથી અદ્ભુત રીતે રજૂ કરવામાં આવે છે.
 
 

Statue Of Unity in gujarati 

ટીકિટ દર । Book Tickets

 
 
# 3 વર્ષથી લઇ 15 વર્ષના બાળક માટે 230 રૂ
# 16 વર્ષથી ઉપરની આયુ ધરાવતા માટે 380 રૂ
# 3 વર્ષથી ઉપરના તમામ માટે 1,030 રૃ (એક્સપ્રેસ એન્ટ્રી માટે...) 
 
આ ટીકિટમાં એન્ટ્રી ટીકિટ, વ્યુઇંગ ગેલરી, લેઝર શો તેમજ બસ સર્વિસનો સમાવેશ થાય છે. સવારે 8 વાગેથી સાંજે 6 વાગ્યા સુધી બે કલાકના ટાઇમ સ્લોટ મુજબ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. જેને જોવામાં એકથી બે કલાકનો સમય લાગે છે. મંગળવારથી રવિવાર સુધી અહીંની મુલાકાત લઇ શકાય છે. જ્યારે સોમવારે મેઇન્ટેન્સ હેતુથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને બંધ રાખવામાં આવે છે.
 

કેવી રીતે જવાશે? । How To Reach

 
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓને અગવડ ન પડે તે હેતુથી અનેક સુવિધાઓ આપવામાં આવી છે. ઇકો ફ્રેન્ડલી બસ, ગ્રીન ઓટો સહિત વાહનવ્યવહારની અનેક સેવાઓ ઉપલબ્ધ છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે વડોદરાએ નજીકનું સૌથી મોટું શહેર છે.
 
એરસેવા દ્વારા
 
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી વડોદરા એરપોર્ટ અંદાજે 90 કિલોમીટર દૂર છે. તો વડોદરા એરપોર્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે ટેક્સી કે બસ સેવાનો લાભ લઇ શકાશે.
 
ટ્રેન દ્વારા
 
હવે ટ્રેન દ્વારા પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી શકાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 8 ટ્રેનો શરૃ કરવામાં આવી છે. જેમાં દિલ્હી, અમદાવાદ, મધ્યપ્રદેશ, વારાણસી અને મુંબઇ જેવા પ્રમુખ શહેરોને સાંકળતી ટ્રેનો અહીં પહોંચાડે છે.
 
રોડ દ્વારા
 
વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર અંદાજે 90 કિલોમીટર છે અને વાયા ડભોઇ રોડથી અહીં સુધી પહોંચી શકાય છે. આ અંતર કાપવામાં બે કલાક જેટલો સમય લાગે છે.
 
પ્રવાસીઓમાં લોકપ્રિય બની રહેલા આ સ્થળમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત ફ્લાવર ઓફ વેલી, જંગલ સફારી સહિત 17 જેટલા વિવિધ પ્રોજેક્ટ્સ ખૂલ્લા મૂકાયા છે. કેવડિયા ખાતેના આ સમગ્ર સ્થળને નિહાળવા માટે ત્રણથી ચાર દિવસનો સમય આપવો પડશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા જવાનું થાય તો એક વાત અનુભવવા જેવી છે – આ મહામાનવની પ્રતિમાના પગ સુધી પણ આપણે પહોંચી શકતા નથી, જે દર્શાવે છે કે અખંડ ભારતના નિર્માતાના આ મહાકદ સામે આપણે ઘણાં વામણા છીએ!
 
એક કિસ્સો અહીં ટાંકવા જેવો છે, કે સરદાર પટેલના અવસાન બાદ તેમની અંગત મૂડી જાહેર કરવામાં આવી તો તે હતી માત્ર 237 રૃપિયા. દેશની આઝાદી માટે લડનાર આ સેવકે એકપણ રૃપિયો પોતાના અંગત ખર્ચ માટે નહોતો વાપર્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત સાથે આ મહામાનવના સિદ્ધાંતોને પણ આપણા જીવનમાં ઉતારવાની પ્રેરણા લઇએ.
 
- જ્યોતિ દવે