પાથેય । ઉપદેશનો અમલ । બુદ્ધ વિચાર - માત્ર સાંભળવાથી શું થાય? વિચારોને જીવનમાં ઉતારવા પડે...!

09 Jan 2023 14:08:21

gautam buddha
 
 
ભગવાન બુદ્ધનો એક પ્રસંગ છે. બુદ્ધ રોજ ઉપદેશ આપતા હતા. એક વ્યક્તિ એવો હતો જે રોજ બુદ્ધને સાંભળવા આવતો હતો. થોડા દિવસ બાદ એ વ્યક્તિને લાગવા માંડ્યું કે બુદ્ધની વાતો સારી છે, પરંતુ તેનાથી મારા જીવનમાં કોઈ ફાયદો નથી થતો. ફરી જ્યારે તે બુદ્ધનો ઉપદેશ સાંભળવા પહોંચ્યો તો બુદ્ધ કહેતા હતા કે જો આપણે કોઈના પર ગુસ્સો કરીએ છીએ તો આપણે બીજા કરતાં વધારે આપણું જ નુકસાન કરીએ છીએ. જો કોઈ વ્યક્તિ આપણા પર ગુસ્સો કરે છે અને આપણે ગુસ્સાથી તેનો જવાબ આપીએ તો તે આપણા માટે જ નુકસાનદાયક છે.
 
બુદ્ધે આ વાતો કહી કે તરત એ વ્યક્તિ ઉશ્કેરાઈ ગયો. તે બધા લોકો વચ્ચે ઊભો થઈ ગયો અને બોલવા લાગ્યો, હું તો ઘણા દિવસથી તમારી વાતો સાંભળી રહ્યો છું, પરંતુ મારા જીવનમાં તો કંઈ બદલાવ નથી આવ્યો.
 
બુદ્ધે તેને પૂછ્યું, તમે રહો છો ક્યાં? એ વ્યક્તિએ કહ્યું કે હું શ્રાવસ્તીમાં રહું છું. બુદ્ધે ફરી પૂછ્યું, અહીંથી શ્રાવસ્તી કેટલે દૂર છે, કેટલો સમય લાગે છે? અહીં આવો છો કેવી રીતે?
 
એ વ્યક્તિએ પહેલાં તો અંતર જણાવ્યું, પછી આવવા-જવાનો સમય પણ જણાવ્યો અને કહ્યું કે અહીં આવવા માટે કોઈ ને કોઈ સવારી મળી જાય છે. બુદ્ધે ફરીથી પૂછ્યું, શું તમે કશું કર્યા વિના જ અહીં પહોંચી શકો છો?
 
પેલાએ કહ્યું, બેઠાં બેઠાં તો અહીં કેવી રીતે પહોંચી શકાય? અહીં આવવા માટે ચાલવું તો પડે ને!
 
બુદ્ધે એ વ્યક્તિને સમજાવતાં કહ્યું, આ જ વાત આપણા જીવન પર પણ લાગુ થાય છે. આપણે કોઈ સ્થાન સુધી ચાલીને જ પહોંચી શકીએ છીએ, એ જ રીતે કથાનાં વચનોને જીવનમાં ઉતારવા મહેનત કરવી પડે, તો જ જીવનમાં બદલાવ આવશે, ખાલી સાંભળી લેવાથી નહીં.
 
 
 
 
Powered By Sangraha 9.0