ગયા વરસે મહેસાણાના ડિંગુચા ગામનો ચાર જણનો - નાનકડા દીકરા, દીકરી સાથેનો પરિવાર અમેરિકામાં `સેટલ' થવાની લ્હાયમાં સરહદથી માત્ર ૪૦ ડગલાં દૂર હાડ થિજાવી દે તેવી ઠંડીમાં ઠુંઠવાઈને મરી ગયો. તો ગયા અઠવાડિયે કલોલના યાદવ ગેરકાયદેસર રીતે અમેરિકાપ્રવેશ કરવા જતાં ટ્રમ્પ વોલ કૂદતાં મોતને ભેટ્યા અને પત્ની, બાળકો ગંભીર રીતે ઘાયલ થયાં. ગુજરાતથી અવૈધ સ્થળાંતર કરીને વિદેશમાં જતાં લોકોનાં અપમૃત્યુના આવા સમાચારોની વધતી સંખ્યા બેવડી રીતે વ્યથિત કરી મૂકે છે. નાની ઉંમરના યુવાનો, પત્ની, કુમળાં બાળકોના હચમચાવી દેતાં મૃત્યુ અને વતન છોડીને વિદેશ વસવા ઇચ્છુક લોભિયાઓને કારણે ઊભા થયેલા ઇલ્લીગલ માઈગ્રેશનનું વધતું પ્રમાણ ચિંતા ઉપજાવનારું છે.
ગુજરાત અને પંજાબના કેટલાંક લોકોને યેનકેન પ્રકારેણ વિદેશ જવાનું ઘેલું હોય છે. ૨૦૧૯માં એકલી મેક્સિકન સરહદેથી એક સાથે ૩૦૦, ૨૦૨૦માં કેનેડા સરહદેથી ૨૨૭ લોકો ગેરકાયદેસર ઘૂસણખોરી કરતાં પકડાયાં હતાં. એક રીપોર્ટ મુજબ ગુજરાતનાં ૩૭ પરિવારોનાં ૧૩૬ લોકો તુર્કીસ્તાનથી ઘૂસણખોરી કરતાં ગાયબ થયાં છે. ઓસ્ટ્રેલિયા, યુરોપ વગેરેમાંથી પકડાયેલા ગુજરાતના લોકોનો આંકડોય મોટો છે. મોટાભાગનું ગ્ોરકાયદેસર સ્થળાંતર વધુ રૂપિયા કમાઈને સુખી-સમૃદ્ધ થવાની લાલસામાં થાય છે. કોઈ પણ માણસ, કોઈ પણ રીતે વિદેશ જતો રહે અને કરોડપતિ થઈ જાય તે માન્યતા જ ભ્રમ છે. વિદેશમાં વધુ પૈસા કમાવા હોય તો ઉચ્ચ અભ્યાસ કે અનન્ય પ્રોફેશનલ સ્કિલ જરૂરી છે. એ લોકો ત્યાં જઈને પોતાનું સોનેરી ભવિષ્ય બનાવી શકશે. અહીંથી જે લેબરર એટલે કે કોઈ પણ પ્રકારનું મજૂરીકામ કરનારા જશે તો ત્યાં એણે મોટેભાગે એ જ કરવાનું હોય છે.
વર્ષ ૨૦૨૧-૨૨નાં ગુજરાતના GDPનો ગ્રોથ ૧૭.૪ અને માથાદીઠ આવક ૨ લાખ ૪૧ હજાર છે. ગુજરાત વિકસિત રાજ્ય હોવાથી અહીં સામાન્ય મજૂરીના દર પણ ઘણા સારા છે. જો પતિ-પત્ની બંને કમાતાં હોય તો અહીં એક નાનો પરિવાર આરામથી સારી જિંદગી જીવી શકે છે. ગુજરાતમાં છોકરીઓને મફત શિક્ષણ, આર્થિક અસક્ષમ લોકો માટે પ્રાથમિકમાં RTE અને ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશિપ સહિત અનેક યોજનાઓ છે, લોકો પોતાનાં બાળકોને ભણાવી-ગણાવીને સારું કમાતાં કરી શકે છે. તો પછી આટલાં બધા જોખમો લઈને ગેરકાયદેસર રીતે પોતે જવું કે સંતાનોને મોકલવાની ઘેલછા શા માટે ?
લોકોને રાતોરાત કરોડપતિ થઈ જવું છે અથવા તો સમાજના કોઈ ઓછું ભણેલા કે સામાન્ય માણસ વિદેશ થઈને અબજોપતિ બની ગયા હોય, કોઈ સંબંધી વેલ સેટલ્ડ થયા હોય તો માણસ પોતેય એવાં સપનાંઓમાં રાચવા લાગ્ો છે અથવા સમાજ તેને દબાણ કરે છે. અંગ્રેજીમાં જેને `પીઅર પ્રેસર' કહેવાય છે એવા આ દબાણથી પણ માણસ અવૈધ રસ્તો અપનાવે છે, પરંતુ આ વાતો જૂની થઈ ગઈ. હવે વિદેશમાં એજ્યુકેશન સ્કિલ વગર કમાવું સરળ નથી.
સુખ, સાધન, સંપત્તિની આ આંધળી દોડમાં માણસો ભૂલી જાય છે કે આ અવૈધ પ્રવૃત્તિ તેમના અને તેમના પરિવાર માટે કેટલી જોખમી છે. ગ્ોરકાયદેસર `ઘુસણખોરી'ની ૩૦-૪૦ દિવસ ચાલતી આ પ્રક્રિયામાં પળે-પળ અને ડગલે-પગલે મોત હોય છે. પકડાઈ ગયા તો આજીવન જેલ અને ન પકડાયા તોય આખી જિંદગી ભય. ખોટા પાસપોર્ટ, ખોટી જગ્યાઓ અને ખોટા માણસોના આધારે પરિવાર સહિત જાનનું જોખમ. ક્યાંક સરહદો પરની ૩૦-૪૦ ફૂટ ઊંચી દીવાલો કૂદવાની, ક્યાંક બરફના પહાડો ઓળંગવાના, તો ક્યાંક ભૂખ્યા-તરસ્યા રહીને દિવસો સુધી પતરાની પેટીઓમાં કે બંકરોમાં છુપાઈને પડ્યા રહેવાનું. પકડાઈ જાય તો સજા અને જિંદગી ખરાબ. પછી સાથે આવેલા સંતાનોને કમોત આપવાનો અને અહીં રહી ગયેલાં ઘરડાં મા-બાપ કે સ્વજનોને જીવતેજીવ મોત આપવાનો આ ખેલ શા માટે ?
આ ખેલમાં માત્ર વિદેશ જવાની ઘેલછા રાખનારા જ નહીં પણ આવાં કૃત્યો પાછળ સંડોવાયેલા ટ્રાવેલ એજન્ટો પણ એટલા જ જવાબદાર છે. કોઈ પણ રીતે સરહદ પાર કરાવનારાઓનું એક બહુ મોટુ તંત્ર આખી દુનિયામાં કાર્યરત છે. આ આખા પાખંડમાં કાયદેસર કશું નથી. લોકોના જીવની પણ કોઈ જવાબદારી નથી. આ ગેંગસ્ટરો અન્ય દેશોના એજન્ટોને સાંકળીને અવૈધ ઑપરેશનો પાર પાડે છે. એજન્ટો માત્ર થોડાક વધારે પૈસા કમાવાની લ્હાયમાં લોકોના જીવ જોખમમાં મૂકે છે અને બે-બે રાષ્ટ્રો સાથે રાષ્ટ્રદ્રોહનો ગુનો કરે છે. આવા એજન્ટોને કડકમાં કડક સજા કરી ગુજરાત નવો ચીલો પાડે.
ગુજરાત તો આખા ભારતમાંથી આવનારા લોકોને પાળતું, પોષતું અને સમૃદ્ધ કરતું રાજ્ય છે. બહારથી અહીં આવેલો માણસ પણ અહીંથી બહાર જવાનું વિચારતો નથી તો અહીંનો માણસ બહાર જવાનું શા માટે વિચારે ? વિદેશમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરનારા માણસોની કોઈ ઓળખ નથી હોતી, આ લોકો પોતાના ધર્મ, સંસ્કાર, સમાજ છોડીને પોતાના અને પોતાના પરિવાર માટે `આઇડેન્ટીટી ક્રાઇસિસ' ઊભી કરતા હોય છે. જેનું દર્દ દુષ્કર હોય છે. શા માટે એ દર્દ અને ભય સામેથી નોંતરવા? આ સમસ્યાને રોકવાનો પ્રથમ રસ્તો એ જ છે કે, અવૈધ સ્થળાંતર કરનારાઓ પોતે જ અટકે. વિદેશઘેલાઓ આટલું યાદ રાખે કે - એકસાથે બધું મેળવી લેવાનો મોહ, જે પાસે હોય છે એનું મૂલ્ય નથી થવા દેતો, અને મૂલ્ય થાય છે ત્યારે એ બધું જ હાથમાંથી ચાલ્યું ગયું હોય છે.