ભારતદ્વેષ અને હિન્દુદ્વેષ ઠાલવતા પાકિસ્તાનના આ ક્રિકેટરોને ઓળખીએ!

શું માત્ર મનોરંજન માટે દુશ્મન દેશ સાથે મેચ રમવી જોઇએ? આ લેખ વાંચીને નક્કી કરો..

    ૧૩-ઓક્ટોબર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

india pakistan
 
 
ક્રિકેટની મેચો તો અનેક દેશોમાં ખેલાય છે પણ જ્યારે ભારત અને પાકિસ્તાની ટીમો વચ્ચે મેચો રમાય છે ત્યારે પાકિસ્તાની ખેલાડીઓના દિમાગ પર છવાયેલો ભારત પ્રત્યેનો દ્વેષભાવ ઊભરો બનીને છલકાઈ જતો દેખાય છે. પાકિસ્તાનના ખેલાડીઓ ભારત સામે જાણે પાણીપતનું ચોથું યુદ્ધ લડતા હોય તેવા સૈનિકી ઝનૂનથી રમતા દેખાય છે. ક્રિકેટના ઇતિહાસમાં નોંધાયેલી પાકિસ્તાની ક્રિકેટરોની ભારત વિરોધી કેટલીક ગંદી હરકતોને જરા યાદ કરી લઈએ.
 
વાંચો, ઇમરાનખાન શું બોલે છે?
 
પાકિસ્તાની ક્રિકેટ ટીમના એક સમયના કેપ્ટન ઇમરાન ખાન આમ તો યુરોપીય વાતાવરણમાં ઉછરેલા અને વિદેશની યુનિવર્સિટીમાં ભણેલા છે. તેઓ સન ૧૯૭૧થી ૧૯૯૨ સુધી આંતરરાષ્ટીય સ્તરે ક્રિકેટમાં ડંકો વગાડનાર વિશ્વસ્તરના ખેલાડી હતા, પણ તેમના મનમાં પણ ભારત માટે પરંપરાગત વેરભાવ જ હતો. એક વાર ઇમરાન ખાન બોલેલા કે `જ્યારે હું ભારતીય બોલરો સામે બલ્લેબાજી કરતો હોઉં છું ત્યારે મારા મનમાં કાશ્મીરની આઝાદીનો જ વિચાર હોય છે.' એનો અર્થ એ થયો કે ઇમરાનખાન મેચ દરમિયાન પોતાની બલ્લેબાજીની કલાનું પ્રદર્શન નહોતો કરતો પણ કાશ્મીરને જીતવા માટે તેના મનમાં રહેલું ઝનૂન પ્રદર્શિત કરતો હતો. આ છે વિશ્વસ્તરનો પાકિસ્તાની ક્રિકેટર જે એકવાર બોલી ઉઠ્યો હતો કે, સોમનાથનું મંદિર મારા પૂર્વજોએ તોડ્યું હતું જેનો મને ગર્વ છે અને ન્યૂયોર્કમાં તે બોલેલો કે કાશ્મીર મુદ્દે યોગ્ય ન્યાય નહીં મળે તો દુનિયાના મુસલમાનો હથિયાર ઉઠાવશે.
 
વાંચો, સોએબ અખ્તર શું બોલે છે?
 
પાકિસ્તાનના ફાસ્ટ બોલર સોએબ અખ્તરને આખું ભારત ઓળખે છે. તેની ગેંદબાજીની કલાને ભારતના ક્રિકેટ રસિયાઓને વખાણતા આપણે જોયા છે, પણ આ જ શોએબ અખ્તરને ૨૦૨૦ના ઓક્ટોબરમાં પાકિસ્તાનની સમા ટીવી ચેનલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં બોલતાં પણ આપણે જોયો છે કે હમ કાશ્મીર પર એક દિન કબજા કરેંગે ઉસ કે બાદ ભારત પર કબજા કરેંગે. ઉઝબેકીસ્તાનસે સેના આયેગી. હમારી પાક કિતાબ મેં લિખા હૈ કિ ગઝવાએ-હિંદ-જગહ લેગા ઔર નદીયાં દો બાર ખૂન સે લાલ હો જાયેગી. અફઘાનિસ્તાન સે સેના અટોક તક પહુંચેગી ચારો દિશાઓં સે ગઝવાએ હિંદ કા હમલા હોગા. વાચકોને જણાવવાનું કે, ગઝવા-એ-હિંદની કલ્પના આતંકી સંગઠન અલ કાયદાએ પ્રસારિત કરી છે. ગઝવા-એ-હિંદનો અર્થ થાય છે, ભારત પરનો અંતિમ હુમલો. આ હુમલામાં ભારત પર વિજય થશે તેવું તેઓ દૃઢપણે માને છે. પાકિસ્તાનના આગલી હરોળના ક્રિકેટ ખેલાડી જ્યારે ગઝવા-એ-હિંદની વાત કરે ત્યારે પ્રશ્ન થાય છે કે ક્યાં ગઈ ક્રિકેટર તરીકેની તેમની ખેલદિલીની ભાવના? શું તેઓ ભારતને Hunting ground બનાવવા માગે છે ?
 
વાંચો, જાવેદ મિયાદાદ શું બોલે છે?
 
પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાદાદ ખૂબ લોકપ્રિય ક્રિકેટર છે. એક સમયના આ અડીખમ બલ્લેબાજ બોલી ઉઠેલા કે, જો જરૂર પડશે તો પોતે સરહદ પર જઈને શહીદ બનવા તૈયાર છે. તેમના આ શબ્દો ૪ ઓક્ટોબર, ૨૦૧૬ના `સંદેશ' સમાચાર પત્રમાં છપાયા હતા. મિયાદાદે પોતાનું ભાષણ એક ટીવી શો દરમિયાન કરેલું. ટીવી પરના આ ભાષણમાં જાવેદ મિયાદાદ બોલેલા કે, ભારતની કોમ તો ડરપોક છે. તેઓને તો સીધા કરી નાખવા જોઈએ. ભારતનાં લોકોને ડરપોક કહેનાર આ જાવેદ મિયાદાદના પૂર્વજો પણ એક સમયે હિન્દુ હતા. જાવેદ મિયાદાદનાં પિતા મહંમદ રિયાઝ મિયાદાદ એક સમયે ગુજરાતના પાલનપુરના નવાબના મનસબદાર હતા. જાવેદ મિયાદાદના વડવાઓ ઉત્તર પ્રદેશનાં ગાઝિયાબાદ જિલ્લાનાં ઘુંઘરાળા ગામના વતની હતા અને ગૌડ બ્રાહ્મણ જ્ઞાતિના હતા. ૧૯મી સદીમાં કોઈક કારણોસર ઉત્તર પ્રદેશના ગૌડ બ્રાહ્મણોનો મોટો સમૂહ મુસલમાન બની ગયેલો. જાવેદ મિયાદાદ આ ગૌડ બ્રાહ્મણ કૂળમાં જન્મ્યા હતા પણ દાઉદના આ વેવાઈ પાસે બીજી કઈ અપેક્ષા રાખી શકાય?
 
વાંચો, શાહીદ અફ્રિદી શું બોલે છે?
 
ક્રિકેટર શાહીદ અફ્રિદી ભારતની નિંદા કરતાં ૪ એપ્રિલ, ૨૦૧૮ના રોજ બોલેલા કે, કાશ્મીરમાં ભય પેદા કરનારી સ્થિતિ છે. ત્યાંના લોકોનો અવાજ દબાવી દેવામાં આવે છે. કાશ્મીરના નિર્દોષ લોકો પર ગોળીઓ ચલાવવામાં આવે છે. કાશ્મીરના લોકોને મદદ કરવા યુનો અને બીજી આંતરરાષ્ટીય સંસ્થાઓ ક્યાં છે? આ બધી સંસ્થાઓ કેમ બોલતી નથી? આ ખેલાડીએ ભારતની આંતરિક બાબતો અંગે બેજવાબદાર ટીકાઓ કરી ભારત વિરોધી વલણ દાખવેલું.
 
જ્યારે ભારત-પાક મેચ ખેલાય છે ત્યારે...
 
જ્યારે જ્યારે ભારત-પાક. વચ્ચે ક્રિકેટ મેચ ખેલાય છે ત્યારે ત્યારે સાવ કડવાહટવાળું વાતાવરણ ઊભું કરવામાં પાક. ખેલાડીઓ અને તેમનું તંત્ર કામે લાગી જાય છે. રોથમેન્સ કપ ટુર્નામેન્ટની ફાઈનલ વખતે પાકિસ્તાની પ્રેક્ષકોએ બેનરો દર્શાવેલા, જેમાં લખાયું હતું, હારનેવાલે હમ નહીં, કાફિરોમેં દમ નહીં. આમ, ભારતના ક્રિકેટરોને કાફિરો કહી અપમાનિત કરવાના ભરપૂર પ્રયત્નો થયેલા. અગાઉની વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત હાર્યું તો ભારતની મજાક ઉડાવવા પાકિસ્તાની ખેલાડીઓએ `મૌકા મૌકા' વાળું ફિલ્મી ગીત ગાઈ ભારતના ખેલાડીઓને ખીજવવામાં કોઈ કસર છોડી ન હતી. વધુમાં પાકિસ્તાનના પ્રશંસકોએ પણ BCCIને ફોન કરીને `મૌકા મૌકા' ગીત ગાઈને ભારતની નિમ્ન સ્તરથી મજાક ઉડાવેલી.
 
પાકિસ્તાનનો ભારતદ્વેષ અને હિન્દુદ્વેષ બાંગ્લાદેશમાં પણ દેખાય છે. બાંગ્લાદેશની ક્રિકેટ ટીમમાં સૌમ્ય સરકાર નામનો હિન્દુ ક્રિકેટર છે. બાંગ્લાદેશના એક પત્રકારે બાંગ્લાદેશના એક બાળકનો ૨૫ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ ઇન્ટરવ્યૂ લીધો આ ઇન્ટરવ્યૂમાં પત્રકારે આ મુસ્લિમ બાળકને પ્રશ્ન પૂછ્યો કે, તારે બાંગ્લાદેશના કયા ક્રિકેટરોને મળવું છે? તો પ્રશ્નના જવાબમાં પેલા બાળકે કહ્યું, મારે બાંગ્લાદેશના ક્રિકેટર મુશ્કિકુર મુસ્તિફિજુર, તાસ્કીન અહમદ, ઐરિકુલને મળવું છે. પેલા પત્રકારે બાળકને બીજો પ્રશ્ન પૂછ્યો કે, તારે બાંગ્લાદેશના ક્રિકેટર સૌમ્ય સરકારને મળવું છે? ત્યારે પેલો બાળક બોલી ઊઠ્યો, ના, તે તો હિન્દુ છે. આ નાનકડો પ્રસંગ બતાવે છે ભારતદ્વેષ અને હિન્દુદ્વેષ બાંગ્લાદેશમાં પણ છવાયેલા છે જ.
 
બિન-મુસ્લિમ ખેલાડીઓ વ્યથા-કથા
 
પાકિસ્તાની ક્રિકેટના બે બિન-મુસ્લિમ ખેલાડીઓની વ્યથા-કથા આંખ ઉઘાડી દે તેવી છે. એક ખેલાડીનું નામ છે, યુસુફ યોહાના અને બીજા ખેલાડીનું નામ છે, દિનેશ પ્રભાશંકર કનેરિયા. એક ખ્રિસ્તી હતો અને બીજો હિન્દુ હતો. યુસુફ યોહાના પાક. ક્રિકેટ ટીમનો સક્ષમ ખેલાડી હતો પણ તે દલિત ખ્રિસ્તી હતો. એક ખ્રિસ્તી ખેલાડી ટીમનો ઉપકપ્તાન કેવી રીતે રહી શકે? આ વાત પાક. ખેલાડીઓને ખૂંચતી હતી તેથી પાકિસ્તાનના ખેલાડીઓએ યુસુફ પર ઇસ્લામ સ્વીકારવાનું દબાણ શરૂ કર્યું. યુસુફની પત્ની અને તેના સંતાનો અને સગાં ઇસ્લામ સ્વીકારવાની વિરુદ્ધ હતાં પણ અત્યંત દબાણને વશ થઈ યુસુફને સાઉદી અરેબિયાના જિદ્દાહમાં ઇસ્લામ સ્વીકારવો પડ્યો. આવી જ અમાનવીય ઘટના દિનેશ સાથે થઈ હતી. દિનેશ પાકિસ્તાની ટીમનો અચ્છો ખેલાડી હતો. ૨૦૦૫માં ઇંગ્લેન્ડમાં રમાયેલી ક્રિકેટ મેચ દિનેશને કારણે જીતાઈ હતી તે વાતનો સ્વીકાર કેપ્ટન શોએબ અખ્તરે પણ કરેલો. પણ હિન્દુ હોવાને કારણે પાકિસ્તાની ખેલાડીઓ દિનેશ સાથે ઓરમાયુ વર્તન રાખતા. આ લોકો દિનેશ સાથે એક ટેબલ પર જમવા બેસતા નહીં. ટેબલ પર મુકેલા ખાદ્ય પદાર્થો દિનેશ પોતાના હાથે લે તે બાકીના ખેલાડીઓને ગમતું નહીં. દિનેશ પર પણ ઇસ્લામ સ્વીકારવાનું ભારે દબાણ ઊભું કરવામાં આવ્યું. આખરે દિનેશ ભાંગી પડ્યો અને દિનેશ એક દિવસ ઇસ્લામ સ્વીકારી દાનિશ મહંમદ બની ગયો.
 
વર્લ્ડકપની જીત એ ઇસ્લામની જીત છે !
 
પાકિસ્તાની ટીમ જીતે છે ત્યારે ટીમના આ વિજયને પાકિસ્તાની સરકાર કેવી રીતે મૂલવે છે તેની વિગતો વાંચવા જેવી છે. ૨૪ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ રમાયેલી વર્લ્ડ કપ મેચમાં પાકિસ્તાન જીત્યું અને ભારત હાર્યું ત્યારે પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદ ટીવી આગળ બોલી ઉઠેલા કે, Pak's Victory is the Victory of Islam. All Muslims of the world including Indian Muslims are celebrating. અર્થાત્ વર્લ્ડકપની જીત એ ઇસ્લામની જીત છે, તેવું તેમણે કહ્યું. ૨૫ ઓક્ટોબર, ૨૦૨૧ની સવારે ટવીટર પર તેમના આ શબ્દો સંભળાયા હતા. દુબઈની મેચ વખતે કોમેન્ટેટર વાજીદ ખાન પણ બોલી ઉઠેલા, એટલે હિન્દુઓ હાર્યા - કૂફ્ર એટલે કાફીર એટલે હિન્દુ. આ જીતને તેમણે સમગ્ર ઇસ્લામની જીત તરીકે ઓળખાવી અને દુનિયાભરના મુસલમાનોને તેમણે ભારત સામેની પાકિસ્તાનની જીત માટે `ફતહ મુબારક' પાઠવેલા. હવે તમે જ કહો કે આમાં ક્રિકેટની ખેલદિલી ક્યાં રહી? રમતમાં પણ ભારત વિરોધ? રમતમાં પણ હિન્દુ વિરોધ? રમતમાં પણ ઇસ્લામ? પાકિસ્તાન જીત્યું તો અલ્લાહની મહેરબાનીથી જીત્યું છે, તેવું આ લોકો માને છે. એકવાર ટી-૨૦ની મેચમાં ભારત હાર્યું તો ભારતને હરાવ્યાના આનંદમાં કરાંચીમાં અનેક લોકોએ જાહેરમાં ફાયરિંગ કરેલું, જેમાં ૧૨ લોકોએ પોતાના જાન ગુમાવ્યા હતા. આ લોકોએ ક્રિકેટની જીતને જંગની જીતનો જશ્ન બનાવી દીધેલો.
 
આનાથી એક તદ્દન ઉલટી ઘટના પાકિસ્તાનમાં બની. જાન્યુઆરી ૨૦૧૬માં રમાયેલી ક્રિકેટ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ધમાકેદાર ૯૦ રન કરી ટી-૨૦ ઇન્ટરનેશનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, (પાકિસ્તાનને નહીં) તેની ખુશીમાં પાકિસ્તાનના આકોરા જિલ્લાના દરજીકામ કરતા ઉમર દરાજ નામના ક્રિકેટપ્રેમી પણ સાવ ભોળા યુવકે પોતાના ઘર પર ભારતનો તિરંગો ફરકાવ્યો તો તેની ધરપકડ કરવામાં આવી અને જેલ ભેગો કરવામાં આવ્યો.
 
હવે કર્ણાવતીમાં યોજાનાર વર્લ્ડકપમાં ભાગ લેવા બાબર આઝમની ટોળી ભારત આવવા તૈયારી કરી રહી છે. ત્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ ઝકા અશરફ તા. ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ હૈદરાબાદમાં બોલેલા કે, `મેરા મકસદ યહી હૈ કિ હમારે પ્લેયર્સ કા મોરલ ઊંચા રહેના ચાહિએ જબ કિ હમ દુશ્મન મુલ્ક મેં ખેલને જાયેં' આખરે ભારતને તેમણે દુશ્મન મુલ્ક કહી જ દીધો ખેર ! જેવા જેમના સંસ્કાર અને જેવી જેમની વિચારધારા. પણ દુનિયા તો ઇચ્છે કે, દોષમુક્ત, પૂર્વગ્રહમુક્ત, દ્વેષમુક્ત એવી સાચી ખેલદિલીથી છલકતી ક્રિકેટની રમત જોવા મળે.
 
અસ્તુ...

સુરેશ ગાંધી

શ્રી સુરેશભાઈ ગાંધી

  • શ્રી સુરેશભાઈ ગાંધી વર્ષ ૨૦૦૮થી સાધનાના ટ્રસ્ટી તરીકે જવાબદારી નિભાવે છે.
  • મૂળ વતન વડાલી, જિલ્લો - સાબરકાંઠા, ૨૦૦૨થી કર્ણાવતીમાં નિવાસ.
  • જન્મ તારીખ - ૨૬-૦૬-૧૯૪૨
  • ૧૯૬૯થી સંઘના સ્વયંસેવક છે.
  • અભ્યાસ - એમ.એ, બી.એડ, ડીટીસી.
  • નિવૃત આચાર્ય - ૨૦૦૦
સંઘમાં જિલ્લા કાર્યવાહ, વિભાગ કાર્યવાહ અને છેલ્લે પ્રાંત બૌધિક પ્રમુખની જવાબદારી નીભાવી. ઉપરાંત તેઓ ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી તથા પ્રદેશ ઉપાધ્યક્ષ પદે પણ રહી ચૂક્યા છે.