મારે બૌદ્ધદીક્ષા કેમ ગ્રહણ કરવી પડી? જાણીએ, સ્વયં ડૉ. આંબેડકરજીના શબ્દોમાં...

હું ધર્મભીરુ નથી. જે લોકો મારા સંપર્કમાં આવે છે, તેમને ખબર છે કે, ધર્મના પ્રત્યે મારા મનમાં કેટલી શ્રદ્ધા અને પ્રેમ છે.

    ૧૪-ઓક્ટોબર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

babasaheb diksha
 
 
બુદ્ધને પીપળાના વૃક્ષ નીચે કઠોર સાધના પછી ગહન સમાધિ લાગી, `વૈશાખ પૂર્ણિમા'એ જ્ઞાન પ્રાપ્ત થયું, ભગવાન બુદ્ધ તરીકે ઓળખાયા. અંતિમ સંદેશ આપીને શરીર છોડી દઈ `વૈશાખ પૂર્ણિમા'એ જ મહાપરિનિર્વાણને પણ પામ્યા. અનાદિકાળથી ચાલ્યા આવતા, પૂર્ણિમા, પીપળો, સાધના, સમાધિ, ભગવાન, બુદ્ધ, આવા શબ્દો સાથે અભિન્નપણે જોડાયેલા રાષ્ટ્રના આધ્યાત્મિક પ્રવાહમાં ૧૪ ઓક્ટોબર, ૧૯૫૬નું મહત્ત્વ અનેરૂ છે.
 
આ દિવસે ડૉ. બાબાસાહેબે પોતાના લાખો અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી. તે અગાઉ ૧૯૩૫ની ૧૩મી ઓક્ટોબરે યેવલા ખાતે ડૉ. બાબાસાહેબે ધર્મપરિવર્તનની ઘોષણા કરેલી. ૨૦-૨૧ વર્ષ સુધી તેઓ ધર્મપરિવર્તન ટાળતા રહ્યા. આખા હિન્દુ સમાજમાં હૃદયપરિવર્તન લાવવાનો તેમનો ઉદ્દેશ હતો. પરિવર્તનની પ્રતીક્ષા કરતાં કરતાં પ્રબોધન, સંગઠન, સંઘર્ષ જેવા વિવિધ માર્ગોથી બધાં જ ક્ષેત્રોમાં કાર્ય કરીને અસ્પૃશ્યોને હિન્દુ સમાજમાં એક સન્માનનીય અવિભિન્ન ઘટકરૂપે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરાવવા માટેના અણથક પ્રયત્નો પૂરજોશથી કરતા રહ્યા, જે તેઓના `બહિષ્કૃત ભારત'માં લખાયેલ લેખમાં સ્પષ્ટ થાય છે. તેઓએ કહેલું કે, ધર્માંતરણ કરવાથી અમે ડરતા નથી. માત્ર અસ્પૃશ્યોનો સવાલ હોત તો ધર્માંતરણ તરત કરી દીધું હોત, પરંતુ અસ્પૃશ્યોને માત્ર આટલું જ કામ કરવાનું નથી, તેમણે તો બ્રાહ્મણીય ધર્મપદ્ધતિ અને તેમાંથી ઉદ્ભવિત ભેદપ્રિય મનોવૃતિ નષ્ટ કરવાની છે. હિન્દુ અને અન્ય ધર્મોની પ્રમાણિતતાને નકારીને સમતા, સ્વતંત્રતા અને બંધુતાથી સુસંગત હિન્દુ ધર્મનું નવું સંગઠન ખડું કરવું છે.
 
ચવદાર તળાવના સત્યાગ્રહના અનુભવ પછી `બહિષ્કૃત ભારત'માં ૨૨ એપ્રિલ, ૧૯૨૭ના લેખમાં તેઓએ કહેલું કે, અસ્પૃશ્યતા હિન્દુ ધર્મ પરનું કલંક ન રહીને, અમારા નરદેહ પર લાગેલું કલંક છે. અમે માનતા હતા કે, આ કલંક હિન્દુ ધર્મ પર લાગેલું છે, એટલા માટે હમણાં સુધી અમે આ કામ તમોને સોંપેલું હતું, પરંતુ આ કલંક કેવળ અમારા પર લાગેલું છે એટલે એને ધોવાનું પવિત્ર કાર્ય હવે અમે જ કરીશું. વધુમાં તેઓએ કહેલું કે, અગર ઈશ્વરીય સંકેત એવો છે કે, તમારા દ્વારા ધર્મ પર લગાવવામાં આવેલું કલંક અમારે અમારા લોહીથી ધોવાનું છે, તો અમે પોતાને ભાગ્યશાળી સમજીશું અને આ ભાવનાથી હવે અમે નિર્ભય થઈ ગયા છીએ કે, આ કાર્યના દૂત અમારે બનવાનું છે.
 
તેઓ બુદ્ધ નહોતા બન્યા ત્યારે પણ ધર્મ અંગે એટલે કે હિન્દુ ધર્મ વિશે તેઓની જે અતિ ઉચ્ચ ભાવના, તેમના જે મનોભાવો હતા તેને શબ્દરૂપે જોઈએ તો...
 
-  હું ધર્મભીરુ નથી. જે લોકો મારા સંપર્કમાં આવે છે, તેમને ખબર છે કે, ધર્મના પ્રત્યે મારા મનમાં કેટલી શ્રદ્ધા અને પ્રેમ છે.
 
- કેટલાક લોકોને લાગે છે કે, સમાજને ધર્મની જરૂરિયાત નથી, હું એમના આ મત સાથે સહમત નથી. મારો મત છે કે, સમાજજીવનનો વ્યવહાર ધર્મના પાયા પર જ અધિષ્ઠિત હોવો જોઈએ.
 
-  દેશના મંત્રી દેશનો ઉદ્ધાર નથી કરી શકતા. જેની સમજમાં ધર્મનું તત્વ સારી રીતે આવી ગયું છે, એ જ દેશનો ઉદ્ધાર કરી શકે. એવા ધર્મસુધારક હતા- મહાત્મા ફૂલે. ધર્મનાં તત્વ-વિદ્યા, પ્રજ્ઞા, કરુણા, શીલ અને મૈત્રીના આધારે દરેકે પોતાનું ચારિત્ર્ય ઘડવું જોઈએ. એવા વિદ્યાધારકને હું કસાઈ સમજું છું, કે જેમાં કરુણાનો અભાવ છે. કરુણાનો અર્થ છે માનવી ઉપર પ્રેમ કરવો. માનવીએ તો એનાથી પણ આગળ જવું જોઈએ.
 
-  માત્ર અર્થ (પૈસા)થી અનર્થ થશે, અર્થમાં ધર્મ હોવો જોઈએ.
 
જેવી ડૉ. બાબાસાહેબે ધર્માંતરણ કરવાની ઘોષણા કરી, ઇસાઈ-ઇસ્લામવાળાઓએ લોભ-લાલચ દ્વારા પોતાની તરફે ખેંચવાના ઉધામા આદર્યા. વિશેષરૂપે આગાખાન, હૈદરાબાદના નિઝામ વગેરેના દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ લોભ-લાલચ... યુરોપિયન ક્રિશ્ચિયન મિશનરીઓ દ્વારા કરવામાં આવેલું આહ્વાન... તથા સિખ સમાજના નેતાઓની પણ તેમને ત્યાં વધી ગયેલી આવન-જાવન... તો તેનાથી ઉલટું હિન્દુ મહાસભા દ્વારા તેઓની હિન્દુ તરીકેની મૂળ ઓળખ યથાવત્પણે જળવાઈ રહે તે માટેના ભરપૂર પ્રયત્નો... ગાંધીજી અને અન્ય હિન્દુતત્ત્વવેત્તાઓની પ્રતિક્રિયા... આ બધું જ જગજાહેર છે, તેની સીલસીલાબંધ માહિતી ધનંજય કીર અને ખૈરમોડેએ આપેલા સંદર્ભોમાં સમાવિષ્ટ છે. ડૉ. બાબાસાહેબને ખરીદવા નીકળેલા લોકોની ઘોબીપછાડ થઈ.
 
ડૉ. બાબાસાહેબની ધર્મ પરિવર્તનની ઘોષણા પછી કેટલાક દિવસોમાં જ મૈસૂર સરકારે એક રાજાજ્ઞા પ્રસારિત કરીને અસ્પૃશ્યોને દશેરાના દિવસે દરબારમાં યોજતા ઉત્સવમાં ભાગ લેવાની સ્વીકૃતિ આપી દીધી. એ જ સમયે ત્રાવણકોર સરકારે પોતાના અધિકાર હેઠળનાં લગભગ ૧૬૦૦ મંદિરોમાં, એક ઘોષણા દ્વારા અસ્પૃશ્યોનો પ્રવેશ જાહેર કરી દીધો.
 
તેમ છતાં હિન્દુ ધર્મ આધારિત હિન્દુ સમાજરચનાના મૂળભૂત સ્વરૂપમાં જરૂરી ફેરફારો કરીને જાતિભેદના કારણે ઊભી થયેલી વિષમતાની જગ્યાએ સમતાના પાયા ઉપર આખો હિન્દુ સમાજ ઉભો થઇ જાય તે માટેના ડૉ. બાબાસાહેબનો જે આગ્રહ હતો, ચાતુર્વર્ણ અને અસ્પૃશ્યતા વગેરેને ધરમૂળથી આખાય સમાજમાંથી પૂરી રીતે નષ્ટ કરવાનું એમનું જે લક્ષ્ય હતું તેને અનુરૂપ સંપૂર્ણ પ્રતિસાદ કોઈએ પણ નહીં આપ્યો, સિવાય કે સાવરકરજીએ! સાવરકરજીએ પોતાની જિલ્લાબંધીના સમયે રત્નાગિરિમાં અનેક ઉપક્રમોના માધ્યમથી ડૉ. બાબાસાહેબે આદરેલી સમતા સાધવાનો ભરપૂર પ્રયાસ કરેલો. આ અપવાદ છોડીને ચારે બાજુએ અડંગો લગાવીને બેઠેલું અજ્ઞાનનું અંધારું ટસનું મસ ન થયું.
 
હિન્દુ સમાજની હાનિને લઈને ડૉ. બાબાસાહેબ ખૂબ જ ચિંતિત હતા, ધર્માંતરણનો નિર્ણય તેઓએ પ્રસન્નતાથી લીધેલો ન હતો. નાસિકમાં શ્રી રા. ગ. પ્રધાનના નેતૃત્વમાં આવેલા પ્રતિનિધિ મંડળ સાથે વાત કરતી વખતે તેઓને ડૉ. બાબાસાહેબે કહેલું કે, ધર્માંતરણ પાંચ વર્ષ પછી થવાનું છે, આ સમયમાં હિન્દુઓ પોતાનાં કાર્યો થકી અસ્પૃશ્યતા નિવારણના વિષયમાં કોઈ ઠોસ કામ ઉભું કરી બતાવશે તો ધર્માંતરણની વાત ઉપર પુનઃ વિચાર કરવામાં આવશે.
 
શેષરાવ મોરેએ લખેલું કે, ડૉ. બાબાસાહેબનું કહેવું હતું કે, હિન્દુ ધર્મને ઉન્નત અવસ્થામાં લાવીને તેને `માનવ-ધર્મ'નું રૂપ આપવાના નિમિત્તરૂપે અવતાર ધારણ કરેલ (અસ્પૃશ્યો) અમે દેવદૂત છીએ. એવું માનવામાં પણ કોઈ વાંધો નથી. મોરેનું કહેવું હતું કે, અગર ધર્માંતરણ મનપૂર્વક કરવું હોત તો ડૉ. બાબાસાહેબે આવા વિચારો પ્રગટ ન કર્યા હોત.
 
ભારતભૂમિની બહાર વિદેશની ભૂમિમાં પેદા થયેલા ધર્મોના ભયજનક ઓછાયા બાબતે ડૉ. બાબાસાહેબ કેટલા સ્પષ્ટ હતા? તેઓએ કહ્યું હતું કે, અસ્પૃશ્યોના ધર્માંતરણના કારણે સર્વસાધારણરૂપે દેશ પર શું પરિણામ આવશે, તે ધ્યાનમાં રાખવું જોઈએ. અગર આ લોકો મુસલમાન અથવા ઈસાઈ ધર્મમાં જશે, તો અસ્પૃશ્ય લોકો અરાષ્ટ્રીય થઈ જશે. અગર તેઓ મુસલમાન થઇ જશે તો મુસલમાનોની સંખ્યા બમણી થઈ જશે, ત્યારે મુસલમાનોનું વર્ચસ્વ વધી જશે. અગર આ લોકો ઈસાઈ થઈ જશે તો, ઈસાઈઓની સંખ્યા પાંચ-છ કરોડ થઈ જશે અને તેનાથી આ દેશ પર બ્રિટિશ સત્તાની પકડ મજબૂત થવામાં સહાયતા થશે. ઉત્કટ સ્વદેશભક્તિ, દેશપ્રેમ અને આ દેશની પ્રાચીન સંસ્કૃતિના પ્રત્યે સર્વોચ્ચ આદર ધરાવતા ડૉ. બાબાસાહેબ; શું સ્વપ્નમાં પણ સમાજને અરાષ્ટ્રીય બનાવવાવાળા અન્ય કોઈ ભારતબાહ્ય ધર્મને અપનાવવાનો વિચારસુધ્ધાં પણ કરી શકે કે? સંત શ્રી ગાડગે મહારાજે પણ ડૉ. બાબાસાહેબને કહ્યું હતું કે, તમારે ધર્માંતરણ કરવું હોય તો કરો, પરંતુ મુસલમાન કે ઈસાઈ ધર્મમાં ન જતા. આનું અનુસરણ માત્ર કોરા ખ્યાલને લીધે નહિ, પરંતુ સંપૂર્ણપણે સમજીવિચારીને રાષ્ટ્રબદ્ધ ડૉ. બાબાસાહેબે તર્કબદ્ધપણે સ્પષ્ટ રીતે જાહેર કરેલું કે, જે ધર્મ; દેશની પ્રાચીન સંસ્કૃતિ સામે ખતરો ઉત્પન્ન કરશે અથવા અસ્પૃશ્યોને અરાષ્ટ્રીય બનાવશે, એવા ધર્મનો હું કદી પણ સ્વીકાર નહીં કરું, કારણ કે આ દેશના ઇતિહાસમાં મારો ઉલ્લેખ વિધ્વંશક તરીકે કરાવવા માટે હું ઇચ્છુક નથી.
 
ધર્મપરિવર્તન માટે બૌદ્ધ ધર્મને પસંદ કરવા પાછળના પોતાના વિચારો તેઓએ વારંવાર પ્રગટ કરેલા છે. ડૉ. બાબાસાહેબે કહેલું કે, હું એકવાર અસ્પૃશ્યતાના વિષયમાં ગાંધીજી સાથે ચર્ચા કરી રહ્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે, `અસ્પૃશ્યતાના પ્રશ્ને મારો તમારાથી મતભેદ છે', છતાં ક્યારેક પ્રસંગ આવશે ત્યારે હું તેવા માર્ગનો સ્વીકાર કરીશ, જેનાથી આ દેશને ઓછામાં ઓછો ધક્કો લાગે. એટલા માટે જ બૌદ્ધ ધર્મ સ્વીકાર કરીને હું આ દેશનું મહત્તમ હિત સાધી રહ્યો છું; કેમ કે બૌદ્ધ ધર્મ ભારતીય સંસ્કૃતિનો જ એક ભાગ છે. મેં એ વાતની સાવધાની રાખી છે કે, આ દેશની સંસ્કૃતિ અને ઇતિહાસની પરંપરાને ધક્કો ના લાગે. વળી આ સંદર્ભમાં તેઓએ પોતાની ઉત્કટ રાષ્ટ્રભક્તિનો પરિચય આપતાં સાફ-સાફ કહેલું કે, સ્પૃશ્ય હિન્દુઓથી કેટલાક મુદ્દે મારો ઝઘડો છે, પરંતુ આપણા દેશની સ્વતંત્રતાની રક્ષાના માટે હું પ્રાણ અર્પણ કરવામાં પણ પાછો નહીં પડું. આ બધી વાતો જોતાં એ સ્પષ્ટ છે કે, તેઓએ બહુ જ વિચારપૂર્વક બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો.
 
સ્વતંત્રતા પછી દેશ આખોય પોતાની મુઠ્ઠીમાં છે, તેવું માનનારી એકચક્રી કોંગ્રેસે ડૉ. બાબાસાહેબને ક્યારેય ન સ્વીકાર્યા તે ન જ સ્વીકાર્યા. ૧૯૫૪ના મે મહિનામાં ડૉ. બાબાસાહેબે લોકસભા માટે ભંડારા મતક્ષેત્રથી ઉમેદવારી કરી, ત્યારે કોંગ્રેસે તેમના પર કારમો આઘાત પહોંચાડ્યો. છળકપટથી તેઓને હરાવ્યા. આ અકલ્પ્ય આઘાત જેટલો કારમો હતો, એટલો જ ચોંકાવનારો પણ! તે પછી તરત જ તેઓએ; બુદ્ધમય બનવાની પોતાની યોજનાને આખરી ઓપ આપી દીધો. ૧૯૫૬ની ૧૪ ઓક્ટોબરે નાગપુરમાં મહાસ્થવીર ચંદ્રમણિ પાસેથી બૌદ્ધદીક્ષા લીધી. તેઓએ પોતાના લાખો અનુયાયીઓને પણ દીક્ષિત કર્યા. ડૉ. બાબાસાહેબની તથા સાહચર્યમાં માઈ આંબેડકરજીની પણ બૌદ્ધપંથે ધર્મયાત્રા શરૂ થઈ. ગણત્રીના માત્ર બાવન દિવસ પછી ૧૯૫૬ની ૬ ડિસેમ્બરે તેઓ `મહાનિર્વાણ'ને પામ્યા. લક્ષાવધિ નયનોએ પ્રવાહિત, પ્રેમ-કરુણા-સમર્પણની ત્રિવેણી સમી અશ્રુધારાથી ભીંજાતી; મહામાનવની મહાપરીનિર્વાણયાત્રા અંતે ચૈત્યભૂમિએ પહોંચી. સંવિધાનથી આખા રાષ્ટ્રને જોડનારા પરમ શ્રદ્ધેય ડૉ. બાબાસાહેબના અંતિમસંસ્કારે સૌ દેશવાસીઓને `તથાગત' સાથે હૃદયથી જોડી દીધા.
 
 
(સંદર્ભ - શ્રી દંત્તોપંત ઠેંગડી લિખિત "ડા. અમ્બેડકર ઔર સામાજિક ક્રાંતિ કી યાત્રા" પુસ્તક)
 

શ્રી ભાનુભાઈ ચૌહાણ

ભાનુભાઈ ચૌહાણ ‘સાધના’ સાપ્તાહિકના તંત્રીશ્રી તથા ટ્રસ્ટ્રીશ્રી છે. તેમણે "એલ.ડી. એન્જિનિયરિંગ" કોલેજમાંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે તથા "સેપ્ટ યુનિવર્સિટી - અમદાવાદ"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગમાં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. રા.સ્વ.સંઘમાં તેઓ કર્ણાવતી મહાનગરના સહ કાર્યવાહ તથા ગુજરાત પ્રાંતના કાર્યકારીણી સદસ્ય છે. તેમણે કર્ણાવતી કો. ઓપ. બેંક તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ડિરેક્ટરનું દાયિત્વ સંભાળ્યું છે. તેઓ વિચારક અને લેખક છે. સાધનામાં "અવલોકન" અને "વિચારવિમર્શ" શીર્ષક હેઠળ વિવિધ વિચારપ્રેરક લેખો તેઓ નિયમિત લખે છે.