જામનગરના ખીજડીયા ગામને મળ્યો બેસ્ટ ટુરિઝમ વિલેજ એવોર્ડ - જાણો તેના વિશે !

27 સપ્ટેમ્બર 2023ના રોજ વિશ્વ પર્યટન દિવસના અવસરે પર્યટન મંત્રલાય દ્વારા બેસ્ટ ટૂરિઝમ વિલેજ સ્પર્ધામાં ગુજરાતમાંથી એકમાત્ર જામનગરના ખીજડીયા ગામની પસંદગી કરવામાં આવી.

    ૦૨-ઓક્ટોબર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Khijadiya
 

કયા માપદંડોને આધારે અપાય છે આ એવોર્ડ છે, શું ખાસ છે આ ગામમાં જાણો । Khijadiya । Jamnagar

 
- જામનગરનું ખીજડીયા બન્યું બેસ્ટ ટુરિઝમ વિલેજ - જાણો કેમ અહીં પ્રવાસીઓ વધારે આવે છે! 
 - જામનગરના ખીજડીયા ગામને બેસ્ટ ટૂરિઝમ વિલેજનો એવોર્ડ એનાયત
- દેશભરના 850 ગામોમાંથી જામનગરનું ખીજડીયા ગામ થયું પસંદ
- સિલ્વર કેટેગેરી હેઠળ એનાયત કરાયો બેસ્ટ ટુરિઝમ વિલેજ એવોર્ડ
- એક વર્ષમાં 41 હજારથી સહેલાણીઓએ સ્થળની મુલાકાત
 
ગુજરાતની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાયું છે. ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા જામનગરના ખીજડિયા ગામને ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ એવોર્ડથી નવાજવામાં આવ્યું છે. આ વર્ષે દેશના 28 રાજ્યોના શ્રેષ્ઠ 850થી વધુ ગામડાંઓનો સર્વે કરવામાં આવ્યો. જેમાં 35 ગામડાઓને વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. જે અંતર્ગત જામનગર જિલ્લાના ખીજડીયા ગામે સિલ્વર કેટેગરીમાં ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ 2023’નો એવોર્ડ મેળવી સમગ્ર રાજ્યના ગૌરવમાં વધારો કર્યો છે.
એક વર્ષમાં 41 હજારથી સહેલાણીઓએ સ્થળની મુલાકાત લીધી
 
કચ્છ અખાતના દક્ષિણ તટ પર આવેલ જામનગરથી આશરે 10 કિલોમીટરના અંતરે આવેલ ખીજડીયા ગામ પક્ષી અભ્યારણ્યને કારણે દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે. આ અભ્યારણ્યએ આંતરરાષ્ટ્રીય કક્ષાની રામસર સાઇટ તરીકેનો દરજ્જો ધરાવે છે. આમ, ખીજડીયા પક્ષી અભ્યારણ્યને કારણે આ ગામને સરકાર દ્વારા ટુરિઝમ વિલેજની કેટેગરીમાં પસંદ કરવામાં આવ્યું છે. સર્વે અનુસાર ગત એક વર્ષમાં 41 હજારથી વધુ મુલાકાતીઓએ આ સ્થળની મુલાકાત લીધી હતી અને જેને કારણે 1500થી વધુ સ્થાનિકોને રોજગારી પ્રાપ્ત થઇ હતી.
 
350 ગામોમાંથી ખીજડીયા ગામને મળ્યું ગૌરવ
 
27 સપ્ટેમ્બર 2023ના રોજ વિશ્વ પર્યટન દિવસના અવસરે પર્યટન મંત્રલાય દ્વારા બેસ્ટ ટૂરિઝમ વિલેજ સ્પર્ધામાં ગુજરાતમાંથી એકમાત્ર જામનગરના ખીજડીયા ગામની પસંદગી કરવામાં આવી.
 
કયા માપદંડોને આધારે કરાઇ પસંદગી
 
અત્યાર સુધી સુંદર અને સ્વચ્છ ગામને આદર્શ ગામ જાહેર કરવામાં આવતું પરંતુ હવે સુંદર, સ્વચ્છ, વારસાને સંરક્ષિત કરતું, પર્યટન સહિતના માપદંડોને આધારે બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ આપવામાં આવે છે. દેશમાં ગ્રામીણ સ્તરે પર્યટનને વેગ મળે તેમજ સ્થાનિક રોજગારીનું પણ સર્જન થાય તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.
 

Khijadiya 
 
કયા મૂલ્યાંકન અને માપદંડને આધારે ખીજડીયાની કરાઇ પસંદગી
 
- સાંસ્કૃતિક અને પ્રાકૃતિક સંસાધન
- સાંસ્કૃતિક સંસાધનોનું સંવર્ધન અને સંરક્ષણ
- આર્થિક, સામાજિક અને પર્યાવરણીય સ્થિરતા
- પર્યટન વિકાસ અને મૂલ્ય શ્રૃંખલા એકીકરણ
- ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી
- સ્વાસ્થ્ય, સુરક્ષા અને બચાવ
 
શા માટે પ્રસિદ્ધ છે ખીજડીયા પક્ષી અભ્યારણ્ય
 
ખીજડીયા ગામની ભૌગોલિક સંરચના જોઇએ તો દક્ષિણ તટે આવેલો આ વિસ્તાર જળપ્લાવિત વિસ્તાર એટલે કે વેટલેન્ડ તરીકે ઓળખાય છે. અહીં ખારા અને મીઠા પાણીના જળપ્લાવિત વિસ્તારો આવેલા છે. યાયાવર પક્ષીઓના વસવાટ માટે આ સ્થળ અનુકૂળતા અને પ્રતિકૂળતા બંને ધરાવે છે. ઉપરાંત ઇન્ડો- એશિયાના ઉડ્ડયન માર્ગમાં આ સ્થળ વચ્ચે આવતું હોવાથી શિયાળામાં અહીં યુરોપના દેશો, હિમાલય, અફઘાનિસ્તાનથી વિદેશી પક્ષીઓ અહીં મહેમાન તરીકે વસવાટ કરે છે.
  
29 જાતિના પક્ષીઓ અતિ દુર્લભ પ્રજાતિના
 
અહીં પક્ષીઓની 314 જેટલી પ્રજાતિઓ નોંધાઇ છે. જેમાં 160થી વધુ યાયાવર પક્ષીઓ તેમજ 29 પ્રજાતિના પક્ષીઓ વૈશ્વિક સ્તરે દુર્લભ ગણાય છે. અહીં ગ્રેટ ક્રિસ્ટેડ ક્રિપ, વાઇટ આઇવીસ, ડાઇમેશન, પેલિકન, કાળી ડોક ઢોંક જેવા પક્ષીઓ જોવાનો લહાવો મળે છે.
 

Khijadiya 
 
ખીજડીયા રામસર સાઇટમાં જૈવ વૈવિધ્ય પણ જોવાલાયક
 
આ અભ્યારણ્ય લુપ્ત થતી પ્રજાતિઓનું ઘર બન્યું છે. સાથે અહીં ખારા- મીઠા પાણીના બંધ તેમજ ઘાસવાળી જમીનના કારણે દુર્લભ જૈવવિવિધ્ય જોવા મળે છે. જેમાં વિવિધ જાતિની વનસ્પતિઓ વૃક્ષનો પણ સમાવેશ થાય છે.
 
ખીજડીયા પક્ષી અભ્યારણ્ય કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું?
 
ખીજડીયા પક્ષી અભ્યારણ્ય જામનગરના રાજવી જામ રણજીતસિંહજીની દેણ કહી શકાય. તેમણે દરિયાઇ પાણીની ખારાશને રોકવા તેમજ મીઠા પાણીને દરિયામાં જતું અટકાવવા 1920માં ઓખાથી નવલખી સુધીનો બંધ બંધાવ્યો. કાલિંદી તથા રૃપારેલ નદીના પાણીનો સંગ્રહ થતા ધીરે ધીરે આ સ્થળે દેશ- વિદેશના પક્ષીઓનો જમાવડો થવા લાગ્યો. આગળ જતાં આ સ્થળ યાયાવર પક્ષીઓનું હંગામી મુકામ પણ બન્યું. વર્ષ 1982માં આ સ્થળને રાજ્ય સરકાર દ્વારા અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું.
 

જ્યોતિ દવે

જ્યોતિ દવે, છેલ્લા 10 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ અગાઉ દિવ્ય ભાસ્કર વેબ પોર્ટલ, સંદેશ અખબારમાં પણ ફરજ બજાવી ચૂક્યાં છે. હાલમાં તેઓ દૂરદર્શન સમાચાર સાથે તેમજ અનુવાદક તરીકે ફ્રિલાન્સ કામ કરી રહ્યાં છે.