From... Via... To... મહાભારત, બીબીસી , ઇઝરાયેલ,અખંડભારત...

વિજ્ઞાને એ સિદ્ધ કરેલું છે કે, અખંડ ભારતવાળા બધા દેશોની પ્રજાનું ડીએનએ એક જ છે. એક જ પૂર્વજોનાં ઋષિ મુનિઓનાં, રામ-કૃષ્ણનાં સૌ સંતાનોની મૂળ ઓળખ સૌમાં જાગશે તે દિવસે અખંડ ભારતનું સ્વપ્ન સાકાર થઈ જશે.

    ૨૮-ઓક્ટોબર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

False Narratives gujarati
 
 
જાણો છો ? ખરેખર સૂર્ય સામે દીવો ધરવામાં આવેલો!
 
ધર્મ શબ્દ કાને પડે ત્યારે ભગવદ્‌‍ ગીતાનો શ્રી કૃષ્ણની બાંહેધરીવાળો શ્લોક, “यदा यदा हि धर्मस्य…” જીભે ગુંજતો થઈ જાય. ધર્મના મર્મજ્ઞ શ્રીકૃષ્ણને ધર્મ સમજાવવાની ચેષ્ટા કોણ કરી રહ્યું છે, તે જાણીને આશ્ચર્ય થશે. મહાભારતમાં “यतो धर्मस्ततो जय” ' (જ્યાં ધર્મ છે, ત્યાં વિજય છે.) તેવો ઉપદેશ શ્રીકૃષ્ણને દેનારાં ત્રણ પાત્રો કૌરવોના પક્ષે હતાં. ગાંધારી, કર્ણ અને ભિષ્મ પિતામહ! વાસ્તવમાં તે ત્રણેય જણે આ સત્ય દુર્યોધનને કહેવાની જરૂરિયાત હતી, એટલું જ નહીં; આશ્ચર્ય તો એ જાણીને થાય કે, મહાભારતમાં આ “यतो धर्मस्ततो जय” 'વાળું સત્ય ધૃતરાષ્ટ્રએ પણ ગાંધારીને કહેલું !
 
ધર્મ વિરુદ્ધનાં કાર્યો કરવામાં લિપ્ત લોકો ધર્મની વાત વધુ જોરશોરથી કરે, તે કોઈ નવાઈની વાત નથી. મહાભારતકાળથી આવું ચાલ્યું આવી રહ્યું છે. કટ્ટર ઈસ્લામિક દેશો ઈઝરાયેલને કહી રહ્યા છે કે, ઈઝરાયેલ અમાનવીય હુમલા કરી રહ્યું છે!
 
BBCના બદઈરાદા
 
ઈઝરાયેલનાં ગામડાં પર ગુજારાયેલી કાળજુ કંપાવી દેતી અરેરાટીભરી ત્રાસદી- માતાને દેખતાં શિશુઓનાં મસ્તક રહેંસી નાખવાં, આક્રંદ કરતી યુવતીઓને નગ્ન કરી જાહેરમાં ચીયરીંગ સાથે તેમના પર સામૂહિક બળાત્કાર ગુજારવો! ચીસોના ચિત્કાર કરતા લોકોને બાંધીને જીવતા સળગાવવા અને; ક્રૂરમાં ક્રૂર રાક્ષસોનાં માથાં પણ શરમથી ઝૂકી જાય એવી નિર્લજ્જ હેવાનિયત ગુજારીને ૧૪૦૦ નિર્દોષ આબાલ-વૃદ્ધોની બેરહમ હત્યા કરનાર હમાસને જ્યારે પેલું BBC પેલેસ્ટાઇનના યોદ્ધા કહે, તેને કહેવાય નેરેટિવ (સંભ્રમ ઉભો કરવા માટે ઘડી કાઢવામાં આવેલો વિમર્શ). અને તે પણ જ્યારે બ્રિટનના વડાપ્રધાને અને તેઓની આખીય `પી.એમ.ઓ.'એ ગાઈ-વગાડીને કહી દીધું હોય કે, હમાસ એટલે નર્યો આતંકવાદ! આ એજ BBC છે, જેણે પુલવામામાં ભારતના સુરક્ષા અધિકારીઓની બસ ઉપર બોમ્બ ઝિંકીને હત્યાઓ કરનારાઓને આતંકવાદીઓ નહીં, પણ માત્ર ઉગ્રવાદીઓ કહ્યા હતા.
 
ટેરરને ટેરર ન કહેવું તે બૌદ્ધિક ટેરરિઝમ
 
ટેરરીસ્ટને `મિલિટન્ટ' કહેવાનો આ એજન્ડા સમજવા જેવો છે. BBC જેવાં માધ્યમો અને સોશિયલ મીડિયા ન્યુઝપૂર્તિ કરવાના બદલે ખુદ ન્યાયમૂર્તિ બની બેસે છે. પેલેસ્ટિનિયન ઇસ્લામવાદી માફિયાઓના સંગઠન હમાસને હિરો ચિતરી શકે, ને ઈઝરાયેલને વિલન. વામપંથી જેહાદી લિબરલ્સ દ્વારા કાર્યરત ઇકોસિસ્ટમનું કામ જ આવાં સ્થાપિત સત્યોને ઢાંકી દેવાનું રહ્યું છે. આ તો સારું થયું કે, પોતાની જ હોસ્પિટલ પર પોતે જ નામ માત્રનો હુમલો કરીને તેને ઈઝરાયેલનું માનવતાવિરોધી કરતૂત તરીકે ખપાવીને વિક્ટિમ કાર્ડ ઉતરવાની નૌટંકી એકદમ ખુલ્લી પડી ગઈ! ક્રૂરતાની અને નૌટંકીની હદો ઓળંગીને માનવતાને બાનમાં લેવાનું આ આસુરી શક્તિને કોઠે પડી ગયું છે.
 
`વૈશ્વિક ઈસ્લામિક આતંકવાદ' અને ટેકાની નૌટંકી
 
આવા હમાસને ઈસ્લામિક દેશોએ ટેકો જાહેર કર્યો છે. ટેકો પણ કેવો? પેલેસ્ટાઇનથી વિસ્થાપિત થયેલા એક પણ મુસ્લિમને પોતાના દેશમાં પ્રવેશ નહીં, નવા પ્રકારની નૌટંકી! શું આવા સમયે વિભિષણ બનીને રાવણનું સત્ય ખૂલ્લું પાડવાનો જોશ (ભલે સાવ ક્ષણિક પણ કેમ ન હોય..) કોઈને ચડી શકે કે? ૨૦મી ઓક્ટોબરના દિવ્ય ભાસ્કરમાં `વિશ્લેષણ'માં રાજદીપ સરદેસાઈ દ્વારા `વૈશ્વિક ઈસ્લામિક આતંકવાદ' એવો ઉપયોગમાં લેવાયેલ શબ્દસમૂહ પોતે જ કેવડું મોટું સત્ય સાનમાં સમજાવી જાય છે? વર્તમાનની ઘટનાઓ અને તેની પાર્શ્વભૂમિકારૂપે અગાઉના વૈશ્વિક ઘટનાક્રમને સમજવા માટે પ્રયોજવામાં આવેલ ઉક્ત `વૈશ્વિક ઈસ્લામિક આતંકવાદ', આ શબ્દસમૂહ સ્વયં પર્યાપ્ત છે. રાવણવિનાશ માટે હવે વિભિષણ પ્રગટશે, તેવી વૈશ્વિક પ્રતિક્ષાનો અંત કોને ન ગમે?
 
રામમય ૨૨ જાન્યુ. અને વિભિષણની પ્રતિક્ષા
 
ઇસ્લામિક આતંકની તરફદારી કરવાવાળા તમામ હિન્દુત્વના વિરોધી પણ છે. હિન્દુત્વ વિરુદ્ધનાં નેરેટિવ્ઝ થકી હિન્દુત્વને આતંકિત કરવાની ઘટનાઓ વચ્ચે આગામી દિવસોમાં રાષ્ટ આખુંય રામમય થવા જઈ રહ્યું છે.
 
વિભિષણને રામમય શ્રીરામનો સાત્વિક પ્રભાવ આકર્ષે છે, એથી ઉલટું રામમય વાતાવરણથી પરેશાન થવું, તે રાવણની પ્રાથમિક ઓળખ છે. આજે આવા રાવણોનીય કમી નથી. જુઓને સનાતનનો, હિન્દુત્વનો નાશ કરવાનું બક્યા કરનાર ઉદયનિધિને ન. મો. સ્ટેડિયમમાં રમાયેલી ક્રિકેટ વન-ડે વખતે જનતા જનાર્દન દ્વારા `જય શ્રીરામ'નો જયઘોષ થયો તેમાંય વાંકું પડ્યું, `માંકડું હતું ને દારૂ પાયો'વાળી કહેવત ત્યારે યાદ આવે, જ્યારે પ્રેસ આવા ફાલતું મુદ્દાઓને ચગાવે. લંકેશ પર વિજય પ્રાપ્ત કર્યા પછી ભગવાન શ્રીરામ-લક્ષ્મણ-જાનકીનું પુષ્પક દ્વારા વિમાનમાર્ગે અવધપુરી તરફના ગમનનું સરસ ચિત્ર; શ્રદ્ધેય બાબાસાહેબ આંબેડકરજી દ્વારા નિર્મિત આપણા ભારતીય સંવિધાનની મૂળ પ્રતોમાં છે, તેવા શ્રીરામનું, સંવિધાનનું અને બાબાસાહેબ આંબેડકરજીનું ઉદયનિધિએ હાડોહાડ અપમાન કર્યું છે. ૨૦૨૪ની ૨૨મી જાન્યુઆરીએ જન્મસ્થાન પર નવનિર્મિત મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામજીના ભવ્યાતિભવ્ય મંદિરની રાષ્ટ્રવ્યાપી ધામધૂમથી થનાર પુનઃ પ્રાણપ્રતિષ્ઠા પછી આવા ઉદયનિધિઓના વાણીવિલાસ દ્વારા નેરેટિવ્ઝ બનાવવાના ધંધા પર આપોઆપ શટર પડી જવાનાં. આગામી રામમય વાતાવરણમાં પ્રગટ થનાર વિભિષણની પ્રતિક્ષા; સજ્જનશક્તિને છે.
 
મદ્રાસ હાઇકોર્ટે સમજાવ્યો સનાતનનો મહિમા
 
ઉદયનિધિ સ્ટાલિને તો સત્તાના નશામાં સનાતનને ખતમ કરી દેવાની હાકલ કરેલી. જો આનું અમલીકરણ તેઓએ પોતે જ કરવું હોય તેમના નામમાંથી ઉદયનિધિ નામની બાદબાકી કરવી પડે અને માત્ર અટક `સ્ટાલિન'થી ચલાવી લેવું પડે, કારણ કે આ અટક રશિયનથી આયાત થયેલી હોઈ તેને સનાતન સાથે ક્યાં કંઈ લેવાદેવા છે? રાષ્ટ્રનો પ્રારંભ એટલે સર્વસમાવેશી સનાતન ધર્મનો પ્રારંભ. સનાતનના કારણે હજારો વર્ષથી આ રાષ્ટ્ર પોતાનું મૂળ અસ્તિત્વ ટકાવી શક્યું છે. પણ આજે સનાતનની ઈર્ષ્યાવશ આલિયા-માલિયાઓ કોઈને પણ ગમે ત્યારે તેનો વિરોધ કરવાનો નશો ચઢી જાય છે. તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અન્નાદૂરાઈની જન્મજયંતી નિમિત્તે એક સરકારી આર્ટસ કૉલેજના પ્રિન્સિપાલે સનાતન ધર્મના નિષેધ વિષય પર વિદ્યાર્થીઓને તેમના વિચારો વ્યક્ત કરવાનો આદેશ આપતો પરિપત્ર બહાર પાડેલો, જેને મદ્રાસ હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ પરિપત્રના સંદર્ભમાં જસ્ટીસ શેષશાયીએ સવાલ કર્યો હતો કે, શું નાગરિકો તેમના રાષ્ટ્રને પ્રેમ કરતા નથી? સનાતન ધર્મમાં રાષ્ટ્ર પ્રત્યેની ફરજો પણ સામેલ છે.
 
વળી હાઇકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, સનાતન ધર્મ એવા શાશ્વત કર્તવ્યોનો સમૂહ છે; જેમાં રાષ્ટ્ર, રાજા, માતા-પિતા ગુરુઓ પ્રત્યેનાં કર્તવ્યો અને ગરીબોની દેખભાળ કરવાનું કર્તવ્ય પણ સમાવિષ્ટ છે.
 
`સ્વ' જાગે તો સત્ય પ્રગટે
 
હાઈકોર્ટે જણાવેલ સનાતન સત્યથી સૌ વાકેફ છે, પરંતુ સ્વાર્થવશ કે પરિસ્થિતિવશ તેને જાહેર કરવાની હિંમત હોતી નથી.
બે-એક મહિના પહેલાં ગુલામનબી આઝાદે કહ્યું કે, હિન્દુ ધર્મ ઇસ્લામ કરતાં જૂનો છે. પહેલાં બધા મુસ્લિમો હિન્દુ હતા. કાશ્મીરના તમામ મુસ્લિમ કાશ્મીરી પંડિતોમાંથી કન્વર્ટેડ છે. દરેક વ્યક્તિનો જન્મ હિન્દુ ધર્મમાં જ થયો હતો. કાશ્મીરમાં ૬૦૦ વર્ષ પહેલાં કોઈ મુસ્લિમ નહોતા.
 
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીશ્રીએ ઉચ્ચારેલું ઉપરોક્ત સત્ય શું તેઓને હમણાં જ સમજાયું હશે? કોંગ્રેસ છોડીને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી બનાવી તે પછી જ્યારે તેઓએ કોંગ્રેસીયતમાંથી મુક્તિનો અનુભવ કર્યો ત્યારે ઉપરોક્ત સત્ય તેઓ બોલી શક્યા!
 
કન્વર્ટેડ મુસ્લિમની મનઃસ્થિતિ
 
આ કન્વર્ઝન એ માત્ર પંથના કન્વર્ઝન સુધી નથી અટકતું. જો પંથનાં શ્રદ્ધાકેન્દ્ર દેશની બહારનાં હોય ત્યારે દેશબાહ્ય નિષ્ઠા પેદા થાય છે. મતાંતરણ રાષ્ટાંતરણમાં પરિણમે છે. ગત મહિને જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ રદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલવા ઉપર આવેલો. આ કેસ કરનાર મહમદ અકબર લોન નેશનલ કોન્ફરન્સ સાથે જોડાયેલા હતા, પરંતુ હતા પાકા એન્ટિ નેશનલ. તેમણે ૨૦૧૮માં જમ્મુ કાશ્મીર વિધાનસભામાં પાકિસ્તાનની તરફેણમાં નારા લગાવેલા. ઉક્ત કેસમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસશ્રીની અધ્યક્ષતા ધરાવતી પાંચ જજની બેન્ચે આ કેસમાં સુનાવણી દરમિયાન મહમદ અકબર લોનને નિર્દેશ કરતાં કહેવું પડેલું કે, તેમણે (મહમદ અકબર લોને) પ્રથમ તો પોતે ભારતીય બંધારણમાં નિષ્ઠા ધરાવે છે તેવું સોગંદનામુ દાખલ કરવું પડશે, ત્યારબાદ જ આ કેસમાં સુનાવણી થઈ શકશે. શું મહમદ અકબર લોનનું કે તેઓના પૂર્વજોનું મતાંતરણ થયું ન હોત તો શું તેમનું રાષ્ટાંતરણ થયું હોત કે? આ પ્રશ્નનો ઉત્તર જેટલો સરળ છે તેટલો જ આ બીજા પ્રશ્નનો ઉત્તર પણ સાવ સરળ છે.
 
સત્તાવાર દસ્તાવેજ પર `અખંડ ભારત'ની મોહર
 
બીજો પ્રશ્ન.. જેમ રાહુલ ગાંધીએ પોતાની ડોગીનું નામ (મુસ્લિમ દીકરીઓના નામ પરથી) `નૂરી' રાખ્યું, તેજ રીતે માત્ર કલ્પના કરો કે, જો યુપીના મુખ્યમંત્રી મહંત યોગી આદિત્યનાથજીએ પણ પોતાની ડોગીનું નામ `નૂરી' રાખ્યું હોત તો શું થાત? આ કલ્પના માત્ર છે, ડોગીઓ પાછળનો ધનવાનોનો શોખ યોગીજીને ક્યાંથી પોષાવાનો?
 
જે દિવસે બીજા પ્રશ્નનો ઉત્તર જો એવો રહેશે કે.. જેમ રાહુલ ગાંધીએ રાખેલ પોતાની ડોગીનું નામ નૂરી, જે મુસ્લિમોએ માન્ય રાખ્યું તેમ મહંત યોગી આદિત્યનાથજીએ ઉમળકાથી પોતાની ડોગીનું નામ નૂરી એટલા જ ઉમળકાથી મુસ્લિમોએ વધાવી દીધું... બસ આ જ દિવસની પ્રતિક્ષા છે. હા, આશા છે કે, આવો દિવસ જરૂર આવશે! બંધારણ સભાની પ્રથમ બેઠકના સત્તાવાર દસ્તાવેજ પર જે મોહર લાગેલી તેમાં અખંડ ભારતનો નકશો છે. તે મોહર પાછળ સેવેલું સ્વપ્ન સાકાર ક્યારે થશે? વિજ્ઞાને એ સિદ્ધ કરેલું છે કે, અખંડ ભારતવાળા બધા દેશોની પ્રજાનું ડીએનએ એક જ છે. એક જ પૂર્વજોનાં ઋષિ મુનિઓનાં, રામ-કૃષ્ણનાં સૌ સંતાનોની મૂળ ઓળખ સૌમાં જાગશે તે દિવસે અખંડ ભારતનું સ્વપ્ન સાકાર થઈ જશે.
 

ભાનુ ન. ચૌહાણ

"L.D. Eng. College" માંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે "CEPT University, Amadavad"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગ'માં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. હાલ તેઓ "સાધના" સાપ્તાહિકમાં સ્તંભલેખક છે.