ઇઝરાયેલ અને હમાસની લડાઈ ચરમસીમાએ છે. યુદ્ધના પરંપરાગત દાયરાઓ તોડીને નિર્દોષ નગરજનોના રક્તથી ખરડાયેલી આ લડાઈએ દુનિયાનો ખરડાયેલો ચહેરો સામે લાવી દીધો છે. અનેક મુસ્લિમ દેશો બેઝીઝક આતંકીઓની તરફેણ કરી રહ્યા છે. હમાસે ૧૪૦૦થી વધુ ઇઝરાયેલી નાગરિકોની હત્યા કરી, ઇઝરાયેલ પરનાં હુમલામાં પેલેસ્ટાઈનના જ ૫૦૦થી વધુ નાગરિકોનાં રક્ત રેડાયાં. છતાં લોકો હમાસને આતંકી સંગઠન કહેતાં ખચકાઈ રહ્યા છે. આ રક્તરંજિત વિચાર અને કાર્યને જો આતંકવાદ નહીં કહેવાય તો બીજું શું કહેવાશે?
એ ચોક્કસ છે કે વિશ્વશ્રેષ્ઠ ગણાતી મોસાદ સહિત અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, કેનેડા અને ઓસ્ટ્રેલિયાની 5-eyes ગણાતી ખુફિયા એજન્સીઓ `હમાસ'ના આ હુમલાનો તાગ મેળવવામાં નિષ્ફળ રહી છે. છેલ્લા ઘણા સમયથી ઇઝરાયેલ અરબ દેશો સાથે સંબંધ બનાવવાનો પ્રયત્ન કરતું હતું. ઇઝરાયેલ - સાઉદી અરબ વચ્ચે એક વ્યાપક શાંતિ કરાર થવાનો હતો. મુસ્લિમ દેશોની નેતાગીરીનો તાજ જેના શીરે છે એ સાઉદી અરબ અને ઇઝરાયેલ વચ્ચે મિત્રતા થાય એ હમાસને હરગીજ મંજૂર નહોતું, આથી સોચી-સમજી રણનીતિ મુજબ હમાસે અગનખેલ ખેલી નાંખ્યો અને ગાઝા પટ્ટીનો વિનાશ દુનિયાને બતાવીને હજારોની કતલેઆમના ઓઠા હેઠળ ઇઝરાયેલને મુસ્લિમ આરબ રાષ્ટોથી એકઝાટકે દૂર કરી દીધું.
આવું કટ્ટર અને ચાલાક હમાસ ૧૯૮૭માં મુસ્લિમ બ્રધરડની એક શાખા તરીકે સ્થપાયેલું સંપૂર્ણ આતંકી સંગઠન છે. હમાસના ચાર્ટરમાં ઇઝરાયેલના કબજામાંથી મુક્તિ અને હાલના ઇઝરાયેલ, વેસ્ટ બેંક અને ગાઝાના પ્રદેશ પર ઇસ્લામિક રાજ્યની સ્થાપના માટે હાકલ કરવામાં આવી છે. પ્રખર આતંકી પૃષ્ઠભૂમિ છતાં અનેક દેશો, ખાસ કરીને મુસ્લિમ દેશો હમાસની તરફેણમાં આગળ આવી રહ્યા છે. મલેશિયા એ સ્પષ્ટ કહ્યું કે, `હમાસ સાથે અમારો સંબંધ ચાલુ જ રહેશે.' લેબેનોન સરહદે કટ્ટરપંથી સંગઠન હિઝબુલ્લાહના આશરે દસ હજાર આતંકીઓ ઇઝરાયેલ પર હુમલો કરવા તૈયાર બેઠા છે, ઈરાનના વિદેશ મંત્રી હોસેન અમિરાબ્દોલાહિને કહ્યું, `હવે દુનિયાભરના આરબ-મુસ્લિમ દેશોએ ઇઝરાયેલ સામે એક થવાનો સમય આવી ગયો છે.' હદ તો એ થઈ કે કેટલાકે આ આતંકીઓને સૈન્યવાદી અને સ્વતંત્રતા-સેનાની કહી દીધા.
ભારતમાંય કોંગ્રેસે આ મુદ્દે પેલેસ્ટાઈન માટે પ્રસ્તાવ રજૂ કર્યો કે, `અમે પેલેસ્ટાઈનના અધિકારોનું સમર્થન કરીએ છીએ.' પરંતુ આ પ્રસ્તાવમાં તેણે ન તો ઈઝરાયેલ પરના હુમલાનો વિરોધ કર્યો કે ન તો દુઃખ વ્યક્ત કર્યું. તેણે હમાસને આતંકવાદી કહેવાનુંય ટાળ્યું. આવા આંતરરાષ્ટીય મુદ્દે કોંગ્રેસે આટલું ઝડપી, ઉભડક નિવેદન આપવાની કોઈ જરૂર હતી ખરી? જો તેઓ આને મુત્સદ્દીગીરીમાં ખપાવતા હોય તો એ વિડંબના કે ૬૦ વર્ષ ભારતમાં રાજ કરનાર કોંગ્રેસ પાસે એવો એકેય પીઢ નેતા નથી રહ્યો જેને આંતરરાષ્ટ્રીય મુદ્દા પર ઠરાવ કરતાં પહેલાં કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટો કરવાની અને દેશની નીતિઓ મુજબ વર્તવાની ખબર પડે. પણ કદાચ કોંગ્રેસને હશે કે એ હમાસની નિંદા કરશે તો મુસ્લિમો નારાજ થઈ જશે અને ચૂંટણીઓમાં તેને નુકસાન થશે. હમાસે ૧૩મી ઓક્ટોબર - શુક્રવારે જુમ્માના દિવસે `ગ્લોબલ જેહાદ દિવસ' મનાવવા એલાન કર્યું, જેમાં ભારતનાય કેટલાંક કટ્ટરપંથી, વામપંથીઓ હમાસના સમર્થનમાં સામેલ થયા અને ભારતમાં દેખાવો કર્યા.
જો કે અમેરિકાનું ઇઝરાયેલને સંપૂર્ણ સમર્થન છે. અમેરિકન યુનિવર્સિટી અને કોર્પોરેટ્સે, પેલેસ્ટાઇનનાં સમર્થનમાં દેખાવો કરતા વિદ્યાર્થીઓને ઓળખીને તેમને નોકરી નહીં આપીએ, તેવું જાહેર કરતાં જ દેખાવો બંધ થઈ ગયા. પ્રશ્ન એ થાય કે શું આ રાજકીય ષડયંત્રથી પ્રેરાઈને દેખાવો કરતાં લોકો હતા કે ખરા દિલથી `આતંકવાદી'ઓનું સમર્થન કરતાં લોકો? બાઈડનનો મત કે, `ઈઝરાયેલે જે કર્યું છે તે આક્રમણ નથી, પોતાના સ્વબચાવમાં કરેલી કાર્યવાહી છે. બ્રિટિશ વડાપ્રધાન શુનકનું વલણ આતંકવિરોધી અને માનવતાવાદી છે. તેમણે કહ્યું, `હમાસ યોદ્ધા નથી, આતંકી છે.' તેઓ ઈઝારાયલ પણ ગયા અને આતંકવાદની બૂરાઈ સામે હંમેશાં ઇઝરાયેલ સાથે હોવાનું કહ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસને ફોન કરી માનવીય ધોરણે મદદ ચાલુ રાખવાનું કહી ગાઝા હોસ્પિટલનાં હુમલા અંગે દુઃખ અને ચિંતા વ્યક્ત કરી. પણ તેમનું સમર્થન ઇઝરાયેલને જ છે અને કહ્યું કે, `આ હુમલો કોણે કર્યો એની જવાબદારી નક્કી થવી જોઈએ.'
દુનિયામાં અનેક આતંકી સંગઠનો તબાહી મચાવી રહ્યાં છે. ભારતમાં પુલવામા એટેક કરનાર જૈશે મહંમદ, અમેરિકાના ૯/૧૧ હુમલા માટે જવાબદાર અલ કાયદા ઉપરાંત લશ્કરે તોઈબા, તહરિકે તાલિબાન, બોકો હરામ, હમાસ વગેરે. સમસ્યા એ છે કે આતંકવાદની કોઈ નિશ્ચિત વ્યાખ્યા નથી એટલે જ કેટલાક અણસમજુઓ કે ચાલાકો દ્વારા આવા લોકોને સૈન્યવાદી અને સ્વતંત્રતા-સેનાની કહેવાય છે. ભારત યુએનમાં આ સમસ્યા તરફ ધ્યાન દોરી ચૂક્યું છે કે, `યુએન આજ સુધી આતંકવાદની સર્વમાન્ય વ્યાખ્યા સાધી શક્યું નથી તો પછી એના પર સુસંગત નીતિ કેવી રીતે બનાવી શકાશે?'
ઇઝરાયેલે `આતંકવાદ' સામે આ યુદ્ધ છેડ્યું છે, ગાઝાના લોકો વિરુદ્ધ નહીં. આ યુદ્ધ અલકાયદા, ISISના નવા આતંકી અવતાર વિરુદ્ધ છે. નિર્દોષ નાગરિકોની સંપૂર્ણ સુરક્ષા ધ્યાને લઈને તથા વૈશ્વિક સમર્થન અને સહયોગથી સ્ટ્રેટેજીક પ્લાનિંગ સાથે આતંકનો ખાત્મો થાય અને સત્વરે આ પ્રદેશમાં શાંતિ સ્થપાય તેવી અપેક્ષા.