જાહેરખબરો : ભ્રામક દાવાઓ અને ભારત વિરોધી એજન્ડા । હવે જાહેરખબરો જુઓ તો એની પાછળના એજન્ડાને સમજવા પ્રયત્ન કરજો

જાહેરાતની નકલી દુનિયા અને નકલી દાવાઓની બધી જ માહિતી માત્ર એક લેખમાં...

    ૦૯-ઓક્ટોબર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Misleading Advertisements In India
 
બાળકોનાં ઉત્પાદનો બનાવતી કંપની જૉન્સન ઍન્ડ જૉન્સન સામે ૪૦,૦૦૦ દાવાઓ છે ! કેલિફૉર્નિયા સ્થિત એક વ્યક્તિના એક દાવામાં તો ઑકલેન્ડ ન્યાયાલયે કંપનીને ૧.૮૮ કરોડ ડૉલરનો દંડ ઠપકાર્યો હતો. આ વ્યક્તિને પોતાને કેન્સર થયું હતું.
ભારતમાં, કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા પ્રાધિકરણ (સીસીપીએ)એ ગ્લેક્સૉસ્મિથક્લાઇન એશિયા અને નાપતોલ સામે તેમની જાહેરખબરોમાં ખોટા અને છેતરામણા દાવા કરવા બદલ રૂ. ૧૦ લાખનો દંડ ફટકાર્યો હતો.
 
ભારતમાં જાહેરખબરોના નિયંત્રણ માટે તમામનો સમાવેશ થાય તેવી કોઈ એક વૈધાનિક સંસ્થા નથી. ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૨૦૧૯ હેઠળ સીસીપીએને જો લાગે કે ગ્રાહકોના અધિકારો પર અસર થાય છે અથવા છેતરામણી કે ખોટા દાવા કરી ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી જાહેરખબરો છે તો તે જાહેરખબરના મેન્યુફૅક્ચરર / જાહેરખબરમાં કામ કરનાર ફિલ્મ કલાકાર કે ક્રિકેટર/ઍડવર્ટાઇઝ કરનાર/પ્રકાશક (અખબાર, ટીવી વગેરે)ને જાહેરખબરમાં કાં તો સુધારો કરવા, અથવા તે પાછી ખેંચવા આદેશ આપી શકે છે. તે મહત્તમ દસ લાખ રૂપિયા સુધીનો દંડ પણ ફટકારી શકે છે.
 
વિચાર કરો, માત્ર દસ લાખ રૂપિયાનો દંડ! ખોટી, છેતરામણી, ભ્રામક જાહેરખબર કરી ગ્રાહકોના અબજો કરોડો રૂપિયા ઉસેડી લેતી કંપનીઓ માટે દસ લાખ રૂપિયા એ કંઈ મોટી વાત નથી. એ તો સેવ-મમરા જેવી વાત છે. આ કાયદો હવે સુધારણા માગે છે.
 
અભિનેતા શાહરુખ ખાને ઇમામી ફૅરનેસ ક્રીમ અંગે કાળા લોકો પણ ધોળા થઈ જાય છે તેવાં મોટાં બણગાં ફૂંકતી જાહેરખબર કરી હતી. દિલ્લીના એક છોકરા નિખિલ જૈને કેસ કર્યો કે મેં શાહરુખ ખાનની જાહેરખબર જોઈને ઑક્ટોબર ૨૦૧૨માં ઇમામી ખરીદ્યું પણ તેનો કોઈ ફાયદો થયો નહીં. ઇમામીએ બચાવમાં કહ્યું હતું કે તે ક્રીમથી ત્વચાની ગુણવત્તા સુધરે છે, કાળી વ્યક્તિ ગોરી બનતી નથી. પણ કન્ઝ્યૂમર ફૉરમે કહ્યું કે શાહરુખની જાહેરખબરમાં દાવો કરાયો હતો કે ઇમામી ક્રીમ લગાવવાથી ત્વચાનો રંગ રૂપાળો થાય છે. આમ, ફૉરમે ફરિયાદીની વાત તો માની, પણ આદેશ શું કર્યો? સજા શું કરી? માત્ર ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ! દિલ્લીના રાજ્યપંચમાં ગ્રાહક કલ્યાણ નિધિમાં પંદર લાખ રૂપિયા જમા કરાવવાનું પણ કહ્યું. અને કહ્યું કે જાહેરખબરમાં બતાવો કે, કાળા રંગની વ્યક્તિ હોય તો ઘઉં જેવા કથ્થાઈ રંગની થાય અને કથ્થાઈ રંગની હોય તો ગોરી થાય.
 
આટલો દંડ કે આટલી નિધિ તો ફૉરમે શાહરુખને પણ નહીં ચૂકવી હોય. તેને કરોડો રૂપિયા ચૂકવ્યા હશે. ભોગ બનનારને આટલી સેવમમરા જેટલી રકમ? આ ચુકાદો છે કે ન્યાયની હાંસી?
 
૧૯૯૧માં કૉંગ્રેસની સમાજવાદી અને રેવડીઓ વહેંચવાની નીતિઓના કારણે દેશ દેવાળું ફૂંકવાના આરે હતો ત્યારે આઈએમએફે ઉદારીકરણ અપનાવવા અને વિદેશી કંપનીઓ માટે દરવાજા ખોલવા નિયમો-કાયદાઓ બદલવા શરત મૂકી હતી. એ પછી વિદેશી કંપનીઓ આવી, જેમાં પેપ્સી, ચિપ્સ, કૉસ્મેટિક પ્રૉડક્ટની કંપની વગેરે હતી. એ પછી થોડાં જ વર્ષમાં ઐશ્વર્યા રાય, સુસ્મિતા સેન, લારા દત્તા, પ્રિયંકા ચોપડા, દિયા મિર્ઝા વગેરેને મિસ વર્લ્ડ, મિસ યુનિવર્સ, મિસ અર્થ જેવાં શીર્ષકોની સ્પર્ધામાં વિજેતા કરાયાં. તે પછી ભારતમાં કૉસ્મેટિક પ્રૉડક્ટનું બજાર ફૂલ્યું-ફાલ્યું. હવે સ્થિતિ એ આવી છે કે, પહેલાં સ્ત્રી-પુરુષ માટે ગોરા થવાનો દાવો કરતી ક્રીમ એક જ હતી. શાહરુખ ખાનની ક્રીમ પુરુષો માટે અલગ આવવા લાગી. એક તરફ, લૈંગિક સમાનતાના નામે સર્વોચ્ચ ન્યાયાલય સ્ત્રી-પુરુષ માટે એક જ શૌચાલય રહ્યું છે, બીજી તરફ, ક્રીમ અલગ-અલગ. જરૂર ક્યાં વધુ છે? શૌચાલય અલગ હોય તે ઈચ્છનીય છે કે ક્રીમ? પહેલાં શેમ્પૂ આવ્યું, પછી હૅર કન્ડિશનર. જૅઇલ આવી અને પછી સિરમ. આ રીતે કંપનીઓ નિત-નવાં પ્રૉડક્ટો માર્કેટમાં ઉતારતી જ જાય છે. લોકો શાહરુખ ખાન જેવા ફિલ્મ કલાકારો કે ક્રિકેટરોને જોઈને અથવા એક સાથે એક ફ્રી કે ૫૦ ટકા ડિસ્કાઉન્ટની માયાજાળમાં ખરીદી કરી લે છે. એમાંય ઑનલાઇન ખરીદીની સુવિધા મળી અને ઘરે બેઠાં પ્રૉડક્ટ મળી જાય એટલે જલસો જ જલસો. તેમાં વળી બૅન્કો અને ફાઇનાન્સ કંપનીઓ ક્રેડિટ કાર્ડ આપે.
 
જાણે-અજાણે ભારતના લોકો અમેરિકાની ઇટ, ડ્રિન્ક ઍન્ડ બી મેરી એટલે કે ખાવ, પીવો અને જલસા કરોની ઉપભોક્તા સંસ્કૃતિનો ભોગ બની ગયાં. ૧૯૯૧ પહેલાં ભારતીયો યુકેના બ્રિટિશરો જેવું અંગ્રેજી બોલતાં. પરંતુ ૧૯૯૧ પછી અમેરિકા જેવું અંગ્રેજી બોલતા થઈ ગયાં. શેડ્યૂલના બદલે સ્કેડ્યૂલ, ઍજ્યુકેશનના બદલે ઍડ્યુકેશન, યસના બદલે યા બોલતા થઈ ગયાં. પહેલાં કહેવાતા સુધરેલા લોકો બ્રિટિશરોની જેમ માથે હૅટ, કૉટ, શર્ટ, ટાઇ, પેન્ટ, બૂટ, હાથમાં સ્ટિક રાખતા. સ્ત્રીઓ પણ માથે જાળીવાળી હૅટ, ટૉપ અને સ્કર્ટ પહેરતી. હાથમાં મોજાં પહેરતી. હવે? અમેરિકાના લોકોની જેમ પુરુષો અને સ્ત્રીઓ ટી-શર્ટ, બરમૂડામાં આવી ગયાં. અમેરિકા જેવા સુપર મૉલ થઈ ગયા. અમેરિકાની જેમ સપ્તાહાંતે ઘરની બહાર નીકળી જમવાનું અથવા બહારગામ જવાનું. માત્ર સ્વાર્થની સંસ્કૃતિ.
 
પહેલાં ભારતની સ્ત્રીઓ માત્ર લગ્ન જેવા પ્રસંગે જ મેક-અપના નામે પાવડર લગાડતી, લિપસ્ટિક કરતી. તેના માટે સાદગી અને લજ્જા જ તેનાં ઘરેણાં હતાં. પરંતુ હવે મેક-અપ વગર બહાર જ નથી નીકળતી. પુરુષો પણ હવે પેડિક્યૉર અને મેનિક્યૉર કરાવતા થઈ ગયા છે. લગ્ન જેવા પ્રસંગે તૈયાર થવા ખાસ બ્યુટી પાર્લર જાય છે.
 
આમાં બચત ઘટવા લાગી. એટલે પતિ-પત્ની બંનેને નોકરી કરવાનો વારો આવ્યો. દંપતીમાં સ્ટ્રેસ વધ્યો. છૂટાછેડા વધ્યા. સંતાનો સિંગલ પેરન્ટ અને આયાના આશ્રયે મોટાં થવાં લાગ્યાં. અથવા સંતાનનાં એકથી વધુ માબાપ હોય તેવા અમેરિકા જેવા કિસ્સા બનવા લાગ્યા (ખાસ તો ફિલ્મ કલાકારોમાં). ભોગવાદ વધ્યો તેમ વૃદ્ધ માબાપ જલસામાં આડખીલી લાગવા લાગ્યાં, કારણ કે ઘરડી આંખે ઘણું જોયું હોય એટલે તેઓ બચત કરવા, ખોટા ખર્ચા ન કરવા, ઓછી જરૂરિયાતોમાં ચલાવી લેવા, ઘરે રાંધી જમવાની સલાહ આપે તે ગમે નહીં. એટલે વૃદ્ધાશ્રમો વધ્યા. આમ, આ ભોગવાદી સંસ્કૃતિએ ભારતીય કુટુંબોને છિન્ન-ભિન્ન કરી નાખ્યાં. આનો ભોગ માત્ર હિન્દુઓ જ બન્યા, કારણ કે હિન્દુ સમાજ નવા વિચારોને અપનાવનારો છે. ઉદાર છે. પશ્ચિમના વિચારો અપનાવનારો છે. બંધિયાર એવા મુસ્લિમ સમાજ પર તેની કોઈ અસર ન થઈ.
 
પૈસા મળતા હોય તો સમાજ જાય ચૂલામાં, આવું ઉર્દૂવુડના કલાકારો માને છે. દક્ષિણના કલાકારો જાહેરખબરોની સમાજ પરની અસરો પ્રત્યે સજાગ અને ચિંતિત છે. તેથી જ બાહુબલી સ્ટાર પ્રભાસે વર્ષ ૨૦૨૦માં એક જ વર્ષમાં ૧૫૦ કરોડના મહેનતાણાની જાહેરખબરો નકારી કાઢી હતી. શાહરુખ ખાન, સલમાન ખાન અને અજય દેવગન વિમલ પાનમસાલાની જાહેરખબરમાં જુબાન કેસરી કહીને આદાબની સ્ટાઇલ કરે છે પરંતુ પુષ્પા ફિલ્મ ખ્યાત અલ્લુ અર્જુને પાન મસાલાની જાહેરખબર નકારી કાઢી. કેજીએફ ફિલ્મ ખ્યાત યશે પણ તમાકુની એક જાહેરખબર નકારી કાઢી હતી. લવ સ્ટૉરી ખ્યાત દક્ષિણની અભિનેત્રી સાઇ પલ્લવીએ વર્ષ ૨૦૧૯માં રૂપાળા (ફૅરનેસ)ની ક્રીમની જાહેરખબર નકારી કાઢી હતી. અખંડ ફિલ્મના અભિનેતા નંદમુરી બાલકૃષ્ણએ પણ અનેક જાહેરખબરો નકારી કાઢી છે.
 
કેડબરી જેમ્સની જાહેરખબરમાં પ્રિન્સિપાલને જેમ્સની તસવીરોવાળો ટીવી સ્ક્રીન ચાટતા બતાવે છે. જેમણે વિદ્યાર્થીઓને સંયમની વાતો શીખવાડવાની હોય તે જ આવી હલકી ચેષ્ટા કરતો બતાવે તો વિદ્યાર્થીઓ શું શીખે? સર્ફ ઍક્સેલ, તનિષ્ક ઘરેણાં કંપની વગેરેએ લવ જિહાદને પ્રમૉટ કરતી જાહેરખબરો બતાવી હતી. માન્યવરની જાહેરખબરમાં કન્યાદાનની પરંપરા સામે પ્રશ્ન ઉઠાવાયો હતો. પીયર્સ સાબુની જાહેરખબરમાં પોતાના બાળકને સ્નાન કરાવતાં-કરાવતાં મા મોગલ વંશ યાદ રખાવડાવે છે. રેડ લેબલ ચાની જાહેરખબરમાં લિવ ઇન ખોટું નથી તેવું બતાવાયું હતું. લિપ્ટન ચાની જાહેરખબરમાં હિન્દુ યુગલમાં પુરુષને કટ્ટરવાદી અને મુસ્લિમ પડોશી બહેનને પ્રેમાળ, ચા બનાવીને પીવડાવે તેવી બતાવાઈ હતી. ઝટક ડીઅૉડરન્ટની જાહેરખબરમાં હિન્દુ નવોઢા લગ્નની પહેલી રાત્રે ડીયો છાંટેલા પડોશી માટે ચારિત્ર્યભ્રષ્ટ થતી દર્શાવાય છે. મલબાર ગૉલ્ડમાં અનિલ કપૂરને હિન્દુ બતાવાયો, પરંતુ તે કારમાંથી ઊતરી કુર્નિશ કરતો હોય તેમ ઝૂકીને ચેષ્ટા કરે છે. ટાટા-સ્ટારબક્સની જાહેરખબરમાં ટ્રાન્સજેન્ડર બાળકને સ્વીકારવા માબાપને સલાહ દેવાય છે. ભારતીય સમાજે કિન્નરોને માતાજીના ભક્તો માન્યા જ છે, પરંતુ ટાટા-સ્ટારબક્સની જાહેરખબર પાછળ એલજીબીટીક્યૂ એજન્ડા છે, જેન્ડર ઑપરેશન કરી આપતા ડૉક્ટરો, તેની દવાઓ અને તેના કૉસ્મેટિક પ્રૉડક્ટનું બજાર છે. હિન્દુ પરિવારને છિન્નભિન્ન કરી નાખવાની ચાલ છે. એટલે કે એક તરફ, તેમને હિન્દુઓ પાસે જ પોતાની પ્રૉડક્ટ ખરીદાવવી છે, તેમનાં ખિસ્સાં ખાલી કરવાં છે અને બીજી તરફ, તેમના પર પોતાના વિકૃત વિચારો પણ થોપવા છે. તેમને તેમની સંસ્કૃતિ અને પરંપરાથી જુદા કરવા છે.
 
કલાજગતમાં મોટા ભાગે ડાબેરી વિચારધારાવાળા છે. તેથી તેઓ જાહેરખબરોમાંય પોતાનો હિન્દુ વિરોધી એજન્ડા બતાવવાનું છોડતા નથી.
 
જાહેરખબરોમાં બાળકોને ખાસ લેવાય છે. આજે બાળક પાછળ માબાપ એટલાં ઘેલાં છે કે, તેઓ તેમની ખોટી માગણી પણ સંતોષવા તૈયાર થઈ જાય છે. અને બાળક કહે છે તે ખરીદી દેવું પડે છે.
 
જાહેરખબરોમાં પણ કયા કલાકાર કે ક્રિકેટરને લેવા તેની પાછળ પણ હિન્દુવિરોધ કામ કરે છે. કંગનાએ મુખર રીતે હિન્દુ તરફેણમાં બોલવા માંડ્યું તે પછી તેને જાહેરખબરો મળતી ઓછી થઈ ગઈ છે. મોટા ભાગની જાહેરખબરો અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, જાવેદ અખ્તર, કરણ જૌહર, કરીના કપૂર, વિદ્યા બાલન, કાજોલે વહેંચી લીધી છે. અનિલ કપૂરે સજાતીય લગ્ન પર મૉડર્ન ફેમિલી વેબશ્રેણી, એક લડકી કો દેખા તો ઐસા લગા ફિલ્મ કરવાની શરૂ કરી તે પછી તેમને પણ જાહેરખબરો મળવા લાગી. પહેલાં મૉડલોને લેવામાં આવતા હતા, પરંતુ હવે આ ફિલ્મ કલાકારો જ મોટા ભાગે જાહેરખબરો મેળવે છે.
 
હવે જાહેરખબરો જુઓ તો એની પાછળના એજન્ડાને સમજવા પ્રયત્ન કરજો નહીં તો પરિવાર બરબાદ થઈ જશે.
 

જયવંત પંડ્યા

લેખક ગુજરાતના પ્રસિદ્ધ કોલમ લેખક છે. સાધના સાપ્તાહિકમાં તેઓ “સાંપ્રત” નામની કોલમ લખે છે. મુંબઈ સમાચાર, સંજોગ ન્યુઝ, અભિયાન સામયિક, ગુજરાત ગાર્ડિયન, ન્યુઝ ઓફ ગુજરાત જેવા અનેક નામી અખબાર, સામયિકમાં તેવો નિયમિત પણે પોતાના વિચારો શબ્દો થકી પ્રગટ કરે છે, તેઓ અભિયાન સામયિકના ડેપ્યુટિ એડિટર તથા સંદેશ અને ગુજરાત સમાચાર જેવા ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ડેસ્ક હેડ તરીકે રહી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ પત્રકાર છે, તેઓ અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ્સમાં નિયમિત રીતે પેનલિસ્ટ તરીકે પોતાનું વિશ્લેષણ રજૂ કરતા રહે છે…