દિવાળી વેકેશનમાં ફરવા જવાનું વિચારો છો? અમદાવાદથી 310 કિલોમીટરના અંતરે આવેલા આ સ્થળની મુલાકાત લેતા આવો

જો તમે ત્રણથી ચાર દિવસ ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો કુંભલગઢની ટ્રીપ તમારા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન પુરવાર થઇ શકે છે

    ૦૧-નવેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

kumbhalgarh gujarati

- સૌથી મોટા કિલ્લા તરીકે ચિતોડગઢના કિલ્લા પછી કુંભલગઢ કિલ્લો (Kumbhalgarh Fort) બીજા ક્રમે આવે
- આ કિલ્લો 36 કિલોમીટર લાંબી દિવાલથી ઘેરાયેલો છે
- ચીન પછી વિશ્વની બીજા નંબરની સૌથી લાંબી દિવાલ આ કિલ્લો ધરાવે છે
- 2013માં આ કિલ્લાને વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સ્થાન મળ્યું
- આ કિલ્લો મહારાણા પ્રતાપનું જન્મસ્થળ,
- આ કિલ્લોરાજા ઉદયસિંહના રાજ્યાભિષેક અને મહારાણા કુંભની હત્યાનો સાક્ષી રહ્યો છે
- આ જ કિલ્લામાં માતા પન્નાધાયએ ઉદયસિંહનો જીવ બચાવ્યો હતો. તેમનો પુત્ર અહીં જ વીરગતિને પ્રાપ્ત થયો હતો
 
ગુજરાતની સરહદે અડીને આવેલું રાજસ્થાન ટૂરિઝમની દ્રષ્ટિએ સમૃદ્ધ રાજ્ય છે. અહીં સીકર, સવાઇમાધોપુર, ભરતપુર, ચિતોડગઢ, જેસલમેર, અલવર, કરૌલી, ટોંક, બિકાનેર જેવા ટોપ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન આવેલા છે. જો કે, ગુજરાતીઓ અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદીઓ માટે ફરવાલાયક સ્થળોમાં માઉન્ટ આબુ, જેસલમેર, ઉદેપુર, કુંભલગઢ જેવા સ્થળો હોટ ફેવરિટ છે. દિવાળીના વેકેશનને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દિવાળીની રજાઓમાં ત્રણ- ચાર દિવસ માટે ફરવા જવાનું વિચારતા હોવ તો ઇતિહાસ, પ્રકૃત્તિ અને અધ્યાત્મ સાથે જોડી રાખતા સ્થળ તરીકે કુંભલગઢ સારો વિકલ્પ બની રહેશે.
 
વિશ્વની બીજા નંબરની સૌથી લાંબી દિવાલ કુંભલગઢમાં | Kumbhalgarh
 
વિશ્વની સૌથી લાંબી 21,196 કિલોમીટર દિવાલ ધરાવવાનો ખિતાબ ચીનને ફાળે છે. જ્યારે બીજા નંબરે કુંભલગઢ કિલ્લો 36 કિલોમીટર લાંબી દિવાલ ધરાવે છે. 2013માં યુનેસ્કો દ્વારા આ સાઇટને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો. આ કિલ્લામાં મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો.
 

kumbhalgarh gujarati 
 
કુંભલગઢ કિલ્લાની સંરચના | Kumbhalgarh Fort
 
આ કિલ્લામાં સાત મહેલ આવેલા છે. કિલ્લાની અંદર મુખ્ય ઇમારતોમાં બાદલ મહલ, વેદી મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર અને મમ્મદેવ મંદિર છે. કિલ્લાના પરિસરમાં લગભગ 360 મંદિરો આવેલા છે, જેમાંથી 300 જૈન મંદિરો છે. કિલ્લાનું નિર્માણ મેવાડના રાજા મહારાણા કુંભ દ્વારા કરવામાં આવ્યું.
 
કિલ્લાની વિશેષતા | Kumbhalgarh Fort
 
આ કિલ્લો અનેક યુદ્ધનો સાક્ષી બની ઊભો છે. આ ગઢને સર કરવો કઠિન હોવાથી વિકટ પરિસ્થિતિમાં રાજપૂત રાજાઓ અહીં શરણ લેતા. અલ્લાઉદ્દીન ખિલજી, અહમદશાહને પણ આ કિલ્લાને જીતવામાં સફળતા હાથ લાગી નહોતી. આ ભવ્ય કિલ્લાને ક્યારે યુદ્ધથી જીતી શકાયો નથી. પરંતુ મુઘલસેના દ્વારા છળકપટથી તેને પચાવી પાડવામાં આવ્યો હતો. મુઘલસેનાએ કિલ્લાના જળસ્ત્રોતમાં ઝેર ભેળવી દીધું હતું.
 
ટીકિટ કિંમત – 40 રૃપિયા
વિદેશી નાગરિક માટે 600 રૃપિયા
 
લાઇટ એન્ડ સાઉન્ડ શો | Light Show
 
કિલ્લાની અંદર દરરોજ સાંજે લાઇટ એન્ડ સાઉન્ડ શો થાય છે. સાંજે 6.45 વાગે શરૃ થતા 45 મિનિટનો આ શો કિલ્લાની સમૃદ્ધ ગાથાને વર્ણવે છે. રાતે રોશનીથી ઝળહળતા કિલ્લાને જોવો એ એક અદ્ભુત લહાવો છે.
 

kumbhalgarh gujarati 
 
નીલકંઠ મહાદેવ મંદિર  | Neelkanth Mahadev Temple
 
કિલ્લામાં આવેલું વિશાળ શિવ મંદિર નીલકંઠ મહાદેવના નામે ઓળખાય છે. આ મંદિરમાં 6 ફૂટ ઊંચુ શિવલિંગ આવેલુ છે. સ્થાનિક લોકવાયકા મુજબ, મહારાણા કુંભ એટલા ઊંચા હતા કે, તેઓ બેઠા- બેઠા શિવલિંગની ઊંચાઇ સુધી પહોંચીને દૂધનો અભિષેક કરતા.
 
મમ્માદેવ મંદિર | Mammadev Temple kumbhalgarh
 
કુંભલગઢ કિલ્લાની નીચે આવેલા આ મંદિર તેની કોતરણી કામ અને કારીગરીને કારણે પ્રસિદ્ધ છે. અહીં ધનના દેવતા કુબેરની છબી રાખવામાં આવી છે. અહીં પૃથ્વીરાજ ચૌહાણ અને રાણા કુંભની સ્મૃતિમાં બે છત્રીઓ પણ જોવાલાયક છે.
 
બાદલ મહલ | Badal Mahal Kumbhalgarh
 
બાદલ મહલ એટલે વાદળનો મહેલ . મહેલ પુરુષો અને સ્ત્રીઓ એમ બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો હતો. આ મહેલ પરથી પ્રકૃત્તિના સૌંદર્યને માણી શકાય છે.
 
વેદી મંદિર | Vedi Mandir Kumbhalgarh
 
આ ત્રણ માળનું અષ્ટકોણીય જૈન મંદિર છે. મંદિર 36 સ્તંભ પર અડીને ઊભેલું છે. મંદિરના ગુંબજ પર નકશીકામ જોવા મળે છે. અહીં પ્રવેશદ્વાર પર હાથીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. હકીકતમાં, રાણા કુંભે જૈન તીર્થયાત્રીઓના બલિદાનના સન્માનમાં આ મંદિર બંધાવ્યું હતું.
 
રાજસમંદ | Rajsamand
 
કુંભલગઢની નજીક આવેલ આ સ્થળ મુખ્ય આકર્ષણોમાંનુ એક છે. અહીં અનેક ઐતિહાસિક સ્થાપત્યો જોવા મળશે.
 

kumbhalgarh gujarati 
 
જંગલ સફારી | Jungle safari Kumbhalgarh
 
કુંભલગઢ કિલ્લો તેના ઐતિહાસિક વારસા સાથે વાઇલ્ડ લાઇફ સેન્ચુરીને કારણે પણ જાણીતું છે. અહીં રીંછ, ચિંકારા, હરણ, દીપડા, વરુ જેવા જંગલી પ્રાણીઓ તેમજ 180થી વધુ જાતના પક્ષીઓ જોવા મળે છે. અહીં જીપમાં તમે સફારીનો લુત્ફ ઉઠાવી શકો છો.
 
કેવી રીતે પહોંચશો?
 
ઉદેપુરથી 82 કિલોમીટર દૂર, 2 કલાકના અંતરે કુંભલગઢ ઉત્તર- પશ્ચિમમાં સ્થિત છે. જ્યારે અમદાવાદથી કુંભલગઢ 310 કિલોમીટર દૂર છે.
 
હવાઇ માર્ગ – અમદાવાદથી ઉદેપુર સુધી ફ્લાઇટ મારફતે પહોંચી શકાશે. ઉદેપુરથી ટેક્સીની સગવડ મળી રહેશે
 
ટ્રેનસેવા – અમદાવાદથી ફલના જતી ટ્રેન દ્વારા કુંભલગઢ જઇ શકાય છે. ફલનાથી કુંભલગઢ 66 કિલોમીટર એટલે કે 1. 15 કલાક જેટલું દૂર છે.
 
ખાનગી બસ – અમદાવાદથી કુંભલગઢની ખાનગી બસ સેવા ઉપલબ્ધ છે

જ્યોતિ દવે

જ્યોતિ દવે, છેલ્લા 10 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ અગાઉ દિવ્ય ભાસ્કર વેબ પોર્ટલ, સંદેશ અખબારમાં પણ ફરજ બજાવી ચૂક્યાં છે. હાલમાં તેઓ દૂરદર્શન સમાચાર સાથે તેમજ અનુવાદક તરીકે ફ્રિલાન્સ કામ કરી રહ્યાં છે.