...જ્યારે ઉજ્જૈનમાં ભગવાન શિવે વિષ્ણુ ભગવાનને વિધિવત રીતે સોંપી પૃથ્વીલોકની સત્તા!!!

દેવશયની અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુ ત્રણેય લોકની સત્તા ભગવાન શિવને સોંપી પાતાળ લોકમાં રાજા બલિ પાસે જાય છે અને યોગનિદ્રા ધારણ કરે છે. આ સમયે પાલક કર્તા સ્વરૃપે ભગવાન શિવ પૃથ્વીલોકની સંભાળ રાખે છે.

    ૨૮-નવેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Vaikunth Chaturdashi

વૈકુંઠ ચતુદર્શીના ( Vaikunth Chaturdashi ) દિવસે ઉજ્જૈનમાં ‘હરિ’ અને ‘હર’ના મિલનની અનોખી પરંપરા | Ujjain Hari Har Milan

 
- બંને દેવોને માળા પહેરાવીને વિધિવત રીતે કરાય છે સત્તાનું હસ્તાંતરણ
 
કારતક સુદ પૂનમ એટલે કે ‘દેવ દિવાળી’. ભારતમાં દેવ દિવાળી પર્વનું વિશેષ માહાત્મય છે. માન્યતા છે કે, દેવદિવાળીના દિવસે તમામ દેવો કાશીમાં ઉત્સવ મનાવવા આવે છે. આ જ કારણ છે કે કાશીમાં સંખ્યાબંધ દિવડાંઓ પ્રગટાવીને દેવદિવાળીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. જેને નિહાળવા દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ કાશી આવે છે. જે રીતે આજના પર્વનું કાશીમાં મહત્ત્વ છે, તે જ રીતે ઉજ્જૈનમાં કારતક સુદ ચૌદસ એટલે કે વૈકુંઠ ચતુદર્શીનું વિશેષ માહાત્મય છે. તાજેતરમાં ઉજ્જૈનમાં મહાકાલ બાબાની ધામ-ધૂમથી સવારી નીકળી. કહેવાય છે કે, વૈકુંઠ ચતુદર્શીના દિવસે ઉજજૈનમાં હરિ અને હરનું મિલન થયા બાદ તમામ દેવતાઓ સાથે દિવાળી ઉજવે છે.
 
વૈકુંઠ ચતુદર્શીના ( Vaikunth Chaturdashi ) દિવસે ભગવાન શિવ દ્વારકાધીશને સોંપે છે પૃથ્વીલોકની સત્તા!!!
ધાર્મિક નગરી ગણાતા ઉજ્જૈનમાં વૈકુંઠ ચતુદર્શીના દિવસે ભગવાન શિવને પ્રિય બિલ્વમાળા વિષ્ણુ ભગવાનને અર્પણ કરવામાં આવી તો, ભગવાન વિષ્ણુને પ્રિય વૃંદા એટલે કે તુલસીની માળા ભગવાન શિવ (મહાકાલ)ને ચઢાવવામાં આવી. માળાની આપ- લે પાછળ ધાર્મિક માન્યતા એ છે કે, દેવઉઠી એકાદશી બાદ આવતી વૈંકુઠ ચતુદર્શીના દિવસે મહાકાલ બાબા, ભગવાન દ્વારકાધીશને સૃષ્ટિનો ભાર એટલે કે પૃથ્વી લોકની સત્તા સોંપે છે. દેવશયની અગિયારસથી લઇ દેવઉઠી એકાદશી દરમિયાન ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં રાજા બલિના ત્યાં વિશ્રામ કરે છે. આથી આ સમયગાળા દરમિયાન મહાકાલ બાબા પૃથ્વીલોકની સાર- સંભાળ રાખે છે. વૈકુંઠ ચતુદર્શીના દિવસે વિધિવત રીતે માળાની આપ- લે કરીને ભગવાન શિવ ભગવાન વિષ્ણુને સત્તા સોંપી કૈલાસ પર્વત પર તપશ્ચર્યા કરવા જાય છે. આથી જ ઉજ્જૈનમાં વૈકુંઠ ચતુદર્શીનો તહેવાર હરિ-હરના મેળાપના તહેવાર તરીકે ઊજવાય છે અને રંગે-ચંગે મહાકાલ બાબા ઉજ્જૈનની સવારી કરીને ગોપાલ મંદિર પહોંચે છે.
 
વૈકુંઠ ચતુદર્શીના દિવસે ધામ-ધૂમથી મહાકાલ સવારી નીકાળવાની પરંપરા | Ujjain Hari Har Milan
 
મહાકાલેશ્વર મંદિરમાં શનિવારે 25 નવેમ્બરના રોજ વૈકુંઠ ચતુદર્શીના રાતે 11 વાગે હરિ-હરના મેળાપના ભાગરૃપે મહાકાલ ભગવાનની પાલખી નીકળી, આ સવારી મહાકાલેશ્વર મંદિર સભામંડપથી થઇ, ઉજ્જૈનના વિવિધ વિસ્તારોમાં ફરીને ગોપાલ મંદિર પહોંચી. પૂજન-વિધિ બાદ મહાકાલેશ્વર બાબા વતી બિલ્વપત્રની માળા ભગવાન દ્વારકાધીશને અર્પણ કરવામાં આવી. તો આ તરફ, વૈંકુઠનાથ ભગવાન વતી તુલસીની માળા મહાકાલ બાબાને ચઢાવવામાં આવી. આ રીતે, ભગવાન શિવએ ભગવાન વિષ્ણુને વિધિવત રીતે સત્તા સોંપી.
 
આ છે પૌરાણિક કથા
 
રાજા બલિએ ઇન્દ્ર પાસેથી સ્વર્ગની સત્તા છીનવીને તેનો કબજો મેળવ્યો. આથી ઇન્દ્રદેવે ભગવાન વિષ્ણુ પાસે મદદ માગી. ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરી રાજા બલિ પાસે દાન માંગ્યું. તેમણે બલિ રાજા પાસે ત્રણ ડગલાં જમીન માંગી. બે ડગમાં ધરતી અને આકાશ જ્યારે ત્રીજા પગમાં રાજા બલિએ પોતાનું મસ્તક ધરી દીધું. આ રીતે ભગવાન વિષ્ણુએ ત્રણે લોકને મુક્ત કરીને ઇન્દ્રદેવનો ભય દૂર કર્યો. જ્યારે બલિરાજાના દાનથી ખુશ થઇ તેમને વરદાન માંગવા કહ્યું. બલિરાજાએ ભગવાન વિષ્ણુને પાતાળલોકમાં પોતાની જોડે આવવા વિનંતી કરી.
 
બલિ રાજાની ઇચ્છાને માન આપી ભગવાન વિષ્ણુ તેમની સાથે ગયા. બલિ રાજા પાસેથી ભગવાન વિષ્ણુને પરત લાવવા લક્ષ્મી માતાએ યુક્તિ કરી. તેમણે બલિરાજાને રાખડી બાંધી અને ભેંટ સ્વરૃપે ભગવાન વિષ્ણુને પરત માંગ્યા. બલિરાજાએ રાજીખુશીથી ભગવાન વિષ્ણુને જવા સંમતિ આપી. જો કે, બલિરાજાના વચનનું માન રાખવા ભગવાન વિષ્ણુએ ચાર મહિના પાતાળલોકમાં રહેવા વચન આપ્યું. આમ દેવશયની અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુ ત્રણેય લોકની સત્તા ભગવાન શિવને સોંપી પાતાળ લોકમાં રાજા બલિ પાસે જાય છે અને યોગનિદ્રા ધારણ કરે છે. આ સમયે પાલક કર્તા સ્વરૃપે ભગવાન શિવ પૃથ્વીલોકની સંભાળ રાખે છે.

જ્યોતિ દવે

જ્યોતિ દવે, છેલ્લા 10 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ અગાઉ દિવ્ય ભાસ્કર વેબ પોર્ટલ, સંદેશ અખબારમાં પણ ફરજ બજાવી ચૂક્યાં છે. હાલમાં તેઓ દૂરદર્શન સમાચાર સાથે તેમજ અનુવાદક તરીકે ફ્રિલાન્સ કામ કરી રહ્યાં છે.