અંજની ગૌતમઋષિનાં પુત્રી હતાં. આકાશગંગા તીર્થની ઉપર પવનદેવની આરાધના કરવાથી તેમને મારુતિ (હનુમાનજી) જેવો શક્તિશાળી અને તેજસ્વી પુત્ર પ્રાપ્ત થયો હતો.
દશરથ રાજાની ત્રણ પત્નીઓ - કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયીના હાથોમાં યજ્ઞદેવે જે પ્રસાદ આપ્યો હતો, તેમાંનો કેટલોક ભાગ પંખી લઈ ગયેલું. તેમાંથી પણ કેટલોક ભાગ જમીન પર પડવા લાગેલો, તે પ્રસાદ અંજનીએ ગ્રહણ કર્યો, જેને પરિણામે હનુમાન જેવા આકાશમાં ઊડી શકે, દૂરદૂર સુધી, (સમુદ્રની પણ પેલે પાર) જઈ શકે તેવા અપાર શક્તિસંપન્ન પુત્ર પ્રાપ્ત થયેલા.
અંજની દેવીના સ્તનના દૂધમાં એવી તાકાત હતી કે, તેની સેર જો કોઈ પાષાણ પર પડે, તો તે પાષાણની આરપાર જતું રહેતું! આવું દૂધ પીને ઉછરેલા અંજનીપુત્ર વજ્રદેહી હનુમાન બનેલા, જેઓ એક પરમ રામભક્ત હતા.
જન્મ મળતાં જ, હનુમાનજી એકવાર આકાશને આંબીને છેક સૂર્યદેવ પાસે, તેને ગળી જવા ગયેલા! શ્રી રામચંદ્રજીના પૂર્ણપણે સેવાકાર્યમાં રહેલા હનુમાનજીમાં અનેક ગુણો વિદ્યમાન હતા. તેમની શ્રીરામ પ્રત્યેની સ્વામીભક્તિની નિષ્ઠા, તેમનું સાહસ, શૌર્ય, બ્રહ્મચર્ય વ્રત વગેરે ગુણો ખરેખર શ્રેષ્ઠ હતા. માતા અંજનીએ તેમના પુત્ર હનુમાનજીને આપેલા સંસ્કારો, શિક્ષા-ઘડતર વગેરે આપણે ભૂલી શકીએ તેમ નથી. તેથી જ માતા અંજની શ્રેષ્ઠ નારી હતાં. પુત્રની સાથે સાથે તેમને પણ વંદન!