વિશ્વવસુનાં પુત્રી મદાલસા | Madalasa - daughter of Vishvasu

06 Nov 2023 15:44:27
 
Madalasa - daughter of Vishvasu
 
 
વિશ્વવસુનાં પુત્રી મદાલસા | Madalasa - daughter of Vishvasu
 
 
સ્વામીની વિનંતીને માન્ય રાખીને મદાલસાએ અલર્કને આદર્શ ગૃહસ્થાશ્રમનું શિક્ષણ આપવા માંડ્યું. તે ઉંમરલાયક થતાં ઋતુધ્વજ અને મદાલસાએ તેનો રાજ્યાભિષેક કરાવ્યો.
 
સતી મદાલસા ગંધર્વરાજ વિશ્વવસુનાં પુત્રી હતાં. પૃથ્વીલોક પર વિચરણ કરતી વખતે પાતાળકેતુ નામના દૈત્યએ તેમનું હરણ કર્યું હતું. ત્યારે પૃથ્વીલોકના મહાન રાજા શત્રુજિતના રાજકુમાર ઋતુધ્વજે પાતાળકેતુનો વધ કરી તેમની સાથે વિવાહ કર્યા હતા. સ્વભાવે ધર્મરક્ષક એવા ઋતુધ્વજ થોડા દિવસો બાદ પિતા શત્રુજિતની આજ્ઞાથી દેવાંશી અશ્વ કુલવયને લઈ ઋષિમુનિઓને રાક્ષસોના ત્રાસમાંથી મુક્ત કરાવવા જવા નિકળ્યા. રાણી મદાલસાએ ઋતુધ્વજને મણીયુક્ત બાજુબંધ બાંધતાં કહ્યું કે, `આ બાજુબંધ છે ત્યાં સુધી કોઈપણ શત્રુ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. પરંતુ એક તલકેતુ નામના દાનવે ઋષિનો વેશ ધારણ કરી કપટપૂર્વક ઋતુધ્વજ પાસેથી તે મણી દાનમાં માંગી લીધો અને મુનિવેશમાં જ શત્રુઘ્નજિતની રાજધાની પહોંચી ઋતુધ્વજ દાનવો સાથેના યુદ્ધમાં બલિદાની થયા છે એવા ખોટા સમાચાર આપ્યા. પતિના મૃત્યુના આઘાતમાં રાણી મદાલસાએ પણ પોતાનો દેહ છોડ્યો.'
 
પોતાનો ઉદ્દેશ્ય સાધવા મુનિના વેશમાં આવેલો તલકેતુ કોઈને કાંઈ કહ્યા કારવ્યા વગર ત્યાંથી છૂમંતર થઈ ગયો. યમુનાના જળમાં પ્રવેશ કરીને ફરીથી તે પોતાના આશ્રમમાં આવી પહોંચ્યો. તેણે ઠંડે પેટે કુમાર ઋતુધ્વજને કહ્યું, કુમાર યજ્ઞની તૈયારીઓ કરવામાં હજુ વખત લાગશે. એટલે બધી તૈયારીઓ કર્યા પછી હું તમને તેડું મોકલીશ. ત્યાં સુધીમાં આપ આપના માતા-પિતાની રજા લઈ આવો.
 
ઋતુધ્વજને તાલકેતુનાં કરતૂતોની કંઈ જ ખબર નહોતી. તે તો વારુ કહીને ભોળે ભાવે પોતાના નગરમાં પાછો ફર્યો. પાછા ફરતાં જ મોકાણના સમાચાર તેને મળ્યા. સૌથી વધુ તેને પોતાની પ્રિય અને સતી-સાધ્વી પત્ની મદાલસાનો વિયોગ સાલવા માંડ્યો.
 
એ પછી કુમાર પહેલાંની જેમ બધું કામકાજ કરતો, પણ કોઈ દિવસ બીજા લગ્નનું નામ લેતો નહીં. દિવસો વીતતા ગયા, તેમ તેમ બીજાઓને તો ઠીક પણ કુમારનાં માતાપિતાથી કુમાર આટલી નાની ઉંમરે વિધુર બનવા છતાં બીજા લગ્ન ન કરે તે સહન થઈ શક્યું નહીં. તેમણે બીજું લગ્ન કરવા ઋતુધ્વજને ઘણો આગ્રહ કર્યો, પરંતુ તે આ વાત કાને ધરતો જ નહીં.
 
આ જ અરસામાં નાગલોકના રાજા અશ્વતરના બે કુંવરો પૃથ્વીલોકમાં ફરતાં ફરતાં રાજા શત્રુજિતના મહેમાન બન્યા. રાજાએ પોતાની વ્યથા તેઓને કહી સંભળાવી. નાગકુમારોએ ઋતુધ્વજના પત્ની મદાલસાને પુનઃજીવિત કરવાની પ્રતિજ્ઞા લીધી.
નાગકુમારો પોતાના નાગરાજ્યમાં ગયા અને પોતાની પ્રતિજ્ઞાની બધી વાત પોતાના પિતા નાગરાજ અશ્વતરને કરી. નાગરાજ બોલ્યા, હિમાલયની તળેટીમાં પ્લક્ષાવતરણ નામનું તીર્થ છે. તેમાં મૃત્યુંજય મહાદેવનું મોટું મંદિર છે. આપણી સંગીતની સાધનાથી આપણે જો મૃત્યુંજય મહાદેવને પ્રસન્ન કરીશું તો મૃત્યુ પામેલી મદાલસાને મૃત્યુંજય મહાદેવ જરૂર સજીવન કરશે.
 
નાગકુમારોએ સંગીત સાધનાથી મહાદેવને પ્રસન્ન કરી મદાલસાને સજીવન કર્યા અને ઋતુધ્વજ સાથે પુનઃમિલન કરાવડાવ્યું.
કેટલોક કાળ વીત્યા પછી રાજા શત્રુજિતનો સ્વર્ગવાસ થયો. ઋતુધ્વજ બન્યા રાજા અને મદાલસા બન્યાં રાણી. મદાલસાની કૂખે પ્રથમ પુત્ર પ્રસવ્યો. ઋતુધ્વજે તેનું નામ પાડ્યું વિક્રાંત. આવું નામ સાંભળી મદાલસાને હસવું આવ્યું હતું. એ પછી કાળક્રમે મદાલસાએ બીજા પુત્રોને જન્મ આપ્યા. તેમનાં નામ અનુક્રમે સુબાહુ અને શત્રુમર્દન પાડવામાં આવ્યાં. આ નામો પર પણ મદાલસા હસી હતી. પોતાના આ ત્રણે પુત્રોને જ્ઞાની મદાલસાએ બાળપણથી જ આત્મ-બ્રહ્મજ્ઞાનનું ધાવણ ધવડાવ્યું હતું. મોટા થતાં આ ત્રણે કુમારોએ પોતાની માતા મદાલસાના શિક્ષણને દીપાવ્યું. સંસારનો ત્યાગ કરીને મહાન વિરક્ત સંન્યાસી બન્યા.
 
યથાસમયે રાણી મદાલસાએ ચોથા કુમારને જન્મ આપ્યો. આ વખતે રાજા ઋતુધ્વજ તેનું નામ પાડવા ગયા. ત્યારે પણ મદાલસા દર વખતની જેમ હસવા લાગી. આથી રાજાએ કહ્યું, `રાણી, જ્યારે જ્યારે હું આપણા કુમારનું નામ પાડવા જાઉં છું ત્યારે ત્યારે તમે હસો છો. માટે આ વખતે તો કુમારનું નામ તમે જ પાડો.'
 
મદાલસા બોલીઃ `નાથ, જેવી તમારી આજ્ઞા, હું તેનું નામ અલર્ક પાડું છું.'
 
અલર્ક જેવું વિચિત્ર નામ સાંભળી રાજા ઋતુધ્વજ ખડખડાટ હસવા લાગ્યા અને કહ્યું, રાણી આ અલર્ક વળી કેવું નામ? તેનો કંઈ અર્થ થતો હોય એમ મને લાગતું નથી.
 
જ્ઞાની મદાલસા બોલી, રાજન, આપની વાત સાચી છે, અલર્કનો કોઈ અર્થ નથી અને નામમા અર્થની જરૂર પણ શી છે? નામ શા માટે પાડવામાં આવે છે? સંસારમાં વ્યવહાર ચલાવવા માટે, ઓળખ માટે નામ તો એક સંજ્ઞા માત્ર છે, તેનો કોઈ અર્થ નથી. આપે આપના કુમારોનાં જે નામ રાખ્યાં છે તે પણ નિરર્થક છે. પહેલા કુમારનું નામ આપે વિક્રાંત પાડ્યું. વિક્રાંતના અર્થ પર વિચાર કરો. ક્રાંતિનો અર્થ ક્રમ ધાતુ પરથી ગતિ થાય છે અને જે એક સ્થાનથી બીજા સ્થાને જાય તે વિક્રાંત કહેવાય, પરંતુ આત્મા તો સર્વવ્યાપક છે, એટલે તેને અહીંતહીં અવરજવર કરવાની ગતિ કરવાની શી જરૂર? એટલે કુમારનું એ નામ કેટલું જૂઠું છે તે આપ સમજી શકશો. બીજા કુમારનું આપે સુબાહુ નામ આપ્યું છે. જ્યાં આત્મા જ નિરાકાર છે, ત્યારે તેને બાહુ ક્યાંથી હોઈ શકે? જ્યાં બાહુ જ નથી ત્યાં સુબાહુ નામ રાખવું કેટલું અસંગત છે? ત્રીજા કુમારનું નામ શત્રુમર્દન પાડ્યું છે, તેની પણ કોઈ સાર્થકતા નથી જ્યાં સર્વ પ્રાણીઓમાં એક જ આત્મા વિલસી રહ્યો છે ત્યાં આપણો શત્રુ કોણ? પછી શત્રુને મર્દન કરવાની વાત ક્યાંથી ઉદ્ભવે? મેં આગળ કહ્યું તેમ સંસારમાં વ્યવહાર ચલાવવા પૂરતો જ નામ પાડવાનો ઉદ્દેશ છે, તો પછી અલર્ક એવા નિરર્થક નામથી પણ એ ઉદ્દેશ ખુશીથી સરી શકે તેમ છે. આપ જ્યારે કોઈ વિશિષ્ટ અર્થવાળું નામ પાડતા હતા, ત્યારે મને આટલા માટે હસવું આવતું હતું. એ વાત હવે આપના ખ્યાલમાં આવી ગઈ હશે.
 
રાજા ઋતુધ્વજ પણ પોતાની જ્ઞાની પત્નીના આવા ઉત્તમ બ્રહ્મજ્ઞાન ઉપર મુગ્ધ બન્યો, આમ છતાં એક વાતનું તેને બહુ લાગી આવતું હતું. તે એ કે, પોતાની માતા પાસેથી આવો બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ મળવાથી તેના મોટા ત્રણે કુમારો આ અસાર સંસારનો ત્યાગ કરી ચાલ્યા ગયા હતા. રાજાને થતું હતુંઃ
 
આ ચોથા કુમાર અલર્કને પણ જો મદાલસા આવો ઉપદેશ આપશે અને એ ઉપદેશ સાંભળીને આ ચોથો કુમાર પણ સંસારનો ત્યાગ કરશે, તો મારા પછી મારી રાજગાદી કોણ સંભાળશે?
 
આ વિચારે તેણે મદાલસાને વિનંતી કરીઃ રાણી, આપણા ત્રણ કુમારોને તમે બ્રહ્મજ્ઞાનનું અમૃત પાઈને વૈરાગી બનાવ્યા. એક રીતે એ સાચું પણ છે, પરંતુ મારા પછી હવે રાજગાદી સંભાળશે કોણ? માટે કૃપા કરીને આ ચોથા પુત્ર અલર્કને આપ ગૃહસ્થાશ્રમધર્મના પાઠ ભણાવો તો સારું.
 
મદાલસા રાજા ઋતુધ્વજની વાત સમજતી હતી. વળી છેવટે ઋતુધ્વજ તેના સ્વામી હતા, એટલે સ્વામીની વિનંતીને માન્ય રાખીને મદાલસાએ અલર્કને આદર્શ ગૃહસ્થાશ્રમનું શિક્ષણ આપવા માંડ્યું. તે ઉંમરલાયક થતાં ઋતુધ્વજ અને મદાલસાએ તેનો રાજ્યાભિષેક કરાવ્યો અને તેને રાજગાદી સોંપીને બંને પતિ-પત્ની વર્ણાશ્રમધર્મને અનુસરીને વનમાં તપશ્ચર્યા કરવા ચાલ્યાં ગયા.
 
આ પ્રમાણે મહાસતી મદાલસાએ પોતાના ચારે પુત્રોનો ઉદ્ધાર કરીને પોતે પણ પતિ સાથે પરમાત્મચિંતનમાં ચિત્ત પરોવ્યું અને થોડા જ સમયમાં તે મોક્ષસ્વરૂપ પરમપદને પ્રાપ્ત થયાં.
 
Powered By Sangraha 9.0