દૈત્યરાજા જાલંધરનાં પત્ની તુલસી-વૃંદા | Tulsi Katha

સતી વૃંદાને જ્યારે સાચી હકીકતની ખબર પડી કે, દેવોના દેવ વિષ્ણુએ તેની સાથે છળ કપટ કર્યું છે ત્યારે તેને ખૂબ આઘાત લાગ્યો. તેણે ખૂબ આક્રંદ મચાવ્યું અને ભગવાનને શાપ આપ્યો કે તે શિલા- પથ્થર બની જાય.

    ૦૬-નવેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

 Tulsi Katha
 
તમે અને લક્ષ્મીજી એ દુષ્ટ દૈત્યને વશ થઈ કેમ તેને ત્યાં વસો છો? અને એ દુષ્ટને ઉછરંગ આપો છો. દુષ્ટને ઉત્તેજન આપવાથી તો તે ઊલટો વધારે દુષ્ટ બને છે અને પોતાના જાતિસ્વભાવ પ્રમાણે પોતાનું પ્રિય કરનારનું પણ બૂરું કરવાનું ચૂકતો નથી.
જલંધરના દૈત્યરાજાની સાથે મહાપતિવ્રતા વૃંદાજીના વિવાહ થાય છે. જાલંધર તો કુટિલ સ્વભાવનો, ક્રોધી અને કામી હતો, પણ તેણે પોતાની સ્ત્રીના સતીત્વના બળથી દેવોને હરાવી વશ કર્યા હતા. તેણે દેવો પર ઘણો જુલમ કર્યો. તેથી સર્વ દેવોએ મળી વિષ્ણુ ભગવાનની આરાધના કરી. શ્રી વિષ્ણુએ આવી તેમને અભય વચન આપી કહ્યું કે, `એ દૈત્ય વૃંદાના સતીત્વના જોરે જીત મેળવી રહ્યો છે પરંતુ તેને હું યુક્તિથી યુદ્ધમાં મારીને તમને સુખી કરીશ.
 
આ પ્રમાણે કહી શ્રી વિષ્ણુ ભગવાને દેવો સહિત એ જાલંધર દૈત્ય સાથે યુદ્ધ કર્યું. યુદ્ધ કરતાં ઘણા વર્ષ વીતી ગયાં, પણ તેમાં કોઈ પાછું હટે એવું જણાયું નહીં. શ્રી વિષ્ણુ દૈત્યનું યુદ્ધબળ જોઈ ઘણા પ્રસન્ન થયા અને વરદાન માગવા જણાવ્યું. તે પરથી એ દૈત્યે માગ્યું કે, `તમો લક્ષ્મીજી સાથે મારે ત્યાં આવી રહો.'
 
શ્રી વિષ્ણુ સર્વ વેર છોડી દઈ, લક્ષ્મીજી અને સર્વ દેવો સહિત તેને ઘેર રહ્યા. બ્રહ્માજી, વિષ્ણુજી અને સર્વ રિદ્ધિસિદ્ધિ તેને ત્યાં આવી મળવાથી તેને ઘણું સુખ પ્રાપ્ત થયું. આ પ્રમાણે તેણે ઘણાં વર્ષ વૈભવ ભોગવ્યો.
 
એક સમયે નારદ મુનિએ યુક્તિ રચી. એ દૈત્યને દ્વાર આવીને કહ્યું કે, `દૈત્ય રાજન! મેં જેવી શિવ કૈલાસની શોભા જોઈ છે, તેવી જ તારા શહેરની શોભા છે. આ જોઈ હું ઘણો ખુશ થયો છું, પરંતુ શંકરનાં સ્ત્રી પાર્વતીજી જેવાં સ્વરૂપવાન છે. તેવી સ્ત્રી મેં ચૌદ લોકમાં પણ કોઈ સ્વરૂપવાન જોઈ નથી. તારી સ્ત્રી વૃંદા તો તે પાસે કશા લેખામાં નથી.'
 
એટલું કહી નારદ મુનિ ત્યાંથી ચાલી નીકળ્યા, દૈત્યરાજન મૂર્ખ અને કામાંધ હતો. વળી દેવો તેને ત્યાં આવીને રહ્યા હતા તેથી તો તે ઘણો જ ફૂલાઈ ગયો હતો. તે તો સતી પાર્વતીજીને મેળવવા આકુળ-વ્યાકુળ થયો. ભગવાન શંકર અને પાર્વતીજીની કેવી શક્તિ છે, તે એ મૂર્ખ જાણતો નહોતો.
 
પોતાના પતિની આવી દુષ્ટભાવના વિશે સતી વૃંદાને ખબર પડતાં તેણે પતિને સમજાવતાં કહ્યું, `પ્રાણનાથ! એ સતી સાક્ષાત્‌‍ શક્તિસ્વરૂપ છે, તેના સતીત્વનો પ્રભાવ પૃથ્વીમાં પ્રસિદ્ધ છે. એ તમારી કે કોઈની તાબે થાય એમ નથી. એનું સતીત્વ ભંગ કરવા ત્રૈલોક્યમાં પણ કોઈ સમર્થ નથી. તો તમારો તે વળી શું ગજું. માટે આવો દુષ્ટ વિચાર કરશો નહીં. જો મારું કહ્યું નહીં માનો તો આપનું ઘણું અનિષ્ટ થશે.'
 
એ પ્રમાણે કહી સતીએ ઘણું ઘણું સમજાવ્યું પણ એ દુષ્ટ માન્યો નહીં. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ - એ પ્રમાણે એ દૈત્યને અવળું સૂઝ્યું. તેણે તરત એક દૂતને બોલાવ્યો અને કહ્યું કે, `તું શંકર પાસે જઈ કહે કે એ પાર્વતી આપને યોગ્ય નથી. એ તો જાલંધરને યોગ્ય છે. માટે તેને મારી સાથે મોકલો નહીં તો યુદ્ધ કરવા તૈયાર થાઓ. અગર કૈલાસ છોડી ચાલ્યા જાઓ.'
આ પ્રમાણે દૂતે ભગવાન શંકર પાસે આવીને વાત કરી. વાત સાંભળી શંકર ભગવાન અત્યંત ક્રોધિત થયા અને દૂતનો શિરચ્છેદ કરવા હુકમ કર્યો. આથી દૂત આજીજી કરવા લાગ્યો કે, `પ્રાણનાથ! એમાં મારો કંઈ અપરાધ નથી. માટે મને કૃપા કરી છોડી મૂકો.'
 
ભગવાન શંકરે દયા કરી તેને છોડી મૂક્યો. તે તરત જ ત્યાંથી ભાગીને જાલંધર પાસે આવ્યો અને ભગવાન શંકરની શક્તિની વાત કરતાં કહ્યું કે, `રાજન! શંકરની શક્તિ અદ્ભૂત છે માટે તમે એ વિચાર માંડી વાળો. નહીં તો આમાંથી વિપરીત થશે.'
આ સાંભળી દૈત્યરાજન ક્રોધાંધ થયો. તરત તેણે ભગવાન શંકર સામે શુંભ-નિશુંભને લઈ લડવાની તૈયાર કરી. કૈલાસ પાસે આવ્યો. અને ભગવાન શંકરે પણ એમની સાથે યુદ્ધ કરી તેમને પાછા હટાવ્યા.
 
આ પછી દૈત્યએ પાર્વતીજીને પામવા બીજી અનેક યુક્તિઓ કરી. એક વખત શિવજીને મોહમાં નાંખવાનો પ્રપંચ પણ આદર્યો. અને પાર્વતીજીને છળવા શિવજીનો વેશ ધારણ કરી શિવમંદિરના દ્વારમાં જઈ ઊભો.
 
પરંતુ પાર્વતીજીને એ છળની જાણ થઈ ગઈ કે, એ દુષ્ટ વેશધારી દૈત્ય છે. એ પછી તેમણે ક્રોધથી ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું એટલે તરત જ ત્યાંથી દૈત્ય જીવ લઈ ભાગ્યો. તેટલામાં ભગવાન વિષ્ણુએ આવી પૂછ્યું કે, `સતી! મને કેમ બોલાવ્યો?'
 
સતીએ દૈત્યની સમગ્ર વાત કરીને ઠપકાનાં સૂરમાં ભગવાન વિષ્ણુને કહ્યું કે, `હે દેવ, તમે અને લક્ષ્મીજી એ દુષ્ટ દૈત્યને વશ થઈ કેમ તેને ત્યાં વસો છો? દુષ્ટને ઉત્તેજન આપવાથી તો તે ઊલટો વધારે દુષ્ટ બને છે અને પોતાના સ્વભાવ પ્રમાણે પોતાનું પ્રિય કરનારનું પણ બૂરું કરવાનું ચૂકતો નથી. માટે એને ઉત્તેજન આપવાનું શું કારણ છે? દાનવને વશ થવાનું કાંઈ કારણ હોવું જોઈએ. આ દુષ્ટ અજર-અમર કરવા લાયક નથી. એ અધમ પાપીનો તરત નાશ કરો.'
 
પાર્વતીજીનાં આવાં વચન સાંભળી ભગવાન શ્રી વિષ્ણુએ કહ્યું, `સતી પાર્વતીજી! આપને છળ કરનાર એ દુષ્ટનો હું હમણાં નાશ કરીશ. એ દૈત્ય ઘણો પાપી છે એ હું જાણું છું. પણ હું તેને મારી નહીં શકવાથી વશ થયો છું. તેનું કારણ એ છે કે તેની સ્ત્રી વૃંદા સતી છે. તેના સતીત્વબળથી સર્વ દેવો ડરતા રહે છે. તમે જાણો છો કે, સ્ત્રીનું પતિવ્રત એ એક ઉત્તમ ધર્મ છે. પતિવ્રતાના પુણ્ય પ્રતાપથી સઘળાં પાપો નાશ પામે છે. પતિવ્રતા વ્રતના પુણ્યથી તે પોતાના પતિને મહાબળ આપે છે. એટલું જ નહીં પણ સતી સ્ત્રી પોતે તરી પોતાના પતિને પણ તારે છે. સતી વૃંદાના સતીત્વથી એ દુષ્ટ ઘણું જોર અને સુખ પામ્યો છે. તેને કોઈ દેવ પહોંચી નહીં શકવાથી સર્વ તેને વશ થયા છે. હે પાર્વતીજી એટલે એ સતીનું વ્રત ભંગ તરત એ અસુરનો ઘાત થશે.'
 
આમ ભગવાનના કહ્યા મુજબ જાલંધરનો વધ કરવો મુશ્કેલ હતો, કેમ કે જાલંધરની પત્ની સતી વૃંદા અત્યંત પતિવ્રતા અને ધર્મપરાયણ હતાં. એના પતિવ્રત ધર્મની શક્તિ અને પુણ્યથી જાલંધરને મારી શકાતો નહોતો કે યુદ્ધમાં હરાવી પણ શકાતો નહોતો. એટલે સતી વૃંદાનો પતિવ્રતા ધર્મ ખંડિત થાય તો જ એ શક્ય બને એમ હતું.
 
પણ શ્રી હરીના આમ જણાવ્યા બાદ પાર્વતીજીએ તેમને આનો કોઈ ઉકેલ કરવાની વિનંતી કરી. એ પછી દેવોએ પણ શ્રી હરીને વિનંતી કરી. દેવોના કહેવાથી ભગવાન વિષ્ણુએ એ માટે યોજના કરી. તે એક ઋષિનું રૂપ ધારણ કરી સતી વૃંદા પાસે આવ્યા. ભગવાને પોતાની માયાથી બે રાક્ષસો ઉત્પન્ન કરી તેમનો વધ કર્યો. એમની શક્તિ જોઈ સતી વૃંદાએ કૈલાસ પર્વત પર શિવજી સાથે યુદ્ધ કરી રહેલા પોતાના પતિ જાલંધર વિશે પૂછયું. તેમણે ફરીથી પોતાની માયા થકી બે વાનર પ્રકટ કર્યા. એક વાનરના હાથમાં જાલંધરનું માથુ હતું અને બીજાના હાથમાં એનું ધડ. આ જોઈ સતી વૃંદા મૂર્છિત થઈ ગઈ. ભાનમાં આવતાં તેણે ઋષિને વિનંતી કરી કે, તે તેમના યોગબળથી તેના પતિને જીવિત કરી દે.
 
ભગવાને પોતાની માયાથી જાલંધરનું મસ્તક અને ધડ જોડી દીધાં. પછી ભગવાન વિષ્ણુ તે જાલંધરના શરીરમાં પ્રવેશી ગયા. સતી વૃંદાને તો એમ જ લાગ્યું કે આ તેના પતિ જાલંધર છે. માયાથી જાલંધર બનેલા ભગવાન વિષ્ણુ સાથે વૃંદા પત્ની તરીકેનો વ્યવહાર કરી દાંપત્ય સુખ માણવા લાગી. એનાથી એના સતીત્વનો ભંગ થયો. સતીનું તેજ જતું રહેવાથી તેના બળે યુદ્ધમાં જીતતો અને સદા જીવતો જાલંધર હારી ગયો અને દેવોના હાથે મરણ પામ્યો.
 
સતી વૃંદાને જ્યારે સાચી હકીકતની ખબર પડી કે, દેવોના દેવ વિષ્ણુએ તેની સાથે છળ કપટ કર્યું છે ત્યારે તેને ખૂબ આઘાત લાગ્યો. તેણે ખૂબ આક્રંદ મચાવ્યું અને ભગવાનને શાપ આપ્યો કે તે શિલા- પથ્થર બની જાય.
 
ભગવાન વિષ્ણુએ તેના આક્રંદને શાંત કરતાં તેને આશ્વાસન આપતાં કહ્યું કે, `હે તુલસી (વૃંદા) આપ મારા માટે લક્ષ્મીથી પણ વધારે પ્રિય બની ગયાં છો. હવે આપ તુલસી સ્વરૂપે સદાય મારી સાથે જ રહેશો. મારી પૂજા તમારા થકી જ થશે. આમ મારું આસન બનશો. તારા પત્ર પર શાલિગ્રામ પથ્થર રૂપે સદા બિરાજમાન થશે. જે મનુષ્ય તારાં મારી સાથે લગ્ન કરાવશે તેનું દાંપત્યસુખ અક્ષુણ્ણ રહેશે. તે દંપતી એકમેકને નિત્ય પ્રિય રહેશે. તેમનો એકબીજા માટેનો પ્રેમ નિરંતર વધતો જ રહેશે. તે મારી કૃપાના અધિકારી બની સંસારના તમામ સુખ, સંપતિ, સમૃદ્ધિ પણ પ્રાપ્ત કરશે.'
 
પરંતુ પતિના વિરહથી વ્યથિત થયેલી વૃંદાએ સતી બની ત્યાં જ શરીરનો ત્યાગ કરી દીધો. પછી તો વૃંદા સતી જ્યાં બળીને ભસ્મ થઈ ગયા ત્યાં તેમણે તુલસીના છોડ રૂપે જન્મ લીધો.
 
ભગવાન વિષ્ણુએ તેમને પોતાની પ્રાણપ્રિયા બનાવવા અને તેમના એ તુલસીરૂપ સાથે વિવાહ કરી અનેક વરદાન આપ્યાં. તે જ તુલસીએ પુનઃઅવતાર ધારણ કરી રુકિમણી રૂપે ભગવાન શ્રીકૃષ્ણ સાથે લગ્ન કર્યા.
 
આમ, વિષ્ણુપ્રિયા સતી વૃંદા તુલસીનો મહિમા અપરંપાર છે. ભગવાન વિષ્ણુએ સ્વયં એમની પત્ની લક્ષ્મી કરતાંય વધારે મોટો દરજ્જો તુલસીજીને આપ્યો છે. આપણા શાસ્ત્રો કહે છે કે, તુલસીજી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય હોવાથી અને તેમના થકી વરદાન પામેલ હોવાથી મહાપાતકનાશિની અને મોક્ષ પ્રદાયિની છે.
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...