કર્દમ મુનિનાં ધર્મપત્ની અનસૂયા | Ansuya Mata

અનસૂયાદેવી તો દયાનો સાગર હતાં. પતિવિરહથી પતિવ્રતા સ્ત્રીનું હૃદય કેવું કારમું દુઃખ અનુભવે છે તેની તેમને બરાબર ખબર હતી.

    ૦૬-નવેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Ansuya Mata 
 
 
કર્દમ મુનિનાં ધર્મપત્ની અનસૂયા | Ansuya Mata
 
અનસૂયાદેવી ઊઠ્યાં અને પવિત્ર જળની અંજલિ લઈને વેશધારી ત્રણે દેવો પર પાણી છાંટ્યું. સતીના સતીત્વના પ્રભાવથી એ ત્રણે દેવો નવજાત બાળક જેટલા નાના સ્વરૂપમાં ફેરવાઈ ગયા.
 
પવિત્ર ભરત ભૂમિની સતીસાધ્વી સ્ત્રીઓમાં સતી અનસૂયાનું સ્થાન ઘણું ઊંચું છે, એટલે તો તેઓ સતી નહીં, પરંતુ મહાસતી `અનસૂયા'ના નામે લોકોના હૃદયમાં અનેરું સ્થાન પામ્યાં છે.
 
અનસૂયા દેવીનો જન્મ અત્યંત સંસ્કારી કુટુંબમાં થયો હતો. ખૂબ જ પવિત્ર અને વિદુષી દેવી દેવતિને કૂખે તેમણે જન્મ લીધો હતો. બ્રહ્મર્ષિ કર્દમમુનિ તેમના પિતા થાય, સાંખ્યશાસ્ત્રના રચયિતા અને મહાન તત્ત્વવેત્તા કપિલમુનિ તેમના ભાઈ થાય.
અનસૂયાને બીજી આઠ બહેનો હતી. એ નવેય બહેનોમાં અનસૂયાની વાત ન્યારી હતી. બાલ્યકાળથી જ પોતાના નામ અનસૂયા પ્રમાણે અસૂયા એટલે કે ઈર્ષ્યાનો તો છાંટો પણ તેમનામાં નહોતો.
 
તેમણે વાલ્મિકી મુનિ અને અગસ્ત્ય મુનિ પાસે વેદો પુરાણોનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ પૂર્ણ થયા બાદ તેઓ ઉંમરલાયક થતાં મહર્ષિ અત્રિ સાથે તેમના વિવાહ થયા. યથાસમયે તેઓ સાસરે ગયાં. સાસરામાં પોતાના પતિ અત્રિ મુનિની સર્વ પ્રકારે સેવા ઉઠાવવાના કાર્યને, પતિવ્રતાધર્મને વરેલાં અનસૂયાદેવીએ પોતાનું જીવનકર્તવ્ય માન્યું હતું.
 
એકવાર અત્રિ મુનિ આશ્રમના એકાંતમાં યોગાભ્યાસ કરવામાં ગૂંથાયા હતા. યોગાભ્યાસ લાંબા સમય સુધી ચાલ્યો. યોગાભ્યાસ દરમિયાન સમાધિમાં અત્રિ મુનિ એવા તો લીન થઈ જતા હતા કે, પોતાની આજુબાજુ શું ચાલી રહ્યું છે તેનું ભાન સરખું પણ તેમને નહોતું રહેતું. એવામાં એ પ્રદેશમાં ભયંકર દુકાળ પડ્યો. પરંતુ તેનું કાંઈ ભાન અત્રિ મુનિને રહ્યું નહીં. દુકાળને લીધે આશ્રમના બધા અંતેવાસીઓ એક પછી એક અત્રિ મુનિને તજીને ચાલ્યા ગયા. આશ્રમમાં માત્ર અનસૂયા દેવી જ તેમની સેવામાં રહ્યાં હતાં. તેઓ એમ જ માનતાં કે જ્યાં પતિ ત્યાં સતી, જ્યાં કાયા ત્યાં છાયા. અહીં પહેલાં અનાજની તંગી સર્જાઈ અને પછી પાણીની.
 
હવે અનસૂયાને વિચાર આવ્યો કે, પોતાના પતિદેવ સમાધિમાંથી જાગશે ત્યારે પાણી વગર તેમનું શું થશે? આ વિચારે તેઓ આગળ ને આગળ ચાલવા લાગ્યાં. છેવટે નિરાશ બનીને, કાખમાંના ઘડાને હેઠો મૂકી તેઓ એક ઝાડ નીચે બેઠાં અને વિલાપ કરવા લાગ્યાં. સામાન્ય રીતે હૃદયનાં કઠણ એવાં અનસૂયાદેવી આજે રુદન કરવા લાગ્યાં. ત્યારે તેમને એક તપસ્વિની મળ્યાં અને રૂદનનું કારણ પૂછ્યું.
 
અનસૂયાએ કારણ જણાવતાં તપસ્વિનીએ એક સ્થાને ખાડો ખોદવાનું જણાવ્યું. અનસૂયાદેવી તો રાજી રાજી થઈ ગયાં અને તપસ્વિનીએ બતાવેલી જગાએ શ્રદ્ધાપૂર્વક ખોદવા લાગ્યાં. બેચાર હાથ માંડ ખોદાયું હશે ત્યાં તો નીચે ધરતીમાંથી પુષ્કળ પાણીનું મોટું ઝરણું ફૂટી નીકળ્યું. જોતજોતામાં એ પાણી માર્ગ કરતું, એક નદીના રૂપમાં આગળ વધવા લાગ્યું. એટલી વારમાં તો પેલાં તપસ્વિની અદૃશ્ય થઈ ગયાં હતાં. હરખે હરખે પાણી ભરીને અનસૂયાદેવી પોતાના આશ્રમમાં દોડી આવ્યાં. જ્યારે અત્રિ મુનિએ સમાધિમાંથી જાગીને તે પાણી પીધું ત્યારે તેમના આનંદનો પાર ન રહ્યો. તેઓ પ્રસન્ન થઈ અનસૂયાદેવીને કહેવા લાગ્યા કે, `દેવી, આવું મીઠું પાણી તમે ક્યાંથી લાવ્યાં?'
 
ત્યારે અનસૂયાદેવીએ તેમને પહેલેથી માંડીને બધી વાત કરી. મુનિએ અત્યંત રાજી થઈને એ ઝરણું જોવાની પોતાની ઇચ્છા પ્રગટ કરી. એટલે અનસૂયાદેવી પતિદેવ સાથે ફરી એ સ્થળે ગયાં. ત્યાં જઈને જુએ છે, તો હવે એ માત્ર ઝરણું રહ્યું નહોતું, પરંતુ એક નિર્મળ નીરની નદીના રૂપમાં પલટાઈ ગયું હતું. ખાસ અત્રિ મુનિને પાણી પીવા માટે પૃથ્વીલોકમાં પ્રગટેલી એ નદીનું લોકોએ નામ પાડ્યું અત્રિગંગા. કહે છે કે ગંગાજી પોતે તપસ્વિનીના વેશે અનસૂયાદેવી પાસે આવ્યાં હતાં. અત્યારે તો આ અત્રિ ગંગા નદી કાળે કરીને લુપ્ત થઈ ગઈ છે.
 
એક વાર અત્રિ મુનિ અનસૂયાદેવી સાથે ગંગાના પવિત્ર તટ ઉપર એક વિશાળ વડના વૃક્ષ નીચે પર્ણકુટિરમાં પ્રભુનું ધ્યાન ધરતાં હતાં.
 
એ વખતે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર - એ ત્રણે દેવો સાધુના વેશમાં અત્રિ મુનિના આશ્રમે આવ્યા. અનસૂયાદેવી ગંગાજીમાં જળ ભરવા માટે જતાં હતાં. ત્રણે દેવોને અનસૂયાદેવી સામાં મળ્યાં. સાધુઓને જોઈ દેવીએ પોતાનું બેડું બાજુએ મૂકી તેમને પ્રણામ કર્યા અને કહ્યુંઃ `હે સાધુવરો, આપનાં દર્શનથી મને અત્યંત આનંદ થયો છે. મુનિશ્રી અત્યારે તપમાં છે. પાણી ભરી આવીને હમણાં જ હું આપને માટે રસોઈ બનાવી દઉં છું, ત્યાં સુધી આપ આશ્રમમાં બિરાજો.'
 
આમ, ત્રણે દેવોને આશ્રમ ભણી વિદાય કરીને અનસૂયાદેવી પાણી ભરવા ગયાં. થોડીવારમાં જ તેઓ પાણી ભરીને આવી પહોંચ્યા. પછી જ્યાં તેઓ રસોઈ માટે તૈયારી કરવા લાગ્યાં ત્યાં પહેલેથી ત્રણે દેવોએ નક્કી કરી મૂક્યું હોય તેમ, ત્રણેના વતી દેવાધિદેવ વિષ્ણુજી બોલી ઊઠ્યાઃ `દેવી, અમે હમણાં એક અત્યંત કઠિન વ્રતનું પાલન કરીએ છીએ. અમારા ગુરુએ અમને એ વ્રત બતાવ્યું છે. એથી ભોજનમાં અમારે ખાસ નિયમો પાળવાના હોય છે, એટલે કૃપા કરીને આપ ભોજનની વ્યવસ્થામાં ન ઊતરશો!'
 
એક આદર્શ ગૃહિણીની અદાથી અતિથિધર્મનું સદા પાલન કરનારાં અનસૂયાદેવી બોલ્યાંઃ `સાધુવર્યો, અમે આ ઘર લઈને બેઠાં છીએ. મારા પતિ મારાથી પણ વધુ આતિથ્યશીલ છે. અમારે આંગણે આવેલો અતિથિ કદાપિ ભૂખ્યો જતો નથી. હા, આપના ભોજનના જે નિયમો હોય તે ખુશીથી મને કહો. વખત આવ્યે પ્રાણના ભોગે પણ આપના એ નિયમોનું હું પાલન કરીશ.'
વિષ્ણુજી બોલ્યાઃ દેવી, આપનાં પ્રેમાળ વચનોથી અમે બહુ પ્રસન્ન થયા છીએ. પરંતુ અમારા ભોજનના નિયમોની વાત ન્યારી છે. તે એ કે આપે અમને ભોજન વસ્ત્રવિહિન અવસ્થામાં પીરસવું પડશે. આ પ્રકારનું અમારું વ્રત છે, અને તે અમે તમને લાચારીથી જણાવીએ છીએ. તમે આગ્રહ કર્યો, એટલે તમારી આગળ અમારી સાચી વાત જણાવવી જ જોઈએ. માટે અમે તમને વીનવીએ છીએ કે, અમને જમાડવા કરવાની વાત રહેવા દો.
 
કોઈપણ સ્ત્રી આવી વિચિત્ર વાત સાંભળી ચકિત થઈ જાય. અનસૂયાદેવી પણ ઘડીભર વિસ્મયના ઊંડા ખાડામાં ઊતરી ગયાં. પરંતુ તરત જ તેમણે પોતાના ચિત્તને સ્વસ્થ કરી દીધું. ઘડીભર આંખ મીંચીને પોતાના પતિદેવનાં ચરણકમળનું ધ્યાન ધર્યું. ત્રણે દેવોની લીલા આ મહાસતીના ધ્યાનમાં આવ્યા વગર રહી શકી નહીં. મંદમંદ સ્મિત કરતાં તેઓ બોલ્યાં, હે સંતસાધુઓ, આપની ઇચ્છા પૂર્ણ થશે.
 
આટલું કહીને અનસૂયાદેવી ઊઠ્યાં અને પવિત્ર જળની અંજલિ લઈને વેશધારી ત્રણે દેવો પર પાણી છાંટ્યું. સતીના સતીત્વના પ્રભાવથી એ ત્રણે દેવો નવજાત બાળક જેટલા નાના સ્વરૂપમાં ફેરવાઈ ગયા. ત્રણે બાલપ્રભુઓને વારફરતી પોતાના ખોળામાં લઈ અનસૂયાદેવી સ્તનપાન કરાવવાં લાગ્યાં. એટલું જ નહીં પણ ત્રણે બાલપ્રભુઓને પ્રેમ અને વહાલથી હળવે રહીને સુવાડ્યા. અરે, આ અનુપમ દૃશ્ય ખૂબ જ અદ્ભૂત અને આનંદ આપનારું બન્યું હતું.
 
સંધ્યાપૂજા કરીને જ્યારે મહર્ષિ અત્રિ પોતાની કુટિરે પાછા ફર્યા ત્યારે આશ્રમમાં આવાં નાનાં બાળકોને જોઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. કુતૂહલવશ થઈ તેમણે અનસૂયાદેવીને પૂછ્યું, `દેવી, આ તેજસ્વી બાળકો કોનાં છે? આપણા આશ્રમમાં એ ક્યાંથી આવ્યાં?'
 
અનસૂયાદેવીએ પહેલેથી માંડીને બધી વાત અત્રિ મુનિને કહી.
 
બાળપ્રભુઓની આવી અદ્ભુત અને મનોહર કથા સાંભળીને અત્રિ મુનિને રૂંવેરૂવે આનંદ વ્યાપ્યો.
 
દેવો આ અદ્ભૂત દૃશ્ય જોવા માટે આકાશમાં આવવા લાગ્યા. આ બધા દેવોની સાથે આ ત્રણ મહાન દેવોની ત્રણ પત્નીઓ - ઉમાજી, લક્ષ્મીજી અને બ્રહ્માણીજી પણ હતાં. આ સુંદર દૃશ્ય જોઈને દેવદેવીઓને ખૂબ કુતૂહલ થતું હતું. પતિવ્રતાધર્મનો પ્રતાપ કેવો પ્રખર હોય છે અને સચોટ જ્ઞાન ત્યાં હાજર રહેલા સર્વને થયું.
 
પોતાના પ્રિય પતિઓને બાલ-સ્વરૂપમાં ફેરવાયેલા જોઈને ઉમા, લક્ષ્મી તથા બ્રહ્માણીથી વધુ વાર ન રહેવાયું. તેઓ જમીન પર ઊતરીને અનસૂયાદેવીનાં ચરણોમાં પડ્યાં અને આજીજી કરતાં કરતાં કહેવા લાગ્યાંઃ `માતાજી, અમારા સ્વામી અમને પાછા આપો!'
 
અનસૂયાદેવી તો દયાનો સાગર હતાં. પતિવિરહથી પતિવ્રતા સ્ત્રીનું હૃદય કેવું કારમું દુઃખ અનુભવે છે તેની તેમને બરાબર ખબર હતી. ત્રણે દેવપત્નીઓને તેમણે સાંત્વન આપ્યું અને થોડીવાર રાહ જોવા કહ્યું. એ પછી નિરાભિમાન અને સરળ હૃદયનાં અનસૂયાદેવીએ પવિત્ર જળની અંજલિ લઈને એ ત્રણે ભૂલકાં પર છાંટી કે તરત જ ત્રણે બાળકો બ્રહ્માજી, વિષ્ણુજી અને મહાદેવજી તેમના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા!
 
અનસૂયાદેવીના આવા ઉત્તમ પ્રકારના પતિવ્રતાધર્મની સૌથી ઊંડી અસર થઈ ભગવાન વિષ્ણુ પર. પ્રસન્ન થઈને વિષ્ણુ ભગવાન બોલ્યાઃ `દેવી, તમારા પર હું પ્રસન્ન થયો છું, તમે જે વરદાન માગો તે હું તમને આપીશ.'
 
દેવ જેવા બાળક પર માતાના હૃદયમાં કેવું હેત ઊમટે છે તેનો તાજો જ અનુભવ અનસૂયાદેવીને થયો હતો. એટલે તેમણે માગ્યું, `ભગવન્! જો આપે મને વરદાન આપવું જ હોય તો આપના જેવો જ પુત્ર મારી કૂખે જન્મે એવું વરદાન મને આપો!'
 
ભગવાન વિષ્ણુએ તથાસ્તુ કહ્યું અને એ પછી ત્રણે દેવો પોતાની પત્ની સહિત ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. એ પછી અનસૂયાદેવીની પુનિત કૂખેથી ગુરુ દત્તાત્રેય, મુનિ દુર્વાસા અને ચંદ્ર - એ ત્રણ સમર્થ પુત્રો અવતર્યા હતા.
 
રામચંદ્રજી જ્યારે સીતાજી અને લક્ષ્મણજી સાથે વનવાસ સેવી રહ્યા હતા ત્યારે તેઓ ફરતાં ફરતાં અત્રિ મુનિના આશ્રમમાં આવી પહોંચ્યા હતાં. સીતાજીએ અનસૂયાદેવીનાં ઉન્નત ચરિત્ર વિશે ઘણું ઘણું સાંભળ્યું હતું, એટલે તેમને અનસૂયાદેવીનાં ચરણે બેસી, ખાસ કરીને પતિવ્રતાધર્મનો ઉપદેશ સાંભળવો હતો. એથી તેમણે અનસૂયાદેવીના ચરણોમાં પ્રણામ કરી પતિવ્રતાધર્મ વિશે કંઈક કહેવા વિનંતી કરીઃ આટલી નાની ઉંમરમાં અને પોતે એક રાજકુમારી હોવા છતાં પતિ પાછળ વનવાસ સ્વીકારનાર, પતિના દુઃખે દુઃખી થનાર સીતાજી અનસૂયાદેવીને ખૂબ જ વહાલાં લાગ્યાં. અનસૂયાદેવીએ અંતરના ઉમળકાથી સીતાજીને પોતાના આશ્રમમાં આવકાર્યાં. આખો દિવસ પોતાના આશ્રમમાં રાખ્યાં, તેમને દિવ્ય વસ્ત્રો પહેરાવ્યાં, પોતાના હાથે તેમનું માથું ઓળ્યું, પછી એ દિવસે સાંજે સીતાની ઇચ્છાને માન આપીને તેમને અનસૂયાદેવીએ પતિવ્રતાધર્મનો ઉત્તમ ઉપદેશ આપ્યો.
 
સીતાજીને પતિવ્રતાધર્મનો જેવો અનુપમ ઉપદેશ અનસૂયાદેવીએ આપ્યો હતો તેવો જ ઉપદેશ તેમણે પ્રતિષ્ઠાનપુરમાં રહેતી નર્મદા નામની એક શીલવતી સ્ત્રીને આપ્યો હતો જેેણે પોતાના પતિવ્રતાધર્મના પ્રભાવથી પોતાના બીમાર પતિને સાજો કર્યો હતો. અનસૂયાદેવીએ નર્મદાને અનોખો ઉપદેશ આપતાં કહ્યું હતું કે, `તારા પ્રાણપતિના મુખદર્શનથી તને આનંદ થાય છે ને? તું તારા પ્રાણનાથને દેવો કરતાં પણ વધુ માન આપે છે ને? પતિના ચરણની સેવા જ ખાનદાન કુટુંબની સ્ત્રીને શોભાવે છે. પતિવ્રતા સ્ત્રીને તો પતિ એ જ પ્રાણ છે. સદ્ગુણો તેનાં ઘરેણાં છે, સાસુ-સસરા તેનાં તીર્થધામો છે, નણંદો તેની બહેનો છે, દિયરો તેને દીકરા સમાન છે. દેરાણી દીકરી સમાન અને જેઠાણી માતા સમાન છે. શીલ એ જ તેનું ધન છે, પતિવ્રતા સ્ત્રીઓ જ તેની બહેનપણીઓ છે.'
 
આમ અનસૂયાદેવી ભારતવર્ષમાં સતી તરીકે અગ્રહરોળનું સ્થાન પામ્યાં છે.

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...