પં. વાચસ્પતિ મિશ્રનાં ધર્મપત્ની ભામતી | bhamti Katha

આજે પણ `ભામતી" ટીકાગ્રંથ જોઈને ભામતીદેવીની અદ્ભૂત પતિસેવાનું પુનિત સ્મરણ થઈ આવે છે.

    ૦૬-નવેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |
 
bhamti vishe
 
 
ભામતી બોલ્યાઃ `સ્વામીનાથ, મને `બહેન' કહીને આપ પાપમાં ન પડો, હું તો આપની ધર્મપત્ની છું. મારી બેદરકારીને લીધે દીવાનું તેજ ઝાંખું થઈ ગયું અને આપના લેખનકાર્યમાં ખલેલ પડી એ માટે મને માફ કરો.'
વાચસ્પતિ મિશ્ર નામના એક મોટા પંડિત થઈ ગયા. આદ્ય જગદ્ગુરુ શંકરાચાર્યના `શાંકરભાષ્ય' પર વિદ્વત્તાપૂર્ણ ટીકાગ્રંથ લખનાર તરીકે તેમનું નામ પંડિતવર્ગમાં ખૂબ જાણીતું છે.
 
પં. વાચસ્પતિ મિશ્ર સાચા અર્થમાં વિદ્વાન અને અભ્યાસપરાયણ હતા. જે વિષય તેઓ હાથ ધરતા તેમાં તેઓ તદરૂપ બની જતા હતા, બસ એ સમય દરમિયાન એ જ વિષયની લગની તેમને લાગી જતી હતી. `શાંકરભાષ્ય' પર તેઓ જ્યારે ટીકાગ્રંથ લખતા હતા તે અરસામાં રાત, દિવસ, ભૂખ કે તરસ કશાનું તેમને ભાન રહેતું નહોતું. આ ટીકાગ્રંથ લખવામાં તેમણે પોતાના જીવનનાં કીમતી વર્ષો ગાળ્યાં એમ કહો તો ચાલે, કેમ કે તેમણે પોતાની જુવાનીના લગભગ ઘણાં વર્ષો આ ટીકાગ્રંથ લખવામાં જ કાઢી નાખ્યાં. યુવાવસ્થા વટાવી તેમણે આધેડ વયમાં પ્રવેશ કર્યો ત્યારે તેઓ પોતાનો આ ટીકાગ્રંથ આ અભ્યાસપૂર્ણ સમય દરમિયાન પૂરો કરી રહ્યા. `ટીકાગ્રંથ'ના લગભગ અંત ભાગ લગી તેઓ આવી ગયા હતા.
 
એવામાં એક રાત્રે જુદી જ ઘટના બની. એ કાળના ભારતવર્ષમાં દિવેલના કોડિયાના અજવાળે જ વાંચવા કરવાનું અને બીજું બધું કામકાજ પતાવવામાં આવતું હતું. એ વખતે કેરોસીન કે વીજળીના દીવાની શોધ થઈ નહોતી. પંડિતજી પોતાના ટીકાગ્રંથનો છેવટનો જરૂરી ભાગ લખતા હતા. એ વખતે જ દીવામાં દિવેલ ખૂટ્યું. પરિણામે દીવો ઝાંખો થવા લાગ્યો, એથી પંડિતજીને લેખનકાર્યમાં ખૂબ જ ખલેલ પહોંચી અને તેઓ મનમાં કાંઈક ચિડાયા પણ ખરા. પરંતુ એટલામાં જ એક અવનવો અને મંગલકારી બનાવ બન્યો. એક આધેડ વયની સ્ત્રી ત્યાં આવી પહોંચી, તે એક હાથે પોતાની આંખો ચોળતી હતી અને બીજા હાથે તેણે દિવેલનું વાસણ પકડેલું હતું. એ સ્ત્રી ઊંઘમાંથી હમણાં જ ઊઠી હોય એવું લાગતું હતું. ઝટઝટ તેણે દીવામાં દિવેલ પૂર્યું અને વાટ સંકોરી તેને સતેજ કરી અને પછી ઝટપટ ત્યાંથી પાછા વળવા લાગ્યાં. દીવો જલદીથી સતેજ થઈ ગયો. એટલે પંડિતજીની પ્રસન્નતાનો તો કાંઈ પાર રહ્યો નહીં. એ જ પ્રસન્નમુખે તેમણે દીવામાં દિવેલ પૂરીને જતી પેલી સ્ત્રી સામું જોયું અને તેને અટકાવી રહ્યુંઃ `દેવી, તમારો હુંં ખૂબ આભાર માનું છું. તમારો પરિચય જરા આપશો?'
 
હવે આ સ્ત્રી બીજું કોઈ નહીં, પણ પંડિતજીનાં પોતાનાં જ પત્ની હતાં. કેટલાંયે વર્ષોથી તેમણે પંડિતજીનો ગૃહસંસાર ખૂબ જ કુશળતાથી ચલાવ્યો હતો. પંડિતજીને તો પોતાના ટીકાગ્રંથનું લેખન ભલું અને પોતે ભલા. છેલ્લાં કેટલાંય વર્ષોથી પંડિતજી ટીકાગ્રંથના લેખનમાં રચ્યાપચ્યા રહેતા, એ વાત આગળ આવી ગઈ છે. પંડિતજીની સ્ત્રીએ જ્યારથી ઘરમાં પગ મૂક્યો ત્યારથી તેઓ જાણી ગયાં હતાં કે પોતાના પતિ તો પોતાના અભ્યાસમાં જ મગ્ન છે. એટલે પત્ની તરીકેનું પોતાનું કર્તવ્ય તેમણે સમજી લીધું. તેમણે વિચાર્યુંઃ `મારા પતિને તેમના અભ્યાસમાં સર્વ વાતે મદદ કરવી એ મારું કર્તવ્ય બની રહે છે. જનકલ્યાણ માટે તેઓ કોઈ ઉમદા ગ્રંથ લખી રહ્યા છે, ત્યારે સાંસારિક પ્રલોભનોમાં તેમને ખેંચી જઈને મારે તેમના સત્કાર્યમાં ખલેલ ન કરવી જોઈએ. હું તો તેમના લેખનકાર્યમાં સર્વ રીતે મદદરૂપ બની રહીશ.'
 
આ વિચારે, જે રીતે પંડિતજીએ પોતાની જુવાનીનો કાળ ટીકાગ્રંથ લખવામાં ગાળી નાખ્યો. એ જ રીતે તેમનાં આ પતિવ્રતા પત્નીએ પોતાની જુવાનીનો કાળ પોતાના પતિની સર્વ રીતની સેવા ઉઠાવવામાં ગાળી નાંખ્યો અને તે પણ પતિ આગળ પોતાની હાજરી જેમ બને તેમ ટાળીને. પોતાની એક પત્ની છે અને પોતાને ઘેર રહે છે અને ખડેપગે પોતાની સેવાશુશ્રૂષા ઉઠાવે છે તેની જાણસુધ્ધાં પંડિતજીને થવા દીધી નહીં! એટલે સુધી કે પંડિતજી પોતે પોતાના પત્નીને ઓળખી પણ શકતા નહોતા! કેવી અનોખી પતિભક્તિ! પતિ પ્રત્યે કેવું ઉમદા સ્વાર્પણ!
 
પંડિતજીનાં આ પતિપરાયણા પત્નીનું નામ `ભામતી' - ભામતીદેવી. પંડિતજીએ ભામતીદેવીને `બહેન'નું સંબોધન કર્યું એથી એ આર્ય સન્નારીને પોતાના વિશેનો ખુલાસો કરવો યોગ્ય લાગ્યો. તેઓ બોલ્યાઃ `સ્વામીનાથ, મને `બહેન' કહીને આપ પાપમાં ન પડો, હું તો આપની ધર્મપત્ની છું. કાલ રાતનો ઉજાગરો હોવાથી મને જરાક ઊંઘ આવી ગઈ હતી એટલે દીવામાં દીવેલ ખૂટી ગયું તેની મને ખબર રહી નહીં. મારી આવી બેદરકારીને લીધે દીવાનું તેજ ઝાંખું થઈ ગયું અને આપના લેખનકાર્યમાં ખલેલ પડી એ માટે મને માફ કરો.' પંડિત વાચસ્પતિ મિશ્ર તો પોતાની આ પત્નીને ક્યાંય સુધી જોઈ રહ્યા. તેઓ મનમાં બોલી ઊઠ્યા, `અરે, આ દેવીએ તો મારા દિલમાં પણ દીવો કરી દીધો છે! કેવી ઉચ્ચ પતિભક્તિ!'
 
પોતાના અભ્યાસ અને લેખન-કાર્યમાં ખલેલ ન પડે એટલા ખાતર પત્નીએ પોતાનાં તમામ સાંસારિક સુખોનો ત્યાગ કર્યો હતો તેનો ખ્યાલ પંડિતજીને આવી ગયો. તેમને એમ પણ થયુંઃ `મારાં આ ગૃહદેવીએ મારા કાર્ય માટે કેવો અદ્ભુત ત્યાગ કર્યો છે? એક રીતે જોવા જઈએ તો મારે તેમની માફી માગવી જોઈએ.'
 
આ વિચારે પંડિતજી ભામતીદેવીની સાચા હૃદયથી માફી માંગવા લાગ્યા, પરંતુ ભામતીદેવીએ તેમને તેમ કરતાં વાર્યા. તેઓ એક શાસ્ત્રજ્ઞ સ્ત્રી હતાં. તેમણે પંડિતજીને કહ્યું, `સ્વામીનાથ, મેં મારા કર્તવ્ય સિવાય બીજું કંઈ જ વધારે કર્યું નથી. આપ તો મહાપંડિત છો, શાસ્ત્રો-પુરાણોના જાણકાર છો. શાસ્ત્ર કહે છેઃ દેવપૂજા વ્રત, દાન, ઉપવાસ, જપ, તીર્થસ્થાન, યજ્ઞ સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા, બ્રાહ્મણ અને અતિથિનો સત્કાર-આ બધી વસ્તુઓ પતિસેવાના સોળમા ભાગની પણ બરોબર નથી.'
 
શાસ્ત્રોમાં કહ્યું છે, `પતિવ્રતા સ્ત્રીએ પતિને દેવતુલ્ય ગણીને સદા તેનાં હિતકારી કાર્યો કરવાં જોઈએ, કેમ કે પતિ જ તેનો પરમ મિત્ર છે, પતિની સેવાથી જ પત્નીનો જન્મ સફળ થાય છે.'તદુપરાંત સ્કંદપુરાણમાં લખ્યું છેઃ સ્ત્રીને તીર્થસ્થાનની શી જરૂર છે? પતિનું ચરણામૃત સ્ત્રી માટે તીર્થસ્થાનથી પણ અધિક છે. સ્ત્રી માટે પતિ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવથી પણ અધિક છે. માટે પ્રાણનાથ, શાસ્ત્રોમાં પત્નીનાં જે કર્તવ્યો બતાવ્યાં છે તે અનુસાર ચાલવા મેં પ્રયત્ન કર્યો છે. એથી વિશેષ મેં કાંઈ કર્યું નથી. આપને મારી સેવાથી સંતોષ થયો, એ જ મારે મન મોટો આનંદ છે.
 
ભામતીદેવીના પતિવ્રતા ધર્મની આવી ઉમદા ભાવનાથી પંડિત વાચસ્પતિ મિશ્ર ખૂબ જ મુગ્ધ બની ગયા. તેમને થયું, `આવી સેવાપરાયણા પત્નીનો હું શો બદલો વાળું? વળી મારી પત્નીનો મારા ટીકાગ્રંથ પાછળ જે ભવ્ય ત્યાગ રહેલો છે તેની જગતને જાણ શી રીતે થાય?'
 
આમ વિચારતાં તેમના હૃદયમાં એક વાત ઊગી આવી. તે એ કે, જીવનભરના પરિશ્રમથી તેમણે જે વિદ્વત્તાપૂર્ણ ટીકાગ્રંથ લખ્યો હતો તેનું નામ જ તેમણે `ભામતી' રાખ્યું. આજે પણ `ભામતી' ટીકાગ્રંથ જોઈને ભામતીદેવીની અદ્ભૂત પતિસેવાનું પુનિત સ્મરણ થઈ આવે છે.
 
વિદ્વાન પતિના સહવાસથી ભામતીદેવી પણ સારી પેઠે વિદુષી બન્યાં હતાં. `કલ્પતરુ' નામના ગ્રંથ પર તેમણે એક ટીકાગ્રંથ લખ્યો છે એમ કહેવાય છે.
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...