અગસ્ત્યઋષિનાં પત્ની લોપામુદ્રા | lopamudra | Agastya Rishi

06 Nov 2023 15:29:34

lopamudra agastya rishi
 
 
સતી લોપામુદ્રા પતિની આજ્ઞાનુસાર રહ્યાં, તેમની છાયા પ્રમાણે સદા ચાલતાં. સ્વેચ્છાએ કંઈ પણ કરતાં નહીં.નિત્ય પતિને ભોજન કરાવ્યા પછી પોતે ભોજન કરતાં, સૂતા પછી સૂતાં અને ઊઠ્યાં પહેલાં ઊઠતાં.
 
આ પવિત્ર સતી વૈદિકકાળમાં વિદર્ભરાજાને ત્યાં અવતર્યા હતાં. હાલ જેમ કુંવરીઓ રાજવૈભવમાં પડી બાલ્યાવસ્થાનો અમૂલ્ય કાળ એશઆરામ અને રમતગમતમાં ગુમાવી, જ્ઞાન વધારવામાં બેદરકાર રહે છે, તેમનાં માબાપ પણ એ તરફ ઓછું ધ્યાન આપે છે, તેમ પ્રાચીનકાળમાં નહોતું. એ કાળમાં તો પુત્ર-પુત્રી યોગ્ય વયે આવતાં કે, તેમને વિદ્યાભ્યાસ કરાવવા પ્રથમ લક્ષ અપાતું. આ રીતે લોપામુદ્રાને પણ તેમના પિતાએ ધર્મનીતિ વગેરે વિદ્યાનું અધ્યયન કરાવ્યું હતું. તેથી તેઓ ઘણાં હોશિયાર અને સદ્ગુણી બન્યાં હતાં. લોપામુદ્રાના પિતાની સમૃદ્ધિ અને શક્તિ ઘણી જ હતી.
 
હંમેશા લોપામુદ્રા પાસે ઘણી દાસીઓ રહેતી. તેઓ તેને બગાસું આવતાં ચપટીઓ વગાડી ચેતવતાં, છીંક આવતાં ખમા કરતાં, હાં કહેતાં હજાર દાસીઓ આવી હાજર થતી, ઝગઝગાટ કરતા મણિયમ મહેલમાં સોનાના રત્નજડિત હીંડોળે હીંચવાનું હતું, તેમનું શરીર હીરા મોતીથી ભરેલી રેશમી સુંદર સાડી અને ઝવેરાતના વિવિધ અલંકારોથી આચ્છાદિત થઈ રહેતું. પોઢવાને છત્રીપલંગ હતો, ક્યારેય પાલખી વિના પગે ચાલતાં નહીં. એશઆરામ માટે વાડી, ગાડી વગેરે વૈભવ હતો, છતાં તે પોતાનો અમૂલ્ય વખત નકામો એશ-આરામમાં ગુમાવતાં નહીં. તેમને વિદ્યા પર વિશેષ વહાલપ હતી. તેથી ઘણો વખત વિદ્યા વધારવામાં જ ગાળતા અને પોતાનો જન્મ શી રીતે સફળ થાય તે સંબંધી ચિંતન કરતાં.
 
આથી આવા સંસ્કારી કન્યાને મહાત્મા મિત્રાવરૂણના પુત્ર મહાવિદ્વાન અને તેજસ્વી અગસ્ત્યઋષિ સાથે પરણાવ્યા હતાં. આ ઋષિની પ્રત્યક્ષ સમૃદ્ધિ જોઈએ, તો પોતાના રક્ષણને માટે પલાસના લાકડાનો દંડ, પાણી પીવાને કમંડલુ, રહેવા એક વનમાં ઝૂંપડી અને પહેરવાને વલ્કલવસ્ત્ર એટલું જ ફક્ત હતું. તો પણ લોપામુદ્રાએ તેમાં વધારે સુખ માની રાજવૈભવને તુચ્છકારી પોતાના પતિની સમૃદ્ધિને યોગ્ય વલ્કલવસ્ત્ર ધારણ કર્યાં અને સ્વામીની સેવામાં એકરૂપ થઈ દિવસો વિતાવવા લાગ્યાં.
સતી લોપામુદ્રા પતિની આજ્ઞાનુસાર રહ્યાં, તેમની છાયા પ્રમાણે સદા ચાલતાં. સ્વેચ્છાએ કંઈ પણ કરતાં નહીં. નિત્ય પતિને ભોજન કરાવ્યા પછી પોતે ભોજન કરતાં, સૂતા પછી સૂતાં અને ઊઠ્યાં પહેલાં ઊઠતાં.
 
સ્વામી કંઈ પણ કારણથી કહે તો તે ધીરજથી સાંખી રહી સામો ઉત્તર પણ વાળતાં નહી. કદી અસંતોષી થતાં નહીં. વળી તેમનો એક એવો મોટો નિયમ હતો કે, પતિ અતિથિ, ગાય, અનાથ, અને કુટુંબીઓને જમાડ્યા પછી જમતાં. આ મહાન વ્રત તેમણે જિંદગી પર્યંત પાળ્યું હતું. તેમના ધ્યાન, જ્ઞાનનો વિષય માત્ર ઈશ્વર અને પતિ જ હતા. તેમણે પોતાના પતિ પાસેથી તત્ત્વજ્ઞાન મેળવ્યું હતું, અને તપશ્ચર્યા કરી દેહને ક્ષય કર્યો હતો.
 
સતી લોપામુદ્રાને દૃઢસ્યુ નામે એક મહા તેજસ્વી પુત્ર જન્મ્યો હતો. તે બાળપણથી ઈંધન એકઠાં કરતો હતો. તેથી તેનું નામ ઇદ્મવાહ પડ્યું હતું. અગસ્ત્ય ઋષિનો આશ્રમ એક જગ્યા પર નહોતો. સુતીક્ષ્ણ મુનિએ રામને જે પ્રકારનો માર્ગ બતાવ્યો હતો તે પરથી જણાય છે, કે તેમનો આશ્રમ દંડકારણ્યમાં હતો. અરણ્ય ગોદાવરી નદીના ઉત્તર કિનારા ઉપર છે. સતી લોપામુદ્રાએ પતિ સંગે ઘણા દેશ-વિદેશમાં મુસાફરી કરી હતી, તેમજ સમુદ્ર પર્યટન પણ કર્યું હતું આ ઋષિએ ઘણી શોધો કરેલી છે.
 
`અગસ્ત્ય સમુદ્ર પી ગયા' આમ જે કહેવાય છે, તેનો મતલબ એવો જણાય છે કે, આ ઋષિ પૃથ્વીના ઘણા સમુદ્રમાં ફરી વળ્યા હતા. આ સફરમાં તેમણે પ્રથમ હોડી-વહાણની રચનાની શોધ કરી. આજ આપણે જે વહાણો સંખ્યાબંધ જોઈએ છીએ, એ બધો એ ઋષિની મૂળ શોધનો જ પ્રતાપ છે. લોપામુદ્રા વિદ્યા અને જ્ઞાનનાં ઉપાસક તરીકે આજેય વંદનીય બની રહ્યાં છે.
Powered By Sangraha 9.0