તમે અન્ય લોકોમાં સરસિયાના દાણા સમાન નાના દોષ જોઈ રહ્યા છો, પરંતુ પોતાના મોટા દોષને તમે જોઈ રહ્યા નથી. મારી માતા મેનકા અને પિતા વિશ્વામિત્ર ઉપર આ પ્રકારે ટિપ્પણી કરવાનો અધિકાર તમને કોઈએ આપ્યો નથી.
૮૦ વર્ષના વિશ્વામિત્ર તપ કરે છે. શરીર ઘસાતું જાય છે. આવરદા પૂરી થતી જાય છે છતાં તપના બળથી ઇન્દ્ર ડરે છે. તેણે સ્વર્ગની અપ્સરા મેનકાને કહ્યું, જા પૃથ્વી પર અને ઋષિ વિશ્વામિત્રના તપનો ભંગ કરાવ. વિશ્વામિત્ર જ્યાં તપ કરે છે ત્યાં ૧૬ વર્ષની મેનકા આવી નૃત્ય કરવા લાગી. તેનો ગાવાનો ને ઝાંઝરનો અવાજ સાંભળી વિશ્વામિત્ર તપભંગ થયા. તેમનું પતન થયું. મેનકા સાથે સંબંધ થયો. પરિણામે એક દીકરી થઈ.
દીકરીને જંગલમાં એકલી મૂકીને વિશ્વામિત્ર અને મેનકા ચાલ્યાં ગયાં. માલિની નદીને કિનારે એક આશ્રમ હતો. આશ્રમમાં કણ્વ ઋષિ રહેતા હતા. તેમની સાથે તેમના શિષ્યો રહેતા હતા. ગૌતમી નામની ઘરડી તાપસી હતી. પ્રિયવંદા અને અનસૂયા નામની નાની બાળાઓ હતી. એક દિવસ ઋષિ નદીએ નહાવા ગયા. નદીએથી પાછા ફરતી વખતે તેમને એક બાળકના રડવાનો અવાજ સંભળાયો. પક્ષીઓ પાંખથી એ બાળકનું રક્ષણ કરતાં હતાં. બાળા સુંદર હતી. તેના પર ઋષિને વહાલ ઊપજ્યું. તેમણે તેને ઊંચકી લીધી. આશ્રમમાં જઈને બાળા ગૌતમીને સોંપી દીધી. બાળા આશ્રમમાં મોટી થવા લાગી. કણ્વ ઋષિએ બાળાનું નામ શકુન્તલા પાડ્યું. દીકરી શકુંતલા કણ્વ ઋષિના આશ્રમમાં જોતજોતામાં મોટી થતી ગઈ. રાજા દુષ્યંત શિકાર કરતો કરતો કણ્વ ઋષિના આશ્રમમાં આવ્યો. શકુંતલાને જોઈ. બંને ગાંધર્વવિવાહથી જોડાઈ ગયાં.
રાજા દુષ્યંત અને શકુંતલા સાથે જોડાયેલો કિસ્સો છે. એક દિવસ રાજા દુષ્યંતના દરબારમાં શકુંતલા નિવેદન કરી રહ્યાં હતાં, મારી સાથે જે બાળક છે, તે તમારો પુત્ર છે. જ્યારે તમે વનમાં આવ્યા હતા ત્યારે તમે મારી સાથે લગ્ન કર્યાં હતાં. તમે ત્યાંથી તમારા નગરમાં આવી ગયા અને હવે તમે મને ભૂલી રહ્યા છો.
દરબારમાં બેઠેલા બધા લોકો આ વાત સાંભળી રહ્યા હતા. રાજા દુષ્યંતને ગુસ્સો આવી ગયો અને તેણે કહ્યું, તમે ખોટું બોલી રહ્યાં છો, તમારા માતા મેનકા અને પિતા વિશ્વામિત્ર હતાં. તમારા માતા મેનકા ક્રૂર હૃદયવાળાં હતાં અને તમારા પિતાને પણ બ્રાહ્મણ બનવા માટે એક ઉત્સાહ હતો. તે મેનકાને જોતાં જ કામને અધીન બની ગયા હતા. તમે તેમનાં સંતાન છો, હું તમારા ઉપર કેમ વિશ્વાસ કરું?
દુષ્યંતે શકુંતલા સાથે જ તેમનાં માતા-પિતાનું પણ અપમાન કર્યું. શકુંતલાએ કહ્યું, તમે અન્ય લોકોમાં સરસિયાના દાણા સમાન નાના દોષ જોઈ રહ્યા છો, પરંતુ પોતાના મોટા દોષને તમે જોઈ રહ્યા નથી. મારી માતા મેનકા અને પિતા વિશ્વામિત્ર ઉપર આ પ્રકારે ટિપ્પણી કરવાનો અધિકાર તમને કોઈએ આપ્યો નથી. મારાં માતા-પિતાના કારણે મારી પાસે એટલો પ્રભાવ છે કે હું આકાશમાં ચાલી શકું છું. તમે તો ધરતી ઉપર જ ચાલી શકો છો. તમે સત્યનું પાલન કરો, સત્ય પરમાત્માનું જ એક સ્વરૂપ છે.
આટલું કહ્યા પછી પણ દુષ્યંત શકુંતલાની વાત માનવા તૈયાર હતો નહીં. શકુંતલાએ કહ્યું, ઠીક છે, તમે માનતા નથી તો હું જતી રહું છું, કેમ કે મારી પાસે કોઈ સાક્ષી નથી.
તે સમયે આકાશવાણી થઈ અને દુષ્યંતને સમજાવ્યું કે આ તમારો જ પુત્ર છે. ત્યારે દુષ્યંતે શકુંતલાને કહ્યું, હું સ્વીકાર કરું છું કે આ મારો જ પુત્ર છે, કેમ કે આકાશવાણી થઈ છે. મારા દરબારમાં બ્રાહ્મણ, પુરોહિત, આચાર્ય અને પ્રજા બેઠી છે. આ બધા સામે આકાશવાણી થઈ છે તો હું તમારો સ્વીકાર કરું છું.
આવાં દૃઢનિશ્ચયી, સ્વમાની શકુંતલાના કુખે જન્મલેનાર ભરતના નામ પરથી આપણો દેશ `ભારત' તરીકે ઓળખાય છે. આવા મહાન નારીને વંદન.