શ્રી કૃષ્ણનાં પત્ની સત્યભામા | Satyabhama Krishna Wife
સત્રાજીત પોતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે, `હવે હું મારો અપરાધ શી રીતે ટાળું? ભગવાન શી રીતે પ્રસન્ન થાય?' હું સ્ત્રીઓમાં રત્નરૂપ મારી દીકરી સત્યભામા તથા મણિ બંને ભગવાનને આપીશ.
કૃષ્ણના જીવનમાં આઠનું મૂલ્ય હંમેશાં રહ્યું છે. કૃષ્ણનાં અષ્ટદર્શન હોય કે જગમંગલ કાજે આઠે દિશાઓનું પરિભ્રમણ હોય. દેવકીનું આ આઠમું સંતાન આઠ હજાર વર્ષ પછી પણ `સંભવામિ યુગે યુગે'ની સંકલ્પના સિદ્ધ કરે છે. એમને પટરાણીઓ પણ આઠ હતી. આ પટરાણીઓમાં બટમોગરા જેવી બટકબોલા સત્યભામાનું એક આગવું અને અલાયદું સ્થાન હતું.
સત્યભામાના વિવાહની કથા સુંદર અને રોચક છે. સત્રાજીત યાદવ સૂર્યનો ભક્ત હતો અને સૂર્યદેવ તેના સ્વામી હતા. છતાં પણ પરમ મિત્ર થઈને રહ્યા હતા. સૂર્યે પ્રસન્ન થઈને તેને સ્યમંતક નામનો મણિ આપ્યો હતો. એક વખત એ મણિને ગળામાં બાંધી સૂર્યની પેઠે પ્રકાશતો સત્રાજીત દ્વારકામાં આવ્યો. તેના તેજથી જેઓનાં નેત્રો અંજાઈ ગયાં એવા લોકોએ દૂરથી તેમને જોઈ સૂર્યદેવની શંકાથી ચોપાટ રમતા શ્રીકૃષ્ણની સામે જઈને કહ્યું કે, `હે નારાયણ! પોતાનાં કિરણોના સમૂહથી મનુષ્યોની આંખોનું તેજ હરી લેતા તીવ્ર કિરણોવાળા સૂર્યદેવ તમારું દર્શન કરવાને માટે આવે છે.'
અજાણ્યા માણસોનું બોલવું સાંભળી ભગવાને હસીને કહ્યું કે, `આ સૂર્યદેવ નથી પણ મણિથી પ્રકાશી રહેલો સત્રાજીત છે.' પછી સત્રાજીતે પોતાના ઘરમાં રહેલ દેવમંદિરમાં બ્રાહ્મણોની પાસે તે મણિનું પ્રતિષ્ઠાવિધિથી સ્થાપન કરાવ્યું. એક વખત ભગવાને યાદવોના રાજા ઉગ્રસેનને માટે સત્રાજીતની પાસે એ મણિની માંગણી કરી હતી, પણ ધનના લાલચુ સત્રાજીતે ભગવાનની માંગણી-ભંગના પરિણામનો વિચાર નહીં કરતાં તે મણિ આપ્યો ન હતો.
સત્રાજીતનો ભાઈ પ્રસેન એક દિવસ એ અતિ કાંતિવાળા મણિને ગળે બાંધી, ઘોડા ઉપર બેસીને વનમાં મૃગયા માટે નીકળ્યો. ત્યાં તેને એક કેસરી સિંહે તેના ઘોડા સહિત મારી નાંખ્યો. મણિ ખેંચી લઈને સિંહ પર્વતમાં ગયો. ત્યાં રીંછના રાજા જાંબવાને મણિ લઈ લેવાની ઇચ્છાથી તે સિંહને પણ મારી નાંખ્યો. જાંબવાને એ મણિ લઈને પોતાની ગુફામાં તેના બાળકના માટે રમકડાં જેમ રમવા રાખ્યો. પોતાના ભાઈ પ્રસેનને ન જોતાં ભાઈ સત્રાજીત પરિતાપ પામવા લાગ્યો અને કહ્યું કે, `કંઠમાં મણિ પહેરીને મારો ભાઈ વનમાં ગયો હતો, તેને કૃષ્ણએ જ મારી નાંખ્યો હશે.'
આ સાંભળી લોકો એ વાત કાનોકાન એક બીજાને કહેવા લાગ્યા. શ્રીકૃષ્ણ ભગવાન આ વાત સાંભળીને પોતાને પ્રાપ્ત થયેલી અપકીર્તિ ટાળવા માટે ગામના લોકોની સાથે પ્રસેનની શોધ કરવા લાગ્યા. વનમાં સૌએ પ્રસેનને અને તેના ઘોડાને સિંહ દ્વારા મારી નાખેલા જોયા. આગળ ચાલતાં સર્વ લોકોએ જાંબવાન દ્વારા મારી નખાયેલ તે કેસરીને પણ પર્વત ઉપર જોયો. પછી ગાઢ અંધારાવાળી રીંછના રાજાની ભયંકર ગુફા જોવામાં આવતાં બીજા લોકોને બહાર બેસાડીને શ્રીકૃષ્ણ તેમાં એકલા જ ગયા. શોધતાં શોધતાં તેઓ જાંબવાનની ગુફામાં આવી પહોંચ્યા. ગુફામાં બાળકને રમકડાની જેમ સ્યમંતક મણિ સાથે રમતો જોઈ તેને લેવાના વિચારથી ભગવાન બાળકની પાસે ઊભા રહ્યા. કોઈ દિવસ નહીં જોયેલા એ અજાણ્યા પુરુષને જોઈ બાળકની ઉપમાતાએ બીકથી ચીસ નાખી. એ સાંભળી ક્રોધ પામેલા મહાબળવાન જાંબવાન દોડી આવ્યા. શ્રીકૃષ્ણના પ્રભાવને નહીં જાણતા ક્રોધી જાંબવાનને શ્રીકૃષ્ણએ ૨૮ દિવસ સુધી ભયાનક યુદ્ધ કરી હરાવ્યો.
શ્રીકૃષ્ણ ભગવાને પરમ કૃપાથી પોતાનો સુખકારી હાથ તે ભક્તના શરીર પર ફેરવીને પ્રેમપૂર્વક ગંભીર વાણીથી કહ્યું કે, `હે રીંછના રાજા! અમે આ મણિને શોધતા શોધતા આ ગુફાના દ્વાર આગળ આવ્યા હતા અને આ મણિથી મારા ઉપરનો ખોટો અભિશાપ ટાળવા માટે હું અંદર આવેલો છું.'
આ પ્રમાણે ભગવાનનાં વચન સાંભળી જાંબવાને ભગવાનના સત્કાર માટે પ્રીતિથી પોતાની દીકરી જાંબવતીનું સ્યમંતક મણિની સાથે ભગવાનને દાન દીધું. પાછા આવેલા ભગવાનને સ્ત્રી સહિત તથા ગળામાં મણિ સહિત જોઈને સર્વને મોટો આનંદ થયો. પછી ભગવાને ઉગ્રસેન રાજાની સમક્ષ સભામાં સત્રાજીતને બોલાવી મણિ મળવાની સર્વે વાત કહીને તેને મણિ આપી દીધો. મણિ લઈને બહુ જ લજાયેલો અને પોતાના પાપથી પસ્તાતો સત્રાજીત નીચું મોઢું કરીને ત્યાંથી પોતાને ઘેર ગયો. બળિયા સાથે વિરોધ થવાને લીધે વ્યાકુળ થયેલો સત્રાજીત પોતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે, `હવે હું મારો અપરાધ શી રીતે ટાળું? ભગવાન શી રીતે પ્રસન્ન થાય?' હું સ્ત્રીઓમાં રત્નરૂપ મારી દીકરી સત્યભામા તથા મણિ બંને ભગવાનને આપીશ. આ ઉપાય સારો છે. સત્રાજીતે આ પ્રમાણે મનમાં નિશ્ચય કરી, સામેથી જઈને પોતાની કન્યા સત્યભામા ભગવાનને આપી અને મણિ પણ આપ્યો. શીલ, રૂપ, ઉદારતા અને ગુણવાળાં તે સત્યભામાને ભગવાન પરણ્યા. આ પ્રમાણે સત્યભામા ભગવાન શ્રીકૃષ્ણની સાતમી પટરાણી બન્યાં.
***
શ્રીકૃષ્ણની આઠે પટરાણીઓ તેમને રીઝવવાનો કોઈ મોકો હાથમાંથી જવા ન દેતા. સત્યભામા પણ પતિને પ્રિય થવા ગમે તે કરવા તૈયાર રહેતા. એક વાર ભગવાન શ્રીકૃષ્ણ પત્ની સત્યભામા સાથે પાંડવોને મળવા ગયા. ત્યારે સત્યભામાએ જોયું કે પાંચ પતિઓની પત્ની હોવા છતાં પણ દ્રૌપદી કેવી રીતે પાંચેય પતિઓ સાથે એકસરખો વ્યવહાર કરી પ્રેમપૂર્વક ધ્યાન રાખી રહ્યાં છે. શ્રીકૃષ્ણને અત્યંત પ્રેમ કરનાર સત્યભામાએ આ બધું જોઈને દ્રૌપદીને ખુશહાલ દામ્પત્યજીવન જીવવાનાં રહસ્યો પૂછ્યાં હતાં.
એકવાર પ્રાગજ્યોતિષપુરના દૈત્યરાજ ભૌમાસુરના અત્યાચારથી દેવતાગણ ત્રાસી ગયો હતો. ત્યારે સ્વર્ગલોકના રાજા દેવરાજ ઇન્દ્રએ કૃષ્ણને જણાવ્યું કે ભૌમાસુરે પૃથ્વીના અનેક રાજાઓ અને સામાન્ય લોકોની સુંદર પુત્રીઓનું હરણ કરી પોતાની ગુલામ બનાવીને રાખી છે. આ વાત સાંભળી કૃષ્ણ પોતાની પત્ની સત્યભામા સાથે ત્યાં પહોંચ્યા અને ભૌમાસુરનો સંહાર કર્યો. આ રાક્ષસને સ્ત્રીના હાથે મરવાનો શ્રાપ મળ્યો હતો. તેથી કૃષ્ણે સત્યભામાની મદદથી તેનો વધ કર્યો.
આમ, સત્યભામા એક અસૂરના સંહાર માટે જન્મ્યાં હતાં.