શ્રીરામનાં અનન્ય ભક્ત શબરી | Shabari vishe mahiti

ભગવાનની સેવા માટેના ઉત્તમ નારીપાત્ર તરીકે શબરીને વંદન કરાય છે.

    ૦૭-નવેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |
 
shabari
 
 
શ્રીરામનાં અનન્ય ભક્ત શબરી | Shabari vishe mahiti
 
 
``શ્રમણા! જે રામની તમે નાનપણથી સેવા-પૂજા કરે છે, તે શ્રી રામ સાક્ષાત્‌‍ રૂપમાં આજે તમારી સામે આવ્યા છે. તું આજે તેમની મન ભરીને સેવા કરી લો.''
 
શબરી પોતે તાપસી હતાં. વનવાસી જાતિના હતા. તેનું મૂળ નામ શ્રમણા હતું. શ્રમણા નાનપણથી જ ભગવાન શ્રી રામના ભક્ત હતા. શ્રમણાને જ્યારે પણ સમય મળે ત્યારે તેઓ ભગવાન શ્રી રામની સેવા-પૂજા કરવા લાગતાં. જો કે ઘરના સભ્યોને તેમનું આવું વર્તન ગમતું નહોતું. મોટા થઈ ગયા પછી શ્રમણાનાં લગ્ન કરી દેવામાં આવ્યાં, પણ અફસોસ, શ્રમણાની ઇચ્છા મુજબનું તેમને કંઈ જ મળ્યું નહીં. શ્રમણાના સાસરાના લોકો ખૂબ જ અનાચારી અને દુરાચારી હતા. આવા ખરાબ માહોલમાં શ્રમણા જેવી સાત્ત્વિક સ્ત્રીનું રહેવું અઘરું બની ગયું હતું. એકવાર તક મળતાં શ્રમણા માતંગ ઋષિના આશ્રમે પહોંચી ગયાં. ઋષિએ શ્રમણાને ત્યાં આવવા માટેનું કારણ પૂછ્યું. તેથી શ્રમણાએ બધી જ વાત જણાવી દીધી. માતંગ ઋષિ વિચારમાં પડી ગયા. થોડીવાર વિચાર્યા બાદ તેમણે શ્રમણાને પોતાના આશ્રમમાં રહેવાની આજ્ઞા આપી દીધી.
 
શ્રમણા પોતાના વર્તન અને કામથી બહુ જલદી આશ્રમવાસીઓના પ્રિય બની ગયાં. આ સમય દરમિયાન જ્યારે શ્રમણાના પતિને આ વાતની ખબર પડી તો તે ખૂબ જ ગુસ્સે થઈ ગયો. તે શ્રમણાને ઉઠાવી જવા માટે તેના કેટલાક સાથીઓને લઈને આશ્રમમાં પહોંચી ગયો. માતંગ ઋષિને આ વાતની ખબર પડી ગઈ. શ્રમણા ફરીથી તે વાતાવરણમાં જવા માંગતા ન હતા.. તેથી તેમણે કરુણ દૃષ્ટિથી ઋષિની સામે જોયું. ઋષિએ શ્રમણાની આસપાસ અગ્નિકવચ રચી દીધું. જેવો તેમનો પતિ આગળ વધ્યો કે તરત જ આગ વધવા લાગી, તેથી તે ડરીને ત્યાંથી ભાગી ગયો.
 
આ ઘટના પછી તે ક્યારેય શ્રમણાને લેવા માટે આવ્યો નહીં. દિવસો વીતવા લાગ્યા. ભગવાન શ્રી રામ સીતાજીને શોધતા શોધતા માતંગ ઋષિના આશ્રમમાં પહોંચી ગયા. માતંગ ઋષિ તરત જ તેમને ઓળખી ગયા. તેમણે બંને ભાઈઓનું સ્વાગત કર્યું અને પછી શ્રમણાને બોલાવીને કહ્યું, ``શ્રમણા! જે રામની તમે નાનપણથી સેવા-પૂજા કરો છેો તે શ્રી રામ સાક્ષાત્‌‍ રૂપમાં આજે તમારી સામે આવ્યા છે. તમે આજે તેમની મન ભરીને સેવા કરી લો.''
 
શ્રમણા તરત જ કંદમૂળ લેવા જતાં રહ્યાં. થોડીવાર પછી તેઓ પાછા ફર્યા. તેઓ કંદમૂળની સાથોસાથ જંગલી બોર પણ લઈ આવ્યા. તેમણે કંદમૂળ તો ભગવાન શ્રી રામની સામે રાખી દીધાં, પણ બોર મૂકવાનું સાહસ ન કરી શક્યાં. શ્રમણાને બોર ખાટાં કે ખરાબ નીકળશે તેવો ડર હતો.
 
તેથી શ્રમણાએ બધાં બોર ચાખવાનાં શરૂ કરી દીધાં. શ્રમણા સારાં બોર કોઈ પણ જાતના સંકોચ વગર શ્રી રામને આપવા લાગ્યા. શ્રી રામ તેમની સરળતાથી મંત્રમુગ્ધ થઈ ગયા. પ્રભુ શ્રી રામે પ્રેમથી શ્રમણાનાં એઠાં બોર પણ ખાઈ લીધાં.
 
ફળાહાર બાદ શ્રી રામે કહ્યું, `હે પવિત્ર દિલના તાપસી, તમે હવે અમને ઋષ્યમૂક પર્વતનો માર્ગ દેખાડો.'
 
શબરીએ રામને વિગતપૂર્વક માર્ગ દેખાડ્યો. અંતમાં કહ્યું, `ભગવન, તમે હવે એક થોડીક જ વાર થોભી જાઓ. મેં આ મઢી આગળ ચિતા ખડકી છે ત્યાં તમે આવી બેસો. તમારા દેખતાં હું બળતી ચિતામાં પ્રવેશ કરીશ. અગ્નિની શિખાઓ વચ્ચે હું તમારાં દર્શન કર્યા કરીશ ને મારા ગુરુઓના આશીર્વાદથી હું દિવ્યરૂપ ધરીને મારા ગુરુઓ પાસે બ્રહ્મલોકમાં પહોંચી જઈશ. હે પ્રભુ, તમે પણ પછી સુખેથી ઋષ્યમૂક તરફ પ્રયાણ કરજો.'
 
રામ-લક્ષ્મણ બેઉ જણ મઢીની ઓસરીમાં આવી ઊભા. સામે જ ચિતા ભડભડ કરતી બળી રહી હતી. શબરી ચિંતામાં પ્રવેશ્યા અને દિવ્યરૂપ ધારણ કરી બ્રહ્મલોકમાં પહોંચી ગયા.
 
બેઉ ભાઈઓએ શબરીના આશ્રમને નમસ્કાર કર્યા. પછી પશ્ચિમ દિશામાં આવેલા પંપા સરોવર તરફ ચાલવા લાગ્યા.
આમ ભગવાનની સેવા માટેના ઉત્તમ નારીપાત્ર તરીકે શબરીને વંદન કરાય છે.
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...