૧૩ ડિસેમ્બર, સંસદ પર આતંકી હુમલાના બાવીસ વર્ષ નિમિત્તે એક ચિંતન

    ૧૩-ડિસેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Parliament Attack

આતંકી અફઝલને બચાવવા મેદાને પડેલાં આ લોકો...

 
૭ ઓક્ટોબર, ૨૦૨૩ના દિને હમાસે ઇઝરાયેલ પર કરેલા આતંકી હુમલાથી આપ વ્યથિત હશો જ, પણ આવા જ પ્રકારનો આતંકી હુમલો ૨૦૦૧ની ૧૩ ડિસેમ્બરે પાકિસ્તાન પ્રેરિત આતંકીઓએ ભારત પર કર્યો હતો. આ કમનસીબ ઘટના ચાલુ ડિસેમ્બર માસમાં જ થઈ હતી. તેની યાદ તાજી રહે એટલા માટે આ લેખ લખવામાં આવ્યો છે.
 
સ્થળ : દિલ્હીનું સંસદ ભવન
દિનાંક : ૧૩ ડિસેમ્બર, ૨૦૦૧
 
સમય : સવારે ૧૧.૩૦ વાગે, જ્યારે સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠક ચાલુ હતી તે સમયે જૈશ-એ-મોહંમદના બંદૂકધારીઓ કારમાં બેસી સંસદના મેદાનમાં પ્રવેશ્યા. તેમનાં વાહનો પર હોમ મિનિસ્ટ્રીનાં બનાવટી લેબલ લગાવેલાં હોવાથી તેઓ સરળતાથી પ્રિમાઈસીસમાં પ્રવેશી શક્યા. ગાડીઓ પાર્ક કર્યા પછી આ આતંકીઓએ એક વિસ્ફોટ કરી આડેધડ ફાયરિંગ શરૂ કર્યું. કલ્પનામાં ન આવે તેવા હુમલાથી કેટલાક સુરક્ષાકર્મીઓ પ્રારંભમાં તેનો ભોગ બન્યા, પણ પછીથી સુરક્ષાકર્મીઓએ સામો ગોળીબાર કર્યો. આશરે ૩૦ મીનિટ સુધી સામસામો ગોળીબાર ચાલુ રહ્યો જેમાં એક માળી સહિત સંસદના નવ સુરક્ષાકર્મીઓ મૃત્યુ પામ્યા, ૧૩ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા. સામે પક્ષે પાંચ હુમલાખોર આતંકીઓ પણ માર્યા ગયા. સંસદની સંયુક્ત કાર્યવાહીમાં સામેલ સાંસદોને સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવ્યા. હુમલાના સમાચાર ચંદ મીનિટોમાં દેશભરમાં પ્રસારિત થઈ ગયા. સમાચાર સાંભળી દેશ સ્તબ્ધ બની ગયો. અલબત્ત તરત જ સરકાર અને પ્રજા આઘાતમાંથી બહાર આવી જઈ પ્રતિક્રિયા આપતા પણ દેખાયા.
 
- વડાપ્રધાન અટલજીએ નિવેદન આપ્યું કે હુમલાની તપાસ અમે જ કરીશું અને સજા પણ અમે જ કરીશું. હુમલાની સજા હુમલા જેટલી જ ભયંકર હશે.
 
- સંસદની દિવાલ પર ચોંટેલા ગ્રેનેડના ટુકડાઓ પર પાકિસ્તાનનો માર્કો હતો, તેથી કેન્દ્રિય ગૃહમંત્રી અડવાણીજીએ કહ્યું કે આ તમામ મૃત આતંકીઓ પાકિસ્તાનના લોકો જણાય છે.
 
- સરકાર દ્વારા પાંચ લાખ જેટલાં સૈનિકોને ભારત-પાક. સરહદ પર તાત્કાલિક તૈનાત કરી દેવામાં આવ્યા.
- બન્ને દેશો વચ્ચે ન્યૂક્લિયર વોરની ધમકીઓ ગાજવા લાગી.
 
- ભારતે તા. ૨૧/૧૨/૨૦૦૧ના દિને પાકિસ્તાન સ્થિત ભારતના રાજદૂત વિજય નામ્બિયાર તથા સ્ટાફને ભારત પરત બોલાવી લીધા.
 
- ભારત સરકારે પાકિસ્તાની વિદેશ વિભાગને પોતાના દેશમાં પરત જવાની સૂચના આપી દીધી.
 
- આ સાથે ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતી રેલવે સમજાૈતા સેવા તથા લાહોર બસ સેવા સરકારે સ્થગિત કરી દીધી.
 
- પાકિસ્તાને પાંચ મૃત આતંકીઓનાં શબ લેવાની ના પાડી દીધી. હુમલો કરવા માટે મોકલેલ આ મુસ્લિમ યુવકોની કબરો માટે છ ફૂટની જગા આપવા પણ પાકિસ્તાન સંમત ન થયું.
 
- સંસદ પરના હુમલામાં સંડોવાયેલ મોહંમદ અફઝલ ગુરુ, શૌકત હુસેન તથા તેની પત્ની અફસાના ઉર્ફે નવજોત સંધૂ તથા પ્રો. ગીલાનીની ધરપકડ કરવામાં આવી. તેમના પર ખૂન, કાવતરાં, દેશ સામે યુદ્ધ અને ગેરકાયદે રાખેલ વિસ્ફોટકો બાબતે પોટા લગાડવામાં આવ્યો. તેમના પર ચાર્જશીટ મૂકવામાં આવી. ૮૦ જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી અને ૪ જૂન, ૨૦૦૨ના રોજ તેમની સામે ટ્રાયલ શરૂ કરવામાં આવી.
 
આપણને જાણકારી છે જ કે દેશમાં ન્યાયિક પ્રક્રિયા એટલી ધીમી, ગૂંચવણભરી અને છટકબારીઓ ધરાવતી છે કે, તેનો ગેરલાભ ગૂનેગારોને મળતો હોય છે. આ કેસમાં પણ તેવું જ થયું. નીચેની ઘટનાઓનો ક્રમ જોઈશું ત્યારે આપણને આ વાત પર વિશ્વાસ થશે.
 
- ૧૩ ડિસેમ્બર, ૨૦૦૧ના રોજ સંસદ પર હુમલો થયો.
 
- ૧૮ ડિસેમ્બર, ૨૦૦૨ના રોજ ટ્રાયલ કોર્ટે અફઝલ ગુરુને ફાંસીની સજા સંભળાવી.
 
- ૨૯ ઓક્ટોબર, ૨૦૦૩ના રોજ દિલ્હી હાઈકોર્ટે અફઝલ ગુરુની ફાંસીની સજા માન્ય રાખી.
 
- ૪ ઓગસ્ટ, ૨૦૦૫ના રોજ સુપ્રીમ કોર્ટે પણ અફઝલની ફાંસીની સજા માન્ય રાખી. પણ તે પછી ન્યાયિક પ્રક્રિયામાં અણધાર્યો પલટો આવ્યો. રાજકીય નિષ્ણાતો એવું માને છે કે, ૨૦૦૪માં અટલ સરકારના પતન પછી આવેલી મનમોહન સરકારના સમયગાળામાં અફઝલની ફાંસી ટાળવાના પ્રયત્નો શરૂ થયા. જેની સિલસિલાબંધ ઘટનાઓ વાચકો સમક્ષ પ્રસ્તુત કરું છું.
આ લોકો આતંકીઓને બચાવવા મેદાનમાં આવી ગયા...
 
- સૌપ્રથમ એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ સંસ્થાએ ભારતની કેન્દ્ર સરકાર તથા ભાજપાના રાષ્ટીય અધ્યક્ષ જના કૃષ્ણમૂર્તિને આરોપીઓને ન્યાય મળે તેવો પત્ર પાઠવ્યો, ન્યાયના નામે આતંકીઓને બચાવવા આંતરરાષ્ટીય સંસ્થા કૂદી પડી.
 
- ૨૦ ઓક્ટોબર, ૨૦૦૬ના રોજ અફઝલને તિહાડ જેલમાં ફાંસી આપવાનો હુકમ સુપ્રીમ કોર્ટે કર્યો હતો, પરંતુ મનમોહન સરકારમાં ગૃહમંત્રી બનેલ ચિદમ્બરમ્‌‍ કે જેમણે અગાઉ અફઝલની દયાની અરજી નકારી દીધી હતી. તેઓએ એકાએક પલટી મારી અને બોલી ઊઠ્યા કે અફઝલ ગુરુની ન્યાયિક પ્રક્રિયા બરાબર થઈ નથી. તેમના આ વિધાનથી અફઝલની ફાંસી ટાળવાના પ્રયત્નો શરૂ થઈ ગયા.
 
- ૨૦ ઓક્ટોબર, ૨૦૦૬ના રોજ ફાંસી આપવાનું નક્કી થયું હતું તે સમયે અફઝલ ગુરુની મદદે કાશ્મીરના કોંગ્રેસી નેતા ગુલામનબી આઝાદ આવી ગયા. આઝાદે દલીલ કરી કે તે દિવસે ઈદ હોવાથી મુસ્લિમો ભડકશે, તોફાનો થશે અને કાયદો વ્યવસ્થા જોખમાશે માટે અફઝલની ફાંસી રોકવી જોઈએ. તેમની આ વાત માન્ય રાખવામાં આવી અને અફઝલને જીવનદાન મળી ગયું.
 
- તે પછી કેન્દ્રના ગૃહવિભાગે અફઝલની ફાંસી બાબતે અભિપ્રાય જાણવા માટે દિલ્હી સરકારને અફઝલ ગુરુની ફાઈલ મોકલી ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી શીલા દિક્ષિત મેદાનમાં આવી ગયાં. કેન્દ્રિય ગૃહવિભાગે શીલા દીક્ષિતને અફઝલની ફાઈલ બાબતે ૧૬ વાર નોટિસો મોકલી હતી પણ દિલ્હી સરકારની ઓફીસે તેનો કોઈ જવાબ ન આપ્યો. આમ, દિલ્હી સરકારે ચાર વર્ષ સુધી અફઝલની ફાઈલ દબાવી રાખી અને ફાંસીને વિલંબમાં નાખી દીધી. આમ ને આમ ૨૦૧૦ની સાલ આવી ગઈ. આખરે જ્યારે આતંકી કસાબની ફાંસીનો મામલો સપાટી પર આવ્યો ત્યારે અફઝલની ફાઈલ ક્યાં અટકી છે તે બાબતે મીડિયાએ હોબાળો મચાવ્યો ત્યારે બધાને ખબર પડી કે ફાઈલ શીલા દિક્ષિત પાસે છે. મીડિયાએ તેમને આ બાબતે પૂછ્યું તો શીલાજીએ કહ્યું, `મને કંઈ ખબર જ નથી. આવો કોઈ પત્ર મને મળ્યો જ નથી.' ત્યારે પ્રશ્ન ઉઠ્યો કે આ ફાઈલ કોણે સંતાડી છે? શા માટે સંતાડી છે? અફઝલને બચાવવામાં કોને રસ છે? આખરે શીલાજીને ફાંસીની સજા માટે સહી કરવી જ પડી, પણ સહીની સાથે તેમણે નોંધ પણ મૂકી કે અફઝલને ફાંસીની સજા આપવા જતાં કાયદો અને વ્યવસ્થા બગડી શકે છે માટે સાવચેતીથી આગળ વધવું જોઈએ.
 
- રાહુલ ગાંધી ૨૦૦૯ના મે મહિનામાં પંજાબના મોહાલીના પ્રવાસે હતા ત્યારે એક પત્રકારે અફઝલને ફાંસી ક્યારે અપાશે તેવો પ્રશ્ન પૂછ્યો તો રાહુલ ગાંધીએ કહ્યું, `અફઝલનો વારો આવશે ત્યારે, અત્યારે તેનો ક્રમ ૨૩મો છે.' એનો અર્થ એવો થયો કે અગાઉના ૨૨ને ફાંસી અપાયા બાદ અફઝલને ફાંસી અપાશે. અફઝલનું આયુષ્ય સાચે જ લાંબું હતું.
 
- મુખ્ય આરોપી અફઝલની ફાંસી રોકવા માટે એક હિંસક પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો. હુઝી નામ ધરાવતા એક આતંકી જૂથે દિલ્હીની હાઈકોર્ટમાં તા. ૭ ઓક્ટોબર, ૨૦૧૧ના દિને `બ્લેક વેન્સડે'ના દિવસે એક વિસ્ફોટ કર્યો હતો, જેમાં ૧૧ લોકોના મૃત્યુ થયા હતા. `અફઝલની ફાંસી રદ કરો'નો ઈ-મેઈલ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
 
ખેર, આખરે સંસદ પરના હુમલાની ઘટનાના બાર વર્ષ બાદ આ કેસનો અંત આવ્યો, હુમલાખોર શૌક્તહુસેનની ફાંસીની સજાને ૧૦ વર્ષની કેદમાં ફેરવવામાં આવી. તેની પત્ની અફસાનાને મુક્ત કરવામાં આવી. પ્રૉ. ગીલાનીને સ્પેશ્યલ કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી પણ પ્રક્રિયા દરમિયાન આકસ્મિક રીતે તેનું મૃત્યુ થયું. મુખ્ય હુમલાખોર અફઝલ ગુરુને તા. ૯ ફેબ્રુઆરી, ૨૦૧૩ના દિવસે દિલ્હીની તિહાડ જેલમાં ફાંસી અપાઈ.
 
 

Parliament Attack 
 
 
...હજી વાર્તા આગળ ચાલે છે
 
 
વાચકોને એવું માનવાની જરૂર નથી કે અફઝલની ફાંસીની સાથે ઘટનાનો અંત આવી ગયો છે. હજી વાર્તા આગળ ચાલે છે, હવે અફઝલના હિતેચ્છુઓ તેના મરણ પછી મેદાનમાં આવે છે.
 
- અફઝલના મૃત્યુ પછી કે. એસ. દોલત કે જેઓ સન ૧૯૯૯થી ૨૦૦૦ સુધી રોના ચીફ હતા તેઓ બોલ્યા કે અફઝલને ફાંસી આપવી જોઈતી ન હતી. તેનાથી કાશ્મીરમાં શાંતિ પ્રક્રિયા જોખમાશે. (સંદેશ : ૧૩-૨-૨૦૧૩)
 
- બુકર પ્રાઇઝ વિજેતા એક્ટીવિસ્ટ અરુંધતી રૉયે અફઝલની ફાંસીને ભારતીય લોકશાહી પરનું કલંક કહ્યું. (Hanging of Afza- is a stain on Indian democracy, 18-3-2013)
 
- પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં હાફિઝ સઇદ અને કાશ્મીરના યાસીન મલેકે એક મંચ પર સભા કરી ફાંસીના વિરોધમાં ધરણાં કર્યાં.
 
- કોંગ્રેસના નેતા સલમાન નિઝામીએ અફઝલ ગુરુને શહીદની ઉપમા આપી અને સોશિયલ મીડિયા પર ટવીટ કરી કે, `તુમ કિતને અફઝલ મારોગે, ઘર ઘર સે અફઝલ નિકલેગા.'
 
- આપણા દેશની જવાહરલાલ નહેરુ યુનિ. (JNU) તથા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પણ સૂત્રો પોકારાયાં કે `તુમ કિતને અફઝલ મારોગે, ઘર ઘર સે અફઝલ નીકલેગા.'
 
- અફઝલને ફાંસી તો દિલ્હીની તિહાડ જેલમાં અપાઈ હતી અને તેનું શબ પણ તિહાડ જેલના પ્રાંગણમાં દાટવામાં આવ્યું હતું, તેમ છતાં કાશ્મીરના અફઝલ પ્રેમીઓએ શ્રીનગરમાં અફઝલ ગુરુની પ્રતિકાત્મક કબર બનાવી તેના પર ચાદર અને ફૂલહાર અર્પણ કરી સૂત્રો પોકાર્યાં હતાં કે, `તુમ કિતને અફઝલ મારોગે, ઘર ઘર સે અફઝલ નીકલેગા.'
 
- જ્યારે ૨૦૦૬માં અફઝલને ફાંસી આપવામાં વિલંબ થયો ત્યારે દેશપ્રેમી લોકોએ સૂત્ર પોકાર્યું હતું કે, `દેશ અભી શરમિંદા હૈ, અફઝલ અભી જિન્દા હૈ.' અને અફઝલને ફાંસી અપાઈ ત્યારે દેશવિરોધીઓએ સૂત્ર પોકાર્યું કે, `તુમ કિતને અફઝલ મારોગે, ઘર ઘર સે અફઝલ નિકલેગા.'
 
શું આ બે સૂત્રો દેશને ચિંતનની દિશામાં લઈ જતાં આપણને દેખાય છે ખરાં?
 
સંસદ પરના હુમલાની ઘટનામાંથી બોધપાઠ મળે તેવાં પ્રેરણાદાયક વાક્યો હુમલા વખતે ઘાયલ થયેલા એક સુરક્ષા કર્મી બોલ્યા હતા. ૧૩ ડિસે., ૨૦૦૧ના દિને આતંકીઓની ગોળીઓથી ઘાયલ થયેલા સુરક્ષાકર્મીને એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો હતો કે, `આતંકીઓને જબ સંસદ પર હમલા કિયા ઉસ વક્ત આપ કો ડર નહીં લગા થા?' તેના ઉત્તરમાં ઘાયલ સુરક્ષાકર્મી બોલેલા કે, `અરે, ડર કૈસા ? સંસદ તો હમારે દેશ કી ઇજ્જત હૈ, ઈસ કે લિયે અગર હમ મર ભી ગયે તો ભી ક્યા?' - અસ્તુ
 
(લેખક : `સાધના'ના ટ્રસ્ટી છે)

સુરેશ ગાંધી

શ્રી સુરેશભાઈ ગાંધી

  • શ્રી સુરેશભાઈ ગાંધી વર્ષ ૨૦૦૮થી સાધનાના ટ્રસ્ટી તરીકે જવાબદારી નિભાવે છે.
  • મૂળ વતન વડાલી, જિલ્લો - સાબરકાંઠા, ૨૦૦૨થી કર્ણાવતીમાં નિવાસ.
  • જન્મ તારીખ - ૨૬-૦૬-૧૯૪૨
  • ૧૯૬૯થી સંઘના સ્વયંસેવક છે.
  • અભ્યાસ - એમ.એ, બી.એડ, ડીટીસી.
  • નિવૃત આચાર્ય - ૨૦૦૦
સંઘમાં જિલ્લા કાર્યવાહ, વિભાગ કાર્યવાહ અને છેલ્લે પ્રાંત બૌધિક પ્રમુખની જવાબદારી નીભાવી. ઉપરાંત તેઓ ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી તથા પ્રદેશ ઉપાધ્યક્ષ પદે પણ રહી ચૂક્યા છે.