આ દુનિયામાં...બિચારા એ અબોલ ઉઈગર મુસ્લિમોનું કોણ??

16 Dec 2023 16:00:32

vichar vimarsh
 
 
...ને નાલંદા વિશ્વવિદ્યાલયના ગ્રંથો મહિનાઓ સુધી સળગતા રહ્યા
 
 
એ લોકો કૂપમંડૂક છે, જેમને `જ્ઞાન' બેચેન કરે છે. યાદ કરો- સંકુચિત જમાતના કટ્ટરપંથી રુઢિચુસ્ત ક્રૂર આક્રમણખોરોએ નાલંદા વિશ્વવિદ્યાલય પર કરેલા એ હુમલાને.. આ હુમલામાં સૌ પહેલો શિકાર ક્યો હતો? કલ્પના કરી શકો? સૌ પહેલો શિકાર- નાલંદાના વિશ્વવિખ્યાત ગ્રંથાલયના જ્ઞાન-વિજ્ઞાનના લક્ષાવધિ ગ્રંથો. એક એક ગ્રંથમાં હતી; જ્ઞાની તપસ્વી આચાર્યોના જ્ઞાનની તપસાધના. કટ્ટરવાદીઓએ એ લક્ષાવધિ ગ્રંથોને સળગાવેલા. મહિનાઓ સુધી આગ હોલવાયેલી નહીં. હા, એ આગ આજે પણ સળગી રહી છે, ન માત્ર આપણાં મન-મસ્તિષ્કમાં, પરંતુ વીતેલા-વર્તમાનના-ભવિષ્યના સમયના કોટિ હિન્દુ-હૃદયોના અનંત ધબકારોમાં પણ...
 
તમસપ્રિય લોકો ડરપોક હોય છે. સત્ય, જ્ઞાન અને પ્રકાશથી તો ખૂબ જ ડરે. તામસિક વૃત્તિ બીજાંને તરતાં જોઈ શકતી નથી, અંતે પોતાની આ માનસિકતાને લઈને પોતે ડૂબે છે. તમસ તેજથી ભાગે છે. તેને સત્યના સૂર્યનો ઉજાસ-પ્રકાશ ક્યાંથી પોષાય? અજ્ઞાનની રાત્રિ પછી તેજોમય સવાર પડવી પણ ન પોષાય. આવા એક તામસિકને કોઈકે કહ્યું કે, કૂકડો બોલે એટલે જ સવાર થાય છે! ખલાસ, બિચારા કૂકડાનું આવી બન્યું. તામસિકે નક્કી કર્યું કે હવે કૂકડો રહેવો ન જોઈએ. સવાર થાય તે પહેલાં કૂકડાની પાછળ દોડતો હતો ત્યારે જ કૂકડાએ કૂડડે કૂકનો સ્વાગતસ્વર ઉચ્ચારી દીધો. જો કૂકડાઓના બોલવાથી જ પ્રભાત થતાં હોત તો? રાત્રિનું નામોનિશાન ન રહેત. કૂકડાને મારવા દોડવું તે ગ્રંથોને સળગાવવા સમાન છે. કૂડડે કૂકની કાલી-ઘેલી બોલીમાં પ્રભાતને અગ્રિમ (Advance) આવકાર આપતો કૂકડો; એ આત્મશૂન્ય-ચેતનાશૂન્ય ઠાલાં માનવશરીરો કરતાં શ્રેષ્ઠ છે.
બાબરી મસ્જિદ ઢાંચો
 
જો નાલંદા જેવી આગજની અને આતંકથી જ ધાર્યું થતું હોત તો ઔરંગઝેબ જેવા સંખ્યાબંધ ક્રૂર શાસકોના શાસન વખતે ભારત આખુંયે વટલાઈ ગયું હોત. `બાબરી મસ્જિદ'ના બદલે `બાબરી ઢાંચો' કેમ કહેવામાં આવે છે? બાબરે શ્રી રામજન્મ ભૂમિ પરનું શ્રીરામજીનું મંદિર તોડ્યું, પણ બાબર કે તેનો સેનાપતિ મીર બાંકી કે તે પછીના બધા જ ક્રૂર મુગલ બાદશાહો ને સેનાપતિઓ અબાધ સત્તા ધરાવતા હોવા છતાં ત્યાં જન્મસ્થાન પર પૂર્ણરૂપે મસ્જિદ બાંધી નહીં શક્યા, કારણ કે શ્રીરામજન્મભૂમિ સ્થાન માટેના સંઘર્ષના ૫૦૦ વર્ષ દરમિયાન હિન્દુ સમાજે નાની-મોટી ૮૦ જેટલી લડાઈઓ લડીને, લાખોની સંખ્યામાં બલિદાન આપીને પણ શ્રીરામજન્મસ્થાન ઉપર પૂર્ણરૂપે મસ્જિદ ક્યારેય નહીં જ બનવા દીધી. સન ૧૯૯૨ની શ્રીગીતા જયંતીએ ગુલામીનું કલંક એવો ઢાંચો પણ ધ્વસ્ત થયો. એટલું જ નહીં એ ઢાંચાવાળી જગ્યા ભગવાન શ્રીરામજીનું જન્મસ્થાન જ છે, તેવા નિર્ણાયક તારણ પર આવીને નામદાર સુપ્રીમ કોર્ટે પણ ત્યાં શ્રીરામમંદિર બનાવવાનો માર્ગ મોકળો કરી દીધો. ૨૦૨૪ની ૨૨મી જાન્યુઆરીએ ન માત્ર આખો દેશ બલ્કે આખું વિશ્વ પ્રભુ શ્રીરામલલાની પ્રાણપ્રતિષ્ઠા માટે પ્રતિક્ષા કરી રહ્યું છે.
 
ગ્લિસરિન વિનાનાં આંસુ પણ કોમવાદી?
 
ખરેખર તો પેલી કૂપમંડૂકતા દેશ સ્વાધીનતા થતાંની સાથે જ વિદાય લેવી જોઈતી હતી. પણ કમનસીબે કહેવાતા આજના પ્રગતિશીલ યુગમાં પણ એ કૂપમંડૂક માનસિકતા કેમ જાણે દિવસે દિવસે ફૂલતી-ફાલતી જ રહી? જે સમાજ કૂપમંડૂક હોય તે સમાજનો વ્યક્તિ શુદ્ધ લોકશાહીમાં પણ સ્વતંત્રપણે વિચારી શકતો નથી, કારણ કે કૂપમંડૂક સમાજના નેતૃત્વમાં કટ્ટરતા ઠાંસી ઠાંસીને ભરેલી હોય છે. અને તેથી જ આવા સમાજના જથ્થાબંધ મતો એક સામટા એકહથ્થુ પડતા હોય છે. એક સામટા એકહથ્થુ જથ્થાબંધ મતોની શું કિંમત? બાટલા હાઉસ એન્કાઉન્ટર થયું તેમાં ઇન્ડિયન મૂજાહિદ્દીનના બે આતંકવાદીઓ માર્યા ગયા, તે દૃશ્ય જોઈને સોનિયાજીની આંખો આંસુડાંથી ઉભરાઈ ગયેલી. આ આંસુ એ એકસામટા એકહથ્થુ જથ્થાબંધ મતોની કિંમત છે. સોનિયાજીનાં આંસુ અસલી હતાં કે નકલી હતાં તે જાણવા માટે એ જાણકારી હોવી જોઈએ કે, એ એન્કાઉન્ટરમાં બલિદાન થયેલા પોલીસ અધિકારી મોહનચંદ શર્મા પ્રત્યે સોનિયાજીને આજ દિન સુધી કોઈ સહાનુભૂતિ નથી થઈ. જે નેતૃત્વનાં અશ્રુજળને ય કોમવાદ આભડી જાય તેવા નેતૃત્વને જો દેશનું સુકાન મળી જાય તો પ્રજાને પાંચ વર્ષ એકધારાં અશ્રુજળ વહાવવાના દહાડા આવે તે પાકું. કોમ્યુનલ વાયોલન્સ બીલનો ડ્રાફ્ટ (ગુગલ પર ઉપલબ્ધ છે..) વાંચી લીધા પછી કોમવાદી સત્તા કોને કહેવાય એ સમજતાં વાર નહીં લાગે! દેશના સદ્નસીબે એ બીલ ૨૦૧૪માં સત્તાપલટાના કારણે પસ્તી બની ગયું.
 
બીજું ઉદાહરણ જોઈએ. સલમાન ખુરશીદ કાયદા પ્રધાન હતા ત્યારની વાત છે. ઉત્તર પ્રદેશમાં મુસ્લિમોના જથ્થાબંધ મતો એક સામટા એકહથ્થુ મતો પોતાના પક્ષને મળે તે માટે કોંગ્રેસ સહિતના સ્યુડો સેક્યુલર પક્ષોમાં કાતિલ સ્પર્ધા જામેલી ત્યારે કોંગ્રેસી નેતા સલમાન ખુરશીદે ચૂંટણી પંચની ઐસીતૈસી કરીને મુસ્લિમોને ૯ (નવ) ટકા રિઝર્વેશન આપવાનો ગુબ્બારો ચગાવ્યો. રિઝર્વેશનની રેકર્ડ વગાડવાથી નારાજ થયેલ ચૂંટણી પંચે સલમાનને ખમૈયા કરવા કહ્યું, પોતે કેન્દ્રીય પ્રધાન હતા છતાં પણ સલમાન માન્યા નહીં એટલે તેમની વિરુદ્ધ ચૂંટણી પંચે રાષ્ટપતિ સમક્ષ દોડી જઈને તેમની વિરુદ્ધ ફરિયાદ કરવી પડી. આવું ઇતિહાસમાં પહેલી વાર બન્યું. લોકતંત્ર લાચાર હતું. કાયદા પ્રધાને પોતે જ કાયદાનું હનન કરવું, તે એક સામટા એકહથ્થુ જથ્થાબંધ મતોની ખરી કિંમત છે.
 
ઓ.. હમાસપ્રેમીઓ, હજુ ઉઈગર મુસ્લિમોમાં જીવ છે..
 
મજહબના નામે આવા સલમાન ખુરશીદ સ્ટાઈલના ઉન્માદ વખતે લોકતંત્ર લૂલું અને લાચાર હતું. રોજ ઉઠીને ... વાળું બ્લેકમેઇલીંગ, વિક્ટિમ કાર્ડ, અને તેના નામે કાયદો હાથમાં લેવાનાં કરતૂતો જોઈએ ત્યારે સહજતાએ સરમુખત્યારશાહી આંખો સામે તરવરતી થાય, કારણ કે તે આપણી પડોશમાં જ છે અને તેથી તેની સાથે સહજ સરખામણી થવી સ્વાભાવિક છે.
#  પડોશી ચીનના ઉઈગુર પ્રાંતમાં રહેતા એક કરોડ વીસ લાખ મુસ્લિમો પર ચીનની સામ્યવાદી(!) સરમુખત્યારશાહી જોર-જુલમ કેમ કરી રહી છે?
 
# ત્યાં બ્લેકમેઇલીંગ, વિક્ટિમ કાર્ડ, અને તેના નામે કાયદો હાથમાં લેવાનાં કરતૂતો કેમ કારગર નથી?
 
# ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના યુદ્ધ બાબતે પેલેસ્ટાઈન મુદ્દે અંધાધૂંધ કૂદી પડનારા દુનિયાના ઈસ્લામિક દેશો અને ભારતના મુસ્લિમો આ મુદ્દે કેમ મોં પર ફેવિકોલથી પટ્ટી ચોંટાડીને સાવ ચૂપ બેસી રહ્યા છે?
 
# ચીનના ઉત્તર પશ્ચિમ વિસ્તાર શિનજીયાંગમાં રહેતા લાખો મુસ્લિમોને ચીનની સરકારે કેદ કરીને કેમ્પમાં રાખ્યા છે, તે આખી દુનિયા જાણે છે, તેમ છતાં કૂપમંડૂક કટ્ટરતા ક્યાં ખોવાઈ જઈ છે?
 
# અમેરિકા જેને `વંશીય-નિકંદન' ગણાવે છે તે (૨૦૧૬થી ૨૦૨૨ સુધી સામ્યવાદી ચીનમાં ચાલેલા) ૧૨ લાખ મુસ્લિમોના હત્યાકાંડ માટે હરફે ય નહીં ઉચ્ચારવાની પાછળ ઈસ્લામિસ્ટોની કયી મજબૂરી છે?
 
# ૨૦૧૭થી ૨૦૨૨ સુધી કમ્યુનિસ્ટ ચીનમાં ૨૦ હજાર મસ્જિદો સરેઆમ તોડી પાડવામાં આવી છે, એટલું જ નહીં હમણાં હમણાં તો મસ્જિદ જેવાં દેખાતાં મકાનોને પણ તોડી પડાયાં છે ત્યારે દુનિયાભરના આંદોલનજીવીઓ કેમ આરામ પર છે?
 
# ઉઈગર મુસ્લિમોની ખસી અને સ્ત્રીઓની નસબંધી કરી દઈને તેમની પાસેથી બળજબરીથી ગધ્ધામજૂરી કરાવવામાં આવે છે, તેમ છતાંય ઈસ્લામ બ્રધરહુડ(?) ચૂપ કેમ?
 
# અરે! ઇજિપ્ત, સાઉદી અરબ, યુએઈ જેવા ઈસ્લામિક દેશો ઉઈગર મુસ્લિમોના મુદ્દે ચીનના અમાનવીય અત્યાચારોના સૂરમાં સૂર કેમ મિલાવે છે?
 
# હમાસની તરફદારી કરવામાં શૂરા પૂરા ભારતના મુસ્લિમો કેમ ઉઈગર મુસ્લિમોના મુદ્દે દુનિયાના સમૃદ્ધ દેશોને આજીજીજી કરતા નથી?
 
# ઉઈગરોના મુદ્દે સોનિયાજી કેમ આંસુનું એકાદ ટીપું પણ વહાવવાતાં નથી?
 
# ચીન, લિબરલ્સ, જેએનયુ વગેરે વગેરે ફેઈમ (વિદેશોમાં વેકેશન ભોગવવા અચૂક જતા) નેતાના અને તેમની પાર્ટીના ચીન સાથેના સારા સંબંધોનો ઉપયોગ કરીને ઉઈગર મુસ્લિમોને આઝાદી કેમ અપાવતા નથી?
 
ઉપરોક્ત તમામ પ્રશ્નોનો એક જ ઉત્તર છે- ચીન વિરૂદ્ધ હરફ ઉચ્ચારવાથી શું ભોગવવું પડે તેની ઉપર ઉલ્લેખિત તમામને સુપેરે સમજણ છે. કાશ, આ તમામને એક બીજી સમજવા જેવી સમજણ હોત કે, વર્તમાન ભારત; હવે અગાઉ ચીનથી (છેક નહેરુકાળથી..) ડરતું રહેતું ભારત નથી.
 
શરૂઆતમાં કહ્યું તે નાલંદા વિશ્વવિદ્યાલય પરના એ હુમલા વખતેના હુમલાખોરોના હાલના કૂપમંડૂક વારસદારોની અને તેની સાથે ભળી ગયેલ વામપંથના વારસદારો એવી 'Woke'પંથી તમસપ્રિય ભારતવિરોધી મિક્સ જમાત ભલે ને ગમે તે રીતે મોં સંતાડે, છતાંય તેમની લવ જેહાદ, લેન્ડ જેહાદ, હલાલના નામે થૂંક જેહાદ જેવી નિત નવી નવી જેહાદો અને નવી નૌટંકીઓની ખબર સૌને પડી રહી છે. શું આધારકાર્ડના જમાનામાં બુરખા પહેરી લેવાથી પોતાની મૂળ ઓળખને છૂપાવવી વર્તમાન ભારતમાં શક્ય છે કે?
 
ભારત ધરાવે છે વૈશ્વિક ગુરૂત્વ
 
અંતે વિજય તો સત્ય, જ્ઞાન અને પ્રકાશનો જ થાય છે. પાકિસ્તાનને પોતે પ્રાચીન છે, તેવું દેખાડો કરવાનું ચાનક ચઢ્યું. તેણે પોતાનો ઈતિહાસ પાંચ હજાર વર્ષ જુનો છે, તેવું દુનિયાને દેખાડવા માટે પાંચ હજાર વર્ષની સિલસિલાબંધ અનેક ગૌરવશાળી વાતો કરી છે. ઉદાહરણ તરીકે તેણે એક વાત કરેલી છે ઇસ્લામાબાદ નજીકની; પ્રાચીન જ્ઞાનતીર્થ તક્ષશિલા વિદ્યાપીઠના ગૌરવની.. આ પાંચ હજાર વર્ષની સિલસિલાબંધ કરાયેલી તમામ વાતો વાસ્તવમાં ભારતના ગૌરવની છે કે પાકિસ્તાનના? મૂર્ખાઓની સૌથી મોટી સામાન્ય (Common) મૂર્ખાઈ કઈ? સૌને મૂર્ખ માનવાની!
 
હા, ઔરંગઝેબ સાવ પાકિસ્તાની નહોતો! તે છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર શંભાજીની સામે બોલી ઊઠેલો કે, મારા ચારમાંથી એક છોકરો તારા જેવો હોત તો આખું હિન્દુસ્તાન મુઘલો હસ્તક હોત. આ સાંભળીને ૫૦૦૦ વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાંથી શરૂ થયેલું મહાભારત યાદ આવે. અભારત એટલે દુર્યોધન! દુર્યોધન પણ સત્ય તો જાણતો જ હતો- ... પણ સત્યને જીવી શકતો નહોતો.
 
એક તરફ.. બીજી તરફ..
 
વર્તમાન ભારત એક તરફ કવિ રસખાનને, ફોજી અબ્દુલ હમીદને, ક્રાંતિકારી અશફાક ઉલ્લાખાંને, શરણાઈવાદક ઉસ્તાદ બિસ્મિલ્લાહખાંને, વૈજ્ઞાનિક રાષ્ટપતિ એપીજે અબ્દુલ કલામને નમન-વંદન કરે છે (કારણ કે આ સૌએ અહીંની માટીને `મા' માની છે..) અને ગુજરાત સંદર્ભે વાત કરીએ તો ગઝલકાર બરકતઅલી વીરાણી(બેફામ)ની ભારતની આધ્યાત્મિકતાથી ઓતપ્રોત રચનાઓ જેવી કે -
 
- તને સાચવે પારવતી.. અખંડ સૌભાગ્યવતી..
- મારા તે ચિત્તનો ચોર રે.. મારો સાંવરિયો..
- એકલા જ આવ્યા મનવા.. એકલા જવાના..
 
આ રચનાઓ આખુંય ગુજ્જુ ભારત હૃદયથી વધાવીને ગાય છે.. ગણ-ગણે છે.
 
બીજી તરફ વર્તમાન ભારત; અવળચંડા આતંકી કૂપમંડૂક પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક પણ વટથી કરી જાણે છે.
મહંમદ પયગંબર સાહેબે ફરમાવ્યું છે કે, દેશ પ્રત્યે વફાદારી એ ઈમાનનો હિસ્સો છે. પયગંબર સાહેબે હિન્દુસ્થાન માટે કહ્યું છે કે, હિંદથી મને હંમેશા ઠંડી હવાની અનુભૂતિ થાય છે.
 
આ આપણી હિન્દુભૂમિ-ભારતભૂમિ પર સત્ય-જ્ઞાન-પ્રકાશનો ત્રિવેણી સંગમ રચાયેલો છે, તેથી જ ભારતમાં ઈશ્વરની અનુભૂતિ અને તેને પગલે શાશ્વત શાંતિની અનુભૂતિ હાથવગી છે. આ જ કારણોસર અટલ-અનંત-અદ્વિતીય ભારત; વૈશ્વિક ગુરૂત્વને ધારણ કરી શક્યું છે.. ધારણ કરી રહ્યું છે...
 
 
Powered By Sangraha 9.0