વિશ્વ વિજય માટે હિંદુ સમાજ સંગઠિત થઇને કાર્ય કરે : શ્રી દત્તાત્રેય હોસબાલે

થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં ગત સપ્તાહે ત્રીજી વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ ૨૦૨૩ યોજાઈ ગઈ, જેમાં ૬૧ દેશો લગભગ ૨૧૦૦ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા તથા ૪૫ સત્રોમાં ૨૦૦થી વધુ વિશિષ્ટ વક્તાઓએ ઉપસ્થિત રહીને દેશ-દુનિયામાં વસતા હિન્દુ સમાજને એકજૂટ કરીને સનાતન ધર્મના વિરોધમાં ઊઠતા અવાજોને અસરકારક રીતે મુકાબલો કરવાનો સંકલ્પ લીધો હતો.

    ૧૬-ડિસેમ્બર-૨૦૨૩
કુલ દૃશ્યો |

world hindu congress 2023

થાઇલેન્ડમાં યોજાઈ ત્રીજી વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ | world hindu congress 2023

 
થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં ગત સપ્તાહે ત્રીજી વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ ૨૦૨૩ યોજાઈ ગઈ, જેમાં ૬૧ દેશો લગભગ ૨૧૦૦ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા તથા ૪૫ સત્રોમાં ૨૦૦થી વધુ વિશિષ્ટ વક્તાઓએ ઉપસ્થિત રહીને દેશ-દુનિયામાં વસતા હિન્દુ સમાજને એકજૂટ કરીને સનાતન ધર્મના વિરોધમાં ઊઠતા અવાજોને અસરકારક રીતે મુકાબલો કરવાનો સંકલ્પ લીધો હતો. આ અવસરે રા. સ્વ. સંઘના સરકાર્યવાહ મા. શ્રી દત્તાત્રેય હોસબાલેજીએ આપેલા ઉદબોધનના અંશો અહીં પ્રસ્તુત છે...
 
વિશ્વ વિજય માટે હિંદુ સમાજ સંગઠિત થઇને કાર્ય કરે : શ્રી દત્તાત્રેય હોસબાલે
 
વર્લ્ડ હિન્દુ કોંગ્રેસના કાર્યક્રમમાં રાષ્ટીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ મા. શ્રી દત્તાત્રેય હોસબાલેજીએ જણાવ્યું હતું કે, વિશ્વ હિંદુ કોંગ્રેસની ત્રીજી વર્ષગાંઠ પર આપણે સૌ ઉપસ્થિત થયા છીએ. જ્યારે સમારંભની શરૂઆત થઇ તે દિવસ બહુ મહત્ત્વપૂર્ણ હતો. આ 24 નવેમ્બર, 1675નો દિવસ. પૂજ્ય ગુરુ તેગબહાદુર દેવજીના બલિદાનનો દિવસ છે, આ દિવસે તેમણે હિંદુ ધર્મનું પાલન કરવા માટેની સ્વતંત્રતા મેળવવા તેમજ હિંદુ ધર્મની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. આજે હિંદુ ધર્મ, હિંદુ સમાજ, ઇતિહાસ અને સંસ્કૃતિ અર્થાત હિંદુત્ત્વ પુનરુત્થાનના યુગમાંથી પસાર થઇ રહ્યો છે. હિંદુઓમાં એક નવી જાગૃતિ જોવા મળી રહી છે. સાથે જ વિશ્વભરમાં હિંદુઓ અને અન્ય મતોનું પાલન કરનારાઓ વચ્ચે હિંદુત્વ વિશે જાણવાની જિજ્ઞાસા વધી રહી છે. વૈશ્વિક મંચ પર હિંદુની ઓળખ સશક્ત થઇ રહી છે. ઉદાહરણ તરીકે, દુનિયાભરના લોકો યોગ અપનાવી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રએ 21 જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો છે. આયુર્વેદ, સંસ્કૃત વગેરે તરફ પણ લોકોની રૂચિ વધી રહી છે. લોકો શ્રીમદ્‌‍ ભગવદ ગીતા અને અન્ય ગ્રંથોનું અધ્યયન કરી રહ્યા છે. ઉપરાંત તેના વિશે લખી રહ્યા છે.
થોડા વર્ષો પહેલા અમેરિકાની ન્યૂઝ વીક પત્રિકાના એક લેખમાં કહેવામાં આવ્યું હતું કે, `આપણે સૌ હિંદુ છીએ.' આ વાત એવા લોકોના મુખેથી નીકળી છે, જેમણે હિંદુ ધર્મમાં જન્મ તો નથી લીધો, પરંતુ હિંદુ ધર્મ, પ્રથાઓ અને દર્શનનું પાલન કરવાનો નિર્ણય કર્યો છે. ગોલ્ડબર્ગના પુસ્તક `અમેરિકન વેદાસ'એ પશ્ચિમમાં હિંદુ ધર્મ પ્રત્યેના સન્માનમાં વધારો કર્યો છે. એક સમય હતો, જ્યારે હિંદુઓને અને હિંદુ સંસ્કૃતિને ઉપહાસ, અપમાન, ઉપેક્ષા અને તિરસ્કાર વેઠવો પડતો હતો. હિંદુઓને આકરી ટીકા અને ધૃણાનો સામનો કરવો પડતો હતો. એ સમય આજે પણ સંપૂર્ણ રીતે સમાપ્ત થયો નથી, છતાં પણ આપણે આગામી પડાવ તરફ આગળ વધી રહ્યા છે. હવે સમય છે સંગઠનનો.
 
આજે વિશ્વભરમાં હિંદુ સંગઠન, સંઘ અને વિભિન્ન સંપ્રદાયોનાં મંદિર, સંગઠનો અને ન્યાસ બનાવવામાં આવી રહ્યાં છે. આપણો ઇતિહાસ દર્શાવે છે કે, આપણી સંસ્કૃતિમાં સંગઠનની પરંપરા રહી છે. પરંતુ કાળની ધારામાં તે ક્યાંક ખોવાઈ ગઇ છે. આપણે સૌ જાણીએ છીએ તેમ સંગઠનમાં જ શક્તિ છે. રાષ્ટીય સ્વયંસેવક સંઘ, ભારત સેવાશ્રમ સંઘ તથા રામકૃષ્ણ મિશન સહિત અન્ય સંગઠનો હિંદુ સમુદાયના પુનરુત્થાન માટે હિંદુ સમાજને સંગઠિત કરવાનું કાર્ય કરી રહ્યા છે. સંગઠનનો ઉદ્દેશ છે સમર્થ અને સશક્ત બનવું, સ્વયંની રક્ષા કરવી, જે સદાચારી છે પણ નિર્બળ છે તેની રક્ષા કરવી, ખરાબ પ્રવૃત્તિ કરનારા પર નિયંત્રણ રાખવું વગેરે.
 
विध्या विवादाय धनं मदाय,
शक्तिः परेषां परपीडनाय।
खलस्य साधो विपरीतमेद्‌,
ज्ञानाय, दानाय च रक्षणाय॥ 
 
અર્થાત્‌‍ : દુર્જનની વિદ્યા વિવાદ માટે, ધન એ ઉન્માદ માટે અને શક્તિ અન્ય લોકોનું દમન કરવા માટે હોય છે. તેથી ઉલટું, સજ્જન લોકો આ તમામનો ઉપયોગ જ્ઞાન, દાન અને અન્ય લોકોના રક્ષણ માટે કરે છે.
 
માનવ સમાજ માટે ઉપયોગી સંગઠનની સફળતા તેની સાથે જોડાયેલી વ્યક્તિઓની વિશેષતાઓ અને ભૂમિકાઓ પર નિર્ભર કરતી હોય છે. જેમાં ઉત્કૃષ્ટ યોજના, સામૂહિક કાર્ય-ભાવના, આકરી મહેનત, સમર્પિત પ્રયાસનો સમાવેશ થાય છે. સંગઠનની સફળતા એ અન્ય સંગઠનોની સાથે બનાવવામાં આવેલા સમન્વય, સહયોગ અને આંતરસંવાદ તેમજ પરસ્પર માહિતીઓના આદાન- પ્રદાન પર પણ નિર્ભર કરે છે. જો તેનો અભાવ રહે તો પુનરુત્થાનની ગતિ મંદ પડે છે અને એકતાની શક્તિ પણ ક્ષીણ થતી જાય છે. વિશ્વના વિવિધ ભાગોમાં ભાષા, સંપ્રદાય, મત, જાતિ અને ઉપજાતિના આધાર પર રચાયેલા ઘણાં હિંદુ સંગઠનો અને સંસ્થાઓ આ કાર્ય કરી રહ્યાં છે. પરંતુ વિટંબણા એ છે કે, તેઓ એક-બીજા પર પ્રહાર કરી રહ્યા છે અને પોતાની સમગ્ર ઊર્જા પોતાના સીમિત ઉદ્દેશ પર જ ખર્ચ કરી રહ્યાં છે. આ પ્રક્રિયામાં હિંદુ ક્યાંક ખોવાતો જાય છે, આથી હિંદુ ઓળખને સશક્ત કરવાના વ્યાપક લક્ષ્યાંકને સર કરવા માટે વિવિધ હિંદુ સંગઠનો વચ્ચે સમન્વયની ભાવના કેળવાય તે આવશ્યક છે.
જ્યારે આપણે સંગઠન બનાવીએ તો એ વાતનું ધ્યાન રાખીએ કે આપણો સંગઠનાત્મક વ્યવહાર, આપણું સ્વપ્ન, આપણી ગતિવિધિઓ અને અન્ય સંગઠનોની સાથે પરસ્પર મેળ બનાવી રાખે, તેમજ પોતાના મતભેદોને દૂર કરીને એક લક્ષ્ય તરફ આગળ વધે. નહીંતર આપણે સંગઠન તો બનાવી લઇશું પરંતુ એકજૂથ થવાની જગ્યાએ વેર-વિખેર અને પ્રભાવહીન બની જઈશું. વિશ્વમાં એવા અનેક ઉદાહરણ જોવા મળ્યાં છે કે, જ્યાં વિવિધ સંગઠનોમાં પરસ્પર મતભેદો, સ્વાર્થ, અહંકાર અને સામૂહિક એકજૂથતાના અભાવને કારણે અલગાવનો જન્મ થયો અને તેઓ પોતાના લક્ષ્યથી ભટકી ગયાં. હિંદુઓના પુનરુત્થાનનો માર્ગ પ્રશસ્ત કરવા માટે આવશ્યક છે કે આપણે કેટલાક વિશિષ્ટ બિંદુઓ પર ધ્યાન આપીએ.
 
આપણી સમક્ષ ઉદ્દભવેલા મોટા પડકારોમાંથી એક છે ભારતીય રાજનીતિનો પંથ નિરપેક્ષ સિદ્ધાંત. જો કે, તેનો પ્રભાવ નબળો પડી રહ્યો છે પણ તેનું અસ્તિત્વ હજુ પણ જીવંત છે અને સમસ્યાઓ ઊભી કરે છે. આપણી સંસ્થાઓ અને સંગઠનોને તથા કથિત પંથનિરપેક્ષતા, જે એક છદ્મ સિદ્ધાંત છે, તેણે એવા પ્રભાવિત કર્યા છે કે, આપણા તહેવારોનું મૂળ ક્લેવર જ બદલાઇ ગયું છે. આજે દિવાળી, ગણેશપૂજા અને અન્ય હિંદુ તહેવારોને હિંદુ પરંપરાઓથી ઉલટું પશ્ચિમી શૈલીમાં ઊજવવાનું ચલણ વધી રહ્યું છે, જે આપણને આપણી સંસ્કૃતિથી દૂર કરી રહ્યું છે.
 
આપણા દેશમાં ભાષા, મત, વિચારધારા વગેરેના આધાર પર સંગઠનો તો બની રહ્યાં છે, પરંતુ તે એક સંકલિત ભાવ દર્શાવવાની જગ્યાએ વિભાજન તરફ આગળ વધી રહ્યાં છે. પરંતુ દુર્ભાગ્યે, આપણે ત્યાં સાંપ્રદાયિક, પાંથિક નેતૃત્વ અંતર્ગત બનાવાયેલાં સંગઠનો પણ છે, જે પોતાના સમૂહની રક્ષાના નામે બીજા દળના લોકો સાથે સંવાદ તેમજ સંપર્ક રાખતાં નથી, પરંતુ પોતાના સમૂહમાં સભ્યોની સંખ્યા વધારવા માટે બીજા દળના લોકોને પોતાનો શિકાર કરવામાં પાછા પડતાં નથી. તેને કારણે વેર-ભાવ વધે છે. આથી જ આપણે સંગઠિત તો થઇ રહ્યા છીએ પરંતુ એકજૂથ નથી થઇ રહ્યાં. ઊલટું વિભાજિત થઇ રહ્યા છીએ. આ વિરોધાભાસ સમગ્ર દુનિયામાં દેખાઈ રહ્યો છે.
 
આપણી વિટંબણા એ પણ છે કે આપણે પોતાની નવી પેઢી માટે હિંદુ ધર્મ, સંસ્કૃતિ અને ઇતિહાસ વિશે સાચી અને સમગ્ર સામગ્રી ઉપલબ્ધ કરાવવા તેમજ તેમના પ્રશ્નોનો યોગ્ય ઉત્તર આપવામાં નિષ્ફળ જઇ રહ્યા છીએ. અમેરિકી સમાજમાં 9/11ની આતંકી ઘટના પછી પંથ અને પોતાની સંસ્કૃતિ વિશે જાણવાની જિજ્ઞાસા વધી, આવા સમયે પુસ્તકોની દુનિયામાં ઇસ્લામ, ઇસાઇયત સહિત અનેક અન્ય મત-પંથો સાથે સંબંધિત પુસ્તકોનો મોટો ભંડાર ઊભો થઈ ગયો, પરંતુ દુઃખની વાત છે એ કે એ પુસ્તકો વચ્ચે હિંદુ ધર્મ, સંસ્કૃતિ અને ઇતિહાસને લગતાં પુસ્તકો ઉપલબ્ધ ન હતાં. અને એ પણ જોયું છે કે, ઘણાં દેશોમાં હિંદુઓ પોતાના રીતિ- રિવાજો અને માન્યતાઓનું પાલન કરવામાં સમસ્યાઓ અને અવરોધનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત પણ અન્ય એક ગંભીર મુદ્દો (બિંદુ) છે સાંસ્કૃતિક પરામર્શનો અભાવ. આજે તેને યોગ્ય રીતે કાર્યાન્વિત કરવાની જરૂરિયાત વધી છે. આથી હિંદુ સંગઠનોએ યુવાઓ, તેમાં પણ વિશેષ કરીને બાળકો એટલે કે નવી પેઢીને હિંદુ સંસ્કૃતિ અને દર્શનથી અવગત કરાવવાં પડશે.
 
આ ઉપરાંત આપણી સામે રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ, ઘણાં દેશોમાં હિંદુઓનું કન્વર્ઝન, માનવાધિકારોનું હનન અને હિંદુ ધર્મ, ઇતિહાસ તથા સંસ્કૃતિના વિદ્વાનોનો અભાવ જેવા પડકારો આજે પણ છે. હિંદુ અધ્યયન વિભાગ, ગીતા, વેદો અને ભારતીય ભાષાઓના અધ્યયનનું ક્ષેત્ર પણ અસરકારક રીતે કામ કરી રહ્યું નથી. પશ્ચિમી દુનિયાના અનેક વિશ્વવિદ્યાલયોમાં દક્ષિણ આફ્રિકાની ભાષા જલૂના વિભાગ છે પરંતુ ભારતીય ભાષાના વિભાગોની ખોટ વર્તાય છે. ભારતના રાજકીય પરિદ્રશ્યને કારણે મીડિયામાં ભારતીય ભાષાનો પ્રવેશ વધી રહ્યો છે, તે સાથે અનેક દેશોમાં આપણો રાજકીય અવાજ પણ અસરકારક રીતે ઉભરી રહ્યો છે. આજના સમયની માંગ છે કે, હિંદુ સંગઠનો મજબૂત બને. આ દિશામાં આગળ વધવા માટે આપણા સંગઠનોએ પરસ્પર માહિતીઓ વહેંચવા તથા સમન્વય અને સહયોગને વિકસાવવા તરફ ધ્યાન આપવું પડશે. સંસાધનોનું શ્રેષ્ઠ સંચાલન કરવું પડશે અને સફળ થવા માટે કોઇની નકલ કરવાની જગ્યાએ નવા વિચારને પ્રસ્તુત કરવા પડશે.
 
-  અશ્વની મિશ્ર