ભોજેશ્વર મંદિર | અહીં સ્થાપિત છે વિશ્વનું સૌથી મોટુ શિવલિંગ

આ મંદિર 106 ફીટ ઉંચુ અને 77 ફૂટ પહોળુ છે. તે સાથે જ તેનું નિર્માણ 17 ફૂટ ઊંચા ચબૂતરા પર કરવામાં આવ્યું છે. મંદિરના ગર્ભગૃહની અપૂર્ણ છત 40 ફુટ ઊંચા ચાર સ્તંભો પર ટકેલી છે.

    ૨૦-ડિસેમ્બર-૨૦૨૩
કુલ દૃશ્યો |

Bhojeshwar Temple vishe mahiti
 
 
પોતાના અધૂરા બાંધકકામ માટે પ્રસિદ્ધ છે આ મંદિર | Bhojeshwar Temple
 
ઉત્તર ભારતનું સોમનાથ કહેવાય છે મધ્યપ્રદેશનું આ મંદિર | Bhojeshwar Temple
 
Bhojeshwar Temple| મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી 32 કિમીના અંતરે બેતવા નદીની જમણી તરફ એક ઉંચો પર્વત આવેલ છે. આ પર્વત પર એક શિવ મંદિર આવેલું છે.દરેક મંદિરની કોઈને કોઈ ખાસ વિશેષતા હોય છે. તેવી જ આ મંદિરની પણ એક વિશેષતા છે. આ મંદિર અંગે કહેવાય છે કે આ મંદિર પોતાના અધૂરા બાંધકામને લીધે વધુ પ્રસિદ્ધ છે.
 
આ મંદિર અધૂરું કેમ બન્યું છે તે અંગે કોઈ જ માહિતી મળતી નથી. આ મંદિરની અન્ય મહત્વની વાત એ છે કે અહીં રહેલ શિવલિંગ દુનિયાનાં સૌથી મોટાં શિવલીંગોમાંથી એક છે. આ મંદિર અધૂરું હોવા છતાં તે ખૂબ જ સુંદર અને અદ્ભૂત છે. અહીં ભક્તોની ભીડ જોવા મળે છે.
 
કયારે બનાવામાં આવ્યું ?
 
મધ્યપ્રદેશના ભોપાલથી થોડા અંતરે ભોજેશ્વર મંદિર ( Bhojeshwar Temple ) આવેલું છે. નામ પરથી જ ખ્યાલ આવી જાય છે કે આ મંદિર તે સમયના મહાન રાજા ભોજે બનાવડાવ્યું હશે. મંદિરનું નિર્માણ ઈ.સ. 1010માં કરવામાં આવ્યું હતુ. ભોજેશ્વર શિવ મંદિરને ઉત્તર ભારતનું સોમનાથ પણ કહેવામાં આવે છે.
 

Bhojeshwar Temple vishe mahiti 
 
રાજા ભોજદેવ એક સારા શાસકની સાથે સાથે કલા,સ્થાપત્ય અને વિદ્યાના મહાન વિદ્વાન અને જ્ઞાની લેખક હતા. તેમણે પોતાના શાસનકાળામાં પ્રજાલક્ષી અનેક પ્રકારના બાંધકામ કરાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ મંદિર સાથે પાંડવોની કથા પણ સંકળાયેલી છે.
 
પૌરાણિક કથા અને મંદિરની બનાવટ
 
પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન ભોપાલની નજીક ભીમબેટકામાં થોડો સમય રોકાયા હતા. ત્યારે તેમણે માતા કુંતીની પૂજા અર્ચના માટે એક ભવ્ય શિવ મંદિરનું નિર્માણ કર્યુ હતુ. ભીમ દ્વારા મોટા મોટા પથ્થરોથી એક મંદિર તૈયાર કરવામાં આવ્યું. જેથી પાસેથી વહેતી બેતવા નદીમાં સ્નાન પછી માતા કુંતી ભગવાન શિવની ઉપાસના કરી શકે. કાળાંતરે આ વિશાળ શિવલીંગવાળું મંદિર રાજા ભોજના સમયમાં વિકસિત થઈ ભોજેશ્વર મંદિર તરીકે ઓળખાયું.
 

Bhojeshwar Temple vishe mahiti 
 
મંદિરનું નિર્માણ 17 ફૂટ ઊંચા ચબૂતરા પર કરવામાં આવ્યું
 
આ મંદિર 106 ફીટ ઉંચુ અને 77 ફૂટ પહોળુ છે. તે સાથે જ તેનું નિર્માણ 17 ફૂટ ઊંચા ચબૂતરા પર કરવામાં આવ્યું છે. મંદિરના ગર્ભગૃહની અપૂર્ણ છત 40 ફુટ ઊંચા ચાર સ્તંભો પર ટકેલી છે. જ્યારે મંદિરનું દ્વાર પશ્વિમ દિશા તરફનું છે. તે સાથે જ ગંગા તેમજ યમુનાની પ્રતિમાઓ ગર્ભગૃહના દ્વારને સુશોભિત કરે છે. મંદિરના ચાર સ્તંભોમાં શિવ-પાર્વતી, સીતા-રામ, લક્ષ્મી-નારાયણ અને બ્રહ્મા – સાવિત્રીની પ્રતિમાઓ કોતરવામાં આવી છે. મંદિરની છત ગુંબજ આકારની છે. ભારતીય વિદ્વાનોનું માનવું છે કે આ મંદિર પ્રથમ ગુંબજવાળી ઈમારત છે
 
વિશ્વનું સૌથી મોટુ શિવલીંગ
 
આ મંદિરના ગર્ભગૃહમાં સ્થિત શિવલીંગ અદાંજે 22 ફૂટ ઉંચુ છે. જે વિશ્વનાં સૌથી મોટા શિવલિંગમાંથી એક છે. આ શિવલિંગનો વ્યાસ 7.5 ફૂટ છે. આ શિવલિંગની ખાસિયત એ છે કે તે એક જ પથ્થરમાંથી બનેલ છે. તેને બનાવવામાં ચીકણા બલુઆ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
 

Bhojeshwar Temple vishe mahiti 
 
શા માટે અધૂરું રહ્યું મંદિર નિર્માણ કાર્ય ?
 
ભોજેશ્વર મંદિર એક અપૂર્ણ મંદિર છે. ઈતિહાસકારો અને વિદ્વાનોના મતે આ મંદિરના અધૂરા બાંધકામ માટે કોઈ ચોક્કસ કારણો મળ્યા નથી. પરંતુ અહીંના લોકોનું એવું માનવું છે કે જ્યારે પાંડવો દ્વારા આ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું, ત્યારે નિર્માણ એક રાતમાં સૂર્યોદય પહેલા પૂર્ણ કરી દેવાનું નક્કી થયુ હતુ. પરંતુ ગુંબજ સુધીનું નિર્માણ થતાં થતાં સૂર્યોદય થઈ જવાના કારણે આ મંદિરનું કામ ત્યાં જ અટકાવી દેવામાં આવ્યું . કદાચ તે જ કારણ છે કે આ મંદિરનું બાંધકામ અધૂરું છે!
 
મંદિરની પાછળ રહેલ ઢાળની વિશેષતા
 
મંદિરની પાછળ એક ઢાળ જોવા મળે છે. કહેવાય છે કે આ ઢાળનો ઉપયોગ મંદિર માટે પથ્થર પહોંચાડવા માટે કરવામાં આવતો હતો. મંદિર નિર્માણ માટે આ ઢાળથી અંદાજે 7000 કિલો પથ્થરો મંદિર પરિસર સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
 
મંદિરની આસપાસ રહેલા જોવાલાયક સ્થળો
 
મંદિર ઉંચા પર્વત પર આવેલું હોવાથી આસપાસ રહેલ પ્રાકૃતિક સૌંદર્યના કારણે તે અદ્ભૂત લાગે છે. તેની સાથે જ તેની આસપાસ બે મહત્વના જોવાલાયક સ્થળો છે.
 
પાર્વતી ગુફ
 
આ મંદિરની એકદમ સામે પશ્ચિમ દિશામાં એક ગુફા આવેલી છે. આ ગુફાને પાર્વતી ગુફા તરીકે ઓળખવામાં આવે છે. આ ગુફામાં સુંદર નકશીકામ અને પુરાતત્વ મહત્વ ધરાવતી અનેક મૂર્તિઓ છે. જેને જોતા જ આપણને તે સમયની કલાકારીગરીનો ખ્યાલ આવે છે. તે ગુફામાં રહેલી મૂર્તિઓ પોતાનવી કલાત્મકતાના લીધે પ્રવાસીઓને આકર્ષે છે.
 
અધૂરું જૈન મંદિર
 
અહીં અન્ય એક અધૂરું જૈન મંદિર પણ છે. આ મંદિરમાં ભગવાન શાંતિનાથની 6 મીટર ઉંચી મૂર્તિ છે. જ્યારે અન્ય બે મૂર્તિઓ ભગવાન પાર્શ્વનાથ તેમજ સુપારાસનાથની છે. આ ગુફામાં એક શિલાલેખ છે. જે એક માત્ર પુરાવો છે. જેમાં રાજાભોજના નામનો ઉલ્લેખ જોવા મળે છે. મંદિર પરિસરમાં આચાર્ય માટૂંગાનું સમાધિ સ્થળ પણ છે, જેમણે ભક્તાંબર સ્ત્રોત લખ્યો હતો.
 
કઈ રીતે જવું ?
 
અહીં જવા માટે ટ્રેન, બસ અને હવાઈ સુવિધા ઉપલબ્ધ છે. મધ્યપ્રદેશથી 32 કિમીના અંતરે આવેલ આ મંદિરે પહોંચવા માટે રાજ્ય પરિવહનની બસો તેમજ પ્રાઈવેટ વાહન ઉપલબ્ધ છે. તે સાથે જ આ મંદિરની નજીકનું એરપોર્ટ રાજાભોજ ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. જે 43 કિમીના અંતરે આવેલું છે. જ્યારે નજીકનું રેલ્વે સ્ટેશન હબીબગંજ રેલ્વે સ્ટેશન છે. જે અહીંથી 22 કિમીના અંતરે આવેલું છે.
 
- મોનાલી ગજ્જર