સુરત એટલે સૂર્યપુર - આવો જાણીએ સુરતનો ઇતિહાસ અને ૮ ફરવાલાયક સ્થળો વિશે...!!

પૌરાણિક ગ્રંથો અનુસાર, ભગવાન કૃષ્ણ મથુરાથી દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા હતા ત્યારે તેમણે સુરત શહેરમાં રોકાણ કર્યુ હતું. આ શહેર યુદ્ધ અને ક્રાંતિનું પણ સાક્ષી રહ્યું છે.

    ૨૧-ડિસેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Best Places to Visit in Surat Gujarati

સુરતના ફરવાલાયક સ્થળો | જમણ માટે પ્રસિદ્ધ સુરત વિકાસ, ઇતિહાસ અને પરંપરાની બાબતે પણ સમૃદ્ધ છે | Best Places to Visit in Surat

 
- સુરતના ફરવાલાયક સ્થળો | Surat na farava layak sthal
 
- પુરાણોમાં શ્રીકૃષ્ણે સુરતમાં રોકાણ કર્યુ હોવાનો ઉલ્લેખ છે
 
- સ્વતંત્રતા બાદ સુરત વાણિજ્યિક, ઔદ્યોગિક અને પર્યટન સ્થળ તરીકે પ્રખ્યાત થયું
 
- ડચ ગાર્ડનનો ઇતિહાસ રસપ્રદ છે
 
- સુરતના મ્યુઝિયમમાં 13હજાર જેટલી કલાકૃતિઓને સંગ્રહિત કરવામાં આવી છે
 
- સુરત નગર નિગમનું કાર્યાલય પહેલા મુઘલ સરાઇના નામે ઓળખાતુ
 
Surat Tourism | એક જાણીતી ઉક્તિ છે કે ‘સુરતનું જમણ અને કાશીનું મરણ’ – અલબત્ત, સુરત શહેર માત્ર તેના જમણ માટે જ નહીં, વિકાસ, સંસ્કૃતિ, ઇતિહાસ અને પરંપરાની બાબતે પણ સમૃદ્ધ છે. તેમાં પણ દેશના ઝડપથી વિકસતા શહેરોની યાદીમાં સુરત શહેર ટોચના શહેરોમાંનું એક ગણાય છે.
 

Best Places to Visit in Surat Gujarati

 
સુરત શહેર માટે ડાયમંડ સિટી, ટેક્સટાઇલ સિટી, સન સિટી, સિટી ઓફ ફ્લાયઓવર જેવા અનેક વિશેષણો પ્રયોજવામાં આવે છે. આ સાથે સુરત શહેરમાં અનેક રમણીય અને સુંદર પર્યટન સ્થળ પણ આવેલા છે.
 
પૌરાણિક ગ્રંથો અનુસાર, ભગવાન કૃષ્ણ મથુરાથી દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા હતા ત્યારે તેમણે સુરત શહેરમાં રોકાણ કર્યુ હતું. આ શહેર યુદ્ધ અને ક્રાંતિનું પણ સાક્ષી રહ્યું છે. સુરત શહેરની સંસ્કૃતિ અને સમૃદ્ધ ઇતિહાસને ઉજાગર કરતા તેમજ ફરવાલાયક સ્થળો વિશે જાણીએ
 
સુરતનો ઇતિહાસ | History Of Surat
 
સુરતનું પ્રાચીન નામ સૂર્યપુર હતું. આ શહેરની સ્થાપના 14મી સદીમાં ગોપી નામના બ્રાહ્મણે કરી હોવાની માન્યતા છે. આ પહેલા અહીં પારસી લોકોનું શાસન હતું. સુરતના પ્રાચીન ઇતિહાસ તરફ નજર નાખીએ તો અહીં પહેલા હિંદુઓનું શાસન હતું. જોકે અહીં વેપારની દ્રષ્ટિએ મહત્ત્વનું ગણાતું હજીરા બંદર હોવાથી મુગલ અને વિદેશીઆક્રમણખોરોએ આ શહેર પર આક્રમણ કરી રાજ કર્યું.
 
આધુનિક ઇતિહાસ | Aaj Nu Surat | Gujarat
 
19મી સદીમાં અંગ્રેજોએ સુરત શહેર પર કબજો જમાવ્યો. આ શહેરની ભૌગોલિક સ્થિતિ એવી છે કે અહીં દરિયાઇ માર્ગેથી ખાડી દેશો તેમજ અન્ય મહાદ્વીપો સાથે વેપાર માટે સરળતાથી જોડાઇ શકાય છે. આથી અંગ્રેજોએ અહીંના બંદરનો મહત્તમ લાભ લીધો. સ્વતંત્રતા બાદ સુરત વાણિજ્યિક, ઔદ્યોગિક અને પર્યટન સ્થળ તરીકે પ્રખ્યાત થયું.
 

Best Places to Visit in Surat Gujarati 
 
#1 ડચ ગાર્ડન | Dutch Garden Surat
 
નાનપુરામાં સ્થિત આ ગાર્ડન પર્યટનની દ્રષ્ટિએ હોટફેવરિટ છે. આ પાર્ક પ્રાકૃતિક સુંદરતા સાથે સમૃદ્ધ ઈતિહાસ ધરાવે છે. આ ગાર્ડનની બનાવટમાં યુરોપીયન શૈલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત તેમાં પશ્ચિમી સંસ્કૃતિની પણ ઝલક જોવા મળે છે. આ બગીચાના છેડે તાપી નદી વહે છે. આથી સવારે અથવા સાંજે આ જગ્યાની સહેલ વિશેષ આનંદની અનુભૂતિ કરાવે છે.
આ ગાર્ડનનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે. અંગ્રેજ અને ડચ લોકો આ સ્થળનો વિશ્રામ સ્થળ તરીકે ઉપયોગ કરતા. સ્વાતંત્ર્ય પહેલા ઘણાં અંગ્રેજ અને ડચ વેપારીઓ અહીં વેપાર અર્થે આવ્યા. વેપારના કેન્દ્ર તરીકે તેમણે આ સ્થળને પસંદ કર્યુ. જે ડચ ગાર્ડન તરીકે જાણીતુ બન્યું.
 
સમય – સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી
બપોરે 3 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી
 

Best Places to Visit in Surat Gujarati 
 
#2 ડુમસ બીચ | Dumas Beach Surat
 
સુરત જિલ્લાના દક્ષિણ કિનારે સ્થિત આ બીચ પર્યટકોમાં લોકપ્રિયતામાં શિરમોર છે. અહીં પ્રાકૃતિક સૌંદર્ય અને શાંતિને માણી શકાય છે. અહીં સહેલાણીઓ માટે ઊંટ સવારી,ઘોડે સવારી સહિત વિવિધ આકર્ષણો જોવા મળે છે. આ દરિયાકાંઠાની કાળી રેતી પર્યટકોને વિશેષ આકર્ષે છે. સ્થાનિકોમાં માન્યતા છે કે વર્ષો પહેલાં આ સ્થળ હિંદુઓ દ્વારા સ્મશાન ભૂમિ તરીકે ઉપયોગમાં લેવાતું. જેને કારણે અહીંની રેતી કાળી છે. ઇન્ટરનેટ પર આ બીચને ભૂતિયા બીચ ગણાવી અનેક અફવાઓ જોવા મળે છે. હકીકતમાં આ બીચ પર સ્મશાન હોવાની માન્યતાને લીધે આ બીચને માટે અનેક અફવાઓ પ્રવર્તે છે.
 

Best Places to Visit in Surat Gujarati 
 
#3 સરદાર પટેલ મ્યુઝિયમ | Sardar Patel Museum Surat
 
ઈ.સ. 1890માં આ મ્યુઝિયમની સ્થાપના કરાઇ ત્યારે તે મ્યુઝિયમ વિન્ચેસ્ટર મ્યુઝિયમ તરીકે ઓળખાતું. શાહીબાગ વિસ્તારમાં સ્થિત આ મ્યુઝિયમનો ઇતિહાસ જાણવા જેવો છે. હકીકતમાં, આ ઇમારત ઇ.સ. 1622માં શાહજહાં દ્વારા બાંધવામાં આવી હતી. ત્યારબાદ અંગ્રેજોએ આ સ્થળ પર કબજો જમાવ્યો અને રોકાણ માટે આ જગ્યાને પસંદ કરી. ભારતના ખ્યાતનામ કવિ રવિન્દ્રનાથ ટાગોરે થોડો સમય અહીં રોકાયા હતા. આઝાદી મળ્યા બાદ આ સ્થળને રાજભવનમાં રૃપાતંરિત કરવામાં આવ્યું. જો કે ઇસ. 1978માં બાબુભાઇ પટેલના પ્રયાસોથી આ સ્થળને રાષ્ટ્રીય સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવ્યું. ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના સૂચનથી આ મ્યુઝિયમને સરદાર સંગ્રહાલય નામ આપવામાં આવ્યું.
 
આ મ્યુઝિયમમાં સુરત શહેરના ભવ્ય ભૂતકાળ અને વારસાને દર્શાવતા રેશમી કાપડ, કાચના વાસણો, ધાતુના વાસણો, જુની કરન્સી, પોર્સેલીન, લડાઇના હથિયારો, હાથીદાંતની કલાકૃતિઓ સહિત અંદાજે 13હજાર જેટલી વસ્તુઓને સંગ્રહિત કરવામાં આવી છે. આ મ્યુઝિયમ કલા, સંસ્કૃતિ અને શિક્ષણનું અમૂલ્ય માધ્યમ છે. ઉપરાંત અહીં 3ડી ઓડિયોવિઝ્યુઅલ લેસર શો પણ પર્યટકોને વિશેષ આકર્ષે છે.
 

Best Places to Visit in Surat Gujarati 
 
#4 સરથાણા નેચરપાર્ક | Sarthana Nature Park Surat
 
સુરતના કામરેજ રોડ પર તેમજ તાપી નદીના કિનારે આવેલો આ નેચર પાર્ક 81 એકર વિસ્તારમાં ફેલાયેલો છે. ઇ.સ. 1984માં આ નેચરપાર્કની સ્થાપના કરવામાં આવી હતી. અહીં વન્યજીવસૃષ્ટિને જોવાનો અને જાણવાનો આનંદ લઇ શકાય છે. આ નેચરપાર્ક ગુજરાતનું સૌથી જૂના પ્રાણીસંગ્રહાલયમાંનુ એક છે. અહીં સિંહ, બંગાળી વાઘ, હિમાલયન રીંછ તેમજ સફેદ મોર જેવી વિભિન્ન જીવસૃષ્ટિ જોવા મળશે.
 

Best Places to Visit in Surat Gujarati 
 
#5 હજીરા ગામ – Hajira Village
 
સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં ખંભાતના અખાતના કાંઠે આવેલું ગામ અને બંદર એટલે હજીરા. જો તમે ખળભળાટ અને શોરબકોરથી દૂર શાંતિ અને આરામની શોધમાં હોવ તો આ જગ્યા તમારા માટે શ્રેષ્ઠ પુરવાર થઇ શકે છે. અહીંનો દરિયાકાંઠો કુદરતી સૌંદર્યનો આહ્લલાદક અનુભવ કરાવે છે. ઉપરાંત અહીં ગરમ પાણીના ઝરણાં પણ જોવા મળે છે. જેને જોવા લોકો દૂર- દૂરથી આ સ્થળની મુલાકાત લેતા હોય છે.
 
હજીરા નામ શાથી પડ્યું
 
હજીરાનો ઇતિહાસ રોચક છે. હજીરા દીવાદાંડીની પાસે વૉક્સ નામના ઇસ્ટ ઇંડિયા કંપનીના અંગ્રેજ અધિકારી રહેતા, તેઓ મુંબઇના એક વિસ્તારના એક સમયના ડેપ્યુટી ગર્વનર હતા. 1697માં વૉક્સ અને તેમના પત્ની આ સમુદ્રકાંઠે ડૂબી જતા, તેમના સ્મરણાર્થે આ મકબરો બાંધવામાં આવ્યો હતો. તેમનો 10 મીટર ઊંચો ઘૂમટવાળો મકબરો હજી પણ જર્જરિત સ્વરૃપે હયાત છે. જેને કારણે આ સ્થળ હજીરા તરીકે ઓળખાય છે.
 

Best Places to Visit in Surat Gujarati 
 
#6 સાયન્સ સેન્ટર | Science Centre Surat
 
સુરત શહેરથી લગભગ 6 કિલોમીટરના અંતરે આવેલું આ સાયન્સ સેન્ટર આધુનિક વિજ્ઞાન અને આધુનિક સુરત શહેરની સંયુક્ત છબિને ઉજાગર કરે છે. આ સાયન્સ સેન્ટરમાં સુરત શહેર સંબંધિત અનેક વસ્તુઓ જેમ કે ટેક્સટાઇલ, સ્પેસ વર્લ્ડ અને હીરા ઉદ્યોગને ઉજાગર કરતી વસ્તુઓ એકસાથે જોવા મળશે.
 

Best Places to Visit in Surat Gujarati 
 
#7 સુરતનો કિલ્લો | Surat Fort | Surat No Killo
 
આ કિલ્લો શહેરના પ્રાચીન વારસાનો સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે. 16મી સદીમાં અમદાવાદના રાજા સુલતાન મોહમ્મદ ત્રીજા દ્વારા આ કિલ્લાનું બાંધકામ કરવામાં આવ્યું. વિદેશી આક્રમણખોરોના આક્રમણથી બચાવવા આ કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું. આ કિલ્લો પુરાતન વાસ્તુકળાનું બેનમૂન ઉદાહરણ છે.
 

Best Places to Visit in Surat Gujarati 
 
#8  મુઘલ સરાઇ | Mughal Sarai
 
વર્તમાન સમયમાં સુરત નગર નિગમના કાર્યાલય સ્વરૃપે વપરાતી ઇમારત સુરત શહેરના પ્રાચીન સ્મારકોમાંની એક છે. હકીકતમાં સરાઇ એટલે મુસાફર ખાના. આ સ્મારક યાત્રિકોના રોકાણ માટે બનાવવામાં આવ્યું. માન્યતા અનુસાર, મક્કા અને મદીનાનની હજ કરવા જનાર યાત્રિકો, અહીં રોકાવવા માગતા હોય તો તેની પાસેથી કોઇ પણ ભાડું વસુલવામાં આવતું નહોતું. આ ઇમારતનું નિર્માણ ઇ.સ 1644માં મુઘલ સમ્રાટ શાહજહાંએ કર્યુ. આથી તે મુઘલ સરાઇ તરીકે ઓળખાય છે. 18મી સદીમાં આ ઇમારતનો ઉપયોગ જેલ તરીકે કરવામાં આવતો. 1867થી આ ઇમારત સુરત નગર નિગમના કાર્યાલય તરીકે ઉપયોગમાં લેવાય છે. આ ઇમારત તેના વાસ્તુ શિલ્પ સ્થાપત્ય સાથે કુશળ સંરચનાનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે.
 
 

જ્યોતિ દવે

જ્યોતિ દવે, છેલ્લા 10 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ અગાઉ દિવ્ય ભાસ્કર વેબ પોર્ટલ, સંદેશ અખબારમાં પણ ફરજ બજાવી ચૂક્યાં છે. હાલમાં તેઓ દૂરદર્શન સમાચાર સાથે તેમજ અનુવાદક તરીકે ફ્રિલાન્સ કામ કરી રહ્યાં છે.