સફળ થવું છે? ગીતાના આ 5 શ્લોકને જીવનમાં ઉતારી લો

22 Dec 2023 15:45:55

Bhagavad Gita Quotes in Gujarati |
 
Bhagavad Gita Quotes in Gujarati | ભગવદ્દ ગીતાનો ઊંડાણથી અભ્યાસ કરીએ તો કુરુક્ષેત્ર યુદ્ધભૂમિમાં શ્રીકૃષ્ણ- અર્જુન વચ્ચે થયેલા સંવાદમાં જીવન જીવનાનો સાર છૂપાયેલો છે. આથી જ મેનેજમેન્ટ ગુરુથી લઇ મનોવૈજ્ઞાનિકો જીવન જીવવાની ફિલસુફી માટે ગીતાને અનુસરવા કહે છે.
 
માગશર સુદ અગિયારસ- મોક્ષદા એકાદશી એટલે કે ગીતા જયંતી ( gita jayanti ) છે. આ દિવસે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુન સાથેના સંવાદમાં ગીતાના 700 શ્લોકો સંભળાવ્યા હતા. તત્વવિદો ગીતાને માત્ર યુદ્ધના ગીત તરીકે નહીં પણ જીવન જીવવાના સંગીત તરીકે જુએ છે. ગીતામાં ‘જ્ઞાન જેવું પવિત્ર કાંઇ નથી’ - આવા વિધાનો દ્વારા કર્મ માર્ગ, ભક્તિ માર્ગ તથા જ્ઞાનમાર્ગનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. ટૂંકમાં કહીએ તો, ગીતા દ્વારા ભગવના શ્રીકૃષ્ણએ મનુષ્ય જીવનને તત્વજ્ઞાન સભર સર્વગ્રાહી ઉપદેશ આપ્યો છે.
 
હિંદુધર્મમાં ગીતાએ એકમાત્ર એવો ગ્રંથ છે, જે સ્વયં શ્રીકૃષ્ણના મુખે બોલાયો છે. હકીકતમાં, ભગવદ્દ ગીતાનો ઊંડાણથી અભ્યાસ કરીએ તો શ્રીકૃષ્ણ- અર્જુન વચ્ચેના સંવાદમાં જીવન જીવનાનો સાર છૂપાયેલો છે. આથી જ મેનેજમેન્ટ ગુરુથી લઇ મનોવૈજ્ઞાનિકો જીવન જીવવાની ફિલસુફી માટે ગીતાને અનુસરવા કહે છે.
 
સફળ થવા માટે આજે ગીતા જયંતી પર, ગીતાના કેટલાક ઉપદેશોને આત્મસાત કરીએ...
 
1. કર્મ કરતો રહે, ફળની આશા ના રાખ
 
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥
 
ગીતાના આ શ્લોકમાં કર્મના સિદ્ધાંત પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે.
 
ટૂંકમાં કહીએ તો, કર્મ કરતો રહે, ફળની આશા ના રાખ – કુરુક્ષેત્રમાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુન સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, ફળની આશા રાખ્યા વગર કર્મ કરતા રહેવું એ મનુષ્યનું કર્તવ્ય છે. કર્મના ફળ એટલે કે પરિણામ પર ભલે મનુષ્યનો અધિકાર ન હોય પરંતુ ફળની ચિંતા કર્યા વગર સાચા મનથી કર્મ કરતો રહેનાર વ્યક્તિ તેના લક્ષ્યને પામી શકે છે. સાદી ભાષામાં સમજીએ તો, જ્યારે તમે ફળ કે પરિણામ મેળવવાના આશયથી કર્મ કરશો તો તમારું લક્ષ્ય કર્મ અને તેના પરિણામ વચ્ચે ફંટાઇ જશે. આમ ધ્યાન ભટકવાથી કર્મને પૂરું કરવામાં તમે તમારી સંપૂર્ણ શક્તિ આપી શકશો નહીં. આથી જ કર્મ કરતા રહેવું એ જીવન જીવવાનો મૂળમંત્ર હોવો જોઇએ.
2. પોતાના મન પર નિયંત્રણ
 
जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः।
शीतोष्णसुखदुःखेषु तथा मानापमानयोः।।
 
આ શ્લોકમાં અર્જુન સાથેના સંવાદમાં શ્રીકૃષ્ણ કહે છે કે, જે વ્યક્તિ પોતાના મન પર નિયંત્રણ મેળવી શકે છે, લોકો દ્વારા થતા અપમાન કે સુખ તેમજ દુ:ખ જેવી પરિસ્થિતિને સ્થિતપ્રજ્ઞ થઇ પચાવી લે છે તે લોકો ભગવાનની કૃપાને પાત્ર છે. રોજિંદા જીવનમાં ઘણાં લોકો ગુસ્સો, મોહ, લાલચ કે ભાવુકતાને વશ થઇ ખોટા નિર્ણયો લઇ બેસતા હોય છે, ત્યારે આ પરિસ્થિતિમાં સ્વયં પર નિયંત્રણ મેળવી કર્મના સિદ્ધાંતને અપનાવવો એ જ મનુષ્ય જીવનનો સાચો ધર્મ છે. કર્મના સિદ્ધાંતના આ માર્ગે મનુષ્ય વિષમ પરિસ્થિતિઓમાં ચલિત થવાને બદલે પોતાના લક્ષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કરી સફળતા પામી શકે છે.
 
3. શાંત ચિત્ત અને સમ સ્થિતિમાં રહેવું
 
चिन्तया जायते दुःखं नान्यथेहेति निश्चयी।
तया हीनः सुखी शान्तः सर्वत्र गलितस्पृहः।।
 
ભૌતિક સુખોને પામવા સતત દોટ મૂકી રહેલ વ્યક્તિ આજે ચિંતા, તણાવ અને ઉચાટને કારણે અનેક બીમારીઓને નોતરું આપે છે. ભૌતિક સુખોની જાજમ પથરાયેલી હોય અને મન અશાંત હોય તો સાચા અર્થમાં જીવનને માણવાનો લુત્ફ ઉઠાવી શકશે નહીં. ઉપરોક્ત ગીતાનો શ્લોક જીવન જીવવાની આ જ ફિલસુફીને અનુસરવા કહે છે. આ શ્લોક પ્રમાણે ચિંતા અને વ્યગ્રતા એ દુ:ખની લાગણી જન્માવે છે. ટૂંકમાં જો સફળતા કે લક્ષ્યને હાંસલ કરવા જો ઉચાટ અને ચિંતાથી ઘેરાયેલા રહેશો, તો પણ ઇચ્છિત પરિણામ મળવા છતાં પણ તેને ભોગવી શકાશે નહીં આથી કોઇપણ સ્થિતિમાં સુખી રહેવા માટે શાંત ચિત્ત અને સમ સ્થિતિમાં રહેવું એ અનિવાર્ય છે.
 
4.  જ જીવનમાં શાંત ચિત્ત અને સ્થિતપ્રજ્ઞતા કેળવવી
 
क्रोधाद्भवति संमोह: संमोहात्स्मृतिविभ्रम:।
स्मृतिभ्रंशाद्बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति॥
 
અર્થાત ક્રોધથી ભ્રમ પેદા થાય છે. ભ્રમ પેદા થવાથી સ્મૃતિભ્રંશ થાય છે. સ્મૃતિ ભ્રંશ થવાથી મનુષ્યની બુદ્ધિ નાશ પામે છે. ગુસ્સો, ક્રોધએ મનુષ્યના મોટા દુશ્મન છે. ગુસ્સાના આવેગમાં મન પર નિયંત્રણ રહેતુ નથી અને બુદ્ધિ ક્ષીણ પામે છે. આથી સાચા નિર્ણયો લઇ શકાતા નથી. આથી જ જીવનમાં શાંત ચિત્ત અને સ્થિતપ્રજ્ઞતા કેળવવી આવશ્યક છે.
 
5.  દ્રઢ નિશ્ચય સાથે માત્ર કર્મ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું
 
हतो वा प्राप्यसि स्वर्गम्, जित्वा वा भोक्ष्यसे महिम्।
तस्मात् उत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चय:॥
 
આ શ્લોકમાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે, હે કૌન્તેય! જો યુદ્ધમાં તું વીરગતિ પામીશ તો સ્વર્ગ મળશે અને જો વિજયી થઇશ તો ધરતીનું સુખ મેળવી શકીશ. આથી દ્રઢ નિશ્ચય સાથે યુદ્ધમાં આગળ વધ.
 
આ શ્લોકને આજના જીવનના પરિપ્રેક્ષ્યમાં સમજીએ તો જીવનમાં ઘણીવાર ભાવનાત્મક કે આસપાસના પરિબળો આપણું મન વિચલિત કરે છે અને તે સમયે લક્ષ્યથી ધ્યાન હટીને જે- તે પરિસ્થિતિને વશ થાય છે. તે સમયે ગીતાના આ શ્લોકને ધ્યાનમાં રાખીને દ્રઢ નિશ્ચય સાથે માત્ર કર્મ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.
 
Powered By Sangraha 9.0