શત્રુંજ્ય । જ્યાં એક પર્વત પર ૯૦૦ મંદિરો આવેલા છે

Shatrunjay Palitana Jain Mandir | શત્રુંજ્ય શબ્દની વાત કરીએ તો તેનો અર્થ છે “ આંતિરક શત્રુઓ પર વિજય ” અથવા “ જે આંતિરક શત્રુઓ પર વિજ્ય મેળવે છે. ” શત્રુંજ્યને ઔતિહાસિક રીતે 108 નામ આપવામાં આવ્યા છે, પરંતુ આધુનિક સમયમાં તેમાંથી ખૂબ જ ઓછા નામનો ઉપયોગ થાય છે.

    ૧૦-ફેબ્રુઆરી-૨૦૨૩
કુલ દૃશ્યો |

shatrunjay palitana jain mandir
 
 
# પાલિતાણાના શેત્રુજ્ય પર આવેલા છે 863 જૈન મંદિરો
# અહીંના મંદિરો સુધી પહોંચવા માટે દર્શનાર્થીએ 3500 સીડીઓ ચઢવી પડે છે
# ભાગવનગરનું આ શહેર છે વિશ્વનું પ્રથમ શાકાહારી શહેર
# ભાવનગરનું પાલિતાણા કહેવાય છે મંદિરોનું શહેર
 
 
તાજેતરમાં જૈનો દ્વારા તેમના તીર્થ સ્થળ સંમેત શિખરને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરતા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. આજે આપણે એવા જ એક મહત્વના જૈન તીર્થની વાત કરશું. જે જૈનો માટે એટલું જ મહત્વનું સ્થળ છે.
 
જૈન ધર્મની વાત કરવામાં આવે તો જૈન ધર્મ અહિંસા અને જીવદયામાં માને છે. જૈનોના પવિત્ર તીર્થમાંથી એક એવું પાલીતાણા મંદિર ગુજરાતના ભાવનગરમાં આવેલું છે. પાલિતાણાને મંદિરોનું શહેર પણ કહેવામાં આવે છે. અહીં અંદાજે 863 થી 900 જેટલા જૈન મંદિરો આવેલા છે. પાલિતાણા શત્રુંજય નદીના કિનારે શત્રુંજય પર્વતની તળેટીમાં આવેલું છે.
 
જૈન ધર્મમાં શત્રુંજ્ય તીર્થનું ઘણું મહત્વ છે. જે અનુસાર ધર્મના દરેક લોકોએ પોતાના જીવનમાં એક વખત શત્રુંજ્ય તીર્થની યાત્રા કરવી જ જોઈએ.
 
પાલિતાણામાં આવેલ શત્રુંજ્ય પર્વત પર અનેક મંદિરો બનેલા છે. જેમાં મુખ્ય મંદિર જૈન ધર્મના પહેલા તીર્થંકર ભગવાન આદિનાથને સમર્પિત છે. પાલિતાણામાં ઈસ 1618માં બનેલ ચૌમુખા મંદિરનું પોતાનું આગવું જ મહત્વ છે. અહીં આવનાર દર્શનાર્થીઓ આ મંદિરો સુધી અંદાજે 3500, સીડીઓ ચઢીને પહોંચે છે. ઘણા લોકો ,પાલકીનો ઉપયોગ પણ કરે છે.
 
 
શત્રુંજ્યનો અર્થ | Shatrunjay
 
 
શત્રુંજ્ય શબ્દની વાત કરીએ તો તેનો અર્થ છે “ આંતિરક શત્રુઓ પર વિજય ” અથવા “ જે આંતિરક શત્રુઓ પર વિજ્ય મેળવે છે. ” શત્રુંજ્યને ઔતિહાસિક રીતે 108 નામ આપવામાં આવ્યા છે, પરંતુ આધુનિક સમયમાં તેમાંથી ખૂબ જ ઓછા નામનો ઉપયોગ થાય છે.
 

shatrunjay palitana jain mandir 
 
મંદિરના નિર્માણની વાત
 
કહેવાય છે કે પાલિતાણાના જૈન મંદિરોનું નિર્માણ 11મી અને 12મી સદીમાં કરવામાં આવ્યું છે. આ પ્રાચીન અને પ્રસિદ્ધ જૈન મંદિરોને લઈને એવી માન્યતા પ્રવર્તમાન છે કે આ પવિત્ર સ્થળ પર 8 કરોડ ઋષિ મુનિઓએ મોક્ષની પ્રાપ્તિ કરી હતી. તે ઉપરાંત જૈન ધર્મના ઘણા મહાન તીર્થંકરોએ અહીં નિર્વાણ પ્રાપ્ત કર્યુ હોવાની પણ માન્યતા છે. તેથી આ સ્થળ જૈનો માટે સૌથી મહત્વુ તીર્થસ્થાન છે.
 
અહીંના મોટા ભાગના મંદિરો જૈન તીર્થકરોને સમર્પિત છે. આ મંદિરોને ‘ટક્સ’ નામથી પણ ઓળખવામાં આવે છે.
 
પાલિતાણાના મુખ્ય મંદિરોમાં કુમારપાળ, સમપ્રતિ, રાજ વિમનશાહ મંદિરનો સમાવેશ થાય છે.
 
શત્રુંજ્ય પર્વત પર આવેલ મંદિરો આરસપહાણના બનેલા છે. આ મંદિરોના શિખર પર જ્યારે સૂર્ય પ્રકાશ પડે છે તો તે અદભુત અને અનુપમ દ્રશ્ય ખૂબ જ આકર્ષક અને મનોરમ લાગે છે. જૈન ધર્મની માન્યતા અનુસાર સૂર્યાસ્ત પછી ફક્ત દેવોનું જ સામ્રાજ્ય હોય છે. તેથી સૂર્યાસ્ત પછી કોઈ પણ મનુષ્યને ઉપર જવા પર પ્રતિબંધ છે. આ મંદિરોમાં દર્શન માટે ગયેલા બધા જ શ્રદ્ધાળુઓએ સાંજ પહેલા દર્શન કરી પરત નીચે ફરવાનું રહે છે.
 
અહીં આવેલા મંદિરોમાં મૂલ્યવાન અને ખૂબ જ આકર્ષક પ્રતિમાઓનો પણ સંગ્રહ છે. તે સાથે જ આ મંદિરોમાં થયેલી કોતરણી અને મૂર્તિકલા સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. જૈન ધર્મના લોકો માટે પાલિતાણા મંદિરોની યાત્રા ખૂબ જ મહત્વ ધરાવે છે. દરેક જૈની માટે અહીં આવેલા મંદિરોના દર્શન કરવા એક કર્તવ્ય છે.
 

shatrunjay palitana jain mandir 
 
પાલિતાણાનું મુખ્ય અને સૌથી સુંદર મંદિર જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવનું છે. જૈન ર્ધમના આ પવિત્ર તીર્થસ્થળનો ઉલ્લેખ મહાભારત કાળમાં પણ જોવા મળે છે. તે અનુસાર પાલિતાણામાં જ ત્રણ પાંડવ ભાઈઓ ભીમ, યુધિષ્ઠિર અને અર્જુને પણ મોક્ષ પ્રાપ્ત કર્યો હતો.
 
જીર્ણોદ્ધાર અને નિર્માણ
 
પાલિતાણાના જૈન મંદિરોનું વારંવાર જીણોદ્ધાર કરવામાં આવ્યું છે. તેમાંથી મોટા ભાગના મંદિરો 16 મી સદીના છે. અહીં નવા નવા મંદિરોનું નિર્માણ કાર્ય ચાલુ જ રહે છે. અત્યાર સુધી ઓછામાં ઓછુ 16 વાર નવીનીકરણ થયુ હોવાનું કહેવાય છે. 2016માં અહીં ભગવાન આદિનાથ (ઋષભનાથ)ની 108 ફૂટની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.
 
પાલીતાણા આ માટે પણ પ્રસિદ્ધ છે
 
પાલિતાણા શહેર ભલે નાનું હોય. પરંતુ આ શહેરના નામે ઘણા રેકોર્ડ નોંધાયેલા છે. તેના એક પર્વત પર 863 થી 900 વધુ મંદિરો છે જે એક વિશ્વસ્તરીય રેકોર્ડ છે. જૈન સમુદાયનું સૌથી પવિત્ર સ્થળ હોવાની સાથે તે દુનિયાનું સૌથી મોટુ મંદિર પરિસર પણ છે.
 
સિદ્ધ ક્ષેત્ર
 
શત્રુંજય પર્વત પર જૈન ધર્મના 24 તીર્થંકરોમાંથી 23 તીર્થંકરોએ અહીં આવ્યા હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. ઘણા જૈન તીર્થંકરોએ અહીં નિર્વાણ એટલે કે મોક્ષ મેળવ્યો હતો. તે કારણે પણ આ વિસ્તારને ‘ સિદ્ધ ક્ષેત્ર’ કહેવામાં આવે છે.
 

shatrunjay palitana jain mandir 
 
વિશ્વનું એક માત્ર શાકાહારી શહેર
 
ગુજરાતનું આ શહેર વિશ્વનું એક માત્ર શાકાહારી શહેર છે. આ પાછળ પણ એક રોચક વાર્તા છે. વર્ષ 2014માં સરકાર દ્વારા આ આ વિસ્તારમાં પશુ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પરંતુ આ પ્રતિબંધ કંઈ એમ જ નથી આવ્યો. પાલિતાણામાં મોટી સંખ્યામાં જૈન લોકો વસવાટ કરે છે. તેઓ લાંબાગાળાથી અહીં માંસાહારના વેચાણ અને પશુ હત્યા પર પ્રતિબંધ લાવવાની માંગણી કરી રહ્યા હતા. તે માટે અંદાજે 200 સાધુ સંતોએ ભૂખ હડતાલ કરી હતી. સાધુ સંતોએ કહ્યું કે જો તેમની માંગણી પૂર્ણ નહિ થાય તો તે દેહત્યાગ કરશે. ત્યાર પછી 2014માં આ શહેરમાં સરકાર દ્વારા પશુ હત્યા અને માંસના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તે પછી ગુજરાતનું પાલિતાણા વિશ્વનું પ્રથમ શાકાહારી શહેર બન્યું હતુ .
 
છ ગૌ તીર્થ યાત્રા
 
પાલિતાણામાં આવેલ જૈન મંદિરોમાં વીરા નિર્વાણ સંવતનું આયોજન કરવામાં આવે છે. આ સમારોહ કારતક મહિનાની પૂનમના દિવસે મંદિર પરિસરમાં આયોજન કરવામાં આવે છે. આ તહેવારને છ ગૌ તીર્થ યાત્રા કહે છે. આ સમારોહ કે તહેવારમાં મોટી સંખ્યામાં જૈનો એકત્ર થાય છે. જેનું એક કારણ એ પણ છે કે મંદિર ચોમાસાના ચાર મહિના બંધ રહ્યા પછી ખુલે છે. આ તીર્થયાત્રા જૈનોના જીવનકાળમાં એક મહાન ઘટના માનવામાં આવે છે. તીર્થયાત્રી કાર્તિકી પૂનમના દિવસે ભગવાન આદિનાથને પ્રાર્થના કરવા માટે શેત્રુજ્ય પર્વતની 21.6 કિમીના પરિક્રમા કરે છે.
 
મહાવીર જન્મ કલ્યાણ
 
ભગવાન મહાવીરનો જન્મદિવસ મંદિર પરિસરમાં ઉજ્વવામાં આવતો એક મહત્વનો તહેવાર છે. મંદિરોમાં ધાર્મિક સમારોહોની સાથે સાથે શણગારેલા વિશાળ રથમાં તીર્થંકરોની છબી સાથે સરઘસ નીકળે છે. તેમાં ઉપવાસ કરવું અને ગરીબોને દાન આપવાનો સમાવેશ પણ થાય છે.
 
પાલિતાણાના જૈન મંદિરો ચોમાસા દરમિયાન ચાર મહિના બંધ રહે છે.
 
કઈ રીતે જવું
 
જો તમે પાલિતાણા તીર્થ સ્થાનનું મુલાકાત લેવાનું માંગતા હોવ તો તે હવાઈ, સડક અને રેલ ત્રણેય માર્ગે પહોંચી શકાય છે.
 
હવાઈ માર્ગઃ પાલિતાણા તીર્થ સ્થાન જવા માટે હવાઈ માર્ગે ભાવનગર નજીકનું એરપોર્ટ છે. તે તીર્થ સ્થાનથી 51 કિમીના અંતરે આવેલું છે.
 
રેલ માર્ગેઃ જો તમે રેલ માર્ગે જવાનું વિચારો છો તો તે માટેનું નજીકનું રેલ્વે સ્ટેશન ભાવનગર છે. અહીં થી તમે પ્રાઈવેટ વાહન કે અન્ય રીતે જઈ શકો છો.
 
સડક માર્ગઃ પાલિતાણા માટે રાજ્ય સરકાર દ્વારા સારી એવી બસોની સુવિધા છે. રાજય સરકારની ડાયરેક્ટ બસો પણ છે જેમાં તમે સરળતાથી મુસાફરી કરી શકો છે. તે ઉપરાંત તમે પોતાનું વાહન કરીને પણ જઈ શકો છો.
 
- મોનાલી ગજ્જર