‘વશ’ ફિલ્મનો રાક્ષસ શું શું ખાઈ ગયો એ ખબર છે?

‘વશ’માં એ ત્રણે ત્રણ પાસાઓને ખૂબ સારો ન્યાય અપાયો છે. આ ફિલ્મના લેખક - દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક Krishnadev Yagnik (કે.ડી)નું લેખન - દિગ્દર્શન, કેદાર-ભાર્ગવનો બેકગ્રાઉન્ડ સ્કોર અને પાત્રોનો અભિનય બધું મજબુત છે.

    ૧૩-ફેબ્રુઆરી-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Vash Movie Review
 
 
હમણાં જ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘વશ’ના ટીઝર અને ટ્રેલરે ફિલ્મ રસીયાઓના મનમાં ભારે ઉત્સુકતા જગાવી હતી. બે મિનિટનું ટેલર એટલું તો જબરદસ્ત હતું કે આંખનું મટકુ મારવાનું ય મન ના થાય. જે લોકોને ગુજરાતી ફિલ્મમાં ખાસ મજા નહોતી આવતી, હજું કંઈક ખૂટતું હોય એવું લાગતું હતું, એ લોકો પણ ‘વશ’નું ટ્રેલર જોઈને બોલી ઉઠેલાં કે, ‘બોસ કંઈક નવું અને જોરદાર છે આ તો.’
 
અને ખરેખર ફિલ્મ જોયા પછી એ નવું અને જોરદાર જોવા મળ્યું ખરું.
 
‘વશ’ના ટ્રેલર પરથી જ ખ્યાલ આવી જાય છે કે આ ફિલ્મ ‘વશીકરણ’ પર આધારિત છે.
 
અને આનંદ એ વાતનો છે કે પેરાનોર્મલ એક્ટિવીટી, જાદુ-ટોના, મંત્ર-તંત્ર જેવા વિષયને મંત્ર - તંત્ર, જાદુ - ટોના કે હોમ - હવન કરતાં બતાવ્યા વિના ફિલ્મના સર્જકોએ એને સુપેરે ન્યાય આપ્યો છે. ફિલ્મમાં વશીકરણ થાય છે, અને જબરદસ્ત થાય છે, પણ એક પણ મંત્ર નહીં, આગના ભડકા નહીં, સ્મશાનમાં વિધિઓ જેવી વાહિયાત વાતો નહીં. બસ એક સાકરનો ટૂકડો અને જીવન આખું ઝેર - (આ વાક્ય ફિલ્મ જોયા પછી વધુ સમજાશે. માટે ફિલ્મ જોજો જરૂર!)
 
ફિલ્મમાં મુખ્યત્વે માત્ર ચાર પાત્રો છે. પપ્પા અથર્વના પાત્રમાં હિતુ કનોડિયા, મમ્મી બીનાના પાત્રમાં નીલમ પંચાલ, દીકરી આર્યાના પાત્રમાં જાનકી બોડિવાલા અને વિકૃત સાયકો રાક્ષસ પ્રતાપના પાત્રમાં હિતેન કુમાર.
 
પ્રતાપ આર્યાનું વશીકરણ કરે છે અને પછી એના જ ઘરમાં એના માતા-પિતા, ભાઈ સામે જે વિકૃત ખેલ શરૂ કરે છે એ જોઈને રૂંવાડા ઉભા થઈ જાય છે. કેટલાંક દ્શ્યો તો વિચલિત કરી દે છે. પોણા ભાગની ફિલ્મ એક જ બંગલામાં શૂટ થઈ છે પણ ડિરેક્શન, સંવાદો અને વાર્તા એટલી મજબુત છે કે તમને હલવા ના દે. સારી ફિલ્મ માટે મુખ્યત્વે ત્રણ પાસાઓ જરૂરી છે, પહેલું તો મુશ્કેટાટ બાંધી રાખે એવી વાર્તા, બીજું એનું પ્રેઝન્ટેશન (સ્ક્રિન પ્લે, ડિરેક્શન, સિનેમેટોગ્રાફી, બેકગ્રાઉન્ડ સ્કોર વગેરે) અને ત્રીજો અભિનય. વાર્તાના સર્જકના મનમાં રમતાં પાત્રોમાં પરકાયા પ્રવેશ કરીને એને જીવતં કરતો જીવંત અભિનય હોય તો જ ફિલ્મ સફળ બની શકે.
 

Vash Movie Review  
 
‘વશ’માં એ ત્રણે ત્રણ પાસાઓને ખૂબ સારો ન્યાય અપાયો છે. આ ફિલ્મના લેખક - દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક Krishnadev Yagnik (કે.ડી)નું લેખન - દિગ્દર્શન, કેદાર-ભાર્ગવનો બેકગ્રાઉન્ડ સ્કોર અને પાત્રોનો અભિનય બધું મજબુત છે.
 
મજબુર માતા-પિતા તરીકે નીલમ પંચાલ અને હિતુ કનોડિયા વિહવળ કરી દે તેવો કાબિલેદાદ અભિનય કરે છે. બીના Niilam Paanchal કહે કે, ‘એ લઈ જશે આર્યાને!’ અને અર્થવ Hitu Kanodia કહે, ‘હું નહીં લઈ જવા દઉં!’ આ સિંગલ વાક્યોના સંવાદો ડબલ જટકો આપે એવો જાનદાર અભિનય.
 
જાનકી બોડીવાલા Janki Bodiwala એક ચુલબુલી અભિનેત્રી તરીકે જ હું જોતો આવ્યો છું. પણ આમાં એણે ‘વશ’ થયેલી હિંસક છોકરી તરીકે જે અભિનય કર્યો છે એની કોઈ તુલના થઈ શકે તેમ નથી. એક ક્ષણમાં હસવાનું અને બીજી ક્ષણે રડવાનું, એક ક્ષણમાં હિંસક બનવાનું અને પ્રતાપનો હુકમ થતાં બીજી જ ક્ષણે શાંત જળ બની જવાનું. વાહ.... વેરી ગુડ જાનકી.
એન્ડ..
 
આ ફિલ્મની જાન... ફિલ્મની પહેચાન, હિતેન કુમાર સાયકો પ્રતાપના પાત્રમાં એટલો ઉંચો અભિનય કરે કે વારી વારી જવાય. એની વિકૃતી એટલી ભયાનક કે એના જબરા ફેન હોવા છતાં મન થાય કે ખૂરશીમાંથી ઉભા થઈને એક જ જાટકે પ્રતાપને જાપટ ઠોકી દઇએ. (કદાચ આ જ સુપરસ્ટાર હિતેન કુમારના અભિનયની જીત છે.) વિકૃત રાક્ષસના પાત્રને હિતેન કુમાર એક અનોખી ઉંચાઈ પર લઈ ગયા છે. એમના ડાયલોગ બહું સાદા છે પણ બોલવાની છટા એવી કે થથરી જવાય. એ જ્યારે એમ કહે કે, ‘હું માણસ નથી, રાક્ષસ છું.’ અને પછી જે હાવભાવ કરે, જે વિકૃત હસે એ જોઈને ખેરખર ડર લાગી જાય.
 
આ ફિલ્મને મોટા મોટા અને ખોટા - ખોટા શબ્દ આંડબરોથી ભરી દેવામાં નથી આવી એ ખુબ ગમ્યું. બહું જ સામાન્ય વાક્યો. આપણે રોજની જીવન શૈલીમાં બોલીએ એવા. પ્રતાપ વિકૃત છે છતાં પણ છે તો આ દુનિયાનો જ એક પાર્ટ, એટલે એક સામાન્ય માણસ બોલે એવા જ એના શબ્દો છે. એ કહે કે, ‘હું ક્યાંય નથી જવાનો!’, ‘મને તમારી દીકરી જોઈએ છે!’, ‘જા ઉભી થઇન તારા બાપાને લાફો માર જા.’, ‘આ બિચારીની પાસે એવા એવા કામ કરાવીશને કે તમે નહીં જોઈ શકો.’, ‘કહ્યું તું આની આજુ બાજુ ફરતો પણ નહીં, ઘુસાડી દેત ને!’, ‘બેન તમે જરા જોરથી રડો, મને મજા નથી આવતી.’ આ બધા સામાન્ય વાક્યો લાગે પણ એક વાર હિતેન કુમારના ઘેઘુર અવાજમાં પ્રતાપનું પાત્ર બોલે ત્યારે હ્રદય થડકારો ચુકી જાય. પ્રતાપ સોફામાં બેઠાં બેઠાં ડાયલોગ બોલે પણ તમને ખૂરશી પરથી ઉભા કરી દે. એ થિયેટરના અંધારામાં સાંભળશો તો વધારે વધારે મજા પડશે.
 
આ પ્રકારની ફિલ્મોમાં એક ભય સ્થાન ફિલ્મના અંતનું પણ રહેતું હોય છે. ગળે ઉતરે, મજા પડી જાય એવો એન્ડ લાવવામાં ગફલત થઈ જતી હોય છે. પણ ‘વશ’નો અંત તમને એવા તો જકડી રાખશે કે સ્ક્રિન ઓફ થયાં પછી પણ તમે ખૂરશીમાંથી ઉભા નહીં થઈ શકો. ફિલ્મના પોસ્ટરમાં - કાનમાં કાતર ખોસી દીધેલી છોકરી પણ ઉંચી કળાનું નિરૂપણ છે. એમાં કેટલું ઝીણું કામ થયું છે એ ફિલ્મ જોયા પછી જ ખ્યાલ આવશે.
 
હવે મુખ્ય વાત, આ લેખના ટાઈટલમાં પ્રશ્ર્નાર્થ કર્યો છે કે, ‘વશ’ ફિલ્મનો રાક્ષસ શું શું ખાઈ ગયો એ ખબર છે?
ઘણું ખાઈ ગયો છે.
 
આપણા પર મેણુ હતું કે આપણે હોલિવુડ સ્ટાઈલની સાઈકો થ્રિલર નથી બનાવી શકતાં, આપણા પણ આરોપ લાગતો કે આપણે ઓછા પાત્રો અને માત્ર એક કે બે લોકેશનની જકડી રાખે તેવી વાર્તા નથી લાવી શકતાં. આપણે પેરાનોર્મલ એક્ટિવિટી જેવા વિષયને સ્પર્શતા નથી, આપણે ગુજરાતી ફિલ્મમાં પ્રયોગો જ નથી કરતાં. વગેરે.. વગેરે અનેક મેણા હતા. એ મેણાને ‘વશ’નો રાક્ષસ ખાઈ ગયો છે. આપણે ત્યાં જુની વાર્તામાં એક રાક્ષસ આવતો હતો અને બોલતો હતો કે, માણસ ગંધાય... માણસ ખાઉં...! પણ આ ‘વશ’નો આ રાક્ષસ મેણા ખાવા વાળો છે. મેણા ગંધાય... મેણા ખાઉં!
 
અને છેલ્લે હિતેન કુમારના જબરા ફેન તરીકે એક વાત ચોક્કસ કહેવી છે કે, સુપરસ્ટાર ઉપેન્દ્ર ત્રિવેદી અને નરેશ કનોડિયાના ઉત્તમ સમયગાળા બાદ દોઢ - બે દાયકા સુધી આ માણસે ગુજરાતી સીનેમાને જીવતું રાખ્યું છે. દેશ રે...થી માંડીને મહિયર... જેવી અનેક રેકોર્ડ બ્રેક ફિલ્મો આપી ગુજરાતી સીનેમામાં જાન ફૂંકી છે. કદાચ એ વાતની જોઈએ તેવી નોંધ લેવાઇ. પણ છાબડીએ ઢાંક્યો સુરજ છુપાઈ શકતો નથી. અમને તો વરસોથી ખાતરી હતી જ કે આ માણસ સીનેમાની જાન છે. બસ જરૂર છે એક સારી સ્ક્રિપ્ટની. અને તેમનો આ બીજો અવતાર, (રાડોથી વશ અને હવે આવનારી આગંતુક સુધીનો) - સાબિત કરી દેશે સુપરસ્ટાર હિતેન કુમાર એટલે હિતેન કુમાર.
 

Vash Movie Review  
 
ફિલહાલ તો એટલું જ કે આપણી ભાષાની એક જુદા પ્રકારની ફિલ્મ આવી છે. લેખક - દિગ્દર્શક કે.ડી, પ્રોડ્યુસરો કલ્પેશ સોની અને કૃણાલ સોની, કો પ્રોડ્યુસરો નિલય ચોટાઈ અને દિપેન પટેલ, સ્ટારકાસ્ટ હિતુ કનોડિયા, નીમલ પંચાલ, જાનકી બોડીવાલા, હિતેન કુમાર, બેક ગ્રાઉન્ડ સ્કોરર કેદાર - ભાર્ગવ અને આખી ટીમની સહિયારી મહેનતને આપણે સુરજની સાક્ષીએ નહીં પણ થિયેટરના અંધારમાં જઈને વધાવીએ.
 
અને હા, આ ફિલ્મ્ને એટલાં માટે પણ નથી વધાવાની કે અહીં આ ફિલ્મના વખાણ કર્યા છે. ફિલ્મ જોઈને આવેલા કોઈ પણ દર્શકને પૂછી જોજો. એનો અભિપ્રાય પણ આજ હશે. સામાન્ય દર્શકો - ( જે લોકો જ ફિલ્મને હિટ, સુપરહિટ કે ફ્લોપ બનાવતા હોય છે.) - એ લોકો પાસે ફિલ્મ રિવ્યુના, વખાણના કે એના કલાત્મક કે ટેકનિકલ પાસાને રજુ કરવાના શબ્દો કદાચ નથી હોતા, પણ એમના મુખેથી જે શબ્દો નીકળે છે એમાં બધું જ આવી જાય છે. એ દર્શકો એકવાર એમ કહી દે કે, ‘બોસ જક્કાસ!’, ‘યાર, શું પિક્ચર બનાયું છે!’, ‘તોડી નાંખે એવું હો ભાઈ!’, ‘મારફાડ મુવી છે બાપુ!’, ‘જામો પડી ગયો હો ભાઈ!!’ - એટલે સમજી લેવાનું કે ફિલ્મ ખરેખર સારી બની છે.
 
અને આ ફિલ્મ જોયા પછી આપણો સામાન્ય ગુજરાતી પ્રેક્ષક, જે મહેનતની કમાણીના પૈસા અને અમુલ્ય સમય ખર્ચીને થિયેટરમાં ફિલ્મ જોવા જાય છે એ પણ ‘વશ’ જોઈને આ જ બોલી રહ્યો છે કે, ‘યાર શું ફિલ્મ બનાવી છે.’
 
એટલે ફિલ્મ જોવી અને વધાવવી રહી.
 
 

રાજ ભાસ્કર

રાજ ભાસ્કર સાધનાના સહ સંપાદક છે. છેલ્લા એક દાયકાથી તેઓ સાધનાના વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યા છે. તેમના સંપાદન હેઠળ અનેક યાદગાર અને સંગ્રીહ રાખવા જેવા અંકો પ્રકાશિત થયા છે. તેઓ એક સારા સંપાદક અને લેખક છે. લવ્યુ મમ્મી, લવ્યુ પપ્પા, લવ્યુ દોસ્ત જેવા સુપ્રસિધ્ધ પુસ્તકોનું તેમણે અદભુત સંપાદન કર્યું છે જેમાં ગુજરાતનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યા છે. પરમવીર ચક્ર અને ભારત રત્ન જેવી પુસ્તક પણ તેમણે લખી છે. લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલા વિષયો પર તેમણે પુસ્તિકાઓ લખી છે. ગુજરાત સમાચારમાં તેઓ કોલમ લખે છે. “ડાર્ક સિક્રેટ” કોલમ હેઠળ છપાતી ડિટેક્ટીવ સ્ટોરીના બે પાત્રો નાથુ-ઘેલાણીની જોડી વાચકોના મનમાં રાજ કરે છે.