પાવાગઢ જાવ છો ? દોસ્તીની મિશાલ સમા આ શહેરની મુલાકાત લેવાનું ચૂકતા નહીં

Champaner | પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલું ચાંપાનેર શહેરએ પાવાગઢની તળેટીમાં આવેલું છે. ઇતિહાસ પ્રેમીઓ માટે ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વીય ઉધ્યાન એ અદ્ભુત સ્થળ છે.

    ૧૩-ફેબ્રુઆરી-૨૦૨૩
કુલ દૃશ્યો |

champaner in gujarati
 
 
# ગુજરાતનું એકસમયનું પાટનગર દોસ્તીની મિશાલ તરીકે કેમ જાણીતું છે?
 
# ચાંપાનેર – પ્રાચીન-અર્વાચીન સ્થાપત્યો ધરાવતું ગુજરાતનું પહેલું પાટનગર
 
# ચાંપાનેરમાં પ્રાચીન અને અર્વાચીન સમયના સ્થાપત્યોમાં સાંસ્કૃતિક વારસાનો ખજાનો સચવાયેલો છે.
 
# અહીં એક તરફ પાવાગઢની ટોચે મહાકાળી માતા બિરાજમાન છે તો બીજી તરફ અહીં લકુલીશ મંદિર, કેવડા મસ્જિદ, જામી મસ્જિદ, લીલા ગુંબ્બાની મસ્જિદ, પાવાગઢનો કિલ્લો સહિત 114 હેરિટેજ સ્મારકો  આવેલા છે.
 
# હિંદુઓના રક્તથી રંજિત છે શહેરનો ઇતિહાસ
 
 

champaner in gujarati ચાંપાનેર - દરવાજો
 
કુછ દિન તો ગુજારો ગુજરાત મેં..., ગુજરાતમાં પ્રાકૃતિક સૌંદર્ય, અફાટ ઘૂઘવતો સાગર, ગર્વીલો ગિરનાર, સૌમ્ય સફેદ રણ, ઇતિહાસ સાચવીને બેઠેલું દ્વારકા મંદિર તો બીજી તરફ હડપ્પા સંસ્કૃતિના સાક્ષી સમા લોથલ, ધોળાવીરા સહિત અનેક સ્થળો આવેલા છે. આમ, ગુજરાતમાં પ્રાચીન અને અર્વાચીન સમયના સ્થાપત્યોમાં સાંસ્કૃતિક વારસાનો ખજાનો સચવાયેલો છે. આજે વાત કરીએ, ઇતિહાસ સંઘરીને બેઠેલા આવા જ એક શહેરની.
 
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલું ચાંપાનેર શહેરએ પાવાગઢની તળેટીમાં આવેલું છે. ઇતિહાસ પ્રેમીઓ માટે ચાંપાનેર-પાવાગઢ ( Champaner – Pavagadh ) પુરાતત્વીય ઉધ્યાન એ અદ્ભુત સ્થળ છે. જ્યારે અહીં આવેલા મંદિરો, મહેલો, કિલ્લાઓ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને પ્રતિબિંબિત કરે છે. ચાંપાનેર એક સમયે ગુજરાતની રાજધાની હતી, સુલતાન મહંમદ બેગડાના સમયની આ રાજધાની આજે સંરક્ષિત સ્થળ તરીકે જાહેર કરવામાં આવી છે અને તેના ઐતિહાસિક મહત્ત્વને આધારે તેની જાળવણીનું કામ યુનેસ્કોને સોંપવામાં આવ્યું છે. | Unesco World Heritage Site
 

champaner in gujarati 
 
મૈત્રી ઋણ ચૂકવવા “ચાંપાનેર” (Champaner) નામ અપાયું
 
આ શહેરની સ્થાપના સાથે મૈત્રીની અનેરી મિશાલ જોડાયેલી છે. અણહીલવાડના પ્રથમ રાજ્યકર્તા વનરાજ ચાવડાના રાજ્યકાળ દરમિયાન સાતમી સદીમાં (ઇ.સ 647) ચાંપાનેરની સ્થાપના થઇ હોવાનું મનાય છે. કહેવાય છે કે ચાવડા વંશના સ્થાપક વનરાજ ચાવડાએ તેમના મિત્ર ચાંપા વાણિયાની યાદમાં આ શહેરની સ્થાપના કરી હતી. લડાઇ દરમિયાન મિત્ર ચાંપાએ વનરાજને ગુમાવેલું રાજ્ય પાછું મેળવવામાં મદદ કરી હતી. રાજા વનરાજને તેમનું રાજ્ય પાછું મળતાં મૈત્રીનું ઋણ ચૂકવવા તેમણે ચાંપાને મંત્રીપદ પ્રદાન કર્યુ આ સાથે તેના નામ હેઠળ ચાંપાનેર શહેરની સ્થાપના કરી. જોકે, તેરમી સદીના અંતમાં અલાઉદ્દીન ખિલજીની સરદારી હેઠળના મુસલમાનો ખીચીવાડાથી પાછા હઠતા ચૌહાણોએ શાસન સંભાળ્યું અને ત્યાર બાદ સન 1484માં મહંમદ બૈગડાએ ચાંપાનેર જીતી લીધું અને તેને ગુજરાતની રાજધાની બનાવી. અંતે 18મી સદીના વચગાળામાં સિંધિયાએ આ શહેર કબજે કર્યુ અને પંચમહાલને પોતાના સામ્રાજ્ય સાથે જોડી દીધું.
 
હિંદુઓના રક્તથી રંજિત છે ઇતિહાસ/ હિંદુઓએ લાજ બચાવવા સ્ત્રીઓને બળતા અગ્નિમાં હોમી દીધી
 
મિરાંતે સિકંદરી નામના પુસ્તક પ્રમાણે, ચાંપાનેર સક્ષમ અને સમૃદ્ધ હિંદુ રજવાડું હતું. શાસક રાવળ પતાઇ સામેની લડાઇમાં મહંમદ બૈગડાએ પૂરું જોર લગાવ્યું. તમામ હિંદુઓની હત્યા કરીને શાસક રાવળ પતાઇને પાંચ મહિના સુધી બંધક બનાવી, ઇસ્લામ અંગીકાર કરવા તેમના પર ખૂબ દમન ગુજારાયો પરંતુ રાવળ પતાઇ તાબે ના થતા અંતે તેમની હત્યા કરી દેવાઇ. આ લડાઇમાં હિંદુઓએ પણ પોતાના પરિવારની લાજ બચાવવા સ્ત્રીઓ અને બાળકોને અગ્નિમાં હોમી દીધા.
 

જોવાલાયક સ્થળો | Places to Visit in Champaner

 
 
અહીં કિલ્લાઓ, દિવાલો, કબર, મહેલ, હેલિકલ વાવ, મંદિરો, મસ્જિદો સહિત અનેક હેરિટેજ સ્મારકો આવેલા છે. કેવડા મસ્જિદ, જામી મસ્જિદ, લીલા ગુંબ્બાની મસ્જિદ, સહારા કી મસ્જિદ, પાવાગઢ કિલ્લો, લકુલીશ મંદિર સહિત 114 સ્મારકોની શ્રૃંખલા આવેલી છે.
 
ચાંપાનેર કિલ્લો | Champaner Fort
 
ચાંપાનેરનો કિલ્લો પાવનગઢ અને પાવાગઢ તરીકે ઓળખાય છે. આ સ્થળ હિંદુ ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર યાત્રાધામ છે. પર્વતની ટોચ પર મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે. તો જૈન ધર્મના અનુયાયીઓ માટે પણ પાર્શ્વનાથ મંદિરએ પાવન તીર્થધામ ગણાય છે. અહીં દિગંબર જૈન સંપ્રદાયના કુલ નવ પવિત્ર દેરાસરો આવેલા છે.
 

champaner in gujarati 
 
હેલિકલ વાવ | Helical Stepwell
 
લીલીછમ જગ્યાની વચ્ચે આવેલી આ વાવ 16મી સદીમાં બંધાવાઇ હોવાનું મનાય છે. 1.2 મીટર ઊંડી આ વાવમાં જવા માટે અંદાજે 92 પગથિયા ઉતરવા પડે છે.
 

champaner in gujarati 
 
નવલખા કોઠાર | Navalakha Kothar
 
પ્રાચીન સમયમાં અનાજ સંગ્રહ કરવા માટે કેવી અદ્ભભુત ઇમારત બાંધવામાં આવતી, આ નવલખા કોઠાર તેનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે. મૌલિયાટૂંકના મેદાની ભાગમાં વિસ્તરેલ ખીણ નવલખી ખીણ ઓળખાય છે, આથી અહીં સ્થિત કોઠારને નવલખા કોઠાર નામ આપવામાં આવ્યું. આ પ્રાચીન ઇમારત એ મોગલ સ્થાપત્યકાળનું ઉત્તમ નજરાણું છે.
 

champaner in gujarati 
 
સાત કમાન | Sat Kaman
 
વિશાળ મંડપના આકારમાં કળાકારીગરીનો અદ્ભુત નમૂનો એવા સાતકમાનમાં તત્કાલીન શાસન કર્તાઓ ગુપ્ત બેઠકો યોજતા હોવાની વાયકા છે. તો રાજવી પરિવાર આનંદ- પ્રમોદના સ્થળ તરીકે આ સાત કમાનનો ઉપયોગ કરતા હોવાનું મનાય છે.
 

champaner in gujarati 
 
લકુલીશ મંદિર | Lakulish Temple
 
એક તરફ પાવાગઢની ટોચ પર મહાકાળી માતાનું મંદિર આવેલું છે તો બીજી તરફ તેમના પ્રમુખ ભૈરવનું મંદિર પણ અહીં આવેલું છે. લકુલીશ પાવાગઢનું સૌથી પ્રાચીન મંદિર માનવામાં આવે છે. આ મંદિરની ઉત્તર દિશામાં ત્રિવેણી કુંડ આવેલો છે. માતાજીના મંદિરની સામે રાજા પતાઇનો મહેલ આવેલો છે.
 

champaner in gujarati 
 
 
જામા મસ્જિદ | Jama Masjid
 
ચાંપાનેર પાસે ઘણી જાણીતી અને ભવ્ય મસ્જિદો છે. જેમાં સૌથી વધુ જોવાલાયક જામા મસ્જિદ છે. મુખ્ય પ્રવેશ દ્વાર પરના 30 મીટરના બે મિનારાઓ, ગવાક્ષ સાથેના બે મજલાઓ અને વિશાળ આંગણાની આસપાસ કોતરણી અને જાળી વાળું સ્થાપત્ય છે.
 

champaner in gujarati 
 
 
કેવી રીતે પહોંચવું | How to Reach?
 
 
માર્ગ દ્વારા:
 
રળિયામણા અને ઐતિહાસિક ધરોહર સાચવીને બેઠેલા શહેરની મુલાકાત લેવી હોય તો રાજ્ય સરકાર દ્વારા એસ.ટી. બસની સેવા ઉપલબ્ધ છે. વડોદરાથી માત્ર 49 કિલોમીટરના અંતરે આવેલા આ શહેર સુધી પહોંચવા માટે રાજ્યના બધા જ ધોરીમાર્ગો સંકળાયેલા હોવાથી અહીં બસ કે ગાડી દ્વારા પહોંચવું સરળ છે.
 
હવાઈ માર્ગ :
 
પંચમહાલમા હવાઇ મથકની સુવિધા નથી. સૌથી નજીકનું હવાઈ મથક વડોદરા એરપોર્ટ છે જે 49 કિ.મી દૂર છે
 
રેલ દ્વારા:
 
પંચમહાલ રેલ્વે સ્ટેશન એ મુખ્ય રેલ્વે સ્ટેશન છે. જોકે, અહીંથી કનેક્ટિવિટી ઓછી હોવાથી પ્રવાસીઓ માટે વડોદરા સ્ટેશનથી અહીં આવવું વધુ સરળ રહેશે.
 
 
- જ્યોતિ દવે