ડિજિટલ રોગો આવી ગયા છે?! શું દુનિયાને ડિજિટલ ડોક્ટર્સની જરૂર પડશે? તમને આ ડિજિટલ રોગ થયો નથી ને?

આજના આધુનિક જગતમાં આપણે ટેક્નોલોજીનો ઉપયોગ મર્યાદામાં રહીને કરવાની જરૂર છે. નહિતર આપણે જાણતા-અજાણતા આવા રોગોનો શિકાર બનતા રહીશું…અને ડિજિટલ ડોક્ટર્સની આપણને જરૂર પડશે!

    ૧૪-ફેબ્રુઆરી-૨૦૨૩   
કુલ દૃશ્યો |

digital disease in gujarati
 
 
મોબાઈલ, નેટ, સોશિયલ મીડિયા આવ્યા પછી કેવા કેવા રોગો ઘર કરી ગયા છે, તમને ખબર છે? આજના આધુનિક જગતમાં મોટાભાગના લોકોને ડિજિટલ ડીસીઝ છે. આ નવા પ્રકારના રોગો છે. તમે પણ આ રોગ થયો હોય એવું બની શકે? આવો જાણીએ આ રોગો કયા છે?
 
ફબિંગ । Phubbing
 
તમને ખબર છે આ ફબિંગના કારણે આજે અનેક સંબંધો બગડી ગયા છે. અનેક દંપતીઓના ઘર તૂટ્યા છે. ફબિંગનો અર્થ થાય છે ઇગ્નોર કરવું. એ કેવી રીતે? સરળ ભાષામાં કહીએ તો તમે કોઇની જોડે વાત કરતા હોવ અને તમારા મોબાઈલમાં કોઇનો કોલ આવે, અને તમે તરત તમારી સામે રૂબરૂમાં ઉભેલી વ્યક્તિને ઇગ્નોર કરી, ફોન ઉપાડી સરમ - સંકોચ વગર વાતો કરવા લાગો એ ફબિંગ છે. તમારો મિત્ર, સાથી, પરિવારના કોઇ સભ્ય, સંબંધી તમારી સાથે છે અને તમે મોબાઇલમાં રચ્યા પચ્યા રહો એ ફબિંગ છે. આ ફબિંગના કારણે અનેક સંબંધોનો અંત આવ્યો છે. કોઇની સાથે આપણે વાત કરતા હોઇએ અને ફોન આવે તો સામે વાળાને ઇગ્નોર કરવો એ તમારામાં વિવેક, સંસ્કારની કમી દર્શાવે છે. આપણે માફી માગીને કે સામેવાળાને પૂછીને પણ ફોન નથી ઉપાડતા. શુ તમારી સાથે આવું કોઇએ કર્યું છે? કર્યુ જ હશે! ત્યારે તમને કેવું લાગ્યું? અને હા, આવું તમે તો નથી કરતાને…?!
 
ટેક્સાફ્રેનિયા । Textaphrenia
 
આવો રોગ ધરાવતા પણ અનેક લોકો છે. ટેક્સાફ્રેનિયા એટલે દર ત્રીજી મિનિટે તેને મોબાઈલ જોવાનું મન થાય, મોબાઇલમાં આવેલ ટેક્સ વાંચવાનું મન થાય અને વાંરવાર લાગ્યા રાખે કે મને કોઇ ટેક્સ મેસેજ કેમ નથી મોકલતું? આવા વ્યક્તિને મોબાઈલ એડિક્શન હોય છે. તેઓ મોબાઇલથી દૂર રહી જ ન શકે. મોબાઇલ જોયા વગર તેમને બેચેની થયા કરે. સવારે ઊઠો એટલે મોબાઇલ અને દર મિનિટે કારણ વગર જોયા કરવાનો મોબાઇલ. આ ગંભીર બિમારી છે. જે આજના યુવાનોમાં ઘર કરી ગઈ છે!
 
FAD – Facebook Addiction Disorder | ફેસબુક એડિક્શન ડિસઓર્ડર
 
ફેસબુક એડિક્શન ડિસઓર્ડર નામના આ રોગથી અનેક લોકો પીડાય છે. WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝરે આ FAD ( Facebook Addiction Disorder ) ને સત્તાવાર રીતે મેન્ટલ ડિસઓર્ડર જાહેર કર્યો છે. WHOના પ્રમાણે તમે દિવસમાં પાંચથી વધારે વાર જો ફેસબુક ખોલીને જુવો છો તો તમે આ રોગથી પીડિત છો. હવે તમે નક્કી કરી લો કે તમે પીડિત છો કે નહી?!
 
FOMO - Fear of Missing Out | કંઇક છુટી જવાનો ડર!
 
શું તમારી સાથે ક્યારેય એવું થયું છે કે તમે ઓફિસના કે અન્ય કોઇ કામના કારણે દોસ્તો સાથે કોઇ ટ્રીપમાં કે પાર્ટીમાં ન જઈ શક્યા હોવ. આવા સમયે કામ કરતી વખતે શું તમને એક ચોક્કસ પ્રકારની બેચેની થાય છે? તમારું ધ્યાન પાર્ટી કે ટ્રીપ પર જ રહે છે. તમે દોસ્તોના સોશિયલ મીડિયા પર પાર્ટી કે ટ્રીપના ફોટા જોયા કરો છો અને તમને લાગે છે કે યાર હું રહી ગયો! આ FOMO ( Fear of Missing Out ) છે. ફોમો એટલે કંઇક છુટી જવાનો ડર! આવું લગભગ બધા સાથે થતું હશે? બોલો તમને ખબર હતી કે આ એક ડિજિટલ રોગ છે?
 
JOMO – Joy of Missing Out |કંઇક છુટી જવાનો આનંદ!
 
FOMO ને ટક્કર આપવા, FOMO ( Fear of Missing Out ) ની નીરાશાને દૂર કરવા એક JOMO નામનું અભિયાન ચલાવાયું. જેને કંઇક ખોવાનો ડર છે તેમના માટે આ અભિયાન ખૂબ ઉપયોગી સાબિત થયું છે. કંઇક ખોવાનો ડર નથી તેનો પણ આનંદ લેવો એટલે JOMO - Joy of Missing Out…એટલે તમારા મિત્રો પાર્ટી કરી તેના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આનંદ વ્યક્ત કરી રહ્યા છે તો જે આ ચૂકી ગયા છે તેઓ પોતે જ્યાં છે તે કામનો આનંદ લેતો ફોટો પોસ્ટ કરી પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
 
અને છેલ્લે…
 
આજે હજ્જારો યુવાનો આવા ડિજિટલ રોગોથી પીડાઈ રહ્યા છે. આ રોગો ક્યારે આપણામાં ઘર કરી ગયા છે ત પણ ખબર હોતી નથી. આજના આધુનિક જગતમાં આપણે ટેક્નોલોજીનો ઉપયોગ મર્યાદામાં રહીને કરવાની જરૂર છે. નહિતર આપણે જાણતા-અજાણતા આવા રોગોનો શિકાર બનતા રહીશું…અને ડિજિટલ ડોક્ટર્સની આપણને જરૂર પડશે! જોકે આ રોગો મજબૂત મન સાથે રોગી જાતે પણ દૂર કરી શકે છે! બસ મજબૂત ઇચ્છાશક્તિ જોઇએ.
 
 

હિતેશ સોંડાગર

હિતેશ સોંડાગર સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધના સાપ્તાહિકનું સોશિયલ મીડિયાનું કામ સંભાળે છે.