એક વૃદ્ધ ગીધની ખૂબ જ પ્રેરણાત્મક સલાહ । વાંચો માત્ર એક મિનિટ લાગશે!

15 Feb 2023 19:02:34

bodh katha
 
 
એકવાર ગીધનું એક સમૂહ ઊડતું ઊડતું એક ટાપુ પર પહોંચ્યું. ટાપુની ચારે બાજુ સમુદ્રનું પાણી હતું. ગીધનું આ સમૂહ આ ટાપુ પર ઉતર્યુ તો તેમને મજા-મજા પડી ગઈ. કેમ કે અહીં શિકાર કરવો તેમના માટે એકદમ સરળ હતો. ટાપુઓ પર ખૂબ દેડકા, માછલાં અન્ય સમુદ્ર જીવો હતા. ગીધોને ઉડ્યા વગર બેઠાં બેઠાં આ જીવોનું ભોજન મળી જતું હતું. થોડા દિવસ સુધી ગીધોએ આરામથી આ જીવોને આરોગ્યા.
 
થોડા દિવસ થયા એટલે આ ગીધોમાંથી સૌથી વૃદ્ધ ગીધે સમૂહને કહ્યું કે હવે આ ટાપુ આપણે છોડી દેવો જોઇએ. અહીંથી આપણે જવું જોઇએ. આ સાંભળી સમૂહના બીજા ગીધો આ વૃદ્ધ ગીધ પર હસ્યા અને કહ્યું ગાંડા થઈ ગયા છો કે શું? અહીં આટલી સરળતાથી ભોજન મળી રહ્યું છે. ઉડ્યા વગર ખાવાનું મળે છે અહીં જીવન સરળ છે અહીંથી ગાંડા હોય એ જ જાય. પેલા વૃદ્ધ ગીધે વારંવાર આ ટાપુ છોડી દેવા કહ્યું પણ કોઇ માન્યું નહી, એટલે વૃદ્ધ ગીધ તેમને છોડીને એકલો જંગલ તરફ ઊડી ગયો.
 
એક વર્ષ પછી પેલા વૃદ્ધ ગીધને પોતાના સાથીઓની યાદ આવી એટલે તે તેમને મળવા પેલા ટાપુ પર પહોંચ્યું. આ વૃદ્ધ ગીધ અહીંનો માહોલ જોઇને ચિંતામાં પડી ગયો. અહીં ખૂબ ભયાનક દર્દનાક માહોલ હતો.
 
ટાપુ પર બધા ગીધોની લાશો પડી હતી. પણ તેમા એક ગીધ જીવતું હતું, તે પણ ખૂબ ઇજાગ્રસ્ત હતું. તે ચાલી પણ શકતું ન હતું. આથી વૃદ્ધ ગીધે આ પાછળનું કારણ પૂછ્યું. ત્યારે પેલા ઇજાગ્રસ્ત ગીધે જે કહ્યું તે એક ખૂબ મોટો બોધ છે.
 
તેણે કહ્યું કે તમે ગયા પછી અમે અહીં ખૂબ મજા કરી. આ ટાપુ પર બેઠા રહ્યા અને સરળતાથી મળતું ભોજન ખાતા રહ્યા. અમે ઊડવાનું તો બંધ જ કરી દીધું. ખાવાનું અને આરામ કરવાનો. આવું કરવાથી થોડા મહિનામાં જ અમારી ઊડવાની ક્ષમતા ક્ષીણ થઈ ગઈ. અમે બરાબર ઊડી શકતા ન હતા. આવામાં અહીં એક દિવસ દરિયાનું પાણી ટાપુ પર ફરી વળ્યું. અમે ઊડી ન શક્યા અને પાણીમાં તણાઈ ગયા. બધા ડૂબી ગયા અને મૃત્યુ પામ્યા. હું જેમ તેમ કરીને બચી ગયો પણ મારી સ્થિતિ પરથી લાગે છે હું પણ હવે બે-ત્રણ દિવસનો મહેમાન છું...
 
બે દિવસ પછી પેલા ઇજાગ્રસ્ત ગીધનું મૃત્યુ થયું અને વૃદ્ધ ગીધ પાછો જંગલ તરફ આવી ગયો.
 
વાર્તાનો બોધ
 
બોધ એ છે કે કુદરતે આપણને જે શક્તિ આપી છે તેનો ઉપયોગ કરવો જોઇએ અને તેના માટે જાગૃત રહેવું પડે. આળસ કરીને આપણે આપણું કર્મ છોડી દઈએ તો ભવિષ્યમાં તે આપણા માટે ઘાતક સાબિત થાય છે.
 
 
 
Powered By Sangraha 9.0