સંગતની અસર । જે મન, કાર્ય અને બુદ્ધિથી પરમહંસ છે તેણે કાગડાઓની સભાથી હંમેશાં દૂર રહેવું જોઇએ.

16 Feb 2023 13:57:52

Bodh Katha 
 

બોધકથા | Bodh Katha

પદ્મપુરાણમાં એક કથા છે. એકવાર એક શિકારી શિકાર કરવા ગયો, શિકાર તો ન મળ્યો પણ જંગલમાં રખડીને થાકી ગયો. એટલે એક ઝાડ નીચે આવીને તે બેસી ગયો. ઝાડ નીચે ઠંડક હતી અને શિકારી થાકેલો હતો એટલે તરત તે ઊંઘી ગયો. થોડીવારમાં ત્યાં તડકો આવી ગયો.
 
આવા સમયે એક સુંદર હંસ ત્યાંથી પસાર થયું. હંસે જોયુ કે એક થાકેલો માણસ તડકામાં સૂતો છે. મારે તેની મદદ કરવી જોઇએ. આથી શિકારી પર જ્યાંથી તડકો પડતો હતો ત્યાં તે પોતાની પાંખો ફેલાવીને બેસી ગયું. જેના કારણે શિકારી પર છાયડો પડે અને તે આરામથી સૂઈ શકે.
 
આવા સમયે ત્યાં એક કાગડો આવ્યો. તેણે આ બધું જોયુ તે હંસની બાજુમાં જઈને બેઠો અને થોડીવાર પછી કાગડો શિકારી પર ચરકી ગયો અને ત્યાંથી પલાયન થઈ ગયો. કાગડાનો મળ શિકારી પર પડવાથી તે જાગી ગયો અને તેણે ઉપર જોયું તો હંસ પાખો ફેલાવીને બેઠું હતું. શિકારીને ગુસ્સો આવ્યો. એટલે બાજુમાં પડેલ તીર તેણે હંસને માર્યુ અને ઘાયલ હંસ ઝાડ ઉપરથી નીચે પડયું.
 
મરતા પહેલા હંસે શિકારીને કહ્યું કે હું તો તમારી મદદ કરી રહ્યો હતો. હું તો તમને છાયડો આપવા પાંખ ફેલાવીને બેઠો હતો. પેલો કાગડો આવીને તમારા પર મળ ત્યાગ કરી ગયો. તમે મને કેમ તીર માર્યુ? આમા મારો શું વાંક? ત્યારે શિકારી હંસને કહે છે કે તમે મારી મદદ કરી રહ્યા હતા. તમારા વિચાર તમારા શરીર જેટલા જ સુંદર અને શુદ્ધ છે. તમે એક ઉચ્ચ સેવાભાવ સાથે પાંખ ફેલાવીને બેઠા હતા પણ તમારાથી એક ભૂલ થઈ ગઈ. જ્યારે તમારી પાસે કાગડો આવીને બેઠો ત્યારે જ તમારે અહીંથી ઉડી જવાનું હતું. એક દુષ્ટ કાગડા સાથેની એક પળની સંગત તમને મૃત્યુ તરફ લઈ ગઈ.
 
બોધ એ છે કે…
 
આ સંસારમાં સંગતિનું હંમેશાં ધ્યાન રાખવું જોઇએ. જે મન, કાર્ય અને બુદ્ધિથી પરમહંસ છે, તેણે કાગડાઓની સભાથી હંમેશાં દૂર રહેવું જોઇએ.
Powered By Sangraha 9.0