કોડંદરામા મંદિર | કહેવાય છે કે બે લૂંટારા ભાઇઓએ આ મંદિર બનાવ્યુ અને...

મંદિરને જોતા જ ખ્યાલ આવે છે કે સ્થાપત્યશૈલી વિજ્યનગર શૈલીમાં છે. આ સ્થળ સાથે મહાન વિદ્વાનો અને ભક્તોના નામ સંકળાયેલા છે. આ મંદિરનું નિર્માણ ૧૬મી સદીમાં વિજયનગર અને ચૌલ રાજાઓ દ્વારા કરવામાં આવ્યું હતુ.

    ૨૨-ફેબ્રુઆરી-૨૦૨૩
કુલ દૃશ્યો |
 
Kodandarama Swamy Temple
 
 
# આંધ્રનું 32 સ્તંભનું આ મંદિર ભગવાન શ્રી રામને સમર્પિત છે
# બે લૂંટારુ ભાઈ દ્વારા કરવામાં આવ્યું છે ભગવાન રામને સમર્પિત આ મંદિર
# ભગવાન શ્રી રામ અહીં સ્વામી કોદરમ્મા રૂપમાં પૂજાય છે
# 16મી સદીનું વિસ્તારનું સૌથી મોટુ મંદિર હોવાની માન્યતા
 
આંધ્રપ્રદેશના કડ્ડપા જિલ્લાના વોટિમિટ્ટા ગામમાં કોડંદરામા મંદિર આવેલું છે. પ્રાચીન મંદિર હોવાની સાથે તે ભગવાન શ્રીરામને સમર્પિત છે. ૧૬મી સદીના આ મંદિરને આ વિસ્તારનું સૌથી મોટુ મંદિર ગણવામાં આવે છે. આ મંદિર કોડપ્પાથી ૨૫ કિમીના અંતરે આવેલું છે. મંદિર અને તેના આસપાસની ઈમારતો રાષ્ટ્રીય પુરાતત્વ ખાતા દ્વારા સંરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યા છે. મંદિરમાં ભગવાન શ્રીરામને કોદરમમ્મા સ્વામીના રૂપમાં પૂજવામાં આવે છે. આ મંદિરના નિર્માણમાં લૂંટારુ ભાઈઓનો ઉલ્લેખ જોવા મળે છે.
 
મંદિરનો ઈતિહાસ અને શૈલી
 
મંદિરને જોતા જ ખ્યાલ આવે છે કે સ્થાપત્યશૈલી વિજ્યનગર શૈલીમાં છે. આ સ્થળ સાથે મહાન વિદ્વાનો અને ભક્તોના નામ સંકળાયેલા છે. આ મંદિરનું નિર્માણ ૧૬મી સદીમાં વિજયનગર અને ચૌલ રાજાઓ દ્વારા કરવામાં આવ્યું હતુ.
 
આ મંદિરમાં ત્રણ ગોપુરમ (પ્રવેશદ્વાર) બનેલા છે. પૂર્વ દિશામાં આવેલ મધ્ય ગોપુરમ મંદિરનું મુખ્ય પ્રવેશ દ્વાર છે. અન્ય બે મિનારા ઉત્તર અને દક્ષણિ દિશામાં આવેલા છે. મધ્યમાં સ્થિત ગોપુરમ કે ટાવર પાંચ સ્તરમાં બનેલું છે. તેમાં ટાવરના એપ્રોચ ગેટ સુધી પહોંચવા માટે સીડીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરના ખૂણાઓ પર પ્રાણીઓની આકૃતિઓવાળી કોતરણી જોઈ શકાય છે.
 
મંડપ કે રંગમંડપ, ઓપન એર થિયેટરમાં ઉત્કૃષ્ટ મૂર્તિઓ જોઈ શકાય છે.આ મંદિર ૩૨ સ્તંભોથી બનેલું છે તેને મધ્યરંગરાડપમના નામે પણ ઓળખવામાં આવે છે. મંદિરના મધ્યભાગની છત અનેક અલંકૃત કોષ્ટકોથી બનેલી છે. મંડપના એક સ્તંભ પર રામ અને લક્ષ્મણના ચિત્રોની કોતરણી કરવામાં આવી છે.આ મંદિરમાં રામનું જે ચિત્ર છે તેમાં તેમના જમણા હાથમાં ધનુષ અને ડાબા હાથમાં બાણ જોઈ શકાય છે. રામની છબીમાં અન્ય સજાવટ કરવામાં આવી છે તેમાં કાનના કુંડલ, હાર, યજ્ઞોપવતી જેવા શણગારનો સમાવેશ થાય છે. લક્ષ્મણની આકૃતિ ત્રિભંગ મુદ્રામાં કોતરવામાં આવી છે. આ કોતરણીમાં લક્ષ્મના જમણા હાથમાં કંઈ જ નથી જ્યારે ડાબા હાથમાં ધનુષ જોવા મળે છે.
 
આ મંદિરની દિવાલો પર રામ અને લક્ષ્મણ ઉપરાંત વિષ્ણુ અને કૃષ્ણની છબીઓનું પણ ચિત્રણ કરવામાં આવ્યું છે. અહીં કૃષ્ણને ગોવર્ધન પર્વતને ઉંચકતા કોતરવામાં આવ્યા છે. તેમની સાથે બે ગાયો પણ દર્શાવવામાં આવી છે.
 

Kodandarama Swamy Temple 
 
ગર્ભગૃહ
 
ગર્ભગૃહમાં રામ, સીતા અને લક્ષ્મણની મૂર્તિઓને જોઈ શકાય છે. મૂર્તિઓની વાત કરીએ તો ગર્ભગૃહમાં સ્થાપિત મૂર્તિઓમાં વચ્ચે રામ તેમજ તેમની એક બાજુ માતા સીતા અને બીજી બાજુ લક્ષ્મણ છે.એવી માન્યતા છે કે મંદિરના ગર્ભગૃહમાં રહેલ મૂર્તિઓને એક જ પથ્થરમાંથી બનાવામાં આવી છે. ત્રણેય મૂર્તિઓ એક સાથે સંલગ્ન જોઈ શકાય છે. આમ તો ભગવાન શ્રીરામની સાથે હંમેશા તેમના પરમ ભક્ત હનુમાનજીની મૂર્તિ પણ જોવા મળે છે પણ આ મંદિરમાં હનુમાનજી જોવા મળતા નથી. જો કે અહીં ભક્ત હનુમાનજીનું એક અલગ જ મંદિર છે. મંડપમાં નૃત્ય કરતા ગણેશજીની છબી પણ છે.
 
મંદિર માટે પ્રવર્તેલી લોકવાયકાઓ
 
મંદિરના નિર્માણને લઈને ઘણી લોકવાયકાઓ પ્રચલિત છે.જેમાં તેના નિર્માણને લઈને લોકો દ્વારા વિવિધ પ્રકારની વાતો સાંભળવા મળે છે.એક લોકવાયકા અનુસાર આ મંદિરનું નિર્માણ એક જ દિવસમાં વોંટુડૂ અને મિટ્ટુડુ નામના બે લૂંટારુઓ કરી હતી. કહેવાય છે કે મંદિર બની ગયા પછી બંન્ને ભાઈઓ પથ્થર બની ગયા હતા.
 
અન્ય એક લોકવાયકા અનુસાર રામ સીતા અને લક્ષ્મણે પોતાના વનવાસ વખતે થોડો સમય અહીં પસાર કર્યો હતો. તે સમયે માતા સીતાને તરસ લાગતા ભગવાન રામે પૃથ્વીમાં તીર ચલાવ્યુ, જેના કારણે ત્યાંથી મીઠુ પાણી નીકળવા લાગ્યુ. ત્યાર બાદ આ પાણી બે ટાંકીમાં વહે છે જેને રામ તીર્થમ અને લક્ષ્મણ તીર્થમ નામે ઓળખવામાં આવે છે.
 
પહેરવેશ
 
મંદિરમાં દર્શન માટે ડ્રેસ કોડ છે.
 
પુરુષો માટે – સફેદ ધોતી, પાયજામો, ઝભ્ભો કે કુર્તો
 
સ્ત્રીઓ માટે – સાડી અને જો ડ્રેસ પહેરે છે તો દુપટ્ટો જરૂરી છે.
 

Kodandarama Swamy Temple 
 
ઉત્સવો
 
આ મંદિરમાં શ્રીરામનવમી, વૈકુંઠ એકાદશી, મહાશિવરાત્રી અને ઉગાદિ વોટીમિટ્ટા મંદિરમાં મનાવામાં આવતા મુખ્ય તહેવારો છે. તે ઉપરાંત આંધ્રપ્રદેશ સરકાર દ્વારા શ્રી રામનવમી મહોત્સવ માટે સીતા રામ કલ્યાણમનું આયોજન કરવામાં આવે છે.
 
કઈ રીતે જવું
 
કોદંડા રામ મંદિર જવા માટે હવાઈ, સડક અને રેલ એમ ત્રણેય સેવાઓ ઉપલબ્ધ છે. રાજ્ય સરકાર માટે વિવિધ બસોની સુવિધા છે . તે સાથે જ લોકો પોતાનું વાહન કરીને પણ આવે છે.
 
હવાઈ માર્ગઃ મંદિરે જવા માટે જો હવાઈ માર્ગ અપનાવો છો તો તેની નજીકનું એરપોર્ટ તિરુપતિ છે.
 
સડક માર્ગઃ આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા મુખ્ય શહેરો સાથે વોટીમિટ્ટા મંદિર માટે સતત મળી રહે છે.
 
રેલમાર્ગઃ આ મંદિરે રેલ માર્ગે જતા અનંતરાજુપેટ, રેનિગુંટા અને તિરુપતિ મંદિરથી નજીકના રેલ્વે સ્ટેશન છે.
 
 
-  મોનાલી ગજ્જર