ઈ.સ. પૂર્વેથી જ ભારત એક રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં છે : ડો. મીનાક્ષી જૈન

તા. ૧૬થી ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૩ દરમિયાન કર્ણાવતી સ્થિત દિનેશ હૅાલમાં `શ્રી ગુરુજી વ્યાખ્યાનમાળા"નું આયોજન થયું હતું. માધવ સ્મૃતિ ન્યાસ, કર્ણાવતી દ્વારા આયોજિત આ ૨૦મી વ્યાખ્યાનમાળામાં મુખ્ય વક્તા તરીકે પદમશ્રી ડો. મીનાક્ષી જૈન દ્વારા `ભારતની મૌલિક એકતા" વિષય પર દ્વિ-દિવસીય વ્યાખ્યાન અપાયું હતું. પ્રસ્તુત છે તે ઉદબોધનના મહત્ત્વના અંશો.

    ૨૭-ફેબ્રુઆરી-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Shri Guruji Vyakhyanmala
 
 
તા. ૧૬થી ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૩ દરમિયાન કર્ણાવતી સ્થિત દિનેશ હૅાલમાં `શ્રી ગુરુજી વ્યાખ્યાનમાળા'નું આયોજન થયું હતું. માધવ સ્મૃતિ ન્યાસ, કર્ણાવતી દ્વારા આયોજિત આ ૨૦મી વ્યાખ્યાનમાળામાં મુખ્ય વક્તા તરીકે પદમશ્રી ડો. મીનાક્ષી જૈન દ્વારા `ભારતની મૌલિક એકતા' વિષય પર દ્વિ-દિવસીય વ્યાખ્યાન અપાયું હતું.
 
શ્રી ગુરુજી વ્યાખ્યાનમાળાના પ્રથમ દિવસે પદમશ્રી ડો. મીનાક્ષી જૈને ભારતની મૌલિક એકતા અંગે અંગ્રેજોથી લઈ માર્ક્સવાદી ઇતિહાસકારો દ્વારા ચલાવાયેલા વિમર્શોને અનેક પૌરાણિક, ઐતિહાસિક પુરાવાઓ દ્વારા ખોટા અને ભ્રામક સાબિત કર્યા હતા. તેઓશ્રીએ કહ્યું હતું કે, ભારતની મૌલિક એકતાનો વિષય પ્રાચીન-પૌરાણિક ભારત કે મધ્યયુગીન ભારતના ઇતિહાસ સુધી ક્યારેય પણ ચર્ચામાં રહ્યો નથી. પરંતુ ભારતમાં અંગ્રેજોના આગમન બાદ તેઓએ જોયું કે, આ દેશમાં આટ-આટલાં અપાર વૈવિધ્ય છતાં કોઈ સમાજમાં આટલી એકતા કેવી રીતે હોઈ શકે ?
 
જો આપણે (અંગ્રેજોએ) એ અહીં લાંબા સમય સુધી રાજ કરવું હશે તો આપણે ભારતની આ મૌલિક એકતાને તોડવી પડશે. ત્યાર બાદ તેઓએ ખૂબ જ યોજનાપૂર્વક એવો વિમર્શ વહેતો મૂક્યો કે અમારા એટલે કે, અંગ્રેજોના આગમન પહેલાં ભારત અનેક નાના-નાના વિસ્તારોમાં વિભાજિત હતું, જેને અમે એક કરી એક રાષ્ટ્ર-દેશ બનાવ્યો, પરંતુ ત્યારે પણ રાધા-કુમુદ મુખર્જી, આર. સી. મજુમદાર, જે. એમ. સતપાલ જેવા રાષ્ટ્રવાદી ઇતિહાસકારો દ્વારા ભારતની મૌલિક એકતા જેવા સંશોધનાત્મક આધારિત પુસ્તકો દ્વારા અંગ્રેજોના એ ભ્રામક વિમર્શને પડકાર્યો હતો. જેમાં રાધાકુમુદ મુખર્જીનું પુસ્તક `Fundamenta- Unity of India' પ્રમુખ છે. પરંતુ આપણા બદનસીબે ભારતની સ્વતંત્રતા બાદ ભારતના એ રાષ્ટ્રવાદી ઇતિહાસકારોને બદલે અંગ્રેજોથી પ્રભાવિત માર્ક્સવાદી ઇતિહાસકારોના ઇતિહાસને પ્રમાણિત ગણી તેનો પ્રચાર કરવામાં આવ્યો છે, અને માર્ક્સવાદી ઇતિહાસકારોએ પણ અંગ્રેજોના એ જ ભ્રામક વિમર્શને ભારતનો ઇતિહાસ ગણાવી તેનો ખૂબ પ્રચાર-પ્રસાર કર્યો, જેને કારણે ભારતની પેઢીઓની પેઢીઓમાં ભારતની મૌલિક એકતાને લઈ ભ્રમની સ્થિતિ પ્રવર્તી રહી છે, પરંતુ હકીકત શું છે, એ હવે આપણે જોઈએ.
 
 

Shri Guruji Vyakhyanmala 
સનાતન છે ભારતની મૌલિક એકતા
 
 
ભારતના માર્ક્સવાદી ઇતિહાસકારોએ પોતાના ઇતિહાસલેખન દ્વારા ભ્રમ ફેલાવ્યો છે કે, અંગ્રેજોના આગમન પહેલાં ભારતમાં સર્વત્ર અરાજકતા અને હિંસાનું વાતાવરણ હતું. ભારતમાં નાના-નાના પ્રદેશો વચ્ચે સતત સંઘર્ષ અને અશાંતિ પ્રવર્તતી હતી. અંગ્રેજોએ જ આવીને ભારતમાં સર્વત્ર શાંતિ સ્થાપી. પોતાના શાસન થકી અનેક ટુકડાઓ જોડી ભારતને એક કર્યું. માર્ક્સવાદી ઇતિહાસકારોના આ દાવાઓ કેટલા પાયાવિહોણા અને ભ્રામક છે તે અનેક રાષ્ટ્રવાદી ઇતિહાસકારોનાં સંશોધનોએ સાબિત કર્યું છે. ભારત મૌલિક રીતે આજ-કાલથી નહીં પણ છેક વૈદિક કાળથી એક જ રાષ્ટ્ર રહ્યું છે અને અનેક વિધર્મી આક્રમણો અને સદીઓના શાસન છતાં પણ ભારતની આ મૌલિક એકતા અક્ષુણ્ણપણે જળવાઈ રહી છે.
 
પૌરાણિક પ્રાચીન ગ્રંથોમાં ભારતની એકતાનો મહિમા
 
 
ડો. મીનાક્ષી જૈને જણાવ્યું હતું કે, ઋગ્વેદમાં પણ ભારત એક રાષ્ટ્ર હોવાનો ઉલ્લેખ છે. ઋગ્વેદના `નારદીય સૂક્ત'માં નોર્થ વેસ્ટર્નથી લઈ પંજાબ સુધીનો ઉલ્લેખ થયેલો છે. ત્યાર બાદ આપણા વૈદિક નિર્માતાઓ શેષ ભારતમાં પહોંચ્યા હતા. સુપ્રસિદ્ધ ઇતિહાસકાર દિલીપ ચક્રવર્તી મુજબ લગભગ ૫૦૦ બી.સી. એટલે કે, ઈ.સ. પૂર્વે સુધી ભારતના વૈદિક નિર્માતાઓએ ભારતના પ્રત્યેક ક્ષેત્રનું ખેડાણ કરી લીધું હતું, અને તેમની પાસે ભારતના પ્રત્યેક વિસ્તારની સંપૂર્ણ માહિતી હતી. વિશ્વના પ્રથમ રાષ્ટીય ગાનની જેને ઉપમા મળી છે તે `પૃથ્વી સૂક્ત'માં પણ ભારતની ભૂગોળનું મહિમાગાન થયેલું છે.
 
૬૩ મંત્રના પૃથ્વી સૂક્તમાં ભારતની રાષ્ટીય અવધારણા સહિત ભારતીય મૂલ્યો અને વસુધૈવ કુટુબકમ્ની ભાવનાનું પણ મહિમાગાન થયું છે. વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, અનેક જન્મોનાં પુણ્યો બાદ આ ભારતભૂમિ પર જન્મ લેવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય છે.
 
ઇતિહાસની નજરે ભારતની મૌલિક એકતા
 
 
માર્ક્સવાદી ઇતિહાસકારો ભારતની આ મૌલિક એકતાને લઈ વધુ એક ભ્રમ ફેલાવે છે કે, આટલા વિશાળ ભૂ-ભાગમાં અનેક શાસકો રાજ કરતા હોય ત્યારે અહીંની પ્રજા વચ્ચે એકતા શક્ય જ ન બને, પરંતુ માર્ક્સવાદીઓના આ ભ્રમને ભાંગતાં અનેક ઉદાહરણો ભારતીય ઇતિહાસમાં નોંધાયેલાં છે.
 
ઈ. સ. પૂર્વ ૪માં કૌટિલ્યના મહાન ગ્રંથ `અર્થશાસ્ત્ર'માં હિમાલયથી માંડી કન્યાકુમારી અને ઉત્તરથી માંડી દક્ષિણ સુધી એક રાજાના રાજની કલ્પના કરાઈ છે. આમ એક ભારતનો સંકલ્પ અંગ્રેજોના સમયથી નહીં, છેક ઈ.સ. પૂર્વેથી ચાલતો આવ્યો છે. પોતાનો માર્ગ ભટકી પંજાબ પહોંચેલ એલેકઝાંડર પોતાની સાથે ઇતિહાસકારો પણ લાવ્યો હતો. તે ઇતિહાસકારોએ પોતાના ઇતિહાસલેખનમાં ભારતના લોકોના ભારત અંગેના ભૌગોલિક જ્ઞાન અને મૌલિક એકતાનાં વખાણ કરતાં લખ્યું છે કે, એલેકઝાન્ડર દ્વારા અમને ભારતની ભૂગોળથી પરિચિત લોકોને શોધી ભૂગોળની રૂપરેખા બનાવવાનો આદેશ અપાયો હતો. ત્યારે અમને ખૂબ જ આશ્ચર્ય થયું કે, અમને એવા અનેક લોકો મા હતા, જેઓને ભારતમાં સમગ્ર ક્ષેત્ર અને ભૂગોળની રજે-રજની માહિતી હતી. બાદમાં આધુનિક ઇતિહાસકારોએ તેમના દ્વારા લખાયેલ પુસ્તકમાં ઉલ્લેખાયેલા ભારતનાં ક્ષેત્રો વચ્ચેના અંતરને પુનઃ માપ્યું ત્યારે તેમાં સહેજ પણ વધારો-ઘટાડો જોવા ન મળતાં, તેઓ પણ આશ્ચર્ય પામી ગયા હતા.
 
મધ્યકાળમાં મહંમદ ગઝનવી સાથે ભારત આવેલા ઇતિહાસકાર અલ્બિરૂની દ્વારા ભારતના ઇતિહાસનું ઊંડાણપૂર્વક અધ્યયન કર્યું હોવાનો ઉલ્લેખ મળે છે. તે પોતાના `અલ-હિન્દ' નામના પુસ્તકમાં ભારતના લોકોની રાષ્ટ્રભાવના અને મૌલિક એકતાને બિરદાવતાં લખે છે કે, ભારતીયોના મતે તેમના દેશ જેવો બીજો કોઈ દેશ નથી. તેમની સંસ્કૃતિ અને તેમના ધર્મ જેવો અન્ય કોઈ ધર્મ નથી. તેમને તેમના ધર્મ અને સંસ્કૃતિ પર અપાર ગર્વ છે.
 
પૂર્વથી માંડી પશ્ચિમ સુધી ભારત મૌલિક રીતે એક જ હતું
 
 
ભારત હંમેશાથી પૂર્વથી માંડી પશ્ચિમ અને ઉત્તરથી માંડી દક્ષિણ સુધી એક જ હતું. આપણે ત્યાં બિહારમાં દુષ્કાળ પડતાં જૈન મુનિ બિહારથી મદુરાઈ જાય છે, જ્યારે પોતાની સાથે બ્રાહ્મી લિપી પણ ત્યાં લઈ જાય છે, એટલું જ નહીં તમિલ લોકો એ લિપીને સહર્ષ સ્વીકારે પણ છે. મદુરાઈની ગુફાઓમાં કોતરાયેલ તમિલ બ્રાહ્મી લિપી આજે પણ તે ઐતિહાસિક એકતાની ભાવનાનું ઉદાહરણ પૂરું પાડી રહી છે. તો ઇતિહાસમાં ચંદ્રગુપ્ત મૌર્ય જેવા રાજાના દક્ષિણ પ્રવાસનો પણ ઉલ્લેખ જોવા મળે છે. આવી એક નહીં અનેક ઘટનાઓ છે, જે વામપંથી ઇતિહાસકારોના `ભારત એક ન હતું' તેવા વિમર્શને ખોટો ઠેરવે છે, અને સાબિત કરે છે કે ભારત એ ઈ.સ. પૂર્વે પણ એક રાષ્ટ્ર જ હતું.
 
સામાજિક સદભાવનાનો પણ ઇતિહાસ રહ્યો છે
 
 
ડો. મીનાક્ષીજીએ આગળ જણાવ્યું હતું કે, માર્ક્સવાદી ઇતિહાસકારો દ્વારા હંમેશાથી એક જૂઠાણું ચલાવવામાં આવ્યું છે કે, ભારતના ઉચ્ચ વર્ગના લોકો દ્વારા અન્ય લોકો પર વૈદિક ધર્મને થોપી બેસાડવામાં આવ્યો છે. પરંતુ હકીકતમાં ધર્મશાસ્ત્ર કોઈ એક વર્ગના નહીં, સમાજના દરેક વર્ગની પરંપરાઓ-નીતિ-નિયમોનો સંગ્રહ છે અને તેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, કોઈ રાજા અન્ય રાજ્યને જીતી લે છે ત્યારે તેણે પોતાની ધાર્મિક માન્યતાને ક્યારેય પણ તે રાજ્યના લોકો પર થોપવી જોઈએ નહીં.
 
માર્ક્સવાદી ઇતિહાસકારો હંમેશા ભારતીય સંસ્કૃતિને મહિલાવિરોધી ગણાવી તેના વિરુદ્ધ દુષ્પ્રચાર કરતા રહે છે, પરંતુ પુરાણો અને ઇતિહાસમાં અનેક દાખલાઓ તેમના આ વિમર્શને પણ ખોટો સાબિત કરે છે. એક સમયે મથુરા એ હિન્દુ, જૈન, બૌદ્ધ ધર્મપંથનું કેન્દ્ર હતું. ત્રણેય ધર્મપંથોની ત્યાં બોલબાલા હતી. ત્યાં બૌદ્ધોના ધાર્મિક પ્રતીક `અગન પટ્ટા' બનાવવાનું કામ ૯૯ મહિલાઓ જ કરતી તે સાબિત કરે છે કે, ભારતીય સંસ્કૃતિ ધર્મમાં મહિલાઓને ઊતરતી કક્ષાની માનવામાં આવતી હોવાનો માર્ક્સવાદીઓનો દાવો મોટા જૂઠાણાથી વિશેષ કાંઈ જ નથી.
 
જે લોકો વિમર્શ ચલાવે છે કે, ભારતના પંથો જૈન, બુદ્ધ અને હિંદુ ધર્મમાં સતત સંઘર્ષની સ્થિતિ પ્રવર્તતી હતી. તેઓને એ વાતની જાણ હોવી જોઈએ કે, `સ્વસ્તિક' હોય કે પછી `કમળ' કે `ભગવાન શ્રી ગણેશ' - ત્રણેયમાં પૂજનીય હતા અને સરખા સન્માનને પાત્ર હતા. એટલું જ નહીં આજેય પણ હિન્દુ બૌદ્ધ અને જૈનોનાં મંદિરોમાં પણ સામ્યતા જોવા મળે છે એટલું જ નહિ, સાંચીમાં મળેલા ૬૩૦ શિલાલેખોમાંના માત્ર ત્રણ જ શિલાલેખો રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા છે, બાકીના તમામ શિલાલેખો દેશના વિવિધ પ્રદેશોના સામાન્ય નાગરિકો દ્વારા બનાવવામાં આવ્યાં છે. આમ ભારતની મૌલિક એકતા અને સદભાવનાનો ઇતિહાસ ઈ.સ. પૂર્વેથી ચાલતો આવ્યો છે.
 
આ સિવાય આંધ્રપ્રદેશના નાના ઘાટમાં ૧૮ વૈદિક યજ્ઞ કર્યા હોવાના ઉલ્લેખ કરતો શિલાલેખ મળી આવ્યો છે, જેમાં યજ્ઞ કરનાર પોતે શ્રી કૃષ્ણ અને બલરામમાં શ્રદ્ધા રાખતો હોવાનો પણ ઉલ્લેખ છે. આ બાબત માર્ક્સવાદીઓની આર્યો અને દ્રવિડો અંગેની થિયરીનો પણ છેદ ઉડાડી દે છે.
 
ભારત ઉત્તરથી માંડી દક્ષિણ અને પૂર્વથી માંડી પશ્ચિમ સુધીના તમામ રાજાઓ-શાસકોએ મહાભારત, રામાયણને આદર્શ ગણ્યું છે. આંધ્રપ્રદેશના ઇક્ષ્વાકુવંશના રાજાઓએ અઢી હજાર વર્ષ પહેલાં ગૌરવભેર સ્વીકાર્યું હતું કે, તેઓ ભગવાન શ્રીરામના વંશજો છે અને બુદ્ધ પણ અમારા જ કુળમાં થયા છે. ભારતના પ્રત્યેક પ્રદેશની પોતાની રામાયણ હતી અને મહાભારત હતું. આપણા દેશનો કોઈ વિસ્તાર નથી કે આ બે ગ્રંથો જેને શાસકો કે, લોકો દ્વારા નકાર્યા હોય. ભારતની મૌલિક એકતાનું આનાથી મોટુ ઉદાહરણ બીજું કયું હોઈ શકે ?!
 
 

Shri Guruji Vyakhyanmala 
 
વક્તાશ્રીનો સંક્ષિપ્ત પરિચય |  ડો. મીનાક્ષી જૈન | Dr. Meenakshi Jain
 
 
ભારત સરકાર દ્વારા પદમશ્રી પુરસ્કારથી સન્માનિત ડો. મીનાક્ષી જૈન લબ્ધપ્રતિષ્ઠિત ઇતિહાસવિદ અને વિશ્વપ્રસિદ્ધ લેખિકા છે.
 
કારકિર્દીના આરંભે દિલ્હી યુનિવર્સિટી સંલગ્ન ગાર્ગી મહાવિદ્યાલયમાં અૅસોસિયેટ પ્રોફેસર તરીકે સેવા આપનારાં ડો. મીનાક્ષી જૈને દિલ્હી યુનિ-વર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં ડૅાક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
 
આ પૂર્વે દિલ્હી સ્થિત નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અૅન્ડ લાઇબ્રેરીના ફેલો તરીકે અને ઇતિહાસ સંશોધનક્ષેત્રે કાર્યરત સંસ્થા `ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ'ની કારોબારી સમિતિના સભ્ય તરીકે પણ તેઓએ સેવાઓ આપેલી છે.
વર્તમાનમાં ડો. મીનાક્ષીજી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ સંસ્થામાં સિનિયર ફેલો તરીકે સેવા આપી રહ્યાં છે.
 
મધ્યકાળથી લઈને ઔપનિવેશિક (Co-onia-) ભારતનો ઇતિહાસ એ તેમની વિશેષ રુચિનો વિષય રહ્યો છે. સાથે સાથે સંશોધન ક્ષેત્રે મધ્યકાલીન અને આધુનિક ભારતની સાંસ્કૃતિક અને ધાર્મિક ઘટનાઓ તેમની રુચિના વિષયો છે.
 
રાષ્ટ્રને સ્પર્શતા મહત્ત્વના વિષયો ઉપર તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે. તેમનાં મહત્ત્વપૂર્ણ પુસ્તકો જોઈએ તો...
 
- ફ્લાઇટ ઓફ ડેઇટીઝ એન્ડ રિબર્થ ઓફ ટેમ્પલ્સ
 
- ધ બેટલ ઓફ રામ : કેસ ઓફ ધ ટેમ્પલ એટ અયોધ્યા
 
- સતી : એવેન્જેલિકલ્સ, બેપ્ટિસ્ટ મિશનરીઝ એન્ડ ધ ચેન્જીન્ગ કોલોનીઅલ ડિસ્કોર્સ
 
- રામ એન્ડ અયોધ્યા
 
- પેરેલલ પાથ વેઝ : એસેઝ ઓન હિન્દુ-મુસ્લિમ રિલેશન્સ
 
આ ઉપરાંત વર્ષ ૨૦૧૧માં `ધ ઇન્ડિયા ધે સૅા' એ ત્રણ ખંડોમાં પ્રકાશિત થયેલા ગ્રંથોના સહ સંપાદક હતાં.
 
ઉલ્લેખનીય છે કે, રોમીલા થાપર અને સતીષચંદ્રએ ભારતના ઇતિહાસને વિકૃત કરીને લખેલાં NCERTનાં પાઠ્યપુસ્તકોનું સ્થાન ડો. મીનાક્ષી જૈને લખેલા ભારતના ગૌરવશાળી ઇતિહાસને પ્રસ્તુત કરતાં પાઠ્યપુસ્તકોએ લીધું છે.
 
ડો. મીનાક્ષી જૈન ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના તત્કાલીન તંત્રી શ્રી ગિરિલાલ જૈનનાં સુપુત્રી છે.
 
 
 
Shri Guruji Vyakhyanmala

માધવ સ્મૃતિ ન્યાસ પરિચય |  Madhav Smruti Nyas

 
`માધવ સ્મૃતિ ન્યાસ' સામાજિક ઉર્ધ્વીકરણનાં વિવિધ કામો કરી રહી છે. `માધવ સ્મૃતિ ન્યાસ'નો `માધવ' શબ્દ રા. સ્વ. સંઘના પ. પૂ. દ્વિતિય સરસંઘચાલકજી માધવરાવ સદાશિવરાવ ગોળવલકર ઉપાખ્ય `શ્રી ગુરુજી'ની સ્મૃતિમાં આલેખિત છે. દેશભરમાં શ્રી ગુરુજી જન્મશતાબ્દિ ૨૦૦૬ના વર્ષમાં ઉજવાઈ હતી. આ જન્મશતાબ્દિ વર્ષથી બે વર્ષ અગાઉથી, એટલે કે ૨૦૦૪થી `શ્રી ગુરુજી વ્યાખ્યાનમાળા'નું આયોજન શરૂ થયેલું ત્યારથી આ વ્યાખ્યાનમાળા અવિરતપણે ચાલી રહી છે.
 
આ વ્યાખ્યાનમાળામાં રા. સ્વ. સંઘના પાંચમા પ. પૂ. સરસંઘચાલકજી મા. શ્રી સુદર્શનજી તથા વર્તમાન સહસરકાર્યવાહ ડો. મનમોહન વૈદ્ય જેવા અનેક મહાનુભાવોએ પોતાનું પાથેય આપેલ છે. `માધવ સ્મૃતિ ન્યાસે' ચિત્રાંજલિ અને સ્વ. ભાસ્કરરાવજીનું જીવન ચરિત્ર પણ પ્રકાશિત કરેલ છે. સાથે સાથે કોરોનાના કારમા સમયે જરૂરી ચીજવસ્તુઓના વિતરણનું કામ ખડેપગે કરેલું. સ્થાયી પુસ્તકાલય અને વિદ્યાર્થી આવાસ જેવાં સ્થાયી કાર્યો ન્યાસે હાથ ધરેલાં છે. આમ `રાષ્ટ્રસેવા મહાસેવા'ના મંત્રને ન્યાસ ચરિતાર્થ કરી રહ્યું છે.
 
 
 
 
 

સંજય ગોસાઈ

સંજય ગોસાઇ સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધનાનાં સંપાદક મંડળમાં છે…