ઈસાઈ મિશનરી અને મિડિયાને આચાર્ય ધીરેન્દ્ર કેમ ખૂંચે છે ?

મહારાષ્ટ્રના શ્યામ માનવ નામના કહેવાતા રેશનલ માનવીએ તેમને પડકાર ફેંક્યો અને એવો દાવો કર્યો કે તેઓ અંધવિશ્ર્વાસ ફેલાવે છે. પ્રશ્ન એ છે કે શ્યામ માનવે આવો આક્ષેપ હમણાં જ કેમ લગાવ્યો? ચેનલોએ પણ તેને હમણાં જ કેમ મહત્ત્વ આપ્યું?

    ૦૬-ફેબ્રુઆરી-૨૦૨૩   
કુલ દૃશ્યો |

dhirendra shastri
 
 
આજકાલ બાગેશ્વર ધામના પીઠાધિશ્વર આચાર્ય પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ચર્ચામાં છે. તેઓ શ્રી રામ કથા કરે છે અને દરબાર લગાવે છે. તેમના દરબારમાં લાખો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે. કથા તો તેઓ ઘણા વખતથી કરતા હતા અને દરબાર પણ તેઓ ઘણા વખતથી લગાવતા હતા. પરંતુ અચાનક જ મિડિયાએ તેમના પર અંધવિશ્ર્વાસીનો થપ્પો લગાવી દીધો. કારણ ?
 
મહારાષ્ટ્રના શ્યામ માનવ નામના કહેવાતા રેશનલ માનવીએ તેમને પડકાર ફેંક્યો અને એવો દાવો કર્યો કે તેઓ અંધવિશ્ર્વાસ ફેલાવે છે. પ્રશ્ન એ છે કે શ્યામ માનવે આવો આક્ષેપ હમણાં જ કેમ લગાવ્યો? ચેનલોએ પણ તેને હમણાં જ કેમ મહત્ત્વ આપ્યું?
 
શ્યામ માનવ અને મિડિયા આચાર્યની પાછળ ક્યારે પડ્યાં ?
 
મહારાષ્ટ્રના નાગપુરમાં પાંચ જાન્યુઆરીથી ૧૩ જાન્યુઆરી સુધી ભાગવદ્ કથા માટે આચાર્ય ધીરેન્દ્ર પંડિત ગયા હતા. તર્કવાદી અને મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના શ્યામ માનવે તેમને મગજ વાંચી લેવાનો દાવો સાબિત કરે તો તેમને ૩૦ લાખ રૂપિયાનું ઈનામ આપવા કહ્યું. આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી કહે છે કે શ્યામ માનવ બાગેશ્વર ધામ આવે. હું મારો દાવો સાબિત કરી આપીશ. શ્યામ માનવ ત્યાં જવા તૈયાર નથી.
 
આ શ્યામ માનવ કૉંગ્રેસના (પડદા પાછળના પ્રમુખ) રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સાથે જોવા મળ્યા હતા. આ પરથી લોકોને તાળો મળી ગયો. આ યાત્રામાં હિન્દુ વિરોધી અને ભારત વિરોધી લોકો જ જોવા મળ્યા છે. ટુકડે ટુકડે ગેંગલીડર કન્હૈયાકુમાર, હિન્દુ વિરોધી ફાધર જ્યૉર્જ પોનૈયા, વામપંથી અભિનેત્રી દીકરી સ્વરા ભાસ્કર, ઝાકિર નાઇકના સમર્થક નિર્દેશક મહેશ ભટ્ટની દીકરી અભિનેત્રી પૂજા ભટ્ટ, ગુજરાત વિરોધી મેધા પાટકર વગેરે જોવા મળ્યા. મોદી સરકારમાં વિરોધી સ્વર આલાપનાર આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન, રૉના પૂર્વ વડા અને કાશ્મીર ફાઇલ્સને ખોટો પ્રચાર ગણાવનારા એ. એસ. દુલત, સામ્યવાદી સુધીન્દ્ર કુલકર્ણી વગેરે પણ આ યાત્રામાં જોડાયા. આથી જ લોકોને સમજાઈ ગયું કે શ્યામ માનવ કોના ઈશારા પર કામ કરે છે? લોકોએ સૉશિયલ મિડિયા પર દલીલ કરી કે શ્યામ માનવે ક્યારેય મિશનરીઓ કે મૌલવીઓના ચમત્કારના પાખંડને પડકાર્યો નથી.
 

dhirendra shastri  શ્યામ માનવે ક્યારેય મિશનરીઓ કે મૌલવીઓના ચમત્કારના પાખંડને પડકાર્યો નથી.
 
 
 
મિડિયાને તો મુદ્દો મળી ગયો. તેણે આચાર્ય પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ઇન્ટરવ્યૂ કર્યા અને કઠોરમાં કઠોર પ્રશ્ર્નો પૂછ્યા પણ આચાર્યએ એકદમ સાલસતાથી તર્કપૂર્વક ઉત્તર આપ્યા. એ ઉત્તરની વાત કરીએ તે પહેલાં તેની પ્રતિક્રિયા પણ જાણી લઈએ.
સૉશિયલ મિડિયામાં આ અનેક ઇન્ટરવ્યૂની લોકોએ ટીકા કરી. તેમણે કહ્યું કે પંજાબ સહિત દેશભરમાં ઈશુના નામે લકવા થઈ ગયેલા પગ હોય કે ખેંચ આવતી હોય તેવા બીમાર લોકોને સાજા કરવાના પાખંડ અનેક જગ્યાએ ચાલે છે. તેના વિડિયો પણ યૂ ટ્યૂબ પર છે. આ બધો હોબાળો થયો એટલે એક એવા મૌલવીનો વિડિયો આવ્યો જેમાં તેઓ મહિલાને બાળકોને રમવાની બંદૂક ચલાવી તેની સારવાર કરે છે! વિચાર કરો! આ બધા સામે ન તો આ મેઇનસ્ટ્રીમ મિડિયા પાછળ પડ્યું ન તો શ્યામ માનવ જેવા તર્કવાદી લોકો. આ અંધશ્રદ્ધા તેમને દેખાતી નથી.
 
મધર ટેરેસાના ચમત્કારને પાખંડ નથી ગણતા
 
જોવાની વાત એ છે કે ભારત દેશમાં દૂરદર્શન સહિત મિડિયામાં મધર ટેરેસાનું નામ ખૂબ જ આદરપૂર્વક લેવાય છે. મધર ટેરેસાને તેમના મરણનાં ૧૯ વર્ષ પછી રોમમાં વસતા, કેથોલિક પંથના સર્વોચ્ચ વડા પૉપ ફ્રાન્સિસે તેમને સંતની ઉપાધિ આપી હતી. આ ઉપાધિ કંઈ તેમણે કરેલી રોગીઓની, ગરીબોની અને અનાથોની સેવા માટે નહોતી મળી. પણ મધર ટેરેસાએ પશ્ર્ચિમ બંગાળની આદિવાસી મહિલા મોનિકા બેસેરાને પ્રાર્થના વડે પેટના અલ્સરની બીમારી દૂર કરી હતી અને અને બ્રેઇન ટ્યૂમરથી પીડિત એક બ્રાઝિલી વ્યક્તિ પણ ટેરેસાની અલૌકિક શક્તિથી સાજો થઈ ગયો હતો. તેવા કહેવાતાં આ બે ચમત્કારના કારણે જ મધર ટેરેસાને સંત જાહેર કરવામાં આવ્યાં હતાં. વેટિકન સીટીમાં સંતની ઉપાધિ તેને જ મળે છે જેણે જીવનમાં ચમત્કારો કર્યા હોય. પણ આની સામે કોઈ રેશ્નાલિસ્ટે બાથ ભીડી નથી તે આશ્ર્ચર્ય છે. આજ દિવસ સુધી કોઈએ મધર ટેરેસાને પાખંડી, અંધવિશ્ર્વાસુ નથી કહ્યાં. આનાથી સ્પષ્ટ થાય છે કે શ્યામ માનવ જેવા લોકો અને મિડિયા મિશનરીઓ અને કટ્ટર ઇસ્લામીના એજન્ડા પર જ ચાલે છે અથવા તેમના પાખંડને ઉઘાડવા જતાં તેમના દ્વારા હિંસાનો શિકાર બનવું પડશે તેવા ડરથી ગ્રસિત છે.
 
પત્રકાર મધુ કિશ્વર શું કહે છે ?
 
શિક્ષણવિદ, લેખિકા અને પત્રકાર મધુ કિશ્વરે રાજધર્મ નામની યૂટ્યૂબ ચેનલને ઇન્ટરવ્યૂ આપતા કહ્યું હતું કે આચાર્ય ધીરેન્દ્ર પંડિતની દશા પણ મિશનરીઓ અને કટ્ટરવાદી મુસ્લિમો નુપૂર શર્મા જેવી જ કરી નાખશે. કેટલાંક હિન્દુ સંતોને એક પછી એક લક્ષ્ય બનાવાયા કારણકે તેઓ ઈસાઈ મિશનરીઓની રાહમાં અડચણરૂપ હતા. ડાંગમાં શબરીધામ મંદિર બનાવાયું તેમાં પણ ઈસાઈ મિશનરીઓ રોડા નાખતી હતી. ઘણી વાર તો તેઓ પોતે જ પોતાના ચર્ચ પર કાંકરી ફેંકી સાધેલા મિડિયા દ્વારા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ હોબાળો મચાવી દેતા હતા. હવે લોકોને આચાર્ય ધીરેન્દ્ર પંડિત પાસે આશા છે.
 
આચાર્ય પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી કોણ છે ?
 
માત્ર ૨૬ વર્ષના જ આચાર્ય પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ગૌર વર્ણના, તરવરાટવાળા, આ યુવાન અન્ય યુવાનોની જેમ મોબાઇલ, ફિલ્મો અને મોજમસ્તીમાં પડવાના બદલે નાની ઉંમરથી ઈશ્વર સાધનામાં રત હોવાનું કહેવાય છે. ભગવાનદાસ ગર્ગ દાદા, રામકૃપાલ ગર્ગ પિતા અને સરોજ ગર્ગ માતા થાય. ૪ જુલાઈ ૧૯૯૬ના દિને જન્મ થયો. નાના ભાઈ શાલિગ્રામ ગર્ગ છે. બી. એ.ની ઉપાધિ મેળવી છે. બાલાજી હનુમાનના ભક્ત છે. દાદાજીને પોતાના ગુરુ માને છે. આચાર્યના ભક્તોમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, મહારાષ્ટ્રના ઉપ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસ, મધ્ય પ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્ર, ભાજપ સાંસદ અને અભિનેતા મનોજ તિવારી, ભાજપ સાંસદ રવિ કિશન, સાંસદ દિનેશલાલ યાદવ, મધ્ય પ્રદેશના ડઝનેક ધારાસભ્યો અને બીજા ઘણા મોટા નેતાઓ છે.
 
હું કોઈ ચમત્કાર કરતો નથી : આચાર્ય પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી
 
આચાર્ય પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ મિડિયાને આપેલા અનેક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે બાળ વયથી જ તેઓ હનુમાનજીની ભક્તિ કરે છે. તેમને તેમનામાં અખંડ શ્રદ્ધા છે. તેમના દાદા પણ દરબાર લગાવતા હતા અને તેઓ પણ લગાવે છે. તેઓ સ્પષ્ટ કહે છે કે તેઓ કોઈ ચમત્કાર કરતા નથી. અંધવિશ્ર્વાસ ફેલાવતા નથી. કોઈને સાજા કરવાનો દાવો પણ કરતા નથી. તેમના દરબારમાં લોકો શ્રદ્ધાથી આવે છે. તેમને તે વખતે હનુમાનજી જે પ્રેરણા-સ્ફૂરણા કરે છે તે મુજબ તેઓ તેમનું નિદાન કરે છે. હનુમાનજીનો મંત્ર જાપ કરવા કહે છે. તેઓ કહે છે કે પાંચસો વર્ષ પહેલાં સંત તુલસીદાસે હનુમાન ચાલીસામાં લખ્યું હતું કે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાબીર જબ નામ સુનાવે. જે લોકો એમ કહેતા હોય કે ભૂત પિશાચ જેવું કંઈ નથી તે લોકો એમ પણ કહી દે કે હનુમાન ચાલીસા ખોટા છે. તેઓ તર્કપૂર્ણ ઉત્તર આપે છે. તેઓ કહે છે કે વિજ્ઞાનની ભાષામાં, નેગેટિવ એનર્જી અને પૉઝિટિવ એનર્જી હોય છે. નેગેટિવ એનર્જીને કેટલાક લોકો ભૂત-પ્રેત કહે છે. હનુમાન ચાલીસા કે હનુમાન મંત્રથી જો કોઈને આશાનું કિરણ બંધાતું હોય, જીવનમાં ઉમંગ આવતો હોય તો તેમાં ખોટું શું છે? તેઓ કોઈ પાસેથી દક્ષિણા લેતા નથી. તેઓ કેન્સરના દર્દીઓ માટે હૉસ્પિટલ પણ બંધાવાના છે.
 
આચાર્ય પંથાંતરણ, લવ જિહાદ, ઉર્દૂવુડ સામે સાહસથી બોલે છે
 
આચાર્ય આ શ્યામ માનવ અને મિડિયાની આંખમાં કણાની જેમ ખૂંચે છે કારણકે તેઓ ઘરવાપસી કરાવે છે. દા.ત. ૨૩ જાન્યુઆરીએ છત્તીસગઢના બિલાસપુરની સુલતાના બેગમે મંચ પર હિન્દુ ધર્મ સ્વીકારવા ઘોષણા કરી. તેણે કહ્યું કે સનાતન ધર્મમાં ભાઈ-બહેનનાં લગ્ન નથી થતાં અને તીન તલાક પણ નથી. આથી તે સનાતન અપનાવી રહી છે. ઓડિશાથી આવેલા એક મુસ્લિમ પરિવારે પણ તેમનું બીમાર બાળક ઠીક થઈ જતાં હિન્દુ ધર્મ સ્વીકારવા કહ્યું.
 
આચાર્ય કહે છે કે મારી સામે જેટલા લોકો પડ્યા છે તે ચાદર અને ફાધર સામે નથી બોલતા એટલે કે ચમત્કારથી રોગીઓને સાજા કરવાનો દાવો કરતા મૌલાના-મૌલવીઓ અને ખ્રિસ્તી ફાધર સામે પડતા નથી. તેઓ કહે છે કે આ દેશ એક દિવસ અવશ્ય હિન્દુ રાષ્ટ્ર બનશે. સનાતન ધર્મ બધા પંથોનો બાપ એટલે કે આદ્ય છે. લવ જિહાદ અને ઉર્દૂવુડની ફિલ્મોમાં ચાલતા એજન્ડા સામે પણ તેઓ હિંમતપૂર્વક બોલે છે.
 
તેમને બુંદેલી, સંસ્કૃત, હિન્દી અને થોડી ઘણી અંગ્રેજી આવડે છે. તેઓ પોતાને અંગ્રેજી બહુ ન આવડતી હોવાનું સ્વીકારે છે. બુંદેલીમાં તેઓ લોકોને સરળ રીતે ધર્મની વાત સમજાવે છે. લોકોને સમજાવવા મજાકનો પણ આશ્રય લે છે. તેઓ કહે છે કે તેઓ એક સામાન્ય માનવી જ છે. તેમને પણ ક્રોધાવેશ આવે છે. તેઓ પણ મજાકમાં રાવણ સાથે તેમને મોબાઇલ પર વાત થઈ હોવાનું કહે છે.
 
તેમને ખબર છે કે સંતોને સમાપ્ત કરવા ષડયંત્રકારીઓ કામિની અને કંચનનો આશ્રય લે છે. પૈસાથી તેઓ દૂર રહે છે અને ટૂંક સમયમાં તેઓ લગ્ન કરી લેશે. જગદગુરુ રામાનુજાચાર્ય વાસુદેવાચાર્ય, સ્વામી રામદેવ, તાજેતરમાં પ્રયાગરાજમાં થયેલા સંત સંમેલનમાં પધારેલા સંતો, શ્રી રામલલ્લાના પ્રધાન પૂજારી મહંત સત્યેન્દ્ર દાસ સહિત અનેક લોકો આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં આવ્યા છે. જોકે લોકોના મનની વાત જાણવાનો ખેલ કરતી મેન્ટલિસ્ટ સુહાની શાહ જેવા લોકો કહે છે કે આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી જાદુની ટ્રિકથી લોકોના મનની વાત જાણી લે છે. દરેકની પોતાની માન્યતા હોઈ શકે છે.
 
ઉલ્લેખનીય છે કે આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીને લંડનની સંસદમાં સંત શિરોમણી, વર્લ્ડ બુક ઓફ લંડન અને વર્લ્ડ બુક ઓફ યુરોપ જેવા ત્રણ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને આ અવસરે તેમણે લંડનના સંસદ હોલમાં પ્રવચન દરમિયાન ૯ વખત ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા હતા. આ અવસરે અનેક વિદેશી મહાનુભાવો તેમના પ્રવચન અને સત્સંગથી પ્રભાવિત થયા હતા.
 
અર્થાત્ અત્યારે તો માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશોમાં પણ આચાર્ય ધીરેન્દ્રની ગુંજ સંભળાય છે.
 
 
 

જયવંત પંડ્યા

લેખક ગુજરાતના પ્રસિદ્ધ કોલમ લેખક છે. સાધના સાપ્તાહિકમાં તેઓ “સાંપ્રત” નામની કોલમ લખે છે. મુંબઈ સમાચાર, સંજોગ ન્યુઝ, અભિયાન સામયિક, ગુજરાત ગાર્ડિયન, ન્યુઝ ઓફ ગુજરાત જેવા અનેક નામી અખબાર, સામયિકમાં તેવો નિયમિત પણે પોતાના વિચારો શબ્દો થકી પ્રગટ કરે છે, તેઓ અભિયાન સામયિકના ડેપ્યુટિ એડિટર તથા સંદેશ અને ગુજરાત સમાચાર જેવા ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ડેસ્ક હેડ તરીકે રહી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ પત્રકાર છે, તેઓ અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ્સમાં નિયમિત રીતે પેનલિસ્ટ તરીકે પોતાનું વિશ્લેષણ રજૂ કરતા રહે છે…