પ્રકરણ - ૧ । મુખ્ય શિક્ષકે આખા ક્લાસ વચ્ચે ઉમાકાન્તને ઉતારી પાડતાં કહ્યું, "જોયો મોટો દેશભક્ત, આ મહાશયને લોકમાન્ય ટિળકનું ભાષણ સાંભળવા જવું છે

ખૂબ વાર વિચાર કર્યા પછી મને મારી જાત પર જ ભયંકર ગુસ્સો આવ્યો. મેં મારી પોતાની ભર્ત્સના કરી, કહ્યું, ‘આવા કમજોર મનથી શું થવાનું છે ? સાહસ ન હોય તો દેશસેવાનું કોઈ કામ થઈ શકે નહિ. જે લોકો દેશસેવા કરે છે, તેઓ સંકટોનું પણ સ્વાગત કરે છે. એનો સામનો કરે છે અને એ પછી જ એમના પગ આગળ ઊપડે છે, પણ મારામાં તો આવી લાયકાત નથી. હું નિરાશ થઈ ગયો.

    ૧૦-માર્ચ-૨૦૨૩
કુલ દૃશ્યો |

Babasaheb Apte Jivani
 

પ્રથમ પ્રચારક બાબાસાહેબ આપ્ટે । Babasaheb Apte Jivani । પ્રકરણ - ૧

 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી પ્રેરણા મેળવી સ્વયંસેવકોએ એની હજારો શાખા શરૂ કરી. વળી એમણે પ્રારંભ કરેલ અનેક સંસ્થાઓ અને જનસંગઠનોનું એક વિશાળ માળખું આજે સમગ્ર દેશમાં પ્રસરેલ દેખાય છે. છેલ્લાં ૭૮ વર્ષોમાં સંઘને એક મોટું ભવ્ય સ્વરૂપ મળી ગયું છે. સંઘ અને હિન્દુત્વની આજુબાજુ સૌનાં વિચારચક્ર ફરી રહ્યાં છે. કોઈ શત્રુતાને કારણે, કોઈ સહાનુભૂતિને કારણે તો કોઈ તટસ્થ ભાવે કેમ ન હોય, પણ એની નજર હંમેશાં હિન્દુત્વ અને સંઘપરિવાર પર મંડાયેલી રહે છે.
 
૧૯૨૬માં શ્રી ઉમાકાન્ત કેશવ આપટે ડૉ. હેડગેવારે સ્થાપેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા ત્યારે સંઘની સ્થિતિ કેવી હતી ? ૧૯૨૫ની વિજયાદશમીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ હતી અને નાગપુરમાં સાલુબાઈ મોહિતેના ખખડધજ વાડામાં સંઘની એક જ શાખા શરૂ થઈ હતી. સંઘ શું છે ? સંઘ શું કરવા માગે છે ? એ કહેનાર ડૉ. હેડગેવાર સંઘના એકમાત્ર કાર્યકર્તા હતા. આ પછી તો સંઘનો ક્રમિક વિકાસ થયો. પ્રાંત પ્રાંતમાં સંઘે પોતાનાં મૂળ નાખ્યાં અને આ માટે જેમણે વણથક પ્રયત્નો, પરિશ્રમો કર્યા, એમાં બાબાસાહેબનું આપટેનું યોગદાન અત્યંત અમૂલ્ય છે. કાર્યવિસ્તારની દૃષ્ટિએ એમનું જીવન જેમ સંઘ સાથે એકરૂપ જીવન છે, એ જ રીતે એમનું જીવન હિન્દુત્વ અને હિન્દુ સંગઠનને સુદૃઢ વૈચારિક અધિષ્ઠાન મેળવી આપનાર પણ છે.
 
આવી રીતે સંતુલિત અને સમગ્ર જીવન કેવળ સંઘને જ સમર્પિત કરનાર તેઓ પહેલા કાર્યકર્તા હતા. પ્રસિદ્ધિથી દૂર રહી, સમગ્ર દેશમાં સંઘકાર્યનો પાયો નાખવામાં, જેમણે પોતાનું જીવન સમર્પી દીધું, એવા પહેલી હરોળના કાર્યકર્તા બાબાસાહેબ ૧૯૨૬માં સંઘમાં આવ્યા. સંઘપ્રવેશ પહેલાંનું એમનું વ્યક્તિગત જીવન અને પારિવારિક જીવન કેવું હતું એ કદાચ કહી શકાય એમ નથી. બાબાસાહેબે પોતે જ આ અંગે મૌન ધારણ કરી લીધું હતું. સંઘને એક વાર જીવન સમર્પી દીધું એ પછી પરિવાર, સગાંસંબંધી કે કૌટુંબિક જવાબદારી વગેરેમાંથી એમનું મન પૂરેપૂરું ઊઠી ગયું હતું. એક વાર વરિષ્ઠ પ્રચારક ઠાકુર રામસિંહજીએ સાહસ કરીને એમને પૂછ્યું, ‘સંઘમાં આવ્યા એ પહેલાંના આપના જીવન સંબંધી કાંઈ જાણકારી આપો એવી અમારી ઇચ્છા છે.’ આ સાંભળી બાબાસાહેબ એકદમ ગંભીર બની ગયા. એમનું મોં કઠોર બની ગયું. એમણે આ વિષય જ બંધ કરી દીધો. અત્યંત ‚ક્ષપણે કહ્યું, ‘પહેલે મેં ખાક છાનતા થા... પહેલાં હું ગમે તે કરતો રહ્યો હોઉં, એની સાથે તમારે શો સંબંધ ?’ આનો અર્થ એ જ કે પૂર્વજીવન, સગાંસંબંધી વગેરે વિશે કાંઈ કહેવાનું કે એને યાદ કરવાની એમની ઇચ્છા ન હતી. સ્વેચ્છાએ પોતાની સમજબુદ્ધિથી, કર્તવ્યબુદ્ધિથી એમણે જે જીવન પસંદ કર્યું હતું એમાં સંઘ કાર્યાલય જ એમનું ઘર, સંઘના સ્વયંસેવકો જ એમનો પરિવાર અને સંઘકાર્ય જ એમની દુનિયા. આ વિના બીજા કોઈ સંબંધોનો મનમાં વિચાર કરવા પણ તેઓ તૈયાર ન હતા. બાબાસાહેબનું નામ લેતાં જ સંઘ સાથે એકાત્મ અને એકરૂપ થઈ ગયેલ એમનું જીવન જ નજર સામે તરવરે છે. એમનું સંઘ પૂર્વેનું જીવન કોઈ જાણી શકતું નથી. એ જિજ્ઞાસા અધૂરી જ રહી જાય છે.
 
આમ છતાંય હવે એમનો જન્મ, એમનું શિક્ષણ, એમનો વ્યવસાય અને એમના જીવનની બે-ચાર મહત્ત્વપૂર્ણ ઘટનાઓ અંગે થોડી એવી માહિતી મળી છે, એ પણ બાબાસાહેબે કહી નથી. બીજા માર્ગેથી મળે છે - જે અહીં પ્રસ્તુત કરીએ છીએ.
  
***
 
વિદર્ભના યવતમાળમાં બાબાસાહેબનો જન્મ થયો. જન્મદિન ૨૮ ઑગસ્ટ, ૧૯૦૩. પિતા શ્રી કેશવરાવ સાત્ત્વિક સ્વભાવના શિક્ષક. માતા ગંગાબાઈ અત્યંત દક્ષ અને ભાવનાશીલ ગૃહિણી. બાળપણમાં ઉમાકાન્તની તબિયત બરાબર રહેતી નહિ. બીજાં બાળકોની જેમ રમવું, ધીંગામસ્તી કરવી, એને પસંદ નહિ. વિશેષ વાત તો એ કે બાળપણથી જ એમને વાંચવાનો બેહદ શોખ હતો. ઉમાકાન્ત આઠ વર્ષના હતા ત્યારનો આ પ્રસંગ. એમના મામા બે દિવસના મહેમાન બની એમને ત્યાં આવેલા. એમના સામાનમાં એમણે એમનાં બાળકો માટે ખરીદેલ ‘ઈસપ નીતિકથા’ પણ હતી. ઉમાકાન્તની નજર આ પુસ્તક પર પડી. એમને થયું કે મામા સાથે આ પુસ્તક પણ જતું રહેશે, આથી એમણે એ પહેલાં જ આ પુસ્તક વાંચી નાખવાનો નિશ્ચય કર્યો.
 
મોડી રાત સુધી એ વાંચતા રહ્યા અને બીજા દિવસે સવારથી જ ચોપડી લઈ વાંચવા બેસી ગયા. ભોજનનો સમય થયો, પણ ઉમાકાન્ત તો વાંચવામાં મશગૂલ. મા, બહેન, ભાઈ વગેરેએ બૂમ મારી, પણ ઉમાકાન્તનું એ તરફ ધ્યાન જ ગયું નહિ. પિતા શિસ્તપ્રિય માણસ. ઘરના બધા લોકોએ એકસાથે બેસી ભોજન કરવું જોઈએ એવો એમનો આગ્રહ રહેતો. એમને ઉમાકાન્ત પર ગુસ્સો આવે એ સ્વાભાવિક હતું. તેઓ લાકડી લઈ એમને ઉઠાડવા આવ્યા. ‘જમવા ઊઠો છો કે લાકડી ફટકારું?’ કહી પિતાજીએ એમને ધમકાવ્યા, પરંતુ ઉમાકાન્તે ચોપડીમાંથી મોં જ બહાર કાઢ્યું નહિ. એમણે નિશ્ચયપૂર્વક કહ્યું, ‘આ ચોપડી વાંચી લીધા વિના ઊઠીશ નહિ. તમારે મારવો હોય તો મારો.’ કહી એમણે પોતાનું ખમીસ ઊંચું કરી, ઉઘાડી પીઠ બતાવી. વાંચવાનું ચાલુ હતું. આ દરમિયાન મામા પણ ત્યાં આવી ગયા. એમના ધ્યાનમાં બધી વાત આવી ગઈ. કેશવરાવને કહે, ‘એને શા માટે મારો છો ? એમણે તમારી પાસે પૈસા કે કોઈ વસ્તુ માગી નથી તેમજ કોઈ અયોગ્ય હઠ પણ કરી નથી.’ સતત દસ કલાક વાંચી ચોપડી પૂરી કરી. આ પછી જ ઉમાકાન્તે એ ચોપડી હેઠે મૂકી, પણ આ પછી એમણે ભોજન કર્યું નહિ. કહ્યું, ‘મારા ઘરના રિવાજ પ્રમાણે હવે તો રાતના સૌની સાથે ભોજન કરીશ.’ એમના મામાના મનમાં ભાણેજની પરીક્ષા લેવાની સ્વાભાવિક ઇચ્છા જાગી. એમણે ઉમાકાન્તને આ ‘ઈસપ નીતિકથા’ ભેટ આપવા માંડી તો ઉમાકાન્તે કહ્યું, ‘હવે આ ચોપડી લઈ શું કરું ? મને બધું જ યાદ થઈ ગયું છે. જેને માટે આ ચોપડી ખરીદી હોય એને જ એ આપી દેજો.’ મામાએ થોડા પ્રશ્ર્નો પૂછ્યા. ભાણાની યાદશક્તિ અને આકલનશક્તિ જોઈ ખૂબ નવાઈ લાગી. આ વખતે ઉમાકાન્તની ઉંમર કેવળ આઠ વર્ષની હતી.
 
દેશભક્તિના પાઠ
 
એ દિવસોમાં ૧૨ વર્ષના ઉમાકાન્ત વિદર્ભની કારંજામાંની એક હાઈસ્કૂલમાં ચોથા ધોરણમાં ભણતા હતા. લોકમાન્ય ટિળક યવતમાળથી મૂર્તિજાપુર જવાના હતા. કારંજા સ્ટેશન આ માર્ગમાં આવતું હતું. અહીં ટ્રેન અડધો કલાક રોકાવાની હતી. ટ્રેન સાંજના ૫.૩૦ વાગ્યે આવવાની હતી અને શાળા છૂટવાનો સમય ૪.૩૦નો હતો. સ્ટેશન પર ખૂબ લોકો આવવાના અને લોકમાન્યનું એમની સામે એક નાનું સરખું ભાષણ થશે - એ વાત નક્કી હતી. ઉમાકાન્ત ઉંમરમાં નાના હતા, પરંતુ લોકમાન્ય માટે એમના મનમાં જબરું આકર્ષણ હતું. લોકમાન્યને જોવાની તેમજ એમના મુખેથી ઉદ્ગારો સાંભળવાની એમની તીવ્ર ઇચ્છા હતી. ક્યારે સાડાચાર વાગે, ક્યારે શાળા છૂટે અને એ સ્ટેશન દોડી જાય ! આની એમને ખૂબ અધીરાઈ હતી, પરંતુ સરકારની ઇચ્છા પૂરી કરવા તત્પર રહેતા મુખ્ય શિક્ષકની ઇચ્છા કાંઈક બીજી જ હતી. કોઈ પણ વિદ્યાર્થી કે શિક્ષક લોકમાન્યનું ભાષણ સાંભળવા જઈ ના શકે એવી સરકારની ઇચ્છા પ્રમાણે મુખ્ય શિક્ષકે યોજના કરી હતી. ૪.૩૦ વાગી ગયા. પરંતુ શાળા છૂટી નહીં, એટલું જ નહીં પણ શાળાના દરવાજા પણ બંધ થઈ ગયા.
 
ઉમાકાન્ત બેચેન બનતા જતા હતા. આખરે સાહસ કરી એમણે શિક્ષકને કહ્યું, ‘સાહેબ, શાળા છૂટવાનો સમય થઈ ગયો છે. મારે એક જ‚રી કામ છે.’ મુખ્ય શિક્ષક પોતે જ વર્ગ લેતા હતા. ઉમાકાન્તના પિતાના એ ઘનિષ્ઠ મિત્ર હતા. એમણે ઉમાકાન્તને ભણતરના મહત્ત્વની વાત મીઠા શબ્દોમાં સમજાવી, પણ ઉમાકાન્તની બેચેને તો પળે પળે વધતી ગઈ. એમનાથી રહેવાયું નહિ. એમણે મુખ્ય શિક્ષકને કહ્યું, ‘સાહેબ, બીજા લોકોની જેમ મારે પણ લોકમાન્યનું ભાષણ સાંભળવા સ્ટેશન પર જવું છે. આ શબ્દો સાંભળતાં જ મુખ્ય શિક્ષકનું ‚પ ફરી ગયું. એમણે ઉમાકાન્તને ખૂબ કઠોર વચનો કહ્યાં. આખા વર્ગ વચ્ચે એમની મજાક કરી. ‘જોયો આ મોટો દેશભક્ત ! મહાશયને સ્ટેશન પર લોકમાન્ય ટિળકનું ભાષણ સાંભળવા જવું છે. બાપની નોકરી પર આફત આવે એવી એની ઇચ્છા છે’થી શરૂ કરી ‘અમારા ઘરમાં જ આ કપૂત પેદા થયો છે. એને ભીખ માગવાની ઇચ્છા થઈ લાગે છે’ સુધી વાત કરી. ઉમાકાન્ત માથું દબાવી ત્યાં ને ત્યાં બેસી રહ્યા. મન સ્ટેશન પર અને શરીર વર્ગમાં. છ વાગ્યે આ બાજુ લોકમાન્યની ગાડીની સિટી વાગી અને આ બાજુ શાળા છૂટવાનો ઘંટ વાગ્યો. મુખ્ય શિક્ષકે ફરી મજાક કરતાં કહ્યું, ‘દેશભક્ત મહાશય, હવે ઊઠો.’ ગમે તેમ કરી ઉમાકાન્ત ઊભા થયા અને ઘરનો રસ્તો પકડ્યો. શાળામાં જે કાંઈ બન્યું હતું એની ખબર તો અડોસ-પડોસમાં પહોંચી ગઈ હતી. ઉમાકાન્તને સમજાવવા કે એમના પ્રત્યે સહાનુભૂતિ બતાવવા કોઈ તૈયાર ન હતું.
 
આ અત્યંત કડવા પ્રસંગનો સાર બાબાસાહેબે પોતે જ કહ્યો હતો. એમના જ શબ્દોમાં, ‘આ અસહ્ય અપમાનને કારણે એ ઉંમરે જ હું અંત:મુખી બની ગયો. ખૂબ વાર વિચાર કર્યા પછી મને મારી જાત પર જ ભયંકર ગુસ્સો આવ્યો. મેં મારી પોતાની ભર્ત્સના કરી, કહ્યું, ‘આવા કમજોર મનથી શું થવાનું છે ? સાહસ ન હોય તો દેશસેવાનું કોઈ કામ થઈ શકે નહિ. જે લોકો દેશસેવા કરે છે, તેઓ સંકટોનું પણ સ્વાગત કરે છે. એનો સામનો કરે છે અને એ પછી જ એમના પગ આગળ ઊપડે છે, પણ મારામાં તો આવી લાયકાત નથી. હું નિરાશ થઈ ગયો. મનમાં વારંવાર એક જ ભાવના જાગતી, સાહસ જોઈએ. દૃઢ નિશ્ચય જોઈએ. શક્તિ જોઈએ. આમ આ પ્રસંગે મને દેશસેવાનો એક સાચો અને નવો રસ્તો દેખાડ્યો. આ માટે મેં મનોમન મુખ્ય શિક્ષકનો આભાર માન્યો.’
 
(ક્રમશ:)