તેનું કારણ છે- અમેરીકામાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં ક્રિટિકલ રેસ થિયરીના નામે ઉભી થયેલ વામપંથી `વોક' પલટન.

10 Mar 2023 15:08:29

Communist Agenda in India

`વોક (Woke)' નામે વકરતો વામપંથ (૪) । Communist Agenda in India

 
સિલિકોન વેલીની ઓળખ એવી ગુગલ, ફેસબૂક, એપલ, એમેઝોન અને માઈક્રોસોફ્ટ જેવી સંખ્યાબંધ મહાકાય કંપનીઓ માનસિક રીતે હતપ્રભ બની, બેબાકળી બની ગઈ. એવું કયા કારણે થયું..???
 
વાત એમ છે કે, થોડા સમય પહેલાં અમેરિકાની એક કંપની `સીસ્કો'ને કેલિફોર્નિયાની કોર્ટના કઠેડામાં હાજર થઈને પેચીદા કાયદાકીય પ્રશ્નોનો સામનો કરવા માટે તરફડવું પડેલું. જેનું નિમિત્ત હતાં - આ કંપનીમાં કાર્યરત ભારતીય ટેક-વર્કર્સ. હેં ? ભારતીય ટેક-વર્કર્સ ? ભારતીય ટેક-વર્કર્સોએ સામૂહિકપણે એવું તે શું ખોટું કર્યું, જેનાથી તેઓને રોજગાર આપનાર આ મોટી-મોટી અમેરિકન કંપનીઓને હેરાન-પરેશાન થવું પડ્યું..??? વાસ્તવમાં આ હેરાન-પરેશાનીનું કારણ ભારતીય ટેક-વર્કર્સ નથી, તેનું કારણ છે- અમેરીકામાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં ક્રિટિકલ રેસ થિયરીના નામે ઉભી થયેલ વામપંથી `વોક' પલટન.
 
આ `વોક' પલટન નિત નવાં-નવાં નેરેટીવ્ઝથી માત્ર સર્વસામાન્ય લોકોને જ નહીં, પરંતુ મહાકાય કંપનીઓને પણ કેવી રીતે વિભાજનકારી યાતનાઓનો શિકાર બનાવી શકાય છે, તે દર્શાવતો આ વરવો નમૂનો છે. આ `Wokeism'ની ઉપજ છે- ત્યાંનું `ઈક્વિલિટી લેબ' નામનું એક એક્ટિવિસ્ટ ઓર્ગેનાઈઝેશન, જેનું લક્ષ્ય છે- `હિન્દુત્વ'. આ શિકાર માટે ઈક્વિલિટી લેબે પોતાના જ દેશની - અમેરિકાની ઉચ્ચ કંપનીઓને અડફેટે લીધી અને ભારતીયો ટેક-વર્કર્સને તે માટેનાં માધ્યમ બનાવ્યાં. કારણ કે તેમના માટે ઘર આંગણે રોજી મેળવતો બિચારો-બાપડો (?) એવો આ વર્ગ સરળ શિકાર (સોફ્ટ ટાર્ગેટ) હતો, વળી વિશ્વ આખામાં ભારતનો હિન્દુ સાંસ્કૃતિક આધાર સૌથી વધુ મજબૂત છે અને તેથી તે પણ ખૂબ ખૂંચી રહ્યું છે. વોકેઈઝમે `ફેક-નેરેટીવ્ઝ'ને ભારતમાં તો ખરાં જ, પણ જ્યાં હિન્દુસ્થાની વસે છે ત્યાં પણ બેહદ પ્રબળ બનાવ્યાં છે. આ 'ફેક-નેરેટીવ્ઝ' જોઈએ તો..
 
- મજબૂત સાંસ્કૃતિક આધારથી કટ્ટર સાંસ્કૃતિક રેસિઝમ (પવિત્ર સાંસ્કૃતિક મૂલ્યો નહીં) પ્રસ્થાપિત થાય છે.
- આ સાંસ્કૃતિક રેસિઝમથી જ સમાજનો શોષક વર્ગ મજબૂત બને છે.
- શોષક વર્ગ મજબૂત થવાથી શોષણ પરાકાષ્ઠાએ પહોંચે છે.
- અને આ રીતે ભારતમાં શોષણ થઈ રહ્યું છે. (આમ આ શોષણ માટે કારણભૂત છે- `હિન્દુત્વ', તેનો વૈદિક વારસો, તેનો સાંસ્કૃતિક આધાર અને તેનાં સાંસ્કૃતિક મૂલ્યો.)
- આ શોષક વર્ગ જ ભારતમાં સ્ત્રીઓ, લઘુમતીઓ, દલિતો, મુસ્લિમ, અભણ, -GBTQ વગેરેનું શોષણ કરી રહ્યો છે.
- માટે એક માત્ર ઉપાય છે- હિન્દુત્વથી ભારતને મુક્ત કરવું - Dismant-ing Hindutv.
 
શું ચિર પુરાતન, નિત્ય નૂતન એવું હિન્દુત્વ એવું તકલાદી હોઈ શકે કે, આવાં ગતકડાંથી ભારત હિન્દુમુક્ત થઈ જાય ? આ કામ જે ક્રૂરતમ મુસ્લિમ શાસકો અને મહાધૂર્ત અંગ્રેજી ઈસાઈઓ નવસો-નવસો વર્ષમાં નથી કરી શક્યા; તે શું આવાં ગતકડાંથી શક્ય બનશે કે? વાસ્તવિકતા એ છે કે, હિન્દુત્વના કારણે કરુણા, સેવા, પરોપકાર જેવાં સૌને જોડનારાં વૈશ્વિક જીવનમૂલ્યો વિકસિત થયાં છે, જેની સતત પ્રતીતિ પ્રાકૃતિક આપદા વખતે ભારતને થતી આવી છે, તો સાથે સાથે વિશ્વને પણ અનેકવાર થયેલી છે. ભૂતકાળમાં મુગલ શાસકોની તલવારના જોરે પણ જે લોકો હિન્દુ મટીને મુસ્લિમ નહીં બન્યાં, એ હિન્દુઓએ મુગલ શાસકોનું મેલું ઉંચકવાનું પસંદ કર્યું, પરંતુ પોતાનો મહાન ધર્મ ન જ છોડ્યો. ભલે તેમને નીચલા વર્ગમાં ધકેલાવું પડ્યું. અને આ રીતે તે સમયે મોગલોની શાસકીય જબરજસ્તીથી નાતજાતના નામે ઉભા કરાયેલા વાડાઓમાં વહેંચાયેલા ભારતને; તેનું મૂળ તત્વ- `હિન્દુત્વ' જોડી રહ્યું છે, મૂળ ભારત બેઠું થઈ રહ્યું છે, સર્વ ભેદોથી મુક્ત થઈ રહ્યું છે, સમરસ થઇ રહ્યું છે. સશક્ત અને સમર્થ થઈ રહ્યું છે. પોતાને ગુલામ બનાવનારને બાજુએ રાખીને વિશ્વની પાંચમી આર્થિક મહાસત્તા બન્યું છે.
 
હા પણ, જેના કણ-કણમાં શંકર છે તે શંકર ભોળાનાથ છે, તેથી જ્યાં ભોળાનાથ હોય ત્યાં સમાજમાં ભોળપણ હોવાનું જ. આવા ભોળપણથી સ્વયં ભોળાનાથને ભાગવું પડ્યું હોય તેવી ભસ્માસુરની ઘટના આપણને શું સંદેશ આપે છે? ભોળપણથી ઉપજતી ભયાનકતાનું આ સટિક ઉદાહરણ છે. આ ભોળપણના કારણે જ હાર્વર્ડથી સંચાલિત `વોક' ભારતની યુનિવર્સિટીમાં પણ ફૂલીફાલી રહ્યું છે.
 
અરે! મૂળ વાત પર આવીએ.. ઉપર વર્ણવેલા `ઈક્વિલિટી લેબ' ઓર્ગેનાઈઝેશને સર્વેના નામે, ખોટા ડેટાના આધારે પોતાનાં તારણોનો સાર એવો જાહેર કર્યો કે, અમેરિકાની ઉપરોક્ત બધી જ કંપનીઓમાં જે ભારતીય ટેક-વર્કર્સ કામ કરી રહ્યાં છે તે બધાં જ કહેવાતી બ્રાહ્મણ વગેરે ઉચ્ચ જાતિનાં જ છે, અને આ કાર્ય યોજનાપૂર્વક કરવામાં આવ્યું છે. ભારતનો કથિત નીચલો વર્ગ આવી મોટી કંપનીઓમાં ક્યારેય નોકરીએ લાગી જ ન શક્યો તે માટે ભારતનો આ ઉપલો વર્ગ સીધેસીધો જવાબદાર છે, એટલું જ નહીં, ભારતનો આ નીચલો વર્ગ કાયમ ગુલામ જ રહે તેવા કાવતરામાં આ કંપનીઓ પણ ભારતના ઉપલા વર્ગ સાથે ભળી ગઈ છે. આવી ભેદભાવથી ભરેલી મિલીભગતથી ગુલામીની પ્રથાને ફરી ઉભી કરવામાં આવી રહી છે, વગેરે વગેરે ગંભીર આરોપો `સીસ્કો' કંપની ઉપર મૂકવામાં આવ્યા. એક જમાનામાં અમેરિકા પોતાની ગુલામીની પ્રથાથી નામચીન હતું. આ પ્રથાથી મુક્તિ મેળવવા ફાટી નીકળેલા વર્ગવિગ્રહથી અમેરિકાના ઈતિહાસનાં પાનાં લોહીથી લથબથ છે. છેલ્લે માનવતાના નામે કલંક ગણાતી આ ગુલામીની પ્રથા માટે કડક કાયદો બનાવ્યો. આવા કડક કાયદા હેઠળ `સીસ્કો' કંપની ઉપર કેસ ફટકારવામાં આવ્યો. આ કેસની ખબર જ્યારે કંપનીના મેનેજમેન્ટના લોકોને પડી ત્યારે તે તો બધા દિગ્મૂઢ થઇ ગયા. કંપની કરગરી પડી કે, અમે આવું કશું જ કર્યું નથી.
 

Communist Agenda in India 
 
આ કંપનીઓ દ્વારા ભારતમાં આઉટસોર્સથી જે કામો કરાવવામાં આવી રહ્યાં છે તે બાબતે પણ આ જાતિવાળો મુદ્દો ઉપસ્થિત કરવામાં આવે તો તો શું નું શું થઈ જાય? આવી બધી કંપનીઓનું તંત્ર કથળી જાય, આર્થિક સ્થિતિ પણ ડામાડોળ થઈ શકે. આવી વ્યાપક વિપરીત અસર ઊભી થવાની સંભાવનાઓથી આ બધી કંપનીઓ ઘેરા આઘાતમાં સરી પડી, અને અંતે કરગરી પડી. આનો ગેરલાભ ઉઠાવીને આ જાતિવાળા મુદ્દે હવે બધી જ અમેરિકન મહાકાય કંપનીઓનાં મેનેજમેન્ટને ફરજ પાડવામાં આવી કે, ભારતની `કાસ્ટ-સિસ્ટમ'થી બહાર આવવા અને બચવા માટે આ કંપનીઓ દ્વારા બધાં જ સ્તરો ઉપર વર્કશોપ ગોઠવવામાં આવે, હાર્વર્ડના તજજ્ઞ લોકો તમામ પ્રકારની ટ્રેનીંગ પૂરી પાડશે, હા, પણ તગડી ફી વસૂલ કરીને ! અને આમ આવા વર્કશોપ શરૂ થયા છે, જ્યાં હિન્દુત્વ - ભારતીયતા વગેરે ઉપર હાર્વર્ડપ્રેરિત જે વાણીવિલાસ બકવામાં આવે છે તે સાંભળીને ત્યાં ઉપસ્થિત ભારતીયો તો એવું અનુભવી રહ્યા છે કે, જાણે તેઓ સૌએ સ્ટાલીન જેવો નરસંહાર આચર્યો ન હોય ! જાણે તેઓએ અમેરિકાની જેમ બ્લેક લોકોને ગુલામ ન બનાવ્યા હોય ! આમ આવા વર્કશોપના માધ્યમથી હિન્દુઓને શરમિંદા કરીને, તેઓમાં રહેલા હિન્દુત્વનો નાશ કરવાની આ જાળ પાથરવામાં તેઓ સફળ બન્યા છે, સાથે સાથે વર્કશોપની ઉંચી ફી વસૂલીને પૈસે ટકે સમૃદ્ધ બની રહ્યા છે. આવી રીતે પેધી પડેલ `વોક' આટલેથી અટકશે એવા સ્હેજે ય અણસાર નથી.
 
પ્રથમ દ્રષ્ટિએ ભલે આ ગતકડાં લાગે, પરંતુ હકીકતમાં આવી વિચિત્રતાથી વૈમનસ્ય ફેલાવવા માટે પૂરી ઇકોસિસ્ટમ ઉભી કરવામાં આવી છે, તેના રહસ્યનો સ્ફોટ થતાં એક વખતના અમેરિકન ઉદ્યોગપતિ શ્રી રાજીવ મલ્હોત્રાએ તાજેતરમાં `બ્રેકિંગ ઇન્ડિયા ૨.૦' એવા સબ-ટાઇટલ સાથે એક પુસ્તક લખ્યું છે- `SNAKES in the GANGA'. આ પુસ્તકમાં તેઓશ્રીએ વોક (Woke)નાં વિનાશકારી પરિણામોથી સૌને ચેતવ્યાં છે.
 
 
 મૂળ માર્ક્સવાદી થીયરી નવા પેકેજીંગમાં `ક્રિટિકલ રેસ થિયરી'ના નામે ફેલાવવામાં આવી. અમેરિકામાં આ થિયરીને `બ્લેક લાઈવ્સ મેટર્સ'ના આંદોલનના કારણે વેગ મળી ગયો. `રેસ'ના નામે `બ્લેક' અને `વ્હાઈટ' વચ્ચેનું વૈમનસ્ય વિકરાળ બન્યું. બધા જ 'બ્લેક' લોકોનું શોષણ બધા જ `વ્હાઈટ' લોકો કરે છે. આમ તમામ `બ્લેક' લોકો શોષિત (oppressed) છે. અને તમામ `વ્હાઈટ' લોકો શોષક (oppressor) છે. અમેરિકાની આ ઘટનાના ઘેરામાં ભારતને કેમ કરીને સંડોવવું તેની યોજના હાર્વર્ડ યુનિવર્સિટીના સૂરજ યેન્ગડે નામના એક ભારતીયે બનાવી. આફ્રોદલિત ચળવળવાળા આ મહાશય કહે છે કે, હું ભારતના દલિતોમાંનો એક છું. અને અમેરિકામાં જે રીતે 'બ્લેક' લોકો શોષિત છે તેવી રીતે ભારતમાં દલિતો શોષિત છે. ભારતમાં બિનદલિત હિન્દુઓ એવી સામાજિક વ્યવસ્થાઓ સંચાલિત કરી રહ્યા છે, જેથી યોજનાબદ્ધ રીતે દલિત હિન્દુઓનું શોષણ થઈ રહ્યું છે. આમાંથી બચવા હિન્દુ સમાજનો આખો સામાજિક ઢાંચો તોડી નાંખવો અનિવાર્ય છે, એ માટે ચાહે લગ્નસંસ્થા, કુટુંબસંસ્થા સહિતની આવી તમામ પ્રકારની પરંપરાઓને વિખેરી દેવી જરૂરી છે. ધર્મને, ખાનદાની સંસ્કારોને, સભ્યતાને, જીવન મૂલ્યોને અને જીવન શૈલીને ફગાવી દેવી જરૂરી છે. આ મહાશયને સાક્ષાત ઇશ્વર પણ શું સમજાવી શકવાનો?
 
આ `ક્રિટિકલ રેસ થિયરી' માત્ર આટલેથી નહીં અટકી. આ થિયરીએ જન્મ આપ્યો Intersectiona-ity (આંતરવિભાગીકરણ)ને. `રેસ' અનુસંધાને શોષિત અને શોષક તરીકે `બ્લેક' અને `વ્હાઈટ'ના નામે, ડેમોગ્રાફી અનુસંધાને શોષિત અને શોષક તરીકે `લઘુમતી' અને `બહુમતી'ના નામે, લૈંગિકતા અનુસંધાને શોષિત અને શોષક તરીકે `સ્ત્રી' અને `પુરૂષ'ના નામે સમાજનું/રાષ્ટ્રનું વિભાજન કરવામાં આવી રહ્યું છે. આવાં વિભાજનોની તો મોટી હારમાળા છે.
 
હમણાં સુધી વિજ્ઞાન વિશ્વને વિભાજનકારી દ્રષ્ટિથી જોતું હતું, પરંતુ વિજ્ઞાનનો વિકાસ થતાં આજે વિજ્ઞાન; જીનેટિકલી એવું સાબિત કરી રહ્યું છે કે, ઘાસથી લઈને માનવ સુધીની સઘળી જૈવ સૃષ્ટિમાં પ્રકૃતિગત ઐક્ય છે. જ્યારે હમણાં સુધી હ્યુમાનીટીઝમાં અધ્યાત્મને ટાંકીને એવું કહેવાતું કે, સઘળું એક જ છે, કારણ કે સઘળું એકમાંથી જ સર્જાયું છે. પરંતુ આજે વામપંથી `વોક'ના વિચારવમળમાં ફસાયેલી હ્યુમાનીટીઝ માત્રને માત્ર વિભાજન, વિભાજન અને વિભાજનની થિયરીમાં ઓતપ્રોત છે.
 
(ક્રમશ:)
 
 
Powered By Sangraha 9.0