વામપંથને `વોક' નામે વેશપલટો કેમ કરવો પડ્યો? ભારતને તોડવા વધુ પડતા કટ્ટર વોક-એક્ટિવિસ્ટ બનીને રાષ્ટ્રદ્રોહી સાજીશોને અંજામ આપી રહ્યા છે.

`વોક"નો ભોગ બનેલાઓમાંથી `ટૂકડે ગેંગ" બને એમાં; વિદ્યાર્થીઓનો જેટલો વાંક છે એના કરતાં વધુ વાંક ત્યાંના હ્યુમૅનીટીઝના પ્રોફેસરોનો છે.

    ૧૦-માર્ચ-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Communist Agenda in India   
 

`વોક (Woke)' નામે વકરતો વામપંથ (3) |  Communist Agenda in India

 
 
Mercenaries (ભાડૂતી સૈન્ય)ની જેમ ખર્ચાઈ જવા તત્પર આજના હ્યુમૅનીટીઝના પ્રાધ્યાપકોને અને વિદ્યાર્થીઓને થયું છે શું..?!?
 
છેલ્લા સતત બે અંકોના આ સ્તંભમાં બર્બરિક સિન્ડ્રોમ, લિંગ-પરિવર્તન જેવા ભેદભરમવાળા અને ભણતરના નામે ભરખી જવા તત્પર ભોરિંગ એવા `વોક'ને સમજવાની મથામણ ચાલી રહી છે. આ `વોક' વિશ્વવ્યાપી હોઈ ભારત, પણ આ વૈચારિક યુદ્ધ (Intellactual Warfare)થી પર ન થઈ શકે. આપણે પણ લાપરવાહ અને સખ્ત (Rough and tough) બનીને નહીં, પરંતુ સૈદ્ધાંતિક રીતે સચોટ અને કુશળ (Sharp and Smart) થઈને, જો પરસ્પર એક રહીને લાંબા ગાળાની સર્વગ્રાહી-સર્વવ્યાપી-સર્વસ્પર્શી, પોત-પોતાના ભાગની `સ્વ'ની લડત લડવા તૈયાર થઈ જઈએ તો વિજય સુનિશ્ચિત છે. `વોક'ને ફોક થયે જ છૂટકો. પણ તેને મૂળમાંથી સમજવું એ યુદ્ધ જીતી જવા માટેની પૂર્વશરત છે.
 

વામપંથને `વોક' નામે વેશપલટો કેમ કરવો પડ્યો?

 
બુર્ઝૂવા સંચાલિત સમાજવ્યવસ્થા કકડભૂસ કરવા માટે શોષિત મજદૂરો-ખેડૂતો જ મેદાને પડીને કમ્યુનિસ્ટ ક્રાંતિના વાહક બનશે અને વિશ્વભરના દેશોમાં આ રીતે `ક્રાંતિ'નું મંડાણ થશે. પરંતુ કાર્લ માર્ક્સે આપેલી આ થિયરી..
 
૧, કુલ ૯, ૩૩, ૬૦, ૦૦૦ એવી અધધધ મોટી સંખ્યામાં આચરવામાં આવેલ બેરહમ વામપંથીય નરસંહાર (Massive Genocide)ની બદનામીથી અને
 
૨, USSR ઝડપભેર ભાગીને ટૂકડાઓમાં વહેંચાઈ જવાથી
 
ઉપરોક્ત બંને કારણસર શિઘ્રપતન પામી હોઈ હવે આ થિયરી કારગર નહીં નિવડે તેવી પાકી પ્રતીતિ થતાં (એક રીતે તો માર્ક્સવાદી મૉડેલ સદંતર નિષ્ફળ છે તેવું જણાયા છતાં..) કમ્યુનિસ્ટોએ તેને નિષ્ફળ માનવાના બદલે એવું ગાણું ગાવાનું શરુ કર્યું કે, કાર્લ માર્ક્સને તો સમાજવ્યવસ્થા જ તોડવી હતી ને! જરૂરી નથી કે, મજદૂરો-ખેડૂતોને ભરોંસે `ક્રાંતિ' દ્વારા જ એને તોડવામાં આવે. આમ વાસ્તવમાં કાર્લ માર્ક્સને દરકિનારે કરી, વર્તમાન કમ્યુનિસ્ટો તો સમાજવ્યવસ્થાને તોડવા માટે કોઈપણ પ્રકારનાં નિર્લજ્જ તરકટ રચવા તૈયાર થઈ ગયા છે, જેનું `વોક' અધમ ઉદાહરણ છે. જેનું સોફ્ટ ટાગટ છે - `યુવા-મન'. વિદ્યાલય-મહાવિદ્યાલયોમાં આ `વોક' કઈ રાતોરાત નથી પેદા થયું. ૫૦ કરતાંય વધુ વર્ષો પહેલાં કમ્યુનિઝમને નવા રૂપે નવા નામે અવતરિત કરવાનું બિજારોપણ હર્બર્ટ માર્ક્યુસ (Herbert Marcuse) જેવા કમ્યુનિસ્ટોએ કરેલું. હર્બર્ટ માર્ક્યુસે પોતાના પુસ્તક દ્વારા સ્પષ્ટ નિર્દેશ કરેલો છે કે, I don't think it's dead and it will resurrect in the Universities.
 
આ `વોક' એ વ્યક્તિ-વ્યક્તિમાં આંતરિક વિચારદ્વંદ્વ ઉભાં કરીને સામાજિક માળખાને રફેદફે કરવાનો સર્વનાશી માર્ગ છે. આ માગ ચાલી નીકળનારની લઘુત્તમ બે લાયકાત છે.. પહેલી લાયકાત અપેક્ષિત છે, પણ બીજી તો અનિવાર્ય છે.
 
૧, હ્યુમૅનીટીઝમાં ભણતા/ભણેલા કે ભણાવનાર હોવા જોઈએ.
 
૨, ગણનાપાત્ર અંશે બુદ્ધિ વગરના હોવા જોઈએ -એવું કહેવું કે અત્યંત ભોળા હોવા જોઈએ -એવું કહેવું કે બુદ્ધિનો ઉપયોગ કરવામાં અત્યંત આળસું હોવા જોઈએ -એવું કહેવું? આ ત્રણેયમાંથી આપને શું પસંદ છે? આપની ઉપર છોડુ છું.
 
લઘુત્તમ આવી લાયકાત ધરાવતા સંભ્રમણગ્રસ્ત, માનવતાવિહીન સમાજનિર્માણ માટે વિષૈલ વિમર્શના વાહક, પોતાને બુદ્ધિજીવી ગણાવવા માટે થયેલ બેહદ પાગલ, વગેરે વગેરે પ્રકારનાં વિચિત્ર વર્તન આ વામપંથી વિસ્ફોટક `વોક' વાયરસથી સંક્રમિત થયેલાઓનાં આમ લક્ષણો છે. કેટલાક તો આખાના આખા વિસ્તારોને જ (JNU જેવા..) ક્વૅારેન્ટાઇન કરવા પડે એવા છે, જ્યાં આ વાયરસના લીધે ભારે તાવ છેક માથે ચઢે ત્યારે બેહોશીમાં `વોક' - દર્દીઓએ ભારત તેરે ટુકડે હોંગે, ઇંશાલ્લાહ ઇંશાલ્લાહ જેવી રાડારાડ સાથે ધમપછાડા કરેલા. જેને જેને JNUમાં અગાઉ ભજવાયેલ `વોક-ભવાઈ' સ્મરણમાં છે તે બધાંને આ `વોક' સામે લડવા માનસિક રીતે સક્ષમ માનવા રહ્યા.
 
ઉતિષ્ઠ થયેલ વર્તમાન ભારતના યુવાઓના ભવિષ્યને ભરડો લઈને ભરખી જવાની આ વામપંથી વિકૃત ચાલ છે, જેમાં `વર્ગ-સંઘર્ષથી વર્ચસ્વ' -આ જૂની રણનીતિનું સ્થાન હવે `વોક થકી વર્ચસ્વ' નામની અનીતિએ લીધું છે. કુટુબમાં સુવિચારિત પદ્ધતિથી પરસ્પર તાલમેલ સાધીને જીવવાની, લગ્ન જેવા પવિત્ર બંધને બંધાઈને ચારિત્રયુક્ત સમાજ નિર્માણની આવી અનેક પાયાની આપણી સામાજિક પરંપરાઓને તથા ઋષિમુનિઓથી લઈ પેઢી દર પેઢીથી મળતો આવી રહેલ અનુભવસિદ્ધ સંસ્કાર-સંસ્કૃતિ-મૂલ્યો-ધર્મ-આસ્થા-શ્રદ્ધા-વિશ્વાસયુક્ત વારસાને `વોક' અનુસાર વ્યક્તિનું શોષણ કરનાર (ઓપ્રેશર) કહેવામાં આવે છે. અને એના કારણે રોજેરોજ જે અનેકો લોકો શોષણનો ભોગ બનેલા છે તેને ઓપ્રેશ્ડ કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં આવી ભાવનાઓ ઠાંસી ઠાંસીને ભરીને યોજનાબદ્ધ રીતે તેમને સમાજની વિરૂદ્ધ ઉશ્કેરવામાં આવી રહ્યા છે.
આનું મૂળ છે, હ્યુમૅનીટીઝમાં વર્તાતા શૈક્ષણિક ખાલીપા (Academic Crisis) માં..
 
અગાઉ કાલીદાસ, શેક્સ્પીઅર જેવાઓની મૂર્ધન્ય કૃતિઓ, આધ્યાત્મિક દર્શનો સમજાવતા ચિંતનાત્મક ગ્રંથો, મનન-મંથન પ્રેરતું સજીવ સાહિત્ય, જીવનને સજાવતી-સમજાવતી-સમાવતી ઉર્મિલ કવિતાઓ, સાચુકલાં સર્વેક્ષણ વગેરે વગેરેમાં હ્યુમાનીટીની વિદ્યાશાખાઓ ધબકતી હતી. તેમાં સર્વત્ર સનાતન સત્ય અને તર્કશુદ્ધ સત્યનું મુખરિત થવું સર્વમાન્ય હતું. પરંતુ જેમ વિજ્ઞાન-ટેકનોલોજીના અભ્યાસક્રમોમાં નવા આવિષ્કારોના કારણે પરિવર્તન, નાવિન્ય સ્વાભાવિક છે તેમ હ્યુમૅનીટીઝમાં શીઘ્ર પરિવર્તન, નાવિન્ય શક્ય નથી, કારણ કે આ આંતરિક નિજાનંદના વિષયો સ્વયં પોતાનામાં જ સ્થિર, શાંત અને શાશ્વત હોય છે. તેમાં હવે એકદમ નવું શું કરવું? આવી મનોસ્થિતિમાં જ્યારે `સામાજિક ન્યાય'ની વાત આવી ત્યારે કઈક નવું આવ્યું છે, તેવી ખુશીમાં તેને સૌએ વધાવી લીધી. તેને પગલે તેને પ્રસ્થાપિત કરવા માટે, શરૂઆતમાં નિર્દોષ લાગતી શબ્દાવલિને વામપંથી મેન્યુપ્યુલેશને એક રાજકીય વિચારધારાના વાહક ક્યારે બનાવી દીધી તેનો અણસાર સુદ્ધાં ન આવ્યો, અરે ! આજે પણ નથી આવી રહ્યો. હાલ હ્યુમૅનીટીઝનાં રિસર્ચ પેપર્સ માટે અનિવાર્ય સ્થાપિત થઈ ગયેલી આ શબ્દાવલિ કેવી છે?
 
`Interpretation' (અર્થઘટન): શબ્દ કેટલો સરસ છે, પણ વોક-ડિઝાઈન અનુસાર તેનો અર્થ એ કરવામાં આવી રહ્યો છે કે, અર્થઘટન પોતાનું આગવું હોવું જોઈએ એટલે કે, સ્થાપિત, પારંપરિક અર્થઘટનોને માનવાનાં જ નથી. એટલું જ નહીં ચોપડીમાં કરાયેલાં કે વિદ્વાનોએ કરેલાં અર્થઘટનોને પણ ઠુકરાવી દેવાનાં છે. `વાહન ચાલી રહ્યું છે', તેનું સ્થાપિત, પારંપરિક અર્થઘટન એ છે કે, તે આગળ વધી રહ્યું છે, વિદ્વાનો કે ચોપડીઓ અનુસાર તે ગંતવ્યસ્થાને માલસામાન પહોંચતું કરી રહ્યું છે. હવે જો આ અર્થઘટનોને માન્ય ન રાખવાનું કહેવામાં આવે તો પછી તો કેવાં અર્થઘટન કરવાં? છેલ્લેે વાહન રીવર્સ જાય છે, એક્સિડન્ટ કરે છે, વગેરે વગેરે પ્રકારનાં અર્થઘટનો કરવામાં આવે તો શું થાય. બસ એવું જ પ્રસ્થાપિત થઈ જાય કે, બસ વાહનોએ તો રીવર્સ જ ચાલવાનું હોય, વાહનો એક્સિડન્ટ કરવા માટે જ સર્જાયાં હોય! જીવનનાં બધા જ પાસાંઓને `પોસ્ટ મોર્ડનિસ્ટ આર્ટ' જેવાં બનાવી દેવા માંગે છે, જેમાંથી જીવનની સાર્થક્તાનો કોઈ સર્વસામાન્ય અર્થ જ નીકળવાનો બંધ થઈ જાય, એટલું જ નહીં અનર્થો ઉભા કરવા માટે મોકળું મેદાન મળી રહે. અને તો જ સમાજનું વામપંથઈચ્છિત વિઘટન શક્ય બને. આ જ રીતે `Perspective'ના એટલે કે દ્રષ્ટિકોણ નામના શબ્દનો પણ વામપંથઈચ્છિત મનસૂબા પૂરા પાડવા માટેના સાધન તરીકે દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉદાહરણ તરીકે ચીલાચાલુ કે ચોપડીમાં લખેલા દ્રષ્ટિકોણોના બદલે એક નવા `પ્રોપર સ્પેસ એન્વાયર્મેન્ટ' જેવા નર્યા પશ્ચિમી છાંટવાળા શબ્દો ફેંકીને નકલી દ્રષ્ટિકોણના નામે શ્રી ગણેશજીની મૂર્તિ મંચ પર મૂકવી ઠીક નથી, આવું કહીને વાસ્તવમાં ગણેશ-સ્થાપનનો જ છેદ ઉડાડી દેવાની આ ચાલ છે. બસ આવા જ અનર્થો ઉભા કરવાની આખી શબ્દજાળ છે. Post truth, Relativeism, Categories, Deconstruction, Identity, Diversity, Inclusion, Equality આવા દરેક શબ્દ-પ્રપંચોથી સમાજની પાયાગત ધારણાઓને તોડતા-મરોડતા, વિકૃત કરતા અનર્થો, શિક્ષણના માધ્યમથી ઉભા કરવામાં પ્રોફેસર અને વિદ્યાર્થીઓ જાણે-અજાણે જોતરાઈ જાય છે.
 
તાજેતરમાં બનેલી એક ઘટના, એને ઘટના કહેવા કરતાં, વૈચારિક વટાળ પ્રવૃત્તિની ઝલક કહીશ, એ ઘણું કહી જાય છે. `વોક' સાથે કઈ લેવાદેવા નથી તેવા એક સીધાસાદા વિદ્યાર્થીએ ભારતની વિરાસતને ચિત્ર વગેરે કળાઓ સાથે શું સંબંધ રહેલો છે? કેવી રીતે તે પ્રસ્થાપિત થાય છે? તેવા વિષયે પી. એચડી. કરવાનું નક્કી કરેલું. આ માટે તેણે પોતાના પ્રાથમિક પ્રેઝન્ટેશનમાં ઉપરોક્ત શબ્દજાળ ઉભી કરેલી. ત્યારે આ `વોક'ની વિભિષિકાથી વાકેફ પ્રાધ્યાપક પૂછે છે કે, તારા વિષયને અને આ બધી શબ્દજાળને શું લેવા દેવા છે? ત્યારે તે ઉત્તર ન આપી શક્યો, જો કે પ્રાધ્યાપકે તેના મનોભાવ વાંચી લીધા કે, તે વિદ્યાર્થી પણ જાણે છે કે, આ શબ્દજાળ પોતાના ઉદ્દેશ માટે બોજારૂપ છે. પરંતુ તેણે પોતાની મૂળ ચિંતા બોલીને વ્યક્ત કરી કે, આ બધી શબ્દાવલિ વિના મારૂં પી.એચડી. આ જીવનમાં પાર પડશે કે?
 
જેમ વિજ્ઞાનની શાખાઓને નવું કરવા Sky is the limit છે, તેવું હ્યુમૅનીટીઝની શાખાઓ માટે નથી. ત્યાં જે ભણાવવામાં આવે છે તે શું કામ ભણવું? આનો જવાબ આપવાની પોતાની અક્ષમતા છૂપાવવા માટે જાણે અજાણે હ્યુમૅનીટીઝની શાખાઓ, એક વામપંથી અંધાધૂંધી (Chaos)ના ગઢમાં રહીને સ્વયંને સુરક્ષિત કરીને નકલી પ્રગતિશીલતામાં ગળાડૂબ છે.
 
`વોક'નો ભોગ બનેલાઓમાંથી `ટૂકડે ગેંગ' બને એમાં; વિદ્યાર્થીઓનો જેટલો વાંક છે એના કરતાં વધુ વાંક ત્યાંના હ્યુમૅનીટીઝના પ્રોફેસરોનો છે. વામપંથના રવાડે ચઢેલા આવા પ્રોફેસરો વાસ્તવમાં પ્રોફેસરો નથી પણ વોક-ચળવળખોર (વોક-એક્ટિવિસ્ટ) છે, જેમના ઈશારે વિદ્યાર્થીઓ વિદ્યાથી ફટાઈને `વોક'ના નામે (જેમ વટલાયેલા દોઢા વિધર્મી બને..) એવી રીતે ભારતને તોડવા વધુ પડતા કટ્ટર વોક-એક્ટિવિસ્ટ બનીને રાષ્ટ્રદ્રોહી સાજીશોને અંજામ આપી રહ્યા છે.
 
(ક્રમશઃ)
 

ભાનુ ન. ચૌહાણ

"L.D. Eng. College" માંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે "CEPT University, Amadavad"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગ'માં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. હાલ તેઓ "સાધના" સાપ્તાહિકમાં સ્તંભલેખક છે.