…તેઓ જો સફળ થાય તો ભારતમાં આંતરજાતીય ટકરાવનું ગૃહયુદ્ધ ન ફાટી નીકળે તો બીજું થાય શું ?

11 Mar 2023 17:08:45

communist agenda in india
 

`વોક (Woke)' નામે વકરતો વામપંથ (5) । Communist Agenda in India

 
 
ગત અંકમાં.. હાર્વર્ડ યુનિવર્સિટીએ, CRT (Critical Race Theory)ના નામે કેવી રીતે રમખાણ મચાવ્યું તે જોયું. સિલિકોન વેલીની ઓળખ બનેલી ગુગલ, ફેસબૂક, એપલ, એમેઝોન, માઈક્રોસોફ્ટ વગેરે કંપનીઓને `વોક'ગ્રસ્ત કરીને, ભારતને કઠેડામાં કેવી રીતે ઉભું કરી દીધું તેના ભેદભરમ ખૂલ્લા પડ્યા.
 
`વોક'-પ્રપંચના આ જ રસ્તે હાર્વર્ડ યુનિવર્સિટી ભારત વિખંડન (Breaking India) માટે કેટલી નિમ્ન હદે જઈ રહી છે, જઈ શકે છે તે વર્ણવતું એક અત્યંત ચોંકાવનારું કૃત્ય જોઈએ.
 
હાર્વર્ડ યુનિવર્સિટીમાં નૃવંશશાસ્ત્રનાં એક પ્રાધ્યાપિકા છે. નામ છે- અજંતા સુબ્રમણ્યન્. તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં કાર્યરત મિત્તલ ફેમિલી ઇન્સ્ટિટયૂટ ઓફ સાઉથ એશિયન સ્ટડીઝ'માં ચાવીરૂપ ભૂમિકામાં હોઈ `બિલ્ડીંગ નેશન્સ', `બ્રેકિંગ કમ્યુનિટીઝ: ધ લોકાલીટી ઓફ કાસ્ટ વાયોલન્સ ઇન કોલોનીયલ નોર્થ ઇન્ડિયા' જેવા વિષયો પરત્વે સેમિનાર, તેમના પોતાના અધ્યક્ષસ્થાને યોજવા માટે જાણીતાં છે.
 
આ અજંતા સુબ્રમણ્યન્ના નિશાન ઉપર દેખીતી રીતે તો ભારતની તમામ IITs (ઈંડિયન ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ ટેકનોલોજી) છે. પણ વાસ્તવમાં નિશાન ઉપર છે- ઉન્નત મસ્તકે ઉભા થઈ રહેલા ભારતનું સ્વાભિમાન.
 
મૂળે ભારતીય એવાં આ બહેન (જો કે `વોક' અનુસાર કોઈને `બહેન' કહેવું એ પણ સામાજિક અપરાધ ગણાય કારણ કે, બહેન શબ્દ લૈંગિકતાસૂચક હોઈ લિંગ-નિરપેક્ષ નામની `વોક - જાગૃતિ' જોખમાય છે..) નખશીખ અમેરિકન નિયો વામપંથી એટલે કે કટ્ટર `વોક'પંથી છે. તેઓએ પોતાની ભારત વિરુદ્ધની ચળવળ ઉભી કરવા અમેરિકાના `રેસિઝમ'નો સહારો લીધો છે. જે રેસિઝમે અમેરિકાનાં લાખો- લાખો `બ્લેકસ'ને રહેંસી નાખ્યાં, તે જ રસ્તે ભારતે પણ ભારતનાં `બ્લેકસ'ને પૂરાં કરી દેવાનું શરૂ કર્યું છે, વળી, અમેરિકાની જેમ ભારતમાં તો `બ્લેક્સ' નથી. તેથી કોને `બ્લેક્સ' કહેવા તે નક્કી કરીને ભારતનું કાલ્પનિક ચિત્ર આ અજંતા સુબ્રમણ્યને મારી-મચડીને ઉભું કરવાનો પ્રયાસ કર્યો છે.
 
આ તદ્દન ભ્રામક ચિત્ર તેઓએ પોતાના તાજેતરના પુસ્તક- The Caste of Merit: Engineering Education in Indiaમાં મૂક્યું છે. તેમાં તેઓ પોતાની નિયો વામપંથી CRTને લાગુ કરવાની પોતાની મેલી મુરાદોને પાર પાડવા માટે તથ્યોના નામે, મારી-મચડીને મનઘડંત રીતે પોતાની થિયરીને પોષક-પ્રોત્સાહક પ્રતિપાદિત કરતાં કહે છે કે…
 
#૧,
 
ભારતની IITઓએ અમેરિકી રેસીઝમને જાતિવાદના રૂપમાં સંસ્થાગત બનાવી દીધું છે. એટલે કે, `institutionalised Racism in the form of Casteism' ઉભું થયું છે.
 
સચ્ચાઈ :
 
અમેરિકન `રેસીઝમ' અને ભારતની જાતિગતતાની સરખામણી જ શક્ય નથી. કારણ કે, ભારતમાં જાતિઓથી મોટી ઓળખ છે હિન્દુત્વની. મુગલ શાસન વખતેની અકલ્પ્ય મજબૂર સ્થિતિમાં જાતિભેદની માનસિકતા વિકસી. આ વિકૃત અવસ્થામાં પણ આ દેશને ગુલામીમાંથી છોડાવવા કોઈએ એવું ક્યારેય નહીં વિચાર્યું કે, અમે આ જાતિના છીએ કે બીજી જાતિના ! અસહ્ય ગુલામીકાળમાં ભારતને ભારત તરીકે ટકાવી રાખવામાં `ભક્તિ આંદોલન'ના મહત્વને કોઈ અવગણી શકે કે? આ આંદોલનને બીજા શબ્દોમાં કહીએ તો એ હિન્દુત્વનું આંદોલન જ હતું ને! આજની કહેવાતી આ પ્રગત સ્થિતિમાં પણ કોઈ ધોળો અમેરિકન; બ્લેક અમેરિકન માટે હ્રદયપૂર્વક એવું કહી શકે કે, અમારા બંનેના પૂર્વજ એક જ હતા? આ છે `રેસીઝમ'. પરંતુ અહીં (માત્ર વામપંથી-વોકપંથીને બાદ કરતાં..) સૌને એ પરમ સત્ય સ્વીકાર્ય છે કે, અમારાં સૌનાં પૂર્વજ એક જ છે. અને માટે અહીં ક્યારેય `રેસીઝમ' હતું જ નહીં. અહીં `રેસીઝમ' ઉભું થઈ શકે એ શક્ય જ નથી, કારણ કે ગમે તેટલી લાઠીઓના ગમે તેટલા પ્રહારોથી પણ પાણીને વિભાજીત કરી શકાતું નથી.
 
#૨
 
ભારતની તમામ IITs, જાતિ વિશેષાધિકારોને પુનર્સ્થાપિત કરીને તેને સ્થાયી બનાવવા જઈ રહી છે.
 
સચ્ચાઈ :
 
આ લોકતાંત્રિક દેશમાં કોઈ જ જાતિગત વિશેષાધિકારોને સ્થાન જ ક્યાં છે? જેમ સામાન્યપણે સ્વસ્થ માણસને ક્યારેય બિમારી આવી જતી હોય છે, તેમ રાષ્ટ્રદેહમાં પણ ક્યારેક નાની અમથી બિમારી જેવી કોઈ એકલદોકલ ઘટના ઘટી પણ જાય, પરંતુ આપણું રાષ્ટ્ર પોતાને સ્વસ્થ કરવા સ્વયં સક્ષમ છે, કારણ કે તે છેક ઋષિકાળથી સતત પરિવર્તનશીલ હોઈ પોતાની બિમારીનું નિવારણ તે સ્વયં કરી શકે છે, તેવું અસંખ્ય વાર સાબિત પણ થઈ ગયેલું છે. હા, તેને જ્યારે `રેસીઝમ'વાળી બિમારી જ નથી તેમ છતાં, અજંતા સુબ્રહ્મણ્યન્‌ જેવાં પોતે વિશેષજ્ઞ હોવાના વહેમમાં આવીને, આ તો બધાં `રેસીઝમ'નાં જ ચિન્હો (સિમ્ટમ્સ) હોવાનું ઠસાવીને-ઠસાવીને તે અનુસારની ખોટી દવા કરવાની ચેષ્ટા કરે તે સર્વથા ઘાતક છે.
 
#૩
 
બ્રાહ્મણો સંસ્કૃતિમૂલક સત્તાધિશો હોઈ IITs દ્વારા ઉપલી જાતિના જ વધુને વધુ એન્જિનિયરો બહાર પડતા રહે તેવું તંત્ર ગોઠવવામાં આ બ્રાહ્મણો સફળ છે.
 
સચ્ચાઈ :
 
આવા નર્યાં ગપ્પાં ભારતમાં રહેતાં કોઈનાય ગળે ઉતરે ખરાં ?
 
 
#૪
 
આ IITsમાં મેરીટ તો એક દેખાડો છે, બાકી ધાર્યું તો `કલ્ચરલ કેપિટલિસ્ટ' એવા બ્રાહ્મણોનું જ થાય છે.
 
 
સચ્ચાઈ :
 
ભારતની જે મેરીટ સીસ્ટમ છે તે આખા પશ્ચિમી જગતની છે, તો આ બહેન જે હાર્વર્ડનો ઝંડો લઈને ફરે છે, તે હાર્વર્ડની મેરીટ સીસ્ટમ સુધારવામાં કેમ તેઓને કંઈ જ રસ નથી? વાસ્તવમાં કોઈ અમેરિકનને ભારત વિશે નર્યો પાયાવિહોણો બકવાસ કરવાનો શું અધિકાર છે? એક માત્ર ભારતને જ નિશાન કેમ બનાવવવામાં આવી રહ્યો છે ? વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે માટે? આમ કરીને શું તમે અમેરિકાની `બ્લેક'વાળી સમસ્યાઓથી, તેમના પ્રત્યેના દુર્વ્યવહારથી દુનિયાનું ધ્યાન હટાવવા માંગો છો?
 
#૫
 
IITs અને તેનાં પૂર્વ ક્ષાત્રો (Alumni) મેળાપીપણામાં નીચલી જાતિના લોકોને અમેરિકાની સિલિકોન વેલી વગેરેમાં લાવીને શોષણ કરે છે.
 
સચ્ચાઈ :
 
આ મનઘડંત વાતો કોઈનેય ગળે ઉતરે તેવી નથી, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે, વિદેશ જવામાં કેટલા વીસે સો થાય છે. વાસ્તવિકતા એ છે કે, આ બહેન જેઓને ઉચ્ચ વર્ગનાં કહે છે તે સહિતનાં સૌ લોકો વિદેશમાં ગમે તેવી નિમ્ન કક્ષાનું કામ કરવાની તૈયારી સાથે લાંબી લાઈનમાં ઉભાં છે (ત્યાં પોતાનું શોષણ થાય તો ભલે થાય, ત્યાં જઈને બાજી પલટાવી દઈશું, તેવા આત્મવિશ્વાસના સહારે..). જ્યારે અમેરિકામાં જવું સૌ કોઈ માટે આટલું કઠિન હોય, તે સંજોગોમાં શું કોઈ માત્ર દલિતોનું શોષણ કરવાની પોતાની જીદને પોષવા ત્યાં અમેરિકામાં દલિતોને પહોંચતા કરવાનું મહા મુશ્કેલ કામ; કોઈ મહાન મૂર્ખ જ પોતાના માથે લઈ શકે! હદ છે ને વૈચારિક્તાના નામે વિકૃતિની?
 
#૬
 
સાંસ્કૃતિક સંઘર્ષનો સિદ્ધાંત આપનાર ફ્રાન્સીસી વામપંથી સમાજશાસ્ત્રી પીયરે બૉર્ડિયુએ કહેલું કે, પ્રતિષ્ઠિત પરીક્ષાઓ અને પ્રવર ઉચ્ચ શિક્ષણ એ 'જાતિગત ઉચ્ચ-નીચ'ને પુનર્સ્થાપિત કરવાની ખાત્રી આપે છે. આ કથન અનુસાર IITs માટેની પરીક્ષાઓથી અને IITsના અભ્યાસક્રમથી ભારતમાં `જાતિગત ઉચ્ચ-નીચ' પુનર્સ્થાપિત થયેલ છે.
 
સચ્ચાઈ :
 
જો કે આવું પ્રસ્થાપિત કરવા માટે એમની પાસે કોઈ જ પ્રકારનો ચોક્કસ પુરાવો નથી, ડેટા નથી. માત્રને માત્ર વિક્ટિમ-કાર્ડ ઉતરીને પોતાના ધાર્યા વિમર્શ ઉભા કરાવવામાં માહેર વામપંથીઓની મૂળ રીત રસમ અનુસાર આ બહેને આવા તથાકથિત વિક્ટિમ્સનાં ઇન્ટરવ્યૂ લઈને પોતાની મન મરજી મુજબનાં તારણો ઉભાં કર્યાં છે.
 
#૭
 
બ્રાહ્મણ વિદ્યાર્થી પૈસે ટકે સંપન્ન નહીં હશે તો પણ.. અને દલિત વિદ્યાર્થી સમૃદ્ધ અને શિક્ષિત પરિવારમાંથી હશે તો પણ.. IITsનું માળખું જ એવું છે કે, ત્યાં જ્ઞાતિનો વિશેષ અધિકાર જળવાયેલો જ રહેશે.
 
સચ્ચાઈ :
 
આ થિયરીને ઉલટી રીતે જોઈએ તો.. જો દલિત ગમે તે હદે શિક્ષિત થાય કે સમૃદ્ધ થાય તો પણ તેઓના જીવનમાં કોઈ જ પ્રકારનો ફર્ક જ નથી પડવાનો, શું આવું માની લેવાવાળી નકારાત્મક માનસિકતા યોગ્ય છે? જો હા, તો તો આવું માનવું કે આવું દલિતોને મનાવરાવવું તે શું દલિતોનો દ્રોહ નથી? દલિતોના આત્મવિશ્વાસને તોડી નાંખીને તેઓ કાયમી દલિત જ બની રહે તેવી CRTવાળાઓની રાષ્ટ્રવિરોધી મોટી સાજિશ ખૂલ્લી પડે છે.
 
#૮
 
IITsનું સંસ્થાગત માળખું વિખેરી દેવાથી જ નીચલો વર્ગ પોતાને થતા શોષણથી બચી શકશે.
 
સચ્ચાઈ :
 
ચાલો ઘડીભર માની લઈએ કે, IITsને તાળાં મારી દેવામાં આવ્યાં, પણ પછી તમારી વૈકલ્પિક યોજના શું છે? આવી કોઈ જ વૈકલ્પિક યોજનાનું તેમની પાસે નામમાત્રનું પણ વિઝન નથી. બેફામ વાણીવિલાસ કરવા માત્રથી કે મોટી ચોપડીઓ લખવાથી શું નીચલા વર્ગનું કલ્યાણ થઈ જશે? આમની પાસે કોઈ જ રચનાત્મક આયોજન નથી, માત્ર ભારતનાં વ્યવસ્થા-તંત્રોને ખલાસ કરીને ભારતને બેહાલ કરવા સિવાયની કોઈ વાત તેઓ પાસે નથી.
 
#૯
 
IITsમાં ગમે તેવી સમાન તકો પૂરી પાડીશું, તો પણ નીચલી જ્ઞાતિ મેરીટમાં સ્પર્ધા નહીં જ કરી શકે.
 
સચ્ચાઈ :
 
આમ કહીને શું તેઓ દલિતોને જવાબદાર ઠેરવી રહ્યાં છે? તેમને તો ગમે તે રીતે IITsનું માળખું તોડી નાંખવું છે.
અજંતા સુબ્રમણ્યન્‌ તેમના સંસ્થાગત સ્થાન અંતર્ગત લિબરલ આર્ટ્સનાં સ્વયં કલ્ચરલ કેપિટલ બની બેઠ્યાં હોવાના કારણે તેઓ જે વિશેષાધિકાર ભોગવી રહ્યાં છે, એ વિશેષાધિકાર દ્વારા તેઓ (તેમની જ થિયરી અનુસાર) ભારતનું શોષણ કરી રહ્યાં હોવાનું સિદ્ધ નથી થતું ?
 
આમ આ મહાશયા ભારતમાં જ્ઞાતિવાદ, વિભાજન અને રાષ્ટ્રવિરોધી સાપોને ઉછેરી રહ્યાં છે. તેઓ જો સફળ થાય તો ભારતમાં આંતરજાતીય ટકરાવનું ગૃહયુદ્ધ ન ફાટી નીકળે તો બીજું થાય શું ?
 
(ક્રમશ:)
 
 
Powered By Sangraha 9.0