`વોક (Woke)' નામે વકરતો વામપંથ (5) । Communist Agenda in India
હાર્વર્ડ યુનિવર્સિટીની કેનેડી સ્કૂલના સીનીયર ફેલો, આફ્રોદલિત ચળવળવાળા સૂરજ યેન્ગડે નામના મહાશય મૂળ તો ભારતના જ છે. જાહેરમાંય આકર્ષક હોય તેવા બુદ્ધિજીવી છે. તેઓ ઉભરી આવેલા એવા કેન્દ્રવર્તી ખેલાડી છે, જેઓએ ક્રિટિકલ રેસ થિયરી (CRT)ની જાળ બિછાવવાના હેતુસર, અમેરિકન `રેસીઝમ'ની વિભાજનકારી શક્તિની જે મર્યાદા છે તે મર્યાદાને પણ ઉવેખી નાખી છે. `રેસ'ના નામે `જાતિ'ની સંડોવણી એ તેમની બુદ્ધિની પેદાશ છે.
સૂરજ યેન્ગડેની ઘણી વાતોને રસપ્રદ કહેવાના બદલે ભેદપ્રદ કહેવી ઉચિત રહેશે. એક સત્ય બોલીને વિશ્વાસ ઉભો કરવો અને પછી એ વિશ્વાસના ઓથા હેઠળ કેવા-કેવા છૂપા ઉદ્દેશો પાર પાડવા, તેમની તે ચાલ સમજવા જેવી છે.
મોટા ભાગનાઓએ નહીં સાંભળેલી ભારતીય ઈતિહાસની એક વાત તેઓએ કહી, ૧૮૫૭નો ભારતનો પ્રથમ `સ્વાતંત્ર-સંગ્રામ' પ્રારંભ કરનાર મંગલ પાંડેને પ્રેરિત કરનાર હતા- માતાદીન નામના એક દલિત. આ પરમ `સત્ય' જ છે, જેમાં લેશમાત્ર પણ શંકા નથી. બંને મહાન રાષ્ટ્રભક્તોને કોટિ કોટિ વંદન. પરંતુ આ એક સત્ય વાત સાંભળીને સૂરજ યેન્ગડેને સંપૂર્ણ સત્યનિષ્ઠ માની લેવા જેવા નથી. કારણ કે તેઓએ કહેલી આ હકીકત ભલે સત્ય છે, પરંતુ તેઓની (આ ઉદાહરણ સાથે) કરેલી એવી ઘણીયે વાતો છે, જેને અસત્યનું ભારે વળગણ છે. આમ જ્યારે એક સત્ય સાથે બીજાં અસત્યો જોડાઈ જાય ત્યારે તેને આપણે (કમસે કમ એક સત્યને અન્યાય ન થાય તે કારણસર..) `અર્ધસત્ય' કહી શકીએ. હા, અને ઉપરોક્ત ઉદાહરણ આપીને, તેઓએ પોતાની અનેક અન્ય વાતો ઉમેરીને જે જાતિભેદ પ્રસ્થાપિત કર્યો છે તે તો સર્વથા `અસત્ય' છે.
આવા સુંવાળા અસત્ય માટે તેઓને સવાયા `વોક' કહી શકીએ. પરંતુ `સવાયા' શબ્દ સાંભળીનેય એમને વળી `શ્રી૧।'વાળી આપણી સાંસ્કૃતિક પરંપરા દેખાશે. અને ધર્મ દેખાશે, તેથી હિન્દુત્વ પણ દેખાશે, અને અંતે સદ્કાર્યોને સવા ગણાં વધારતાં રહેવાની આ સદ્ સંકલ્પનાવાળી પરંપરાને વ્હાઈટ (બ્રાહ્મણ) દ્વારા કરાતા શોષણના એક `માધ્યમ' તરીકે તેઓ ખપાવશે. મોટા હોબાળા સાથે તેને મોટી આફત ગણાવીને, તેઓ જેમને દલિત ગણે છે તેમને સાવધાન પણ કરશે. આમ કદાચ તેઓ પોતાને `સવાયા'ના બદલે `દોઢા' કે `ડબલ (બેવડા)' વોક કહેવડાવવાનું પસંદ કરી શકે! પણ આપણે તો `સવાયા'ના બદલે `કટ્ટર' વોક કહીએ એ પર્યાપ્ત રહેશે.
`જાતિ' એ ભારતની અંધકારયુગથી ઉપજેલી સામાજિક ફોલ્ટ-લાઈન, જે શરૂથી જ કૃત્રિમ છે. હવે ક્રમશ: નામશેષ થવા જઈ રહી છે, તેમ છતાં આપણી વિશિષ્ટ લોકશાહીનો ગેરલાભ ઉઠાવવામાં અઠગ એવી આ ભારતવિરોધી `વોક'પંથી તાકાતો ભારતના ટૂકડા કરવા માટે આ જ ફોલ્ટ-લાઈનને હાથવગું શસ્ત્ર બનાવીને ધીમી અને મક્કમ ગતિએ આગળ વધી રહી છે, તે કડવા સત્યને પણ નજરઅંદાજ ન કરી શકીએ.
આ સૂરજ યેન્ગડે અને એમની ભેદભૂમિ હાર્વર્ડ યુનિવર્સિટીના `વોક'પંથીઓ કેવા કેવા નુસખા અજમાવીને કેવા મોટા ખેલ પાડી રહ્યા છે? તેઓ કેટલાક અમેરિકન બ્લેક નેતાઓને અને મહત્વાકાંક્ષી કથિત યુવા દલિતોને ભેગાં કરીને ભારતને કઠેડામાં ઊભું કરવા મથી રહ્યા છે. આ હેતુને પાર પાડવા માટે જધન્ય નરસંહારો - જિનોસાઈડનું કારણ બનેલ પાશ્ચિમાત્ય `રેસ'નામના પાશવી બીબામાં ભારતની `જાતિ'ને ઢાળવાનાં કારસ્તાન મોટા પાયે ઘડવામાં આવી રહ્યાં છે.
હાર્વર્ડ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સ્થાપિત સત્ય તરીકે `ક્રિટિકલ રેસ થિયરી'ના નામે `ક્રિટિકલ દલિત થિયરી'ને ઠોકી બેસાડવામાં આવી રહી છે. આ અભ્યાસક્રમ થકી અમેરિકામાં જેમ `બ્લેક મૂવમેન્ટ' ચાલી રહી છે તેમ ભારતમાં `દલિત મૂવમેન્ટ' ચલાવવા માટેનો કારસો ઘડી કાઢવામાં આવી રહ્યો છે.
જુઓને.. આ કારસ્તાનના ભાગરૂપે નકલ કરવાનો કેવો તો સિલસિલો શરૂ કરવામાં આવ્યો છે! `બ્લેક હેરિટેજ મંથ'ની જેમ `દલિત હેરિટેજ મંથ', `બ્લેક લાઈવ્ઝ મેટર મૂવમેન્ટ'ની જેમ `દલિત લાઈવ્ઝ મેટર મૂવમેન્ટ', `બ્લેક પેન્થર પાર્ટી'ની જેમ `દલિત પેન્થર્સ ઓગનાઈઝેશન' વગેરે વગેરેની શરૂઆત થઈ ચૂકી છે.
ભારત પ્રત્યેની નફરત સ્થાપિત કરવા કેટલાં ઊંડાં મૂળિયાં રોપવામાં આવ્યાં છે? `એટ્રોસીટી લિટરેચર' નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેનો ઉપયોગ ડેટાબેઝ તરીકે કરવામાં આવી રહ્યો છે, જેના આધારે `આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અલગોરિધમ' તેમની ઈચ્છા મુજબનાં તારણો (જાહેરપણે અધિકૃતતાનો અંચળો ઓઢીને) આપતાં થઈ જાય તેવી પણ ગોઠવણ પાર પાડવામાં આવી છે.
આ સૂરજ યેન્ગડે પોતાનો સ્વાર્થ સાધવા શ્રદ્ધેય આંબેડકરજીનું નામ કઈ હદે વટાવી રહ્યા છે એ પણ જોવા જેવું છે.
`વર્ણ' જન્મ આધારિત નથી તેવી વેદોની વાતને શ્રદ્ધેય આંબેડકરજી વળગી રહેલા છે અને આંબેડકરજી એવું પણ કહી ચૂક્યા છે કે, સમય જતાં `વર્ણ', જન્મ આધારિત થયા. શ્રદ્ધેય આંબેડકરજીના આ સત્યને સૂરજ યેન્ગડે સ્વીકારે છે. એટલું જ નહીં સૂરજ યેન્ગડે સ્વયંને શ્રદ્ધેય આંબેડકરજીના ચુસ્ત વારસદાર ગણાવે છે. પરંતુ જ્યારે તેઓ પોતાની આખીય થિયરીની ખોખલી ઈમારત, `આર્યો બહારથી આવેલા' એ મનઘડત પશ્ચિમી અસત્યના પાયા પર ઉભી કરે છે, ત્યારે એમને શ્રદ્ધેય આંબેડકરજી યાદ આવતા નથી. ઉપરોક્ત મનઘડત પશ્ચિમી અસત્યના પાયાને ધરાશયી કરતી વખતે શ્રદ્ધેય આંબેડકરજીએ જે કહેલું છે તે આ સૂરજ યેન્ગડેને ધરાર માન્ય નથી.
શ્રદ્ધેય આંબેડકરજીએ કહેલું છે કે, `એ વિચારવું પણ જૂઠ છે કે, આર્ય આક્રમણકારીઓએ શૂદ્રો ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. સૌ પહેલી વાત તો એ છે કે, એ વાતનું કોઈ પ્રમાણ નથી મળતું કે, આર્યો ભારતમાં બહારથી આવ્યા હતા અને તેમણે અહીંના નિવાસીઓ પર આક્રમણ કર્યું હતું. એ વાતની પુષ્ટિ માટે પ્રચુર પ્રમાણો છે કે, આર્યો ભારતના મૂળ નિવાસી હતા.
શુદ્ર આર્ય લોકોમાં જ સૂર્યવંશી હતા. ભારતીય `આર્ય સમાજજીવન'માં શુદ્રોની ગણના ક્ષત્રિયોની સાથે જ કરવામાં આવતી હતી.
હિન્દુફોબિયામાં આવીને એક બાજુ સૂરજ યેન્ગડે કહે છે કે, હિંદુઈઝમ ૧૯મી સદીના મધ્ય પહેલાં હતું જ નહીં, પરંતુ બીજી બાજુ તેનાથી સાવ વિપરીત (હિંદુઈઝમને ફટકાર લગાવવાના ઉદ્દેશથી) તેઓ કહે છે કે, છેક પુરાતન કાળથી હિંદુઈઝમે જાતિ પ્રથા શરૂ કરેલી.
`વોક' વિશે આવાં તમામ અવલોકનો પછી ઉજાગર થયેલ સત્યાસત્યનાં વિસ્તૃત લેખાં-જોખાં કરાયેલાં હોય તેવું એક કુલ ૮૧૨ પાનાંનું દળદાર પુસ્તક પ્રકાશિત થયેલું છે, જે આ લેખ અને આ સ્તંભ હેઠળના છેલ્લા બે લેખોનો ('વોક' અંગેના અવલોકનોનો) આધાર બન્યું છે, જેનાં લેખકો છે- શ્રી રાજીવ મલ્હોત્રા અને બહેન શ્રી વિજયા વિશ્વનાથન. અને તેનું નામ છે- `સ્નેકસ ઈન ધી ગંગા - બ્રેકિગ ઇન્ડિયા ૨.૦.'
આપણા અનંત સાંસ્કૃતિક - સામાજિક પ્રવાહના સર્વનાશ માટે વિદેશપ્રેરિત તાકાતો આજે અગાઉ કરતાં વધુ સંગઠિત છે, સશક્ત છે અને પ્રતિબદ્ધ પણ છે. આ તાકાતોમાં ભારતદ્વેષી ભારતીય લોકોની સામેલગીરીવાળી તાકાતની મિલીભગત, આપણા રાષ્ટ્ર માટે `ઘરનો બળ્યો ગામ બાળે' એ કહેવતને મુખરિત કરે છે. આવી વૃત્તિ-પ્રવૃત્તિ રાષ્ટ્ર માટે વધુ ગંભીર અને અસહ્ય બનતી હોય છે. આ તાકાતો પરસ્પર સુસંકલિત, આર્થિક રીતે સુપોષિત અને આંતરરાષ્ટ્રીય હુમલાઓ માટે સુસજ્જિત છે.
પેલી કહેવત છે ને કે, `પાડુ ખિલાના જોરે કૂદે.' તે રીતે આ બધી તાકાતો હાલ તો અમેરિકાની ગણમાન્ય ગણાતી યુનિવર્સિટી હાર્વર્ડના જોરે કૂદી રહી છે. એ કૂદનાર તાકાતોને ભલે મજા આવતી હોય, પરંતુ વાસ્તવમાં ખિલા સાથેનું વળગણ એ એમનું બંધન છે. આ વિદેશીઓની ગુલામીનું બંધન છે. હાર્વર્ડના હાથા બનેલ, હાર્વર્ડથી નિકાસ કરાયેલ આ ગુલામ-ગેંગના ઝેરીલા સાપો હંમેશાં `સોશિયલ જસ્ટિસ થિયરી'વાળા ફૂફાડા મારી-મારીને ભારતનાં અગ્રિમ શૈક્ષણિક સંસ્થાનોમાં, જ્યાં જ્ઞાનગંગા વહી રહી છે તેમાં પ્રવેશી ચૂક્યા છે. ગંગામાં ક્યારેય સાપો નહોતા, હોઈ પણ ન શકે, -એવું માનનારાં ખરેખર તો અજાણ છે - બેધ્યાન છે. તેથી આ ગંગામાં પ્રવેશીને, અડ્ડો જમાવી ચૂકેલા આ આયાતી સાપોનો સસ્તો શિકાર આવાં અજાણ લોકો જ થઈ રહ્યાં છે. સૌ અજાણને જાણકારી મળે તે માટે આ પુસ્તક વરદાનરૂપ છે.
આવા સાપોને ઉછેરનારા ભારતના કેટલાક ઉદ્યોગપતિઓ અને ભારતમાં સરકારી રાહે નિયુક્ત કરવામાં આવતા કેટલાક ઉચ્ચ હોદ્દા ઉપર ચૂપચાપ ગોઠવાઈ ગયેલા આવા સાપો પર રહસ્યનો જે પડદો હતો તેને આ પુસ્તકે ચીરી નાખ્યો છે.
આ પુસ્તક `વોકેઝમ' તરીકે ફૂલીફાલી રહેલી CRT અને વામપંથ (માર્ક્સવાદ)ને સાંકળતી તમામ કડીઓનો પર્દાફાશ કરી રહ્યું છે.
આ પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ છે- વોકપંથી ભારતવિરોધીઓની અસલીયતને ખુલ્લી પાડવી.
ભારતવિરોધી ગતિવિધિઓને નિરસ્ત કરવા કેવી ષ્ટિ હોવી જોઈએ તે અંગે લેખકનું તારણ છે કે, આવી ગતિવિધિઓ સામે પ્રતિક્રિયા (re-action)થી નહીં, પરંતુ આવી ગતિવિધિઓ અસરકારક બને તે પૂર્વે પૂર્ણ આયોજિત સ્વયં આરંભિત કાર્ય (pro-action) થકી લડીને જ ભારતને પરાસ્ત થતું બચાવી શકાશે.
( ક્રમશઃ )
संदर्भ - डॉ. अम्बेडकर - सम्पूर्ण वाड्मय
प्रकाशक - डॉ.अम्बेडकर प्रतिष्ठान, सामाजिक न्याय और अधिकारिता मंत्रालय, भारत सरकार (पहला संस्करण : 1993 )