સંઘને સમજવો છે તો પહેલા ડો. હેડગેવારજીને જાણવા આવશ્યક છે. - ડૉ. મોહનરાવ ભાગવત-

આ શ્રેણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજ્ય સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવત દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતે ભારતભરમાંથી પધારેલા પ્રબુદ્ધજનો અને સમાજના વિવિધક્ષેત્રના અગ્રણીઓને કરેલ ત્રિદિવસીય પ્રવચન (૧૭/૧૮/૧૯/ સપ્ટેમ્બર ૨૦૧૮) અને સંવાદનું સંકલન છે.

    ૨૨-માર્ચ-૨૦૨૩
કુલ દૃશ્યો |

Keshavrao Baliram Hedgewar 
 
 
વ્યાખ્યાનમાળા – ૧ ભવિષ્યનું ભારત – સંઘનો દૃષ્ટિકોણ | ભાગ ૧

સંઘ સ્થાપક ડો. હેડગેવાર । Keshavrao Baliram Hedgewar

 
સંઘને સમજવો છે તો પહેલા ડો. હેડગેવારને જાણવા આવશ્યક છે. તે સંઘના નિર્માતા હતા. સંઘમાં અમે કહીએ છીએ કે ડો.હેડગેવારે પોતાને બીજ રૂપે માટીમાં ભેળવી સંઘના વૃક્ષને મોટું કર્યું. તેથી સંઘના બધા કાર્યમાં ડો.હેડગેવારના માનસનું પ્રતિબિંબ મળે છે. ડો. હેડગેવારને જાણ્યા વિના સંઘને સમજવો મુશ્કેલ છે, સંભવ નથી. આજે જો આપણે સંઘને જોઈશું તો ડો. હેડગેવારનું માનસ શું હતું તેની ઝલક મળી શકે છે. તેથી સમજનારે ત્યાંથી પ્રારંભ કરવો પડે છે. નાગપુરના એક કનિષ્ઠ મધ્યમવર્ગીય પુરોહિત પદે પોતાનો ઉદર નિર્વાહ કરનારા વેદજ્ઞ પરિવારમાં ડો.હેડગેવારનો જન્મ થયો. ઘરની પરિસ્થિતિ કંઈ બહુ સંપન્ન નહોતી. ત્રણ ભાઈ હતા, આ સૌથી નાના હતા. તે સમયે સ્વતંત્રતાની વાત સમાજમાં ચાલવા લાગી હતી. નાગપુરમાં અંગ્રેજોના આવતા પહેલાં ત્યાંના રાજા ભોસલે હતા. તેમનું રાજ્ય કેવી રીતે છીનવી લેવામાં આવ્યું તેની ચર્ચા લોકકલાઓમાં કલાકાર અને મંદિરોમાં કથાવાચક, કોઈ ને કોઈ નિમિત્તે કરતા હતા. આ વાતાવરણમાં બાળપણથી જ ડો.હેડગેવાર સ્વતંત્રતાની આકાંક્ષા લઈને ઉછર્યા.
 
ડો. હેડગેવારનું વિદ્યાર્થી જીવન
 
અમે તેમને જન્મજાત દેશભક્ત કહીએ છીએ કારણ કે જ્યારે તે પ્રાયમરી સ્કૂલમાં હતા, એ સમયથી આવું દેખાતું હતું. વિક્ટોરિયા રાણીના રાજ્યારોહણ સમારોહની જ્યુબિલી ભારતમાં પણ મનાવવામાં આવી. બ્રિટિશોનું રાજ્ય હતું તેથી બધી શાળાઓમાં કાર્યક્રમ થવા અનિવાર્ય હતા, તે થયા. તેમની શાળામાં પણ કાર્યક્રમ થયો, તે એ સમયે ત્રીજા ધોરણમાં ભણતા હતા. એ નિમિત્તે મીઠાઈ વહેંચવામાં આવી, તેમણે તે મીઠાઈ લઈ કચરામાં ફેંકી દીધી. તેથી શિક્ષકે તેમને પૂછ્યું કે શું તને મીઠાઈ ભાવતી નથી, તો તે કચરાટોપલીમાં ફેંકી દીધી ? એમણે જવાબ આપ્યો કે આપણું રાજ્ય છીનવીને ગુલામ બનાવનારાઓના રાજ્યારોહણ સમારોહની મીઠાઈ આપણા માટે મીઠાઈ કેવી રીતે હોઈ શકે છે અને આ દિવસ આપણા માટે ઉત્સવનો દિવસ કેવી રીતે હોઈ શકે છે ? આ દિવસ તો શોકનો દિવસ છે. પ્રાયમરી સ્કૂલમાં ભણવાની અવસ્થામાં આ પ્રકારના વિચાર-વિશ્વમાં આ બાળક રહેતું હતું. તેમનું માનસિક સ્તર (Mental Makeup) જન્મથી કેવું હતું એ બતાવનારી વાત છે. આગળ મુશ્કેલ પરિસ્થિતિમાં તેમને ભણવું પડ્યું. જ્યારે તે૧૧ વર્ષના હતા ત્યારે નાગપુરમાં પ્લેગની બિમારી ચાલી રહી હતી. રોગીઓની સેવામાં તેમના માતા- પિતા બંને લાગેલા હતા, એ સમયે તે બંને પણ પ્લેગ ગ્રસ્ત થઈ ગયા અને એક જ દિવસે બંનેનો દેહાંત થઈ ગયો. ઘરમાં કમાણીનું કોઈ સાધન નહોતું, તેથી અત્યંત દરિદ્રતાની સ્થિતિમાં તેમને પોતાનો અભ્યાસ પૂરો કરવો પડ્યો. આ કઠિન પરિસ્થિતિમાં પણ કેશવ હેડગેવાર, જે આગળ જતા ડૉકટર બન્યા, તેમના જીવનમાં બે વાતો છૂટી નહીં. એક તો પોતાના અભ્યાસમાં પોતાની શાળાના પહેલા દસ બાળકોમાં આવવું અને બીજી વાત, દેશ માટે જે કોઈ પ્રયત્ન થઈ રહ્યા હોય તેમાં તન-મન પૂર્વક સહભાગી થવું. સાર્વજનિક જીવનની દીક્ષા બાળપણથી જ તેમના જીવનમાં પ્રવેશ કરી ગઈ.
 
આગળ જતાં વંદે માતરમ આંદોલન ચાલ્યું,એ આંદોલનને નાગપુરના વિદ્યાલયોમાં સંગઠિત કરવાનું કામ કરતી અગ્રણી ટોળીમાં ડૉ.હેડગેવાર હતા. સ્કૂલ નિરીક્ષણ (ઈન્સપેક્શન) માટે ઈન્સપેક્ટર જ્યારે આવતા તો પ્રત્યેક વર્ગમાં તેમનું સ્વાગત વંદે માતરમ્ની ઘોષણાથી થતું હતું. સ્વાભાવિક છે કે એ સમયની સ૨કા૨ વીફરી. તેમણે નાગપુરની બધી શાળાઓ બંધ કરી દીધી અને આ બધુ કરનાર કોણ છે એની શોધ શરૂ કરી. પણ એમણે એટલું અદ્ભુત સંગઠન બનાવ્યું હતું કે ચાર મહિના થઈ ગયા તો પણ કોઈ નામ બહાર આવ્યું નહીં. અંતે પછી વિદ્યાર્થીઓના વાલી, સરકારી અધિકારી બધાએ મળીને એક સમાધાન (Compromise) કર્યું કે વિદ્યાલય ખોલવું. બાળકો વિદ્યાલયમાં પ્રવેશ કરે તે સમયે ગેટ ૫૨ હેડમાસ્ટર ઊભા રહેશે અને દરેકને પૂછશે કે ભૂલ થઈ છે ને ? તો મુંડી હલાવીને હા કહેવાનું. આટલી નામમાત્રની ક્ષમા (Nominal Apology) માંગવાની સાથે પ્રવેશ મળશે. પણ નાગપુરના બે વિદ્યાર્થીઓએ આ નામમાત્રની ક્ષમા (Nominal Apology)નો પણ ઈન્કાર કર્યો હતો. તેમાં એક કેશવ હેડગેવાર હતા. તેથી તેમને શાળામાંથી કાઢી મૂકવામાં (Rusticate) આવ્યા. આવા આંદોલનોમાં જેમનું ભણવાનું છૂટી જતું હોય તેમના માટે એ સમયના આપણા નેતાઓએ રાષ્ટ્રીય વિદ્યાલય ચલાવ્યા. એ રાષ્ટ્રીય વિદ્યાલયમાં એ ભણ્યા અને મેટ્રિક્યુલેશનની પરીક્ષામાં ખાનગી સ્તરે ઉપસ્થિત (Appear) થઈને પ્રથમ શ્રેણી (First Class)માં પાસ થઈ ગયા.
તેમની સક્રિયતા અને તેમના દિલની આ ચિંગારી નાગપુરના તત્કાલીન નેતાઓને દેખાતી હતી તેથી તેઓએ તેમને કલકત્તાના નેશનલ મેડિકલ કૉલેજમાં ભણવા માટે, થોડી ઘણી આર્થિક સહાયતા ભેગી કરીને ભણવા માટે ત્યાં મોકલી દીધા. ભણવાનું તો બહાનું હતું, મુખ્ય ઉદ્દેશ હતો કે કલકત્તામાં દેશભરના ક્રાંતિકારીઓની (Coordination Committee) અનુશીલન સમિતિ સાથે જોડાવું જેથી તેના સંપર્કમાં રહીને જ્યારે તે ફરીથી રજાઓમાં નાગપુર આવે ત્યારે ક્રાંતિ કાર્યને સેન્ટ્રલ પ્રોવિંસ અને બેરારના વિસ્તારમાં સ્થાપિત કરવો આ બંને કામ ડૉકટર સાહેબે ખૂબ સારી રીતે કર્યા. મૅડિકલ કૉલેજની અંતિમ પરીક્ષા પણ પ્રથમ શ્રેણીમાં પાસ કરી અને આ ચાર વર્ષોમાં અત્યંત આકરી પરીક્ષાઓ આપી એ ક્રાંતિકારક સમિતિની કોર કમિટીમાં તેમનો પ્રવેશ થયો. તે સમયે તેમનું કુટનામ (Code name) કોકેન હતું. રાજસ્થાનથી આંધ્ર સુધી કાંતિકારીઓને વસાવવા, તેમની આજીવિકાની વ્યવસ્થા કરવી, તેમને શસ્ત્ર વગેરે આપવા આ બધું કામ સંગઠકના નાતે તેમણે કર્યું. આગળ જતાં આ ક્રાંતિકારી આંદોલનનું એ ચરણ નિષ્ફળ થઈ ગયું. શસ્ત્ર લાવનારા જહાજ ભારતના કિનારે જ પકડાઈ ગયા. અંદરના સૂત્ર પણ પકડાઈ ગયા. પછી તો આ બધું સમેટવાનું કામ પણ એમણે કર્યું.
 
આ સમયગાળામાં તેમણે આ સંકલ્પ લીધો કે આ જીવનમાં માત્ર પોતાના દેશ માટે જ જીવવાનું છે, બીજું કશું કરવાનું નથી. કોલેજની પરીક્ષા પાસ થતાં જ પ્રિન્સિપાલે તેમને કહ્યું કે તું જો જવા ઈચ્છતો હોય તો બ્રહ્મદેશ (બર્મા)માં, તારા માટે એક સારી નોકરી છે, ત્રણ હજાર રૂપિયા વાર્ષિક વેતન મળશે. ડો. હેડગેવારે કહ્યું કે મેં નોકરી નહીં કરવાનો નિશ્ચય કર્યો છે અને તે નાગપુર પાછા આવી ગયા. એ જમાનામાં આખા વિસ્તારમાં ૭૫-૧૦૦થી વધારે ડૉકટર્સ નહોતા. જો પ્રેક્ટિસ કરતા તો ઘણા પૈસા કમાતા. પણ એમણે તો નક્કી કર્યું હતું કે પૈસા કમાવવા નથી અને દેશના કામમાં પૂર્ણપણે લાગી જવું છે. પણ ડૉકટર બનીને આવ્યા, તેથી લગ્ન માટે પ્રસ્તાવ પણ આવવા લાગ્યા. તેમણે પોતાના કાકાને પત્ર લખ્યો. તેમના વાલી તે જ હતા, માતા-પિતા તો હતા નહીં. કાકાને પત્ર લખ્યો કે મેં આ જીવનમાં આજીવન બ્રહ્મચારી જીવનનું પાલન કરીને દેશના માટે જીવન જીવવાની પ્રતિજ્ઞા કરી છે. મારે લગ્ન વગેરે કરવું નથી. તો પછી પ્રસ્તાવ આવવાના બંધ થઈ ગયા.
 
સાર્વજનિક જીવનમાં ડૉકટરજી
 
એ સમયે આંદોલન કેવળ એકમાત્ર માર્ગ હતો. આપણા દેશના લોકોએ મળીને, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરી હતી, તેના તે વિદર્ભ પ્રદેશના કાર્યકર્તા બન્યા. મુખ્ય કાર્યકર્તાઓમાં તેમની ગણના થતી હતી. એ સમયે અસહકાર આંદોલન શરૂ થઈ ગયું. તેના માટે પ્રચાર કરવાનો હતો. ગામે- ગામ જવું, પગે ચાલીને જવું કે બળદગાડામાં જવું. એ દિવસોમાં વાહન-વ્યવહારના સાધનો આજ જેવા નહોતા. ઘણો પરિશ્રમ કરી તેમણે લોકોને જગાવવાનો પ્રયત્ન તેણે કર્યો. તેમના ભાષણોના કારણે તે પકડાઈ ગયા. તેમના પર રાજદ્રોહ (Sedition)નો આરોપ લાગ્યો અને નાગપુરની એક કોર્ટમાં અભિયોગ (Case) ચાલ્યો. કેસમાં તેમણે પોતાનો બચાવ પક્ષ (Defence) મુક્યો. એ દિવસોમાં આંદોલનમાં લોકો પોતાનો બચાવ પક્ષ (Defence) રાખતા નહોતા, જે સજા થતી તેનો સ્વીકાર કરતા હતા. પણ તેમણે કહ્યું કે સજા તો હું સ્વીકારીશ, પણ બચાવ (Defence)માં મારો મત પણ મૂકીશ. એ સમયે કોર્ટમાં પત્રકાર પણ આવતા હતા, જનતા પણ આવતી હતી તેથી તેમણે પોતાના ભાષણ દ્વારા પોતાનો વિષય મૂકવાનો નિર્ણય કર્યો. એમણે ભાષણનો પ્રારંભ અહીંથી જ કર્યો કે કયા કાયદા હેઠળ અંગ્રેજોને ભારત વર્ષ પર રાજ્ય ક૨વાનો અધિકાર મળે છે ? આવો કાયદો જો ક્યાંય હોય તો બતાવો. હું આપના આ અધિકારને માનતો નથી, આપના કાયદાને પણ માનતો નથી, આપના ન્યાયને પણ માનતો નથી. મેં મારા લોકોને કશું જ ખોટું જણાવ્યું નથી. પોતાના સમાજના લોકોને મેં જાગરૂક કર્યા છે. સ્વતંત્રતા મનુષ્યનો અધિકાર છે. સ્વતંત્ર કેવી રીતે થવું, સ્વતંત્ર કેવી રીતે રહેવું અને પોતાની સ્વતંત્રતાની સાથે પોતાનું જીવન કેવી રીતે વીતાવવું, એના વિશે મેં મારા ભાષણોમાં કહ્યું છે. આને જો રાજદ્રોહ સમજીને મને અને મારા જેવા લોકોને પકડીને જેલમાં નાખવાનું ષડયંત્ર જો અંગ્રેજ સરકાર કરી રહી છે તો અંગ્રેજ સ૨કારે પણ સમજવું જોઈએ કે પોતાના બોરિયા-બિસ્તર સમેટીને આ દેશમાંથી જવાનો તેમનો સમય નિકટ આવી ગયો છે. જજે તેમને એક વર્ષની સશ્રમ કારાવાસની સજા આપતી વખતે કહ્યું કે જે ભાષણો માટે તેમના પર આરોપ મૂકવામાં આવ્યો છે તેના કરતા વધારે જ્વાલાશીલ, ભડકાઉ ભાષણ તો તેમનું બચાવનું ભાષણ છે.એક વર્ષ માટે જેલમાં ગયા. જેલમાં જતી વખતે તેમને વિદાય આપવા લોકો આવ્યા, કોર્ટ અને પોલીસ લાઈન તથા જેલ સુધી પહોંચવાની વચમાં એક નાની સભા પણ થઈ ગઈ. તે સમયે તેમના મનમાં જે વિચાર ચાલી રહ્યા હતા તેની ઝલક તેમના એ સમયના ભાષણાં મળે છે. જેલમાંથી છૂટચા પછી પણ તેમની એક અભિનંદન સભા થઈ, જેની અધ્યક્ષતા મોતીલાલ નહેરુ કરી રહ્યા હતા. એ સમયે ડો.હેડગેવારે પોતાના ભાષણમાં કહ્યું કે માત્ર જેલમાં જવું જ દેશભક્તિ છે, એવું માનવાને કોઈ કારણ નથી. જેલમાં જવું પડે છે તો જેલમાં પણ જઈશું, પણ બહાર રહીને લોકોના મનમાં સ્વતંત્રતાનો અર્થ, સ્વતંત્રતા પ્રાપ્તિ માટે કરવાના પ્રયત્ન, એના વિશે જાગૃત કરવા એ પણ દેશભક્તિ છે. તેમણે કહ્યું કે એક વર્ષ હું કારાવાસમાં રહ્યો તો મારું તો વજન વધી ગયું, મારા ઉપર કોઈ દુષ્પરિણામ નથી થયું. પણ મને વિશ્વાસ છે કે અમારા જેવા લોકોની અનુપસ્થિતિમાં આ કામ તો ચાલ્યું જ હશે. તેમણે ફરીથી પોતાના જાગૃતિના કાર્યનો પ્રારંભ કર્યો.
 
હવે આપણે થોડા પાછળ જઈશું કારણ કે આ બધા કામ કરતી વખતે દેશના સાર્વજનિક જીવનમાં ડો.હેડગેવારનો સંબંધ બધે જ આવતો હતો. તેમનો સ્વભાવ એવો હતો કે કોઈની વિચારધારા અલગ છે, અથવા વિરોધી પણ છે તો પણ જ્યાં સુધી સામેવાળો પ્રામાણિક છે, દેશના કલ્યાણની ભાવના લઈને કામ કરી રહ્યો છે ત્યાં સુધી તેમનો કોઈ વિરોધ એમની સાથે થતો નહોતો. બધા પ્રકારની વિચારધારાના લોકો તેમના સારા મિત્ર હતા. તે સમયે નાગપુરમાં બીજા એક કમ્યુનિસ્ટ નેતા હતા – બેરિસ્ટર રુઈકર. સારા બેરિસ્ટર અને ધનવાન વ્યક્તિ હતા. નાગપુરના મજૂરોના નેતાના રૂપમાં તેમની પ્રસિદ્ધિ હતી. ડો.હેડગેવાર તેમના સારા મિત્ર હતા. ડૉ.હેડગેવારની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી. ડૉ.સાહેબ તેમને મજાકમાં કહેતા હતા કે, ‘I am a poor capitalist and you are a rich labourer.' એવી એમની મજાક ચાલતી રહેતી. એકવાર તેમણે બેરિસ્ટર રુઈકરને પૂછ્યું કે જો કાલે સવારે હું આપના ઘરે આવીને આપને એ સમાચાર આપું કે અંગ્રેજોનું રાજ ચાલ્યું ગયું છે અને ફરીથી શિવાજી મહારાજનું રાજ્ય સર્વત્ર શરૂ થઈ ગયું છે તો આપ શું કરશો ? બેરિસ્ટર રુઈકર સાહેબે કહ્યું આ કંઈ પૂછવાની વાત છે. હું તો હાથી પર બેસી પેંડા વહેંચાવડાવીશ. તો ડો.હેડગેવારે કહ્યું કે આનો અર્થ એ છે કે આપને પણ ત્યાં જ જવું છે જ્યાં અમારે જવું છે. તો અંદરોઅંદર ઝઘડા શા માટે કરીએ છીએ, આપણે મળીને કેમ નથી ચાલતા ? નાની-મોટી તાત્વિક વાતોને લઈને આટલા વિવાદ શા માટે ઊભા કરીએ છીએ ? તેમનું માનસ (Mind Set) આવું હતું. આ કારણે બધા પ્રકા૨ના લોકો સાથે તેમની ચર્ચાઓ થતી રહેતી હતી. હવે આ બધા પ્રકારના લોકો એટલે ચાર પ્રકારના લોકો હતા. મારા થોડાઘણા અભ્યાસ પરથી મને એવું લાગે છે.
 
સમાજ જાગૃતિની ચાર ધારાઓ
 
૧૮૫૭માં દેશને સ્વતંત્ર કરાવવાનો એક ઘણો મોટો પ્રયત્ન ભારતવર્ષમાં થયો હતો અને તે નિષ્ફળ નીવડ્યો. નિષ્ફળ થયા પછી આપણા દેશમાં અને મુખ્ય લોકોના મનમાં ચિંતન શરૂ થયું કે આપણો દેશ, આપણી આટલી પ્રચંડ સંખ્યા, આપણી પાસે પણ સેના, રાજા-મહારાજા બધું જ છે. અંગ્રેજ લોકો મુઠ્ઠીભર છે, તે પણ બહારથી આવ્યા છે. છતાં પણ તે જીત્યા અને આપણે હાર્યા આવું કેવી રીતે થયું ? આવું કશું ચિંતન-મંથન કરી સમાજ જાગૃતિના જે પ્રયત્નો પછી શરૂ થયા તેની સામાન્ય રીતે ચાર મુખ્ય ધારાઓ દેખાય છે.
 
એક ધારા જે કહેતી હતી કે એક પ્રયાસ નિષ્ફળ નીવડ્યો તો શું થયું. આ જ માર્ગે એટલે કે સશસ્ત્ર સંઘર્ષ માર્ગ પર જ આગળ વધવું જોઈએ. તેથી પાછળથી ક્રાંતિકારીઓનો માર્ગ શરૂ થયો, ગદરના પ્રયત્ન થયા. પછી ક્રાંતિકારીઓની નાની-નાની ટોળી બની. તેમણે કશું કર્યું. ૧૯૪૫માં સુભાષ બાબુના વિમાન અકસ્માતમાં અંતરધ્યાન થઈ જવા સુધી આ ધારા ચાલી. એ ધારાએ દેશ માટે પોતાનું સર્વત્ર ન્યોછાવર કરનારા અનેક પ્રકારના મહાપુરુષ આપણને આપ્યા, આજે પણ આપણે તેમનું સ્મરણ કરીએ છીએ અને તેમના જીવનમાંથી પ્રેરણા લઈએ છીએ. હવે આપણો દેશ સ્વતંત્ર છે તો તેનું પ્રયોજન નથી.
બીજી એક ધારા એ નીકળી કે આપણા દેશના લોકોમાં આ રાજનૈતિક સમજ ઓછી છે. સત્તા કોની છે, તેનું શું મહત્ત્વ છે એ લોકો ઓછું જાણે છે. આપણા દેશના લોકોમાં રાજનૈતિક જાગૃતિ લાવવી જોઈએ અને તેથી કોંગ્રેસના રૂપમાં એક મોટું આંદોલન આખા દેશમાં ઊભું થયું. તેમાં પણ અનેક સર્વસ્વ ત્યાગી મહાપુરુષ, જેમની પ્રેરણા આજે પણ આપણા જીવનની પ્રેરણાના રૂપમાં કામ કરે છે, એવા પેદા થયા અને દેશની સર્વસામાન્ય વ્યક્તિને સ્વતંત્રતા માટે રસ્તા પર લાવીને ઊભી કરવાનું કામ એ ધારાએ કર્યું છે. આપણી સ્વતંત્રતા પ્રાપ્તિમાં એક મોટું યોગદાન એ ધારાનું છે. દેશનું જીવન આગળ ચાલે છે તો રાજનીતિ તો થાય છે જ, આજે પણ તે ચાલી રહી છે. હવે આખા દેશની એક રાજનીતિક ધારા રહી નથી, અનેક પાર્ટીઓ છે, અનેક પક્ષ છે. અને હવે તેની સ્થિતિ શું છે ? તેના વિશે કશું નહીં કહું. આપ સમજી લો કે શું છે ? કેવું છે ? આખી વાત આપ જોઈ જ રહ્યા છો.
 
ત્રીજી એક ધારા હતી જે કહેતી હતી આપણા સમાજમાં જ સુધારાની આવશ્યકતા છે. આટલા બધા સ્વાર્થ છે, આટલા બધા ભેદ છે. એક-એક વ્યક્તિનું ચારિત્રિક સ્ખલન છે. અંદરોઅંદર ભાષાના, પ્રાંતના, જાતિ, ઉપજાતિના આટલા ભેદ છે, સમાજમાં નિરક્ષરતા છે, સમાજ દરિદ્ર છે. આ બધી વાતોને દૂર કર્યા વિના આપણે અંગ્રેજોની સામે ઊભા રહી સામનો કરવાની શક્તિ રાખી શકતા નથી. તેથી સમાજ સુધા૨માં પણ ઘણા એવા પ્રાતઃસ્મરણીય મહાપુરુષ થઈ ગયા, જેમનું નામ આપણે આજે પણ લઈએ છીએ. તેમનો આદર્શ આપણા જીવન માટે આપણી સામે રાખીએ છીએ. આ ધારા ચાલી અને આજે પણ થોડી ઘણી ચાલી જ રહી છે. પણ સાગરમાં દ્વીપ જેવી તેમની સ્થિતિ થઈ ગઈ છે, તેમણે જે સમાજ સુધાર સૂચવ્યા અને થોડી માત્રામાં સમાજમાં પરિવર્તન લાવીને દેખાડ્યું ત્યાં સુધી સીમિત થઈ ગયું. સમગ્ર સમાજના સ્વભાવમાં, આચરણમાં તે પરિવર્તન આવ્યું નહીં. તેમના સપના હજુ અધૂરા છે.
 
ચોથી એક ધારા જે કહેતી હતી કે જુઓ, આપણા મૂળ પાસે પાછા આવો. આર્ય સમાજના સંસ્થાપક સ્વામી દયાનંદ જી, રામકૃષ્ણ પરમહંસના શિષ્ય સ્વામી વિવેકાનંદ જી એવા લોકોએ પોતાના મૂળ પર પાકા ઊભા થઈ સમાજમાંથી દરિદ્રતા અને અજ્ઞાન દૂર કરવા માટે સેવા કરવાનો સંદેશ આપ્યો. તેના પર આજે પણ આપણે થોડીઘણી માત્રામાં ચાલી રહ્યા છીએ, પણ વાત છે કે આપણા દેશમાં જે સમાજનું એક ગુણવત્તાપૂર્ણ ચિત્ર ઉપસ્થિત થવું જોઈતું હતું, તે ન થઈ શક્યું. સ્વતંત્રતા પહેલા ન થયું અને સ્વતંત્રતા પછી આજના સમયે પણ જ્યારે આપણે બેસીને આપણા દેશને જોઈએ છીએ તો આપણને સૌને તેની આવશ્યકતા અનુભવાય છે. એ સમયે કામ કરનારા અને આજે જે આવું કામ કરી રહ્યા છે અથવા કરી ચૂક્યા છે એવા લોકો ક્યાંકને ક્યાંક બોલીને, લખીને રાખ્યું છે.
 
શ્રી રવીન્દ્રનાથ ઠાકુરનો ‘સ્વદેશી સમાજ' નામનો મોટો નિબંધ છે. તેમાં તેમણે કહ્યું છે કે એકાત્મકતાની જરૂરિયાત છે, અંદરોઅંદર ઝઘડા નહીં ચાલે અને ઝઘડાના ઉપાય આપણને મળી શકે છે, કારણ કે આપણી પાસે બધી વિવિધતાને એકસાથે ચલાવવાનો પરંપરાથી વિચાર છે, સંસ્કૃતિ છે પરંતુ આ પરિવર્તન રાજનીતિમાં પરિવર્તન થવાને કારણે નથી આવતું, સમાજમાં પરિવર્તન થવું જોઈએ. સમાજમાં પરિવર્તન થશે તો સમાજ જીવનના બધા ક્રિયાકલાપ આપોઆપ પરિવર્તિત થઈ જશે. ત્યાંથી શરૂ કરીને અહીં પહોંચી શકાતું નથી, અહીંથી શરૂ કરીને ત્યાં પહોંચવું પડશે. આગળ તે કહે છે કે આના માટે નાયકની આવશ્યકતા છે. જે શુદ્ધ ચરિત્ર સંપન્ન હોય, સમાજના બધા લોકો પ્રત્યે જે આત્મીય ભાવથી વર્તન કરતો હોય અને સમાજના મનમાં તેના પ્રત્યે પૂર્ણ વિશ્વાસ હોય. આવા નાયકને ઊભો કરવો પડશે. તેમણે એક વચન કહ્યું છે, આપણો આટલો મોટો વિવિધતાઓથી ભરેલો દેશ છે, મને લાગે છે કે ઠેક-ઠેકાણે આવા નાયક જોઈએ, જેમના કરવાથી સમાજનું આચરણ અને વાતાવરણ બદલાશે. આમ તેમણે કહ્યું છે.
 
સર માનવેન્દ્રનાથ રોય, જેમણે કમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપના કરી, પાછળથી તે રેડિકલ હ્યુમેનિસ્ટ (radical humanist) બન્યા. તેમણે પોતાના જીવનના એક દસ્તાવેજ તરીકે ‘ધ રેડિકલ હ્યુમેનિજમ' નામનો ગ્રંથ લખ્યો તે આપે જોયો હશે, અથવા જરૂરથી જોજો. તેના અંતિમ પ્રકરણોમાં એક નિષ્કર્ષ જણાવે છે. તે કહે છે કે ઉપર-ઉપર પરિવર્તન કરી, સમાજને બદલ્યા વિના દેશમાં જો પરિવર્તનના પ્રયત્ન કરીશું તો તે શક્ય નહીં બને. આપણે સમાજની સામાન્ય વ્યક્તિઓની પાસે પહોંચીને, તેમની ગુણવત્તામાં અને તેમની વિચારધારામાં પરિવર્તન લાવવું પડશે. આ માર્ગ ઘણો લાંબો દેખાય છે પણ જો આ જ એક માર્ગ છે તો આ જ સૌથી ટૂંકો માર્ગ છે. અન્ય શોર્ટકટ શોધશો તો Shortcut will cut you short. આ તેમનું વચન છે.
 
આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડો.અબ્દુલ કલામ અરુણાચલમાં ગયા હતા. તેમણે જે ભાષણ આપ્યું હતું તેમાં તેમણે ત્રણ વાતો જણાવી હતી કે આપણા દેશમાં આપણે લોકોને પોતાના પ્રત્યે, સ્વયં પ્રત્યે, પોતાના દેશ, સમાજ પ્રત્યે વિશ્વાસ જાગૃત કરવાની આવશ્યકતા છે. આપણે બધા કરી શકીએ છીએ અને આ કરવું હોય તો આપણે લોકશક્તિનું જાગરણ કરવું પડશે. તે આગળ કહે તે છે કે લોકશક્તિના જાગરણ માટે આપણે આપણી પ્રાચીન સંસ્કૃતિના સંસ્કારોનું પુર્નજીવન કરવું પડશે. તેમનું અરુણાચલનું તે ભાષણ ઉપલબ્ધ છે, આપ તેને જોઈ શકો છો. તેમના પુસ્તકોમાં સર્વત્ર ક્યાંક ને ક્યાંક આવી વાતો આવી જાય છે.
 
અમૂલ જેના કારણે બન્યું, હજુ હાલમાં જ જેમનો દેહાંત થયો તે ડી.વર્ગીસ કુરિયન. તેમણેપોતાનું આત્મચરિત્ર ‘I too had a dream’, માં લખ્યું છે કે માત્ર શાસકીય વ્યવસ્થાઓ પર નિર્ભર રહીને સામાન્ય સમાજની ઉપેક્ષા કરવાનો આ ક્રમ આ રીતે જ ચાલતો રહ્યો તો આ દેશમાં કોઈ મોટું કાર્ય થવું શક્ય નથી. આપણે સમાજને શિક્ષિત કરવો પડશે, તેને ઉપર ઉઠાવવો પડશે. તેના બળ પર બધા પ્રયત્નમાં સફળતા મળશે.
 
ડૉક્ટરજીનો સર્વતોમુખી સંપર્ક-સંબંધ
 
આ હું શા માટે જણાવી રહ્યો છું ? ડો. હેડગેવાર પૂર્ણપણે દેશના સાર્વજનિક જીવનમાં સક્રિય હતા અને ક્યાંક ને ક્યાંક આ બધા કાર્યોના માધ્યમથી તેમનો દેશના મૂર્ધન્ય ચિંતકો સાથે સંપર્ક થયો હતો. ક્રાંતિકારીઓની સાથે પણ તેમણે કામ કર્યું. તે એ સમયે સ્વતંત્રતા આંદોલનોમાં પણ સહભાગી બન્યા. સમાજ સુધારના કાર્ય પણ તે કરતા હતા. તેમણે દેશની જાગૃતિ માટે મંદિર, કથા, પ્રવચનોમાં સભાઓ લીધી. એક જ ઉદ્દેશ હતો દેશને જાગૃત કરવો. એકવાર તેમના આ સતત આગ્રહથી કંટાળીને તેમના મિત્રોએ નક્કી કર્યું કે એકવાર તેમની પાસે એક એવું ભાષણ કરાવીશું, જેમાં દેશ વિષય આવશે જ નહીં. તેથી તેમને નાનકડા ગટમાં (સ્ટડી સર્કલ)માં બોલાવ્યા અને વિષય આપ્યો ‘ઊંઘ’ પર ભાષણ કરો. હવે એમાં દેશની શું વાત કરશે ? તો ડો.હેડગેવારે ત્યાં ભાષણ આપ્યું, કે આપ સૌ ડૉકટર લોકો છો, આપ સૌ જાણો છો કે ઊંઘ ખૂબ મહત્ત્વનો વિષય છે. તેના વગર સ્વાસ્થ્ય સારું નથી રહેતું, સારી ઊંઘ આવવી જોઈએ. કારણ કે આજે દેશને સ્વસ્થ યુવાનોની આવશ્યકતા છે, પછી દેશની પરિસ્થિતિ, યુવાનોનું કર્તવ્ય એ વિષયો પર બોલ્યા. આમ સતત દેશની ચિંતામાં જ તે વ્યસ્ત રહેતા હતા. તો સૌની સાથે તેમની ચર્ચાઓ થતી હતી. સૌના વિચારોનો વિમર્શ તેમને મળતો હતો. તે બધાના વિચારોમાં જતા હતા.
 
ગાંધીજી જ્યારે યરવડામાં પકડાઈ ગયા. કદાચ તે તારીખ ૨૮ માર્ચ હતી, તો કોંગ્રેસની કમિટીએ નક્કી કર્યું કે દર મહિને ૨૮ તારીખે ગાંધીજીનું સ્મરણ કરશે, તેમના વિચારોનું સ્મરણ કરશે. અને ૧૯૨૨માં ૨૮ એપ્રિલે પહેલું એકત્રીકરણ હતું અને તેમણે ડૉ.હેડગેવારને વક્તા તરીકે બોલાવ્યા. તો ડો.હેડગેવારે ત્યાં કહ્યું કે ગાંધીજીનું માત્ર સ્મરણ કરવાથી કામ નહીં ચાલે, તેમના જીવનમાં જે પરાકોટિનો ત્યાગ છે અને સંપૂર્ણ નિસ્વાર્થ ભાવથી દેશ, સમાજ માટે કામ કરવાની જે ધગશ છે, તેનું આપણે અનુકરણ કરવું પડશે. તે સુભાષ બાબુને મળ્યા હતા, સાવરકરજી ને મળ્યા હતા. ક્રાંતિકારીઓ સાથે તો તેમને સંબંધ હતો જ.
રાજગુરુ જ્યારે નાગપુરમાં અજ્ઞાતવાસમાં હતા, વિદર્ભમાં તેમના રહેવાની વ્યવસ્થા તેમણે કરી હતી. આવા બધા લોકો સાથે તેમની ચર્ચાઓ થતી રહેતી હતી, તેનાથી તેમના ધ્યાનમાં આવ્યું કે સૌને એવું લાગે છે કે જે ઉપક્રમ અમે હાથમાં લીધા છે, તે ક્યારેક ને ક્યારેક યશસ્વી થશે. પરંતુ વારંવાર આ કામ કરવાની આવશ્યકતા આપણા સમાજમાં પડવી જોઈએ નહીં. તે આપોઆપ થવું જોઈએ. સ્વસ્થ સમાજમાં સમાજ માટે જે આવશ્યક છે તે આપોઆપ થતું રહે છે, કોઈએ કરવું પડતું નથી. પરંતુ આ જે વારંવાર જરૂર પડે છે તો તેનું કારણ આપણા સમાજની ઘણી ખામીઓ છે અને એ ખામીઓને સુધારીને જો આપણે સમાજને ઊભો નહીં કરીએ તો આપણા બધા કામ કાં તો અપૂર્ણ રહી જશે કાં તો તાત્કાલિક પણે જ સફળ થશે અથવા નિષ્ફળ પણ થઈ શકે છે. આ ચિંતા સૌના મનમાં છે એ તેમના ધ્યાનમાં આવ્યું.
 
- ડૉ. મોહનરાવ ભાગવત (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજ્ય સરસંઘચાલક )
( આ શ્રેણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજ્ય સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવત દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતે ભારતભરમાંથી પધારેલા પ્રબુદ્ધજનો અને સમાજના વિવિધક્ષેત્રના અગ્રણીઓને કરેલ ત્રિદિવસીય પ્રવચન (૧૭/૧૮/૧૯/ સપ્ટેમ્બર ૨૦૧૮) અને સંવાદનું સંકલન છે. સાહિત્ય સાધના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત "ભવિષ્યનું ભારત - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દૃષ્ટિકોણ" પુસ્તિકામાંથી સાભાર...)