ભારતની સચોટ અને ભૂલ વગરની કાળગણના સમજવી હોય તો આ લેખ વાંચી લો, ભારતીય અને હિન્દુ તરીકે આપણને ગર્વ થાય તેવી વાત….

આજે આપણે જાન્યુઆરીથી ડિસેમ્બરને વર્ષ ગણી ૩૧ ડિસેમ્બરે નવા વર્ષની મધરાતે ઉજવણી કરીએ છીએ, પણ ખરા અર્થમાં આપણે આ ચૈત્ર સુદ એકમે નવા વર્ષની ઉજવણી કરવાની જરૂર છે. આ જ આપણી ભારતીય સંસ્કૃતિનો સંદેશ છે. (સંદર્ભગ્રંથ : કલ્યાણ હિન્દુ સંસ્કૃતિ અંક ભાગ-૨)

    ૨૨-માર્ચ-૨૦૨૩   
કુલ દૃશ્યો |

hindu kal ganana in gujarati  
 
 
# ચૈત્ર સુદ એકમ - ગુડી પડવો - વર્ષ પ્રતિપદા નિમિત્તે વિશેષ
# અતીતની આ ગૌરવગાથા, વર્તમાનની પ્રેરણા, સૃષ્ટિની આ જન્મતિથિએ, જન-જનને હો વધામણાં
 
ચૈત્ર સુદ એકમ એટલે કે ગુડી પડવો. આ દિવસ વર્ષ પ્રતિપદા તરીકે ઊજવાય છે. આ દિવસનું હિન્દુ સંસ્કૃતિમાં અનેરું મહત્વ છે. એક સાથે અનેક ઘટનાઓ આ દિવસે બનેલી. આ દિન પૃથ્વીનો અવતરણ દિવસ છે. નૂતન વર્ષનો પ્રારંભ છે. ભારતીય કાલગણના પણ આ જ દિનથી શરૂ થાય છે. ઉપરાંત યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક, ભગવાન વિષ્ણુનો મત્સ્યાવતાર, રાવણવધ પછી ભગવાન શ્રીરામનો અયોધ્યા પ્રવેશ તથા શાલિવાહનનો રાજ્યાભિષેક પણ આજ દિને થયો હતો. સૌથી મહત્ત્વનું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૅા. કેશવરાવ બલિરામ હેડગેવારનો જન્મદિવસ પણ આ જ શુભ તિથિએ છે. માત્ર આ દિવસે જ આદ્ય સરસંઘચાલકને પ્રણામ કરવામાં આવે છે. તા. ૨૨મી માર્ચ, ૨૦૨૩ના દિને ચૈત્ર સુદ-એકમનો, વર્ષ પ્રતિપદાનો શુભ દિન છે. આ નિમિત્તે સૃષ્ટિના જન્મદિવસ વિશે વિશેષ આવરણકથા પ્રસ્તુત છે.
 
ભારતની સચોટ અને ભૂલ વગરની કાળગણના પર ગર્વ છે! | Hindu kal Ganana in Gujarati
 
વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકો જેને સચોટ ગણના માને છે તે હિન્દુ કાલગણનાનું ભારતમાં જોઈએ તેવું મહત્વ નથી ! હિન્દુઓની યુગાબ્દથી ઓળખાતી કાલગણના ભૂલ વગરની છે. છતાં ભારતમાં બધે જ સ્વીકાર્ય નથી. અહીં કારતકથી આસો અથવા ચૈત્રથી ફાગણ નહિ પણ જાન્યુઆરીથી ડિસેમ્બર ચાલે છે. નવા વર્ષની ઉજવણી સૃષ્ટિના જન્મદિવસ એવા ચૈત્ર સુદ એકમના દિવસે નહિ પણ પહેલી જાન્યુઆરીના દિવસે થાય છે. સ્વરાજ મા પછી પણ અનાદિકાળથી ચાલતા આવેલ હદુ પંચાંગ પર પોપ ગ્રેગોરી ૧૩માએ ૧૫૮૨માં બનાવેલું ગ્રેગોરીયન કેલેન્ડર હાવી છે. પણ તેમ છતાં સાવ નિરાશ થવા જેવું પણ નથી. દેશમાં ઘણાં રાજ્યોમાં, ઘણા સમાજે આપણી હિન્દુ પરંપરાને સુરક્ષિત રાખી છે. હિન્દુ પરંપરાને આનંદથી વધાવી જે-તે દિવસની ઉજવણી પણ કરે છે. ગુડી પડવાની ઉજવણી તેમાંની એક છે.
 

hindu kal ganana in gujarati 
 
ગુડી પડવાનું ધાર્મિક મહત્વ અને…
 
ભારતીય સંસ્કૃતિ પર્વપ્રધાન છે. દેશના દરેક-ક્ષેત્ર પ્રદેશનાં પરંપરાગત પર્વો અને તેનું આધ્યાત્મિક માહાત્મ્ય વિવિધ હોય છે. ગુડી પડવો વિશેષ કરીને મહારાષ્ટ્રીયન લોકોનું પર્વ છે. તેઓ આ પર્વને નૂતન વર્ષ તરીકે મનાવે છે. ગુડી પડવાનું ધાર્મિક મહત્ત્વ પણ છે. આ દિવસે મહારાષ્ટ્રીયન લોકો તેમની આગવી પરંપરાગત શૈલીમાં આ તહેવાર મનાવે છે. મરાઠી લોકો ગુડી પડવાને દિવસે સવારે ભગવાનની પૂજા કરીને ગુડીને સુંદર નવી સાડી પહેરાવીને સજાવે છે. તેના પર ઊલટો કળશ રાખે છે અને પછી ગુડી પર લીમડાની ડાળખી, ફૂલનો હાર અને હારડો પહેરાવે છે. ગુડીનું પૂજન, આરતી કરીને ગુડીને ઘરની બહાર આંગણામાં અથવા ઘરની બાલ્કનીમાં રાખે છે અને સૂર્યાસ્ત થતાં ઉતારી લે છે.
 
# બ્રહ્મપુરાણ અનુસાર ચૈત્ર સુદ એકમના દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચનાનો પ્રારંભ કર્યો હતો. આ વાતનું પ્રમાણ અથર્વવેદ અને શતપથ બ્રાહ્મણમાં પણ જોવા મળે છે.
 

hindu kal ganana in gujarati 
 
# આ જ દિવસથી ચૈત્ર નવરાત્રીનો પણ પ્રારંભ થાય છે.
 
# આજના દિવસે યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો હતો અને માલવાના નરેશ વિક્રમાદિત્યે શકોને પરાજિત કરીને વિજય મેળવ્યો હતો, તેથી મરાઠી લોકો ગુડીને એક વિજયધ્વજના રૂપે શણગારીને ઘરની બહાર રાખે છે. ગુડી એટલે ઘડો તથા ધ્વજ અને લાકડી સાથેની રચના.
 
# આજના દિવસે જ ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો. આધ્યાત્મિક ષ્ટિએ પણ અનેક મહત્ત્વની ઘટનાઓએ આજના દિવસે આકાર લીધો હોવાથી પણ આ દિવસનું વિશેષ માહાત્મ્ય છે. આ દિવસ વર્ષ પ્રતિપદા તરીકે પણ ઓળખાય છે.
 
# રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના છ ઉત્સવોમાંનો એક ઉત્સવ એટલે વર્ષ પ્રતિપદા. યોગાનુયોગ આ જ દિવસે સંઘના આદ્યસંસ્થાપક ડૅા. કેશવરાવ બલિરામ હેડગેવારજી (ડોક્ટર સાહેબ)નો જન્મ થયો હતો. સંઘમાં સાંસ્કૃતિક રીતે મહત્ત્વ ધરાવતા વર્ષ પ્રતિપદા ઉત્સવની ઉત્સાહથી ઉજવણી થાય છે.
 

વર્ષ પ્રતિપદા | Varsh Pratipada

 
ભગવાન શ્રી રામનો વનવાસ પછી અયોધ્યામાં મંગળ પ્રવેશ…
 
પ્રભુ રામચંદ્રજીએ ૧૪ વર્ષના વનવાસ દરમ્યાન અત્યાચારી રાવણનો નાશ કર્યો; લંકાનું રાજ્ય રાજા વિભીષણને સોંપી અયોધ્યા તરફ પ્રયાણ કર્યું. ચૈત્ર સુદ એકમને દિવસે રાજધાની અયોધ્યામાં મંગળ પ્રવેશ કર્યો. વહાલા રામના આગમન પ્રસંગે લોકોએ ઉત્સાહથી આખું નગર ધ્વજા-તોરણોથી શણગાર્યું અને પ્રભુ રામચંદ્રજીનું ઉમળકાભેર સ્વાગત કર્યું. વ્યક્તિ રામચંદ્રજી કરતાં પણ રાષ્ટપુરુષ રામચંદ્રજીનું આ સ્વાગત હતું. રાષ્ટની સંકલ્પનાને અને ભાવનાને પ્રભુશ્રી રામચંદ્રજીએ પોતાના પરાક્રમ દ્વારા નવચેતન આપ્યાનું સ્મરણ આજે આપણે કરીએ છીએ.
 
હિન્દુ દેશમાં પુન: સ્વરાજ્યની સ્થાપના…
 
દુષ્ટ શકોએ સંપૂર્ણ ભારતવર્ષમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી ભારતીય સંસ્કૃતિનો એક યા બીજી રીતે ઉચ્છેદ કરવા માંડ્યો ત્યારે એક શાલિવાહન જાગ્યા. એમની સાથે લાખો હિન્દુ યુવકો જાગ્યા, જાણે માટીનાં પૂતળામાં પ્રાણનો પાવન નવસંચાર થયો. રાજા શાલિવાહને સ્વપરાક્રમથી શકોનો પરાભવ કરી આ હિન્દુ દેશમાં પુન: સ્વરાજ્યની સ્થાપના કરી, દેશને સ્વતંત્ર બનાવ્યો.
 
હિન્દુ સમાજમાં સ્વાભિમાન અને સ્વત્વનો સંચાર કરી, શત્રુ માથું ન ઉંચકી શકે એવો પરાક્રમી સમાજ બનાવ્યો. તેથી જ એમ કહેવાય છે કે, શાલિવાહને દુષ્ટ શકોમાં માનવતા પ્રગટાવી.
 
ચૈત્ર સુદ એકમને દિવસે સ્વતંત્ર હિંદુ રાજા તરીકે લોકોએ શાલિવાહનનો રાજ્યાભિષેક કરાવ્યો. તે જ દિવસથી સમ્રાટ શાલિવાહનના નામથી વર્ષ-ગણના શરૂ કરવામાં આવી તે શાલિવાહન શક કહેવાય છે. તે દિવસે ફરીથી આ દેશમાં હિન્દુ રીત-રિવાજો અને પદ્ધતિ મુજબનું જીવન સરળ બન્યું.
 

hindu kal ganana in gujarati 
 
નવા વર્ષનો પ્રારંભ અને વૈજ્ઞાનિક હકીકત
 
૨૦મી સદીની શરૂઆત સુધી પશ્ચિમના દેશોએ પોતાના સંપ્રદાયના ગ્રંથો અનુસાર માની લીધું હતું કે આ સૃષ્ટિ માત્ર પાંચ હજાર વર્ષ જૂની છે. પણ હિન્દુ શાસ્ત્રો આ માનવા તૈયાર નથી. કાલગણનાનું આપણું ગણિત કંઈક અલગ છે. હિન્દુ શાસ્ત્રો કહે છે કે, સૃષ્ટિનો જન્મ ૧ અરબ ૯૭ કરોડ ૨૯ લાખ ૪૯ હજાર ૨૦ વર્ષ પહેલાં થયો હતો. પાશ્ચિયાત્ય જગત કહે છે કે, સૃષ્ટિનો જન્મ થયાને ૫૦૦૦ વર્ષ થયાં છે, જ્યારે હિન્દુશાસ્ત્રો કહે છે કે સૃષ્ટિનો જન્મ થયાને આશરે બે અબજ વર્ષ વીતી ચૂક્યાં છે. મહત્વની વાત એ છે કે આજે વિશ્વના વૈજ્ઞાનિકો આ હિન્દુ તથ્યને માનવા લાગ્યા છે કે, હિન્દુકાલગણના યોગ્ય અને સચોટ છે.
 
૩૧ ડિસેમ્બર – નવું વર્ષ અને આપણી અજ્ઞાનતા…!
 
ગુડી પડવો. સૃષ્ટિનો જન્મદિવસ છે છતાં હિન્દુઓનું નવું વર્ષ પણ લોકો માત્ર ૩૧ ડિસેમ્બરની મધરાતે જ ઊજવે છે તે અજ્ઞાન છે. હકીકત તો એ છે કે આપણે આપણી કાલગણનાને અવગણી છે. તેનો ઇતિહાસ, હકીકત, સચ્ચાઈ આપણે આપણી યુવાપેઢીને શીખવવાની આવશ્યક્તા છે. તેને જાન્યુઆરી, ફેબ્રુઆરી... ડિસેમ્બરની ખબર છે પણ કારતક... માગસરથી લઈને એકમ, પૂનમ, અમાસમાં કંઈ ખબર પડતી નથી. હિન્દુ કાલગણના આપણી મહામૂલી વિરાસત છે. તેને આપણે આપણી યુવાપેઢી સામે મૂકવી જ જોઈએ. કલ્યાણના હિન્દુ સંસ્કૃતિ અંકમાં પા. નં. ૭૫૭ પર હિન્દુ સંવત, વર્ષ, માસ અને વારની અદભુત માહિતી આપી છે. તેમાં અત્યાર સુધીની ૧૬ ભારતીય સંવતોનો ઉલ્લેખ છે. પહેલું સંવત એટલે કલ્યાબ્દ. હિન્દુ કાલગણનાની શરૂઆત, જેને હાલ ૧ અરબ, ૯૭ કરોડ, ૨૯ લાખ, ૪૯ હજાર ૨૦ વર્ષ થયાં છે. ત્યાર પછી સૃષ્ટિ સંવત, વામન સંવત, શ્રીરામ સંવત, શ્રીકૃષ્ણ સંવત, યુધિષ્ઠિર સંવત, બુદ્ધ સંવત, મહાવીર (જૈન) સંવત, શ્રી શંકરાચાર્ય સંવત, વિક્રમ સંવત, શાલિવાહન સંવત... હર્ષાબ્દ સંવત આવે છે. સ્વરાજ્ય પછી ભારતીય રાષ્ટ્રીય પંચાંગ નિશ્ચિત કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ માસ તરીકે ચૈત્રને જ સ્થાન આપવામાં આવ્યું છે. જોકે આ પંચાંગને ભલે શક સંવત આધારિત કહેવામાં આવતું હોય, પરંતુ તે આપણી મૂળ કાલગણનાને પૂર્ણ રીતે અનુમોદિત કરતું નથી.
 
એ જ રીતે વિદેશી સંવતમાં ચીનની કાલગણના અન્ય કરતાં જૂની છે. ચીનની કાલગણના ૯,૬૦,૦૨,૩૧૨ વર્ષ, યુનાનની ૩૫૮૩ વર્ષ, રોમની ૨૭૬૦ વર્ષ, યહૂદીઓની ૫૭૭૫ વર્ષ તથા હિજરીની ૧૪૩૬ વર્ષ જૂની છે.
 
આ તુલના શું દર્શાવે છે ? વાત બહુ સ્પષ્ટ છે કે, ભારતીય સંવત અત્યંત પ્રાચીન છે. ઉપરાંત ગણિતની ષ્ટિએ સુગમ અને સમ્યક્ પણ છે.
 
પ્રસિદ્ધ હિન્દુ સંસ્કૃતિ -અંકમાં લખવામાં આવ્યું છે કે ભારતમાં સંવતની આગળ રાજાઓનાં નામ લાગતાં આવ્યાં છે. નવા નામે સંવત ચલાવવી હોય તો તેની શાસ્ત્રીય વિધિ હતી. જો રાજાએ પોતાના નામથી સંવતની શરૂઆત કરવી હોય તો સૌથી પહેલાં રાજ્યમાં જેટલા દેવાદાર હોય (ઋણી) તેમનું દેવું રાજાએ ચૂકવવું પડે. ભારતમાં આ રીતે અનેક સંવતો આવી. પણ તેમાંની સર્વસામાન્ય સ્વીકાર્ય વિક્રમ સંવત છે.
 

વિક્રમ સંવત - સમજો | Vikram Samvat

 
નેટ જગત પર સુનિલ દીક્ષિત હિન્દુ નવ વર્ષ, કુછ તથ્ય... શિક્ષણ હેઠળ આ માહિતી આપતાં જણાવે છે કે બે હજાર વર્ષ પહેલાં શકોએ સૌરાષ્ટ અને પંજાબને કચડી અવંતી પર આક્રમણ કર્યું તથા તેના પર વિજય મેળવ્યો. આથી તે સમયે વિક્રમાદિત્ય રાજાએ રાષ્ટ્રીય શક્તિઓને એકત્રિત કરી ઈ.સ. પૂર્વ ૫૭માં આ શકો પર આક્રમણ કર્યું. તેમના પર જીત મેળવી. થોડા સમય પછી વિક્રમાદિત્યએ કોંકણ, સૌરાષ્ટ, ગુજરાત અને સિંધ ભાગને પણ શક પ્રજા પાસેથી જીતી લીધો. આ સમ્રાટ વિક્રમાદિત્યના નામ પરથી જ ભારતમાં વિક્રમ સંવત પ્રચલિત થયેલ છે. ત્યાર પછી સમ્રાટ પૃથ્વીરાજના શાસનકાળ સુધી આ વિક્રમ સંવત પ્રમાણે કાર્ય થતું રહ્યું પણ પછી ભારતમાં મુગલોનું શાસન આવ્યું. તેમના શાસનકાળ દરમિયાન હિજરી સન પર કાર્ય થતું રહ્યું.
 
ઈસવી સન (ઈ.સ.) - સમજો
 
વિક્રમ સંવતની વાત કરીએ તો અહીં વિશ્વમાં પ્રચલિત એવા ઈસવી સનની વાત પણ કરવી જોઈએ. ઈ.સ.નું મૂળ રોમન સંવત છે. પહેલાં યૂનાનમાં ઓલિમ્પિયદ સંવત હતું, જેમાં ૩૬૦ દિવસનું એક વર્ષ હતું અને તેમાં અસંખ્ય ભૂલો હતી. આનાથી વિપરીત આપણી હિન્દુ કાલગણના વૈજ્ઞાનિક છે. અત્યાર સુધીમાં એક પણ ભૂલ થઈ નથી. સૂર્યની ગતિ પ્રમાણે આપણા ઋષિ-મુનિઓ સચોટ રીતે આપણને કાલગણના આપતા ગયા છે. આ વિરાસત પર આપણે ગર્વ કરવાની જરૂર છે પણ ભારતમાં શું થયું, જુઓ...
 
ભારતમાં વિક્રમ સંવત નહિ પણ ઈસવી સન સંવત વધુ પ્રચલિત છે. આ માટે પહેલા જવાબદાર છે અંગ્રેજો. અંગ્રેજોએ ૧૭૫૨માં ઈ.સ. શરૂ કર્યું. અંગ્રેજોનું તે વખતે વિશ્વવ્યાપી પ્રભુત્વ હતું. ઈસાઈયતના પ્રભુત્વના કારણે અનેક દેશોમાં ઈ.સ. અપનાવાઈ પણ ભારત આઝાદ થયા પછી અહીં શું થયું ? આ માટે દેશમાં ચર્ચા પણ થઈ. ઈ.સ. ૧૯૫૨માં આપણા દેશમાં વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક પરિષદ દ્વારા આ માટે પંચાંગ સુધાર સમિતિની સ્થાપના થઈ. આ સમિતિએ ૧૯૫૫માં એક રીપોર્ટ દ્વારા વિક્રમ સંવતનો સ્વીકાર કરવાની ભલામણ કરી. પરંતુ તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ ગ્રેગોરિયન કેલેન્ડરને સરકારી કામકાજ માટે યોગ્ય માન્યું અને ૨૨ માર્ચ, ૧૯૫૭ના રોજ તેને રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે સ્વીકાર કર્યું. આ મૂળ પંચાગનો ચીલો ચાતરીને આપણે રાષ્ટ્રીય સ્તર પર સ્વીકારી. મૂળભૂત કાલગણના જ આપણી વિરાસત છે. આપણે ક્યારે આપણી વિરાસત તરફ પાછા ફરીશું ?
 
ચૈત્ર સુદ એકમે નવું વર્ષ ઊજવીએ | Hindu Nav Varsh
 
ભારતીય ઋષિઓની સચોટ કાલગણનાથી પ્રભાવિત થઈને યુરોપના પ્રસિદ્ધ બ્રાંડના વિજ્ઞાની કાર્લ સગન (Car- Sagan)એ એક `Cosmos' નામનું પુસ્તક લખ્યું છે, જેમાં તેઓ લખે છે કે વિશ્વમાં હિન્દુ ધર્મ એક માત્ર એવો ધર્મ છે જે એ વિશ્વાસ પર સમર્પિત છે કે આ બ્રહ્માંડમાં ઉત્પત્તિ અને ક્ષયની પ્રક્રિયા સતત ચાલી રહી છે અને આ જ એક ધર્મ છે; જેણે સમયના નાનામાં નાના કદની અને મોટામાં મોટા કદની ગણના કરી છે. જે આધુનિક ખગોળીય માપોની ખૂબ જ નજીક છે. આ ઉપરાંત તેમની પાસે આનાં કરતાં પણ વધારે લાંબી ગણના થઈ શકે તેવાં માપ છે.
 
આ તો માત્ર એક જ વૈજ્ઞાનિકની વાત છે. બાકી અમેરિકાથી લઈ બ્રિટન સુધી બધા જ વિજ્ઞાનીઓએ ભારતીય કાલગણનાની સચોટતા પારખી તેને સ્વીકારી લીધી છે. બ્રહ્માંડની ગણતરી કરવી હોય તો હિન્દુ કાલગણના જ શીખવી પડે. કદાચ એટલે જ નાસાએ પણ ભારતીય મૂળ ભાષા સંસ્કૃતને ફરજિયાત બનાવી છે. આજે આપણે જાન્યુઆરીથી ડિસેમ્બરને વર્ષ ગણી ૩૧ ડિસેમ્બરે નવા વર્ષની મધરાતે ઉજવણી કરીએ છીએ, પણ ખરા અર્થમાં આપણે આ ચૈત્ર સુદ એકમે નવા વર્ષની ઉજવણી કરવાની જરૂર છે. આ જ આપણી ભારતીય સંસ્કૃતિનો સંદેશ છે. (સંદર્ભગ્રંથ : કલ્યાણ હિન્દુ સંસ્કૃતિ અંક ભાગ-૨)
 
ઉલ્લેખનીય છે કે, વર્તમાન યુગની અંદર હિંદુ સમાજના અને ભારતવર્ષના દૈન્યનું મૂળ કારણ - `હિંદુત્વના સ્વાભિમાનના અભાવને દૂર કરી ફરીથી હિન્દુ સમાજ શક્તિશાળી થઈ, દુનિયાભરમાં માનનું સ્થાન પ્રાપ્ત કરે તે હેતુથી ભારતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરનાર પ. પૂ. ડોક્ટર હેડગેવારજીની જન્મતિથિ પણ આ જ તિથિએ આવે છે.
 
 
 
 

રાજ ભાસ્કર

રાજ ભાસ્કર સાધનાના સહ સંપાદક છે. છેલ્લા એક દાયકાથી તેઓ સાધનાના વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યા છે. તેમના સંપાદન હેઠળ અનેક યાદગાર અને સંગ્રીહ રાખવા જેવા અંકો પ્રકાશિત થયા છે. તેઓ એક સારા સંપાદક અને લેખક છે. લવ્યુ મમ્મી, લવ્યુ પપ્પા, લવ્યુ દોસ્ત જેવા સુપ્રસિધ્ધ પુસ્તકોનું તેમણે અદભુત સંપાદન કર્યું છે જેમાં ગુજરાતનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યા છે. પરમવીર ચક્ર અને ભારત રત્ન જેવી પુસ્તક પણ તેમણે લખી છે. લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલા વિષયો પર તેમણે પુસ્તિકાઓ લખી છે. ગુજરાત સમાચારમાં તેઓ કોલમ લખે છે. “ડાર્ક સિક્રેટ” કોલમ હેઠળ છપાતી ડિટેક્ટીવ સ્ટોરીના બે પાત્રો નાથુ-ઘેલાણીની જોડી વાચકોના મનમાં રાજ કરે છે.