ભવાઈ । એક બ્રાહ્મણે પટેલની દીકરીની લાજ બચાવી લીધી પણ પછી શું થયું ?

27 Mar 2023 18:16:34
 
bhavai asait thakar gujarati
 
 

વિશ્વ રંગભૂમિ દિન નિમિત્તે વિશેષ । Bhavai | Vishwa Rangmanch Diwas
 
વિશ્વ રંગભૂમિ દિન | ગુજરાતી લોકનાટ્ય ભવાઈના જનક અસાઈત ઠાકર | Asait Thakar

આપણા દેશના અનેક પ્રદેશોમાં જુદા જુદા પ્રકારનાં લોકનાટ્યો જે તે રાજ્યોની આગવી ઓળખ છે, જેમ કે, મહારાષ્ટ્રમાં `તમાશા', `દશાવતાર', મધ્યપ્રદેશમાં `માચ', ઉત્તરપ્રદેશમાં `નવટંકી', કર્ણાટકમાં `યક્ષગાન' તો ગુજરાતમાં `ભવાઈ' એ તેનું વિશિષ્ટ લોકનાટ્ય છે.
 
ભવાઈ એ ભૂમિગત સ્વયંસ્ફુરિત કળા છે. ગ્રામજનોની ઊર્મિ અને એમના આનંદનો એમાં આવિષ્કાર થયો છે. લોકોના આંતરિક ભાવોની સાહજિક અભિવ્યક્તિ સાથે તેનું સર્જન થયું છે અને એટલે જ તો આપણે તેને લોકકલા કે લોકનાટ્યસ્વરૂપે ઓળખીએ છીએ.
 
ભવાઈસ્વરૂપ અને તેના વેશોના જનક, આદ્ય કે પિતા એટલે અસાઈત ઠાકર. તેમનો જન્મ આનર્તની કળાનગરી એવા સિદ્ધપુર નગરમાં ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે પોતાના સમયની સામાજિક, રાજકીય પરિસ્થિતિ કે પોતાને થયેલા અન્યાયના પ્રતિભાવ રૂપે ભવાઈના અનેક વેશોનું સર્જન કરીને આ લોકનાટ્યને ઘણું મોટું પ્રદાન કર્યું છે. જો કે, આ લોકનાટ્ય ભવાઈની ઉત્પત્તિ પાછળ રૂંવાડાં ઊભી કરતી એક ઘટના રહેલી છે. આવો એ જોઈએ.
 
અનુશ્રુતિ મુજબ ચૌદમી સદીમાં હિન્દુસ્થાનમાં અલ્લાઉદ્દીન ખિલજીએ દિલ્હીથી કન્નૌજ ઉપર ચડાઈ કરીને ગુજરાત ઉપર ચડી આવ્યો. ઊંઝા ગામના હેમાળા પટેલની દીકરી ગંગાના સૌંદર્યની પ્રશંસા સાંભળીને તેણે ઊંઝા ગામના પાદરે પોતાનો પડાવ નાંખ્યો. પોતાની સખીઓ સાથે ગામના કૂવે પાણી ભરવા નીકળેલી દીકરી ગંગાને સિપાહીઓ અલ્લાઉદ્દીનનાં આદેશ મુજબ અપહરણ કરીને છાવણીમાં લઈ ગયા.
 
હેમાળા પટેલ આ ઘટનાથી દુઃખી થઈને પોતાના ગુરુ સમા યજમાન અને ભલાઈના જનક એવા અસાઈત ઠાકરને પોતાની દીકરી ગંગાને બચાવી લેવાની વિનંતિ કરવા આવ્યા. અસાઈત ઠાકર યજુર્વેદી ઔદિત્ય સહસ્ર બ્રાહ્મણ હતા. તેથી તેઓ ગાયન-વાદન સાથે કથા કરીને આસપાસનાં ગામોમાં વિદ્વાન કથાકારરૂપે ખ્યાતિ ધરાવતા. અસાઈત અને હેમાળા પટેલ વચ્ચે ગુરુ - યજમાનનો સંબંધ હતો.
 
અસાઈતના કાને દીકરી ગંગાના અપહરણની વાત આવતાં તેમણે અંગ્રેજ સરદારને પોતાની સંગીતકળાથી ગાઈ-વગાડીને રીઝવીને પોતાની પુત્રી ગણાવીને છોડાવી લાવવાનો વિચાર કર્યો. સંગીતની મહેફિલમાં પ્રસન્ન થયા પછી ખિલજીએ અસાઈતને કંઈક માંગવા કહ્યું. અસાઈતે તેના બદલામાં દીકરી ગંગાને મુક્ત કરવા જણાવ્યું.
 
સરદારે પૂછ્યું કે આ તમારી દીકરી છે? તો અસાઈતે હા પાડી. સરદારને ગંગા બ્રાહ્મણની પુત્રી હોવા વિશે શંકા ગઈ એટલે તેણે બંનેને એક જ થાળીમાં ભોજન કરી દીકરી હોવાનું પ્રમાણ આપવા જણાવ્યું. આવું કહેતાં તેણે વિચાર્યું હતું કે, જો ગંગા અસાઈત ઠાકરની જ દીકરી હશે તો સાથે જમશે અને નહીં હોય તો અસાઈત અસ્પૃશ્ય થઈ જવાના ભયથી જમવાની ના પાડશે.
 
આમ તેણે અસાઈતને દીકરી ગંગા સાથે એક જ થાળીમાં ભોજન લેવાનો આદેશ કર્યો. પરંતુ અસાઈત તો જ્ઞાતિ-જાતિના ભેદભાવોથી પર હતા એટલે તેમણે વિચાર્યું કે મિત્ર - યજમાનની પુત્રીને બચાવવા જતાં બ્રાહ્મણત્વ ભ્રષ્ટ થવાનું નથી. પરિણામે ભર્યા દરબારમાં તેમણે ગંગા સાથે એક જ થાળીમાં ભોજન લઈને દીકરી ગંગાને મુક્ત કરાવીને પાછા ફર્યા.
આ ઘટનાથી રોષે ભરાયેલા સિદ્ધપુરના ચુસ્ત બ્રાહ્મણોએ અસાઈતને અસ્પૃશ્ય ગણાવી, તેની સજારૂપે તેમને જ્ઞાતિબહાર મૂક્યા.
 
આથી અપમાનિત થયેલા અસાઈત સિદ્ધપુરથી સ્થળાંતર કરીને પોતાના ત્રણ પુત્રો નારણ, માંડણ અને જયરાજ સાથે ઊંઝા નગરમાં આવીને વસ્યા. ત્રણ પુત્રોના ઘર ઉપરથી તેઓ `ત્રિઘરા' કહેવાયા. એનો અપભ્રંશ થતાં તેઓ `ત્રગાળા' કે `તરગાળા' રૂપે ઓળખાયા. આજે પણ ભવાઈનો ખેલ રમનારા તૂરી, બારોટ કલાકારો `તરગાળા' રૂપે જ ઓળખાય છે. હેમાળા પટેલે તેઓના સન્માનરૂપે ત્રણેય પુત્રોને ઊંઝામાં પોતાના ખર્ચે મકાન બાંધી આપ્યાં. તેમને જમીન આપી અને કડવા પાટીદાર જ્ઞાતિએ તામ્રપત્ર ઉપર વંશપરંપરાગત અમુક હકો લખી આપ્યા. ઊંઝામાં સ્થાયી થયા બાદ અસાઈત અને તેના ત્રણ પુત્રોએ પોતાને થયેલા આ અન્યાય સામે અવાજ ઉપાડ્યો અને અસ્પૃશ્યતા, અંધશ્રદ્ધા, જાતિવાદ જેવાં દૂષણોને આધારે ૩૬૦ જેટલા ભવાઈના વેશો લખ્યા અને ગામડે-ગામડે જાગૃતિ માટે ભવાઈ વેશરૂપે ભજવ્યા.
 
વિશેષ તો ભવાઈ સમાજના સામાન્ય જનની વચ્ચે સર્જાતો-ભજવાતો નાટ્યપ્રકાર હોવાથી સમાજને સીધી રીતે સ્પર્શતા પ્રશ્નો એમાં વણી લઈને સમાજજાગૃતિનું કામ તેમણે કર્યું. આજે પણ તેમનાં વંશજો ભોજક કે નાયક તરીકે ઓળખાય છે.
 
ભવાઈ શબ્દ સંસ્કૃત શબ્દ `ભાવ' પરથી ઊતરી આવ્યો હોય એમ લાગે છે.
 
ભવાઈનાં મોટા ભાગનાં કથાવસ્તુ ઇતિહાસ અને સામાજિક પ્રશ્નો પર આધારિત રહેતાં, જેથી સમાજની કુરૂઢિઓ, વહેમ, અંધશ્રદ્ધા દૂર થાય.
 
ભવાઈનું મુખ્ય પાત્ર નાયક કહેવાય છે. અસાઈત મુખ્ય પાત્ર ભજવતા એટલે તે નાયક કહેવાયા અને `ભવાઈ' સમગ્ર ગુજરાત અને દેશ વિદેશમાં ખ્યાતનામ બની. એ સમયમાં સ્ત્રીઓ વેશ ન ભજવી શકતી. એટલે પુરુષ તે વેશ ભજવતો અને તે એટલો તો આબેબ ભજવતો કે સ્ત્રીઓ પણ ભૂલાવામાં પડી જતી હતી.
એક સમય ઉત્તર ગુજરાતના લોકો પોતાના જીવનના સારા-નરસા પ્રસંગે ભવાઈનો ખેલ રમાડવાની માનતા માનીને પોતાની મનોકામના પૂર્ણ થતાં ચૈત્ર માસ કે નવરાત્રિના સમયમાં પોતાના ઘેર ભવાઈમંડળીને રમવા નિમંત્રણ આપતા હતા. વાળુ-પાણી પછી રાત્રિના અંધકારમાં સામૈયું કાઢી, ચાચર નોંધી ચાચરની પૂજા કરતા.
 
ચાચર જહાં જાતર ભલી,
જ્યોત તણી ઝગમગ,
ઘણાં ગુણીજન રમી ગયાં
તેના પગની રજ.
 
ભવાઈની શરૂઆતમાં ભૂંગળ વાગે. રાતના શાંત વાતાવરણમાં ભૂંગળનો સૂર ચોમેર ફરી વળે. એટલે બાકી રહી ગયેલા પ્રેક્ષકો પણ ઝટપટ આવીને ગોઠવાઈ જાય. પ્રારંભમાં રંગલો અને રંગલી પ્રવેશ કરે અને ગણેશ-સ્તુતિથી ભવાઈની શરૂઆત થાય.
 
દુદાળો દુઃખભંજણો,
સદાય બાળેવેશ,
પરથમ પહેલાં સ્મરિયે,
ગવરીપુત્ર ગણેશ.
 
સ્તુતિ પૂરી થતાં જ ભૂંગળ, નરઘાં કાંસી જોડાની રમઝટ જામે અને રંગલો અને રંગલી વિષયની માંડણી કરે અને ભવાઈ વેશ શરૂ થાય. ભવાઈમાં ગીત, કવિત અને સંગીતની સાથોસાથ નૃત્યને પણ એટલું જ અગત્યનું ગણ્યું છે. વાક્યાર્થનો અભિનય અને રસ આ બે ગુણો ભવાઈમાં છે.
 
પછી તો ધીમે ધીમે ભવાઈ સમગ્ર ગુજરાતનું અણમોલ ઘરેણું બની ગઈ. ભવાઈ કલાકારો ગામે-ગામ ફરતા, ભવાઈ કરતાં અને ગામનાં તમામ-જાતિ-જ્ઞાતિનાં લોકો તેમને હૃદયથી લેતા. જો કે આજે ભવાઈ લગભગ લુપ્ત થઈ ગઈ છે. અસાઈત ઠાકરના ૩૬૦ વેશોમાંથી માંડ ૬૦ જેટલા વેશો બચ્યા છે. પણ એ પણ ભાગ્યે જ કોઈક ગામડાં-ગામમાં ભજવાય છે. રંગભૂમિ દિન નિમિત્તે આપણી ભવ્ય ભવાઈ કલાને અને તેના આદ્ય સ્થાપક એવા અસાઈત ઠાકરને યાદ કરી વંદન કરીએ.
 
ભવાઈના મુખ્ય અંગો
 
 
ભવાઈના રાગો : માઢ, પ્રભાત, ગોડી, સોરઠ, મારુ, આશાવરી, વિહાગ, ભૈરવી, સારંગ, કાનડો, મલ્હાર
 
તાલ : તરગડો, લાવણી, દોઢિયો, ચેતમાન, ચલતી, દીપચંદી, કેરવો, હીંચ.
 
વાદ્યો : ભૂંગળ, નરઘાં અને કાંસીજોડાં.
 
રંગભૂષા : ભવાઈની રંગભૂષા પોતાની આગવી છે. માતાજીના મંદિરે કે કોઈ ધાર્મિક સ્થળે કલાકારો પાત્ર પ્રમાણે વેશપરિધાન અને રંગભૂષાની તૈયારી કરે છે. બોદાર, સફેદો, પીળો રંગ, લાલી, કોલસો કે મેશ.
 
નૃત્યના ઠેકા : કથ્થકની જરીવાળી સાડી, મુગટ, પીતાંબર, લાલ - પીળા - સફેદ રંગના ખેસ, ધોતિયાં, ઓઢણી, ચોરણી, સુતરાઉ ફૂમતાંવાળી ટોપી વગેરે.
 
 
Powered By Sangraha 9.0