જમુનાજળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા | યમુના જયંતીએ સૌને અંતરમનેથી શુભકામનાઓ...

27 Mar 2023 17:24:56

yamuna jayanti in gujarati  
 

તા.૨૭/૦૩/૨૦૨૩, સોમવાર, યમુના જયંતી નિમિત્તે વિશેષ

ટોપલીમાં તેજ લઈ નીકળી પડો,
પાણીની વચ્ચેય રસ્તા થઈ જશે.
- મનોજ ખંડેરિયા
 
 
કૃષ્ણજન્મ એટલે અંધકારનું રાજીનામું અને પ્રકાશને મળેલો નિમણૂક પત્ર. કંસ આઠમા સંતાનને મારી ન નાખે તે માટે બાલકૃષ્ણને કારાગૃહમાંથી નીકળીને વાસુદેવ પોતાના આત્મીય મિત્ર નંદજીના ઘરે મૂકવા નીકળ્યા. વાસુદેવ સત્ય માટે પોતાનો જીવ જોખમમાં મૂકતા ડર્યા ન હતા. ત્યારે અહીં તો સંતાન કરતા સનાતનની ચિંતા હતી જેમાં ચિંતન વધુ હતું. વાસુદેવ સામે સૌથી મોટો પ્રશ્ન ગોકુળ અને મથુરાના વચ્ચે યમુના નદી પાર કરવાનો હતો. ઉપરથી આઠમની અંધારી, મેઘલી રાતે ધોધમાર વરસાદ વરસતો હતો. આ તો દાઝ્યા ઉપર ડામ દેવા જેવું થયું. પરંતુ યમુનાજીનું જળ કૃષ્ણના ચરણ સ્પર્શ કરવા ઊછળ્યું અને પછી શાંત થઈ ગયું. જાણે જળની જન્મોજનમની તરસ બુઝાણી. એકાએક ચમત્કાર થયો. અને યમુનાજીએ તુર્ત જ જાતે માર્ગ કરી આપ્યો. જો કે કૃષ્ણનો જન્મ થવો એ જ એક ચમત્કાર છે.
 
યમુનાજી અને કૃષ્ણનો એક અલૌકિક અને અતૂટ સંબંધ રહ્યો છે. જાણે જળ-ચેતનનો સંબંધ. બંને વચ્ચેના અનેકાનેક કિસ્સાઓ જગજાહેર છે. એવું મનાય છે કે કૃષ્ણના સ્પર્શથી યમુનાનું પાણી શ્યામ થઈ ગયું. પણ યમુનાના શ્યામ જળમાં ન્હાવાથી રૂપાળા થવાતું હોય છે. આ નદીનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ કરવામાં આવ્યો છે. યમ(સૂર્ય)ની પુત્રી હોવાને કારણે એને યમુના કહેવાય છે. ભાગવત પુરાણમાં વર્ણવેલ શ્રીકૃષ્ણની બાળલીલાને કારણે યમુનાનું મહાત્મ્ય અને મૂલ્ય સવિશેષ છે. કૃષ્ણની અગણિત લીલાઓની યમુના મૂકસાક્ષી છે. અહીંથી જ કૃષ્ણ જાણે જીવનના પાઠ શીખ્યા. ભલે એ તેમની લીલાનો એક ભાગ રહ્યો. બાળગોઠિયા સાથે રમત રમતાં રમતાં એકતાનો એકડો તેમણે સહુને ઘૂંટાવ્યો.
 
ઈ. સ. ૬૬૪માં સમ્રાટ હર્ષે ગંગા-યમુનાના સંગમ પર છઠ્ઠી પંચવાર્ષિક મોક્ષપરિષદ ભરી હતી. મહર્ષિ અસિતનો આશ્રમ યમુનોત્રીમાં હતો. મહર્ષિ રોજ સ્નાન કરવા ગંગાજી જતા હતા. જયારે મહર્ષિ વૃદ્ધ થયા તો પહાડ ઓળંગીને ગંગાસ્નાન અશક્ય બન્યું ત્યારે સ્વયં ગંગાજીએ પોતાનું એક નાનું ઝરણ મહર્ષિના આશ્રમ પાસે પ્રગટ કર્યું હતું. શ્રદ્ધાના સરનામે તો સ્વયં ઈશ્વરને પણ આવવું પડે. આ ઝરણું આજે પણ ત્યાં છે. યમુનોત્રી ગયેલા યાત્રીઓ ત્યાં અચૂક સ્નાન કરે છે. અહીં સ્નાન કરવાથી વૃદ્ધાવસ્થામાં તકલીફ ઓછી આવે છે.
 
પ્રસિદ્ધ અને પવિત્ર યમુના હિન્દુસ્થાનની મહત્વની નદી છે. જમુના નામથી પણ ઓળખાય છે. હિમાલય પર્વતમાળામાં આવેલું યમનોત્રી એનું જન્મસ્થાન છે. યમુનોત્રીને હિંદુઓના ચાર વિશેષ તીર્થોમાનું એક કહેવામાં આવે છે. દિલ્હી તેમજ ઐતિહાસિક શહેર આગ્રા નજીકથી નીકળતી, અલ્હાબાદ શહેર નજીક ગંગા નદીમાં મળી જાય છે. ગંગા-જમુનાનું સંગમસ્થળ પ્રયાગ અતિ પવિત્ર માનવામાં છે. પોતાના અસ્તિત્વને વિલીન કરવું સહેલું નથી. પ્રેમ હોય તો જ આ શક્ય બને છે. નદી જેવું પ્રવાહી વ્યક્તિત્વ માણસનું હોવું જોઈએ. બીજા માટે પોતાનું અસ્તિત્વ ઓગાળી દેનાર કૃષ્ણનું વ્યક્તિત્વ પણ નદી જેવું નિર્મળ છે.
 
યમુનામાં ભગવાન શ્રી કૃષ્ણએ કાલિય નાગને નાથ્યો હતો. યમુનાને કિનારે કૃષ્ણ મિત્રો સાથે ગેડી-દડે રમતા હતા. જગતના નાથની રમત રમતમાં દડો નદીમાં પડી ગયો. કૃષ્ણ દડો લેવા જાય છે. જ્યા કાલીય નાગ પત્નીઓ અને પરિવાર સાથે રહેતો હોય છે. બાળક કૃષ્ણને જોઈ નાગરાણી વિનવે છે... જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે, તને મારશે, મને બાળ હત્યા લાગશે પણ કૃષ્ણ જેનું નામ... પરિસ્થિતિ સામે હારી જાય તે કૃષ્ણ શાના ? કાલીનાગને પરાસ્ત કરી, તેની ફેણ પર વિજયી નૃત્ય કરી દડો પાછો લાવ્યા અને કાલીનાગને યમુના નદી છોડી જવાનો આદેશ આપ્યો.
 
યમુનામાં સ્નાન કરનાર વ્યક્તિને યમ મૃત્યુ વખતે કષ્ટ નથી આપતા. યમુનોત્રી પાસે જ ગરમ પાણીના કુંડ છે. યાત્રાળું આ સ્ત્રોતના પાણીમાં જ પોતાનું ભોજન પકાવે છે. ઠંડાબોળ લાગતા જીવનની નજીક પણ આવો હૂંફાળો એક ઝરો હોય છે. ઈ.સ. ૧૮૫૫માં યમુનાજીના મંદિરનું નિર્માણ ગઢવાલ નરેશ સુદર્શન શાહે કરાવ્યું હતું. મંદિરનાં દ્વાર વૈશાખ મહિનાની સુદ અક્ષય તૃતીયાના રોજ ખૂલે છે અને કારતક મહિનાની યમ દ્વિતીયાના રોજ તેનાં કમાડ વાસી દેવામાં આવે છે. યમુનાજીના દર્શનથી કૃષ્ણ જેવું ધૈર્ય જીવનમાં આવે છે. કૃષ્ણ અને યમુનાજીને અલગ કરી વિચારવું મતલબ ફૂલને સુગંધ વગર વિચારવું... યમુનામાં ડૂબકી મારો તો કૃષ્ણને નિહાળી શકો અને કૃષ્ણમાં ડૂબકી મારો તો તમારામાં યમુના વહેવા લાગે... યમુના જયંતીએ સૌને અંતરમનેથી શુભકામનાઓ...
 
નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતું મુદા, મુરારિ પદ પંકજ સ્ફરદમન્દ રેણુત્કટામ
તટસ્થ નવ કાનન પ્રકટમોદ પુષ્પામ્બુના, સુરાસુરસુપૂજિત સ્મરપિતુ: શ્રિયં બિભ્રતીમ્‌
 
Powered By Sangraha 9.0