હિન્દુઓને નોકરી-ધંધામાં રુકાવટ ઉભી કરવા સીએટલ સક્રિય | અમેરિકી વોકે બનાવ્યો `હિન્દુ વિરોધી કાનૂન'

ભારતીય અમેરિકન સેનેટર નીરજ અંતાણી કહે છે કે, હું સીએટલ સીટી કાઉન્સિલના આ કાયદાનો ઉગ્ર વિરોધ કરું છું, કારણ કે અહીં જાતિગત ભેદભાવ છે જ નહીં.

    ૨૮-માર્ચ-૨૦૨૩   
કુલ દૃશ્યો |

communist agenda in india woke
 
 

`વોક (Woke)' નામે વકરતો વામપંથ (8) । Communist Agenda in India

 
 
અમેરિકી ટેક કંપનીઓથી ઉભરાતા સીએટલ શહેરની સીએટલ સીટી કાઉન્સિલ દ્વારા જાતિ (કાસ્ટ) સંબંધિત અધ્યાદેશ જારી કરવાની ઘટનાએ અમેરિકામાં મોટા પાયે ચર્ચા છેડી છે.
 
અમેરિકી મીડિયા ભારતના હિન્દુ સમાજ વિરુદ્ધ ઝેર ઓકી રહ્યું હોય ત્યારે આવી ચર્ચાના ચકડોળે ચઢીને વામછાપ વિચારકેદથી કુંઠિત ઈન્ડિયન મીડિયા મનપસંદ મંદ માનસિકતાવાળું મનોરંજન માણે એમાં કંઈ નવાઈ ખરી?
 
આ આખી ઘટના પાછળ કોની? શું મંશા છે? હકીકત શું છે? પડદા પાછળ કોણ છે? કોણ કોની છબી બગાડવા મથી રહ્યું છે? ભારતને શું ભોગવવાનું આવશે? આ ઘટનાની દૂરગામી અસરો શું હશે? આ ઝડપી જમાનામાં આવું બધું વિચારવાનો સમય વળી મીડિયા પાસે ક્યાં છે? વિચાર્યા વિના ચાલુ ગાડીએ ચડી જવાની વામણી રીતરસમ ગુલામીની વિશિષ્ટ વિરાસત છે, જેને જાળવવાની જડતામૂલક જદ્દોજહદ જારી છે અને તેથી આ કાયદો ઘડવા પાછળ કેવો નકારાત્મક અભિગમ રહેલો છે તે અંગેની સમજણથી સર્વસામાન્ય વ્યક્તિ વંચિત રહી છે. આવી સમજણ કેળવવા ઉપરોક્ત નકારાત્મક અભિગમની તુલના હકારાત્મક અભિગમ સાથે કરવી જોઈએ. આવા હકારાત્મક અભિગમનું ઉદાહરણ (એ પણ વળી સમાન મુદ્દે..) અમેરિકામાં જ ઉપલબ્ધ છે, જે અમેરિકાના પૂર્વ પ્રમુખ (પ્રેસિડેન્ટ) બરાક ઓબામાએ પૂરું પાડેલું છે.
 
બરાક ઓબામા, પ્રથમ બ્લેક અમેરિકન પ્રમુખ હતા, તેઓ જૂનાં સંસ્થાગત માળખાંને તોડી પાડવાના નામે કોઈ પણ જાતનો સંઘર્ષ નહોતા ઇચ્છતા. એટલું જ નહીં તેઓ હયાત સંસ્થાઓ, આધુનિક સંસ્થાનોને તોડીને નહીં, પરંતુ આ બધાં સંસ્થા-સંસ્થાનોની અંતર્ગત જોડાઈને જ બ્લેક-વ્હાઈટવાળા સદીઓ પુરાણા અસમાનતાના મુદ્દે `બ્લેક્સ' ન્યાય મેળવી શકશે તેવી ઢ ઘોષણા કરી ચૂક્યા હતા. વળી તેઓ `બ્લેક'ને ન્યાય અપાવવા માટે બ્લેક અને વ્હાઈટની આંતરિક એકતાના પક્ષધર હતા.
 
જતા દહાડે `કલર બ્લાઈન્ડનેસ' થકી અપેક્ષિત એકતા પ્રસ્થાપિત થશે તેવી શ્રદ્ધા સાથે તેઓ કાર્યરત રહ્યા. કોઈ પણ પ્રકારનો અન્યાય; રેસ (Race)ને અવગણીને જ શક્ય છે, તેવું તેઓ વિશ્વાસપૂર્વક માનતા હતા. આ જ તેઓની `કલર બ્લાઈન્ડ પોલિસી' હતી. તેઓ બ્લેક અને વ્હાઈટની ઓળખને બહેકાવીને કરવામાં આવતા ભાંગફોડિયા રાજકારણના ભારે વિરોધી હતા. આ હતો તેઓનો વિધેયાત્મક અભિગમ!
 
ઉપરોક્ત હકારાત્મક-વિધેયાત્મક અભિગમથી તદ્દન વિપરીત અભિગમ દેખાઈ રહ્યો છે, સીએટલમાં જાતિગત ભેદભાવની વિરુદ્ધ અધ્યાદેશ ઘડવામાં કારગર વરવી વામણી વામપંથી માનસિકતામાં!
 
જ્યારે વામપંથી ક્રિટિકલ રેસ થિયરી (CRT)નાં લેખાં-જોખાં કરીએ ત્યારે પ્રથમ દ્રષ્ટિએ જ બરાક ઓબામાની ઉપરોક્ત સમદ્રષ્ટિ નજરે ચઢ્યા વિના નથી રહેતી. તેઓ `સૌને સમાન તક' પર ભાર મૂકતા હતા, જ્યારે CRTના નામે વોકેઈઝમ સમાજના ભાગલા કરવામાં માને છે અને ભાગલાના આધારે સંઘર્ષ ઉત્પન્ન કરીને `સૌને સમાન પરિણામ' અપાવવાની વકાલત પણ કરે છે. દ્વેષ-વૈમનસ્ય વધારવા માટે આ CRT અમેરિકામાં `ભાગલા-વિભાજન-ટૂકડા ગેંગ' પેદા કરી રહી છે. આ ગેંગ હવે કાયદા બનાવવાની ફરજ પાડી શકે તે સ્તરની પહોંચ ધરાવે છે.
 
આ ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહના પ્રારંભે અમેરિકાનું સીએટલ; જાતિ (Cast) આધારિત ભેદભાવ ઉપર રોક લગાવવાવાળું પહેલું શહેર બની ગયું હોવાના સમાચાર આવ્યા. આવું કરનાર કોણ? જવાબમાં ભલે ભારતીય મૂળનાં અને અમેરિકાની `ઇન્ટરનેશનલ સોશિયાલિસ્ટ અલ્ટરનેટિવ'નાં એક્ટિવિસ્ટ એવાં સામ્યવાદી નેતા ક્ષમા સાવંતને ગણાવવામાં આવી રહ્યાં હોય, વાસ્તવમાં સાચો જવાબ છે- `ઈક્વાલિટી લેબ્સ'નાં કાર્યકારી નિર્દેશક થેન્મોઝી સૌન્દરારાજન અને હાર્વર્ડ યુનિવર્સિટી સંચારિત `વોક-ઇકોસિસ્ટમ'. આ કાયદો બનતાંની સાથે જ થેન્મોઝી સૌન્દરારાજને કહ્યું કે, અમે એક સાંસ્કૃતિક યુદ્ધ જીતી ગયાં છીએ. `સંસ્કૃતિ'ને યુદ્ધ ભૂમિ માનવાની આ માનસિક્તા જ ઘણું બધું કહી જાય છે !
 
મૂળ કાયદાથી પ્રતિબંધિત નસ્લ-રીલીજિયન-લિંગ આધારિત ભેદભાવની સાથે હવે આ અધ્યાદેશથી જાતિ (Cast) આધારિત ભેદભાવને પણ સામેલ કરવામાં આવેલ છે. આ અંગેનો પ્રસ્તાવ રાખ્યો હતો ક્ષમા સાવંતે, જે ૬-૧ની બહુમતીથી પાસ થઈ ગયો, ત્યારે ક્ષમા સાવંતે કહેલું કે, ભલે અમેરિકામાં દલિતોની વિરુદ્ધ ભેદભાવ એવી રીતે નથી દેખાઈ રહ્યો; જેવો દક્ષિણ એશિયામાં બધી જગ્યાએ દેખાઈ રહ્યો છે, પરંતુ અહીં (અમેરિકામાં) પણ ભેદભાવ એક સચ્ચાઈ છે. (aajtak.in, dt. 23/2/2023)
આમાંથી એ ફલિત થાય છે કે, આ કાયદામાં નામ ભલે `દક્ષિણ એશિયા'નું લેવાયું હોય પરંતુ તેમનું એક માત્ર લક્ષ્ય છે- ભારત, ભારત ને માત્ર ભારત, કારણ કે જાણે-અજાણે આ પ્રસ્તાવ રજૂ કરનાર ક્ષમા સાવંતે માત્ર ભારતમાં પ્રચલિત શબ્દ `દલિત' શબ્દ ઉચ્ચાર્યો છે. આ બધાંઓનું ઢગલો સાહિત્ય મારીમચડીને માત્ર `દલિત'ને `બ્લેક; સમકક્ષ ગણાવવા માટેનું જ છે.
 
અમેરિકાના સન ફ્રાન્સિસ્કોમાં રહેવાવાળા એક દલિત આર્લ્ડિન દીપકનું કહેવું છે કે, ૩૫ વર્ષોમાં તેમને અમેરિકામાં ક્યારેય જાતિગત ભેદભાવનો સામનો કરવો પડ્યો નથી, આમ તેઓ `જાતિ'ને અમેરિકામાં એક મુદ્દો બનાવવાના પક્ષમાં નથી. તેઓ કહે છે કે, જ્યાં કોઈ મુદ્દો જ નથી, ત્યાં તેને ઉભો કરવાથી તે સમુદાય વિભાજિત થશે.
 
`કોએલિશન ઓફ હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકા'ના અધ્યક્ષ નિકુંજ કહે છે કે, જાતિનો મુદ્દો તોડી-મરોડી દેવામાં આવ્યો છે. આ દેશમાં હિન્દુ ધર્મ અંગેની સમજ ખૂબ ઓછી છે. સંભળાયેલી-સાંભળેલી વાતો આધારિત ઘડાયેલો આ કાયદો ખતરનાક છે, કારણ કે તે ભરોસાપાત્ર ડેટા આધારિત નથી.
 
ભારતીય અમેરિકન સેનેટર નીરજ અંતાણી કહે છે કે, હું સીએટલ સીટી કાઉન્સિલના આ કાયદાનો ઉગ્ર વિરોધ કરું છું, કારણ કે અહીં જાતિગત ભેદભાવ છે જ નહીં.
 
આમ અમેરિકામાં આ કાયદાની સામે હિન્દુ રોષ ઉભરી રહ્યો છે. એટલું જ નહીં સીએટલ સીટી કાઉન્સિલના જ એક સદસ્ય સારા નેલ્સને આ અધ્યાદેશ વિરૂદ્ધ પોતાનો મત આપ્યો છે.
 
આ કાનૂન અંતર્ગત અમેરિકામાં `જાતિ'ની પુષ્ટિ કરવી એ જ સૌથી વિવાદાસ્પદ બાબત હશે. આ કાયદો આગામી દિવસોમાં હિન્દુઓની સાથે ભેદભાવ આચરવાનું ઓજાર બની રહેનાર છે.
 
અમેરિકામાં `નસ્લ (race)' શું ચીજ છે, તે જાણવા જેવું છે. બ્લેક લોકો વ્હાઈટ લોકોના સદીઓથી જીવનભરના ગુલામ હતા. આ ગુલામો છડેચોક વેચાતા પણ હતા. જન્મથી તેઓના ભાગે હતું બદથીય બદતર એવું નર્ક. નસ્લ આધારિત ૧૮૬૧થી ૧૮૬૫ સુધી ચાલેલા લોહિયાળ ગૃહયુદ્ધ પછી ભલે આજે ગુલામપ્રથા બંધ થઈ ગઈ હોય, પણ આજેય અમેરિકામાં `બ્લેક'ની ગુલામીગ્રસ્ત માનસિક લઘુતા અને `વ્હાઈટ'ની અહંવાદી ગુરૂતા તેની બુલંદી ઉપર છે. `બ્લેક્સ'ને મારપીટ કરવાની ઘટનાઓ તો ત્યાં સાવ સામાન્ય છે. ક્યારેક તો આખાંને આખાં શહેરોમાં આ મુદ્દે હિંસા ભડકી ઊઠે છે.
 
બીજા શબ્દોમાં કહીએ તો, અમેરિકામાં જેમ વામપંથીઓ પોતાનો રોટલો શેકવા બ્લેક-વ્હાઇટના આંતરિક સંઘર્ષને સતત ચાલતો રાખીને અમેરિકાનો મૂળ `નસ્લભેદ' ઉત્તરોત્તર પ્રબળ બને તે માટે પ્રયત્નશીલ છે, તેમ ભારતમાં `જાતિ'ના નામે નસ્લભેદ ઉભો કરીને જન-જનને માંહે-માંહે લડાવવા ભારતમાં નવેસરથી ચૂલો માંડી રહ્યાં છે. વળી ભારત હવે બધા ભેદો ભૂલીને પોતાને જ્યારે રાષ્ટ્રીયતાના નાતે હિન્દુની મૂળ ઓળખને ઉજાગર કરીને વિશ્વશક્તિનું કેન્દ્ર બનવા આગેકૂચ કરી રહ્યું છે ત્યારે તેમાં વામપંથીઓને પોતાના `વોકેઈઝમ'નું પતન દેખાઈ રહ્યું છે.
 
`વોક'ના મૂળભૂત સિદ્ધાંત અનુસાર ` 'વાળો હિન્દુ વિચાર જ વામપંથીઓ માટે અસહ્ય છે. અને તેથી જ તેઓએ તેઓની લાંબા ગાળાની યોજના તરીકે આ અધ્યાદેશ લાદયો છે. તેઓ હિન્દુસ્થાનમાં એક કાંકરે અનેક પક્ષી મારવા માટે ઉતાવળા થયા છે.
 
તેઓ આ બધું શા માટે કરી રહ્યાં છે?
 
૧. પ્રથમ અમેરિકામાં `નસ્લ'ને `જાતિ'ની સમકક્ષ ગણાવીને ધીરે ધીરે (અમેરિકાનું આંધળું અનુકરણ કરવાવાળાઓનાં માધ્યમથી..) ભારતમાં પણ જાતિને `નસ્લ'ના નામે ખપાવીને ભારતને વિભાજિત કરીને ભારતને નબળું પાડી દેવું છે.
 
૨. ઉપરોક્ત નસ્લભેદ ઉભો કરીને અને તેના માટે કારણભૂત હિન્દુ વિચાર હોવાનું ઠેરવીને હિન્દુ ધર્મને બદનામ કરવો છે. આમ થવાથી હિન્દુઓને નોકરીએ રાખવામાં ઓટ આવશે. `જાતિ'ને લક્ષ્ય બનાવીને ભારતની સાંસ્કૃતિક સમરસતાની વિરાસતને દુનિયાની સામે મિટ્ટીપલિત કરવી છે.
 
૩. તેઓ અમેરિકી મીડિયા મારફતે એક શહેરે કરેલા કાયદાકીય પરિવર્તનને જબરજસ્ત રીતે ઉછાળી રહ્યા છે, તેમાં તેઓ એક નેરેટીવ એવો ઉભો કરવા મથી રહ્યાં છે કે, શ્રદ્ધેય આંબેડકરજીએ ભારતના સંવિધાનમાં જાતિ આધારિત ભેદભાવોને ખતમ કરી દેવા માટેનાં પૂરતાં પ્રાવધાન રાખ્યાં હોવા છતાં હાલના ભારતમાં દલિત ઉત્પીડન ચાલુ છે.
 
૪. તેઓને ભેદભાવો અટકાવવા અંગેના મૂળ અમેરિકી કાયદાઓના અમલીકરણની શું હાલત થઈ છે તે જાણવું નથી. અમેરિકામાં `નસ્લભેદ' આધારિત બ્લેક્સને મોતને ઘાટ ઉતારતી ઘટનાઓના લીધે `બ્લેક લાઈવ્સ મેટર' નામની આવડી મોટી બબાલ ઉભી થયેલી. આવી રોજબરોજની ઘટનાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત થાય તો તેવી ઘટનાઓ ઘટી જાય, તે પણ તેમને પોષાય તેમ નથી. માટે આ અધ્યાદેશવાળો મુદ્દો ચગાવીને તે આખા અમેરિકાને મુખ્ય મુદ્દેથી ભટકાવી દેવા માંગે છે.
 
૫. સીએટલ, કેલિફોર્નિયા, ફ્લોરિડા જેવાં સ્થાનો પર મોટી સંખ્યામાં ઉચ્ચ જવાબદારીઓ સંભાળતાં ભારતીય લોકોનો વસવાટ છે, ત્યાં જાતિ આધારિત ભેદભાવો વધી રહ્યા હોવાનું બેફામ અસત્ય ઉભું કરીને, તેઓ ભારતીયતાને કઠેડામાં ઉભી કરી રહ્યા છે, વાસ્તવમાં અલ્પસંખ્યક ભારતીય લોકો સાથે અમેરિકાના લોકો જે ભેદભાવ આચરી રહ્યા છે, તે મુદ્દો આ ગેંગ ભટકાવી દેવા માગે છે.
 
(ક્રમશ:)
 

ભાનુ ન. ચૌહાણ

"L.D. Eng. College" માંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે "CEPT University, Amadavad"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગ'માં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. હાલ તેઓ "સાધના" સાપ્તાહિકમાં સ્તંભલેખક છે.