કવરસ્ટોરી । મુગલકાળનું દિલ્હી નહીં, મહાભારતકાળનું ઇન્દ્રપ્રસ્થ કહો ! આવો જાણીએ દિલ્હીના સાચા ઇતિહાસ અને ભૂગોળને…

દિલ્હીનું સૌથી પ્રાચીન નામ ઇન્દ્રપ્રસ્થ છે. હાલ દિલ્હીનો જે પ્રાચીન કિલ્લો છે તેની આસપાસ જ પાંડવોનું રાજ હતું. પૃથ્વીરાજ રાસો મુજબ મહાભારતના આદિપર્વમાં વર્ણન મળે છે કે, પાંડવોએ ભગવાન શ્રીકૃષ્ણની સલાહથી ખાંડવવન પહોંચી ઇન્દ્રના સહયોગ થકી ઇન્દ્રપ્રસ્થ નામનું નગર વસાવ્યું.

    ૦૧-એપ્રિલ-૨૦૨૩   
કુલ દૃશ્યો |

History of Indraprastha in gujarati
 
 
આપણા દેશમાં વામપંથી ઇતિહાસકારો દ્વારા હંમેશાથી એ તૂત ચલાવવામાં આવી રહ્યું છે કે દિલ્હી મુગલોએ વસાવ્યું છે. મુગલો આવ્યા તે પહેલાં દિલ્હીનો ન તો કોઈ ઇતિહાસ હતો કે ન તો ભૂગોળ. ડાબેરી ઇતિહાસકારોએ આ વાતને એવી તો ઢ ચાલાકીપૂર્વક આપણા મસ્તિષ્કમાં ઠસાવી દીધી છે કે, આપણી પેઢીઓની પેઢીઓ પણ વામપંથના એ વિમર્શમાં વહી જઈ દિલ્હીને મુગલોની જ દેન ગણવા માંડી છે, પરંતુ હવે ધીરે ધીરે વામપંથી ષડયંત્રોના પરદાફાશ થઈ રહ્યા છે. જાણીએ દિલ્હીના સાચા ઇતિહાસ અને ભૂગોળને; આ વિશેષ પ્રસ્તુતિમાં...
 
દિલ્હીનું સૌથી પ્રાચીન નામ ઇન્દ્રપ્રસ્થ છે. હાલ દિલ્હીનો જે પ્રાચીન કિલ્લો છે તેની આસપાસ જ પાંડવોનું રાજ હતું. પૃથ્વીરાજ રાસો મુજબ મહાભારતના આદિપર્વમાં વર્ણન મળે છે કે, પાંડવોએ ભગવાન શ્રીકૃષ્ણની સલાહથી ખાંડવવન પહોંચી ઇન્દ્રના સહયોગ થકી ઇન્દ્રપ્રસ્થ નામનું નગર વસાવ્યું. આ નગર વસાવવામાં ભગવાન વિશ્વકર્માએ પણ પાંડવોની મદદ કરી હતી. જેનું મહાભારતમાં વિસ્તારપૂર્વક વર્ણન થયેલું છે. જાતકો અને પુરાણોમાં પણ ઇન્દ્રપ્રસ્થનો ઉલ્લેખ જોવા મળે છે. ભગવાન ઇન્દ્ર દ્વારા આ નગર વસાવવામાં આવ્યું હોવાથી જ એ ઇન્દ્રપ્રસ્થ તરીકે ઓળખાયું હતું.
 
આ સિવાય દિલ્હીનું એક નામ યોગિનીપુર હોવાનું પણ કહેવાય છે. જે અહીંના પ્રસિદ્ધ યોગમાયા મંદિર સંબંધિત છે. પુરાણો મુજબ યોગમાયા મંદિરનો સંબંધ પણ મહાભારત સાથે રહ્યો છે. બ્રજકૃષ્ણ ચાંદીવાલા પોતાના પુસ્તક `દિલ્હી કી ખોજ'માં લખે છે કે, શ્રીકૃષ્ણના જન્મ સંબંધે ભાગવતમાં એક કથા આવે છે. શ્રીકૃષ્ણ માતા યોગમાયાની સહાયતાથી મામા કસની જાળમાંથી બચી જાય છે તે જ યોગમાયાની યાદમાં પાંડવોએ અહીં યોગમાયા માતા મંદિર બંધાવ્યું હતું.
 
માત્ર ખાંડવવન અને યોગમાયા મંદિર જ નહીં, દિલ્હીમાં આજે પણ અનેક એવાં પૌરાણિક સ્થળો છે જેનો સંબંધ મહાભારતકાળ કે તેનાથી પણ પૌરાણિક છે. પ્રથમ આવાં જ કેટલાંક પૌરાણિક સ્થાનોની વાત કરીએ.
 

History of Indraprastha in gujarati  
 
નિગમબોધ ઘાટ પાસેનું હનુમાન મંદિર
 
`નિગમ બોધ ઘાટ' પાંડવોથી પણ પુરાતન કાળનો માનવામાં આવે છે. કહેવાય છે કે અહીં સ્થિત હનુમાનજીનું મંદિર પાંચ પાંડવોના ત્રીજા નંબરના પાંડવ એટલે કે અર્જુન દ્વારા બંધાવવામાં આવ્યું હતું. હનુમાનજી પ્રત્યેની અર્જુનની અપાર શ્રદ્ધા અને મહાભારતમાં યુદ્ધ દરમિયાન સતત અર્જુનના રથની ધજા પર રહી આશીર્વાદ વરસાવવાને લઈને પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા અર્જુન દ્વારા આ સ્થળે કીર્તિસ્તંભ બનાવવામાં આવ્યો હતો. બાદમાં અહીં હનુમાનજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. આ મંદિર આજે પણ મહાભારતકાળની યાદ અપાવે છે.
 
યમુનાતટ પર સ્થિત `નીલી છતરી મંદિર'
 
યમુનાતટ પર સ્થિત સલીમગઢના ઉતરી દ્વારની સામે યમુના પુલ તરફ જતા ડાબી બાજુના રસ્તા પર `નીલી છતરી' નામનું મંદિર છે. આ મંદિર પણ મહાભારતકાલીન હોવાનું મનાય છે. એક કથા મુજબ મહારાજ યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કર્યા બાદ પોતાને સમ્રાટ ઘોષિત કર્યા ત્યારે આ છતરી બનાવવામાં આવી હતી, જેની નીચે શિવની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. તેના સ્તંભો લીલા રંગના ખૂબ જ આકર્ષક બનાવવામાં આવ્યા હતા. ઇતિહાસકારો મુજબ આ નીલરંગી છતરીને મુગલો દ્વારા તોડી પાડવામાં આવી હતી. આજે અહીંની કેટલીક સીડીઓ, થાંભલા, શિવલિંગ અને દીવાલો જ બચી છે. અહીંના સ્તંભો પર આજે પણ ક્યાંક ક્યાંક લીલા રંગની સજાવટ જોવા મળે છે.
 

History of Indraprastha in gujarati  
 
કાળકાજી મંદિર
 
આ મંદિરનો ઇતિહાસ પણ પાંડવો-પહેલાંનો છે. પુરાણો મુજબ એક સમયે અહીં દૈત્યોએ હાહાકાર મચાવ્યો હતો ત્યારે આ સ્થાનને દાનવોના અત્યાચારમાંથી મુક્ત કરાવવા માટે બ્રહ્માજીના કહેવાથી માતા પાર્વતીજીના મુખમાંથી કુશ્કી દેવીરૂપે પ્રગટીને દાનવોનો સંહાર શરૂ કર્યો. પરંતુ દાનવોના રક્તબીજમાંથી અનેક દાનવો પેદા થવા માંડ્યા. દાનવોની આ માયાજાળને ભેદવા કુશ્કી દેવીની પાંપણોમાંથી વિકરાળ `કાળી દેવી'નું પ્રાગટ્ય થયું. જેમણે દાનવોનો સંહાર કરી તેમનું લોહી પોતાના મુખમાં ઝીલી લીધું. બાદમાં કાલી દેવી અહીં જ બિરાજમાન થયાં અને પાંડવોએ તે સ્થાને મંદિર બંધાવ્યું હતું.
 
બટુક ભૈરવ મંદિર
 
અહીં નહેરુપાર્ક સ્થિત `બટુક ભૈરવ મંદિર' પણ પાંડવો દ્વારા બંધાવવામાં આવ્યું હતું. આ એક માત્ર મંદિર છે જેની પ્રતિમા પાંડવોકાલીન છે. ગોળાકાર પિંડના રૂપમાં અહીં ભૈરવની પ્રતિમા જમીનમાં દટાયેલી છે. તેની ચારેય તરફ ૬ ઇંચ ઊંચી આરસની દીવાલ છે. કહેવાય છે કે, જ્યારે પાંડવો કિલ્લો બનાવી રહ્યા હતા ત્યારે દૈત્યો વારંવાર કિલ્લાને તોડી પાડતા. બાદમાં ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી આ કિલ્લાની સુરક્ષા માટે ભૈરવ બેસાડવાનું નક્કી થયું. ભીમે ભૈરવ બાબાને કાશી જઈ ઇન્દ્રપ્રસ્થ આવવા કહ્યું ત્યારે તેઓએ શરત મૂકી કે ભીમ તેમને જ્યાં મૂકશે ત્યાં જ તે રહી જશે. કોઈ કારણથી ભીમે ભૈરવ બાબાને હાલના નહેરુપાર્કમાં જ ઉતારવા પડ્યા ત્યારથી તે ત્યાં જ બિરાજમાન છે. બાદમાં ભીમની અરજથી ભૈરવ નાથે પોતાની જટા કાપી ઇન્દ્રપ્રસ્થની સુરક્ષા માટે મોકલી આપી હતી.
 
આ ઉપરાંત અહીંના મુથરા રોડ પર જમણા હાથે પ્રાચીન કિલ્લાની ઉત્તરમાં સ્થિત `કિલકારી ભૈરવ મંદિર' પણ પાંડવોએ ઇન્દ્રપ્રસ્થ વસાવવા દરમિયાન બનાવ્યું હતું. અહીં ભૈરવ દેવતાની સાથે સાથે હનુમાનજી અને ભીમની પ્રતિમા પણ છે.
કિલકારી ભૈરવ મંદિરથી માંડ એક ફલાંગના અંતરે `દૂધિયા ભૈરવ મંદિર' આવેલું છે. જે પણ પાંડવોએ બંધાવ્યું હોવાનું માનવામાં આવે છે. કહેવાય છે કે મહાભારતનું યુદ્ધ શરૂ થતાં પહેલાં માતા કુતીએ અહીં આવીને બાબા પર દૂધનો અભિષેક કર્યો હતો અને પાંડવોની જીત માટે અરજ કરી હતી.
 

History of Indraprastha in gujarati  
 
તોમર શાસનનું દિલ્હી
 
દિલ્હીના સૌથી પ્રસિદ્ધ તોમર રાજા અનંગપાલ હતા. તેઓએ દિલ્હી પર અનેક વર્ષો સુધી રાજ કર્યું હતું. અનંગપાલના શાસન દરમિયાન તેઓની દિલ્હીની રાજધાની અરાવલી પર્વતો પાસે અનંગપુર નગર હતી. તેમના શાસનકાળ દરમિયાન દિલ્હીમાં હિન્દુ સભ્યતાની બોલબાલા હતી. અનંગપાલે જ દિલ્હીનો લાલકોટ કિલ્લો બંધાવ્યો હતો, જે દિલ્હીનો પ્રથમ લાલ કિલ્લો માનવામાં આવે છે. ચંદ્રગુપ્તની વીરતાના સન્માનમાં અનંગપાલે દિલ્હીમાં લોહસ્તંભનું નિર્માણ કરાવ્યું હતું.
 
રાજા અનંગપાલ બાદ દિલ્હી પર તેમના ભાણેજ અને અજમેરના રાજા પૃથ્વીરાજ ચૌહાણે રાજ કર્યું હતું, પરંતુ ૧૧મી સદી દરમિયાન દિલ્હીની સમૃદ્ધિથી લલચાઈ દિલ્હી પર બાહ્ય આક્રમણો થવા લાગ્યાં અને મોહમ્મદ ગોરીએ કપટપૂર્વક દિલ્હી પર કબજો કરી લીધો. મોહમ્મદ ગોરી બાદ કુતુબુદ્દીન ઐબકનું રાજ આવ્યું ત્યાર બાદ દિલ્હી પર મોટાભાગે મુસ્લિમોનું જ રાજ રહ્યું. જો કે બાબરના ઉત્તરાધિકારી માયુના મૃત્યુ બાદ હેમચંદ્ર વિક્રમાદિત્ય જેવા હિન્દુરાજાઓનું રાજ જરૂર આવ્યું, પરંતુ અકબરના શાસન બાદ દિલ્હી હંમેશા માટે મુગલોના કબજામાં આવી ગયું. દિલ્હી પર મુગલ બાદશાહ બહાદુર શાહ ઝફરના અંત સાથે ઈ.સ. ૧૯૫૭ના બ્રિટિશરો સાથે સંગ્રામ બાદ ખતમ મુગલ રાજ્યનો અંત આવ્યો અને દિલ્હી અંગ્રેજોના હાથમાં આવ્યું.
 

History of Indraprastha in gujarati  
 
વામપંથી ઇતિહાસકારોનો મુગલિયા વિમર્શ
 
એક તરફ જ્યાં વામપંથી ઇતિહાસકારો દ્વારા દિલ્હીને મારીમચડી મુગલોની દેણમાં ઠસાવવાની રીતસર વામી જેહાદ ચલાવવામાં આવી રહી છે, તો બીજી તરફ રાષ્ટપ્રેમી ઇતિહાસકારોએ ક્યારેય પણ વામપંથીઓના આ વિમર્શને માન્યો નથી, પણ આખાય રાષ્ટીય ઇતિહાસકારો મુજબ દિલ્હી, માત્ર ભારતમાં જ નહીં વિશ્વમાં મુગલોનું અસ્તિત્વ પણ ન હતું. ત્યારથી અસ્તિત્વમાં છે. મહાભારત કાળમાં દિલ્હી ઇન્દ્રપ્રસ્થ તરીકે ઓળખાતી હતી. પણ દિલ્હીમાં અગાઉ ક્યારેય પણ પુરાતાત્ત્વિક ષ્ટિથી ઇન્દ્રપ્રસ્થની શોધ કરવાના પ્રયત્નો જ થયા ન હતા અને થયા તો તેના રીપોર્ટ બહાર આવવા દેવામાં આવ્યા નથી. આનો જ લાભ વામપંથી લોબીએ ઉઠાવ્યો અને આખી વાતને ષડયંત્રપૂર્વક દાયકાઓ સુધી ન માત્ર દબાવી રાખી, પરંતુ પોતાનો ઇન્દ્રપ્રસ્થ દિલ્હી હોવાનો ખોટો વિમર્શ ચલાવે રાખ્યો, પરંતુ હવે આ દબાયેલાં તથ્યોને પુરાતાત્ત્વિક ષ્ટિથી સામે લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
 
મહાભારતકાળ સાથે દિલ્હીનો શો સંબંધ છે ? ઇન્દ્રપ્રસ્થ કહેવામાં આવે છે તે ઇન્દ્રપ્રસ્થ આખરે ક્યાં હતું ? આવા અનેક સવાલોના જવાબ શોધવા માટે હાલ અહીંના પાંડવ કિલ્લા (પુરાના કિલ્લા)માં ઉત્ખનન ચાલી રહ્યું છે. જો કે અગાઉ અહીં ૧૯૫૪-૫૫, ૧૯૬૯-૭૩, ૨૦૧૩-૧૪ અને ૨૦૧૭-૧૮ દરમિયાન પણ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (એએસઆઈ) વિભાગને મુગલકાળ સુધીની વિવિધ સંસ્કૃતિઓના પ્રમાણ માં હતાં. ખોદકામ દરમિયાન અહીંથી મૌર્યકાળના ટેરાકોટા (વિશેષ પ્રકારનું માટીનું વાસણ) મોતી, રમકડાં અને શૃંગ કાળની પક્ષી પ્રતિમા, કુષાણ કાળના ટેરાકોટા અને તાંબાના સિક્કા, ગુપ્તકાળની મહોરો, સિક્કા, વિવિધ પ્રકારના મણકા અને નાના નાના વિશેષ પ્રકારના પથ્થરો મળી આવ્યા હતા. આ ઉપરાંત અહીંથી રાજપૂત શાસનકાળની ભગવાન વિષ્ણુની પ્રતિમા, સલ્તનત કાળની ચમકદાર પ્લેટો, સિક્કાઓ અને ચીની શિલાલેખો, કાચની બોટલો અને મુગલકાળની એક સોનાની બિલાડી મળી આવી છે. અહીં મળેલી વસ્તુઓ જ વામપંથીઓના દિલ્હી મુગલોએ વસાવી હોવાના વિમર્શને ખોટો ઠેરવે છે અને સ્પષ્ટ કરે છે કે, દિલ્હી છેક મૌર્યકાળથી અસ્તિત્વમાં હતી. એએસઆઈના નિર્દેશક ડૅા. વસંતકુમાર સ્વર્ણકાર જણાવે છે કે, જૂના (પુરાના કિલા) અંગે અલબરુની અને શેરશાહના દરબારી ઇતિહાસકારોએ પણ લખ્યું છે કે, શેરશાહે ઇન્દ્રપ્રસ્થના ટીલાને ઘેરી એક કિલ્લો બનાવ્યો હતો અને આ ટીલો સદીઓથી હયાત છે.
 
ડો. વસંતકુમાર કહે છે કે, પદ્મપુરસ્કારથી સન્માનિત પ્રો. બી. બી. લાલે પણ આ સ્થળનું ઉત્ખનન કરાવ્યું હતું. એટલું જ નહીં તેઓએ એ તમામ સ્થળોનું ઉત્ખનન કરાવ્યું હતું, જે મહાભારતકાળ સાથે સંબંધિત હોય. આ ઉત્ખનન દરમિયાન અહીંથી મહાભારતકાલીન માટીનાં વાસણો મળી આવ્યાં હતાં. અહીંના જૂના કિલ્લાને પણ તેઓ મહાભારતકાલીન ગણાવતાં કહે છે કે, અહીં ૨૦૧૪માં ઉત્ખનન દરમિયાન મૌર્યકાળથી પણ પ્રાચીન વાસણો (પાત્ર)ના ટુકડા મળી આવ્યા હતા. ઉત્ખનન દરમિયાન અહીં એક સમયે ભયાનક પૂર આવ્યું હોવાના પુરાવાઓ પણ મળી આવ્યા હતા. આ પૂરને પુરાતત્ત્વવિદો મહાભારત કાળમાં આવેલા વિનાશકારી પૂર સાથે જોડે છે. મહાભારતકાલીન સાહિત્ય મુજબ અહીં કુરુવંશના અંતિમ રાજા નિચક્ષુના શાસન દરમિયાન ભીષણ પૂર આવ્યું હતું, જેમાં હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રસ્થ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયાં હતાં. પરિણામે કુરુવંશ પોતાની રાજધાની ઇન્દ્રપ્રસ્થથી કૌશાંબીમાં સ્થાનાંતરિત કરવી પડી હતી.
 
ડો. સ્વર્ણકાર મુજબ, ૨૦૧૪ પછી ૨૦૧૭માં ફરી એક વખત જૂના કિલ્લામાં ઉત્ખનન કરવામાં આવ્યું હતું, તે દરમિયાન એવા અનેક પુરાવાઓ મળી આવ્યા હતા જે સાબિત કરે છે કે, દિલ્હી શહેરનો ઇતિહાસ મુગલકાળથી પણ પ્રાચીન છે. ઉત્ખનન દરમિયાન અહીંથી ૨-૩ મીટર નીચેથી મહાભારતકાલીન કાળા અને લાલ અને ઘઉંવર્ણનાં વાસણો મળી આવ્યાં હતાં. જે અહીંની મહાભારતકાલીન સંસ્કૃતિનું પ્રમાણ છે. દિલ્હીના પુરાતાત્ત્વિક ઇતિહાસને વધુ સ્પષ્ટ રીતે જાણવા માટે હાલ ફરી એક વખત અહીં ઉત્ખનન ચાલી રહ્યું છે અને એ જાણવાના પ્રયત્નો થઈ રહ્યા છે કે, અહીં જે સ્થળ પરથી પૂરનાં પ્રમાણ માં છે, તે સ્થળે અગાઉ માનવવસ્તી કે સભ્યતા વસવાટ કરતી હતી કે નહીં ? અને હતી તો અહીં કોણ રહેતું હતું ? શું મૌર્યકાળ કે તે પહેલાંથી જ અહીં સભ્યતાઓ વસવાટ કરતી હતી ? આ વખતે આ સભ્યતાઓના છેડા છેક મહાભારત કાળ સુધી પહોંચવાની શક્યતાઓ છે. અમને વિશ્વાસ છે કે, જેમ જેમ ઉત્ખનન કાર્ય આગળ વધશે તેમ તેમ અહીંનો ઇતિહાસ વધુ સ્પષ્ટ થતો જશે.
ઇતિહાસકારો પણ આ ઉત્ખનનથી ખૂબ જ આશાવાદી છે. ભારતીય ઇતિહાસ અનુસંધાન પરિષદ (આઈ.સી.એચ.આર.)ના સહાયક નિર્દેશક ડૅા. ઓમજી ઉપાધ્યાય જણાવે છે કે, જૂના કિલ્લાનો આ વિસ્તાર ૧૯૧૦ સુધી રાજસ્વ વિવરણમાં ઇન્દ્રપ્રસ્થ તરીકે નોંધાયેલો છે. માટે આ જ ઇન્દ્રપ્રસ્થ છે. તેમાં શંકાને સ્થાન નથી. બૌદ્ધ ગ્રંથોમાં ૧૬ મહાજનપદોનો ઉલ્લેખ છે, જેમાં કાશી, કૌશલ, અંગ, મગધ, વઝિઝ, મલ્લ, ચેદિ, વત્સ, કુરુ, પાંચાલ, મત્સ્ય, શૂરસેન, અશ્મક, અવન્તી, ગંધાર અને કબોજ છે.
 
આ સિવાય પણ અનેક ઇસ્લામિક દસ્તાવેજોમાં પણ ઇન્દ્રપ્રસ્થનો ઉલ્લેખ મળી આવે છે અને મહાભારતનું યુદ્ધ ટાળવા ભગવાન શ્રીકૃષ્ણે દુર્યોધન પાસે જે પાંચ ગામો માગ્યાં હતાં તેમાંનું એક ગામ `વ્યાઘ્રપ્રસ્થ' હતું જે હવે અપભ્રંશ થઈ `બાગપત' થઈ ગયું છે. બીજું `ઇન્દ્રપ્રસ્થ' એટલે કે હાલ જેને `દિલ્હી' કહેવાય છે તે હતું. ત્રીજું `તિલપ્રસ્થ' જે હાલ `તિલપત' (ફરીદાબાદ) તરીકે ઓળખાય છે. ચોથુ `પાંડુપ્રસ્થ' આજનું `પાનીપત' અને પાંચમું `સ્વર્ણપ્રસ્થ' જે આજે `સોનેપત'ના નામે ઓળખાય છે.
ડૅા. ઓમજી ઉપાધ્યાય આગળ જણાવે છે કે, આ સ્થળને લઈને આટઆટલાં પૌરાણિક અને ઐતિહાસિક પ્રમાણ હોવા છતાં એવો વિમર્શ ચલાવવામાં આવ્યો છે કે, દિલ્હીની સ્થાપના સલ્તનત કાળ, મુગલકાળ દરમિયાનની છે. દિલ્હીની ન તો કોઈ ભૂગોળ છે કે ન તો ઇતિહાસ. આ પ્રકારની વાતો હાસ્યાસ્પદ છે. વામપંથીઓ દ્વારા જાણી જોઈ ષડયંત્રપૂર્વક આપણાં ગૌરવકેન્દ્રોને નેસ્તોનાબૂદ કરવાનું કામ થઈ રહ્યું છે. આપણાં ઐતિહાસિક તથ્યો સાથેની વામ રમતનો આખો ઇતિહાસ છે.
 
પહેલાં રામાયણ અને મહાભારતને કોરી કલ્પના હોવાનો ખૂબ જ પ્રચાર થયો. આ એવા લોકો છે જે તેમના મનગઢત ઇતિહાસને સુસંગત નથી તેને તે કોરી કલ્પનામાં ઠસાવી દે છે. જે અંગ્રેજોએ ન કર્યું તે ભારતના વામપંથી ઇતિહાસકારોએ પાછલા ૬૦-૭૦ વર્ષોમાં કરી દીધું, પરંતુ તેમની આ ચાલબાજીમાં પણ મહાભારત-રામાયણ પ્રત્યેની આપણી આસ્થા અડગ રહી છે. ભારતના લોકોને વિશ્વાસ છે કે, ૫૧૦૦ વર્ષ પહેલાં મહાભારત થયું હતું. પાછલાં કેટલાક સમયગાળા દરમિયાન જે ઉત્ખનનો થયાં છે તેનાથી સાબિત થયું છે કે, દિલ્હીનો ઇતિહાસ જે બતાવવામાં આવ્યો છે તેનાથી અનેક ઘણો પ્રાચીન છે. આ ઉત્ખનન ભારતવર્ષ અને મહાભારતમાં વિશ્વાસ રાખનારાઓ માટે ખૂબ જ મહત્ત્વનું સાબિત થશે. આજે નહીં તો કાલે એ સાબિત થવાનું જ છે કે, આજે જેને દિલ્હી તરીકે ઓળખાવવામાં આવે છે તે વાસ્તવમાં ઇન્દ્રપ્રસ્થ જ છે.
 

History of Indraprastha in gujarati  
 
 
ત્રણેય કાલખંડોની સમૃદ્ધ વિરાસત દિલ્હીનો પ્રાચીન કિલ્લો
 
વરિષ્ઠ પત્રકાર નિર્મલ યાદવના જણાવ્યા મુજબ ભારતના ઇતિહાસને મુખ્યત્વે ત્રણ સમયગાળામાં વિભાજિત કરવામાં આવ્યો છે. પ્રાચીન મધ્યકાલીન અને આધુનિક દેશમાં આ ત્રણેય કાલખંડોની સમૃદ્ધ વિરાસતો છે. પરંતુ આ બધામાં દિલ્હીનો પ્રાચીન કિલ્લો (પુરાના કિલા) એવું એકમાત્ર પુરાતાત્ત્વિક મહત્ત્વનું સ્થળ છે, જેમાં ભારતીય ઇતિહાસમાં ત્રણેય કાલખંડની વિરાસત છે. એએસઆઈના સેવાનિવૃત્ત વરિષ્ઠ પુરાતત્ત્વવિદ કે. કે. મોહમ્મદે ઉત્તર ભારતમાં વિશેષ કરીને મધ્યપ્રદેશ અને દિલ્હીમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. આ એ જ કે. કે. મોહમ્મદ છે જેઓ અયોધ્યામાં શ્રીરામ મંદિરના વજૂદને પ્રમાણિત કરવા માટે ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા ગઠિત એએસઆઈની ટીમના સદસ્ય હતા. જોકે વામપંથના ટેકે અને તેમની વિચારધારા પર ચાલતી સરકારો દ્વારા અયોધ્યામાં બાબરી મસ્જિદ રામજન્મભૂમિ પર જ બનેલી છે તેના પુરાવા આપનાર કે. કે. મોહમ્મદને મધ્યપ્રદેશની બિહડ જિલ્લામાં બદલી કરી દેવામાં આવી હતી. પરંતુ ત્યાં પણ તેઓએ ભારતના સાચા ઇતિહાસને બહાર લાવવાનું કામ ચાલુ જ રાખ્યું હતું.
 
બિહડના ડકૈતોના ગઢ ગણાતા મુરૈનાની કોતરોમાં જમીનદોસ્ત થઈ ચૂકેલા મહાભારતકાલીન મંદિરોનો જીર્ણોધ્ધાર કરાવ્યા. ત્યાર બાદ તેમની દિલ્હી બદલી કરી દેવામાં આવી. દિલ્હીમાં પણ તેઓએ વેરવિખેર થઈ ગયેલી મહાભારતકાલીન વિરાસતોને જોડવા શોધવાનું કાર્ય કર્યું. કે. કે. મોહમ્મદ અનેક વખત જાહેરમાં કહી ચૂક્યા છે કે, દિલ્હીનો પ્રાચીન કિલ્લો એકમાત્ર એવું ઐતિહાસિક સ્થળ છે, જેમાં મહાભારતકાથી માંડી સ્વતંત્રતાપ્રાપ્તિ સુધીનો ઇતિહાસ સુરક્ષિત છે. ભારતના પુરાતાત્ત્વિક ઇતિહાસમાં કોઈ એએસઆઈ અધિકારી ડકાની ચોટ પર રામાયણ અને મહાભારતકાળની વાત કરી હોય એ કદાચ આ પહેલ-વહેલી ઘટના હશે, કારણ કે દેશ સ્વતંત્ર થયા બાદ વામપંથની એવી તો લહેર ચાલી કે, જાણે એએસઆઈના અધિકારીઓ માટે મહાભારત કાળ અને રામાયણ કાળ જેવા શબ્દોનો પ્રયોગ ન કરવા અનૌપચારિક રીતે ફરજિયાત થઈ ગયું હતું. તેવા સમયે કે. કે. મોહમ્મદે અધિકારિક રીતે ખુલ્લેઆમ કહ્યું કે, દિલ્હીના પ્રાચીન કિલ્લાનો ઇતિહાસ મહાભારત કાળ સાથે પણ જોડાયેલો છે અને આ મુદ્દે યોગ્ય સંશોધન થવાની જરૂર છે. તેઓ કહે છે કે દિલ્હી યમુના કિનારે બનેલ આ કિલ્લામાંથી જ પાંડવો પોતાનું રાજ્ય ચલાવતા હતા.
 
સમય જતાં મધ્યકાળ અને બાદમાં મુગલકાળમાં માયુના શાસન સુધી આજ કિલ્લામાંથી દિલ્હીનું શાસન ચાલતું હતું. આ કિલ્લાની ઇમારત અષ્ટમંડલનાં પગથિયાં પરથી પડી જવાથી માયુની મૃત્યુ થયું હતું. એવો પણ ઇતિહાસ છે કે, ઇન્દ્રપત ગામ સ્વતંત્રતા પહેલાં સુધી પ્રાચીન કિલ્લામાં જ વસતું હતું. બાદમાં અહીં ઉત્ખનન કાર્ય શરૂ થતાં ગામને વિસ્થાપિત કરી બદરપુર સરહદ પાસે વસાવવામાં આવ્યું હતું. કે. કે. મોહમ્મદે પ્રાચીન કિલ્લાને મહાભારતકાળ સાથે જોડતાં તત્કાલીન કથિત સેક્યુલર સરકારોમાં જાણે કે ભૂકપ આવી ગયો હતો. થોડાં વર્ષો બાદ દિલ્હી મંડલમાં એએસઆઈ અધિકારી તરીકે ડો. વસંત સ્વર્ણકાર આવ્યા. તેઓએ પણ કે. કે. મોહમ્મદની વિરાસતને આગળ વધારી પ્રાચીન કિલ્લામાં ઉત્ખનન કરી મહાભારતકાલીન પુરાવાઓ શોધવાનું કાર્ય કરી રહ્યા છે. તેમની અધ્યક્ષતામાં દિલ્હીમાં ઇતિહાસનું પુનરાવર્તન થવાની આશા જાગી છે. ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે, દાયકાઓથી વામપંથી ઇતિહાસના ચોપડા નીચે દટાયેલ દિલ્હીનો ખરો ઇતિહાસ જરૂરથી બહાર આવશે ત્યારે ન માત્ર પુરાતત્ત્વવિદો, ઇતિહાસકારો અને રાષ્ટવાદી નાગરિકોમાં પણ ઇન્દ્રપ્રસ્થ હવે દૂર નથીની આશા જાગી છે.
 
 

સંજય ગોસાઈ

સંજય ગોસાઇ સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધનાનાં સંપાદક મંડળમાં છે…