અટારી - વાઘા બોર્ડર જેવો નજારો માણવો છે, ગુજરાતમાં નડાબેટ જતા આવો | શૌર્યને ઉજાગર કરતું ગુજરાતનું બોર્ડર ટુરિઝમ...

Nadabet | Border Tourism place in Gujarat | રાષ્ટ્રપ્રેમ અને ગૌરવની લાગણીના દરિયામાં હિલોળા લેવા છે! નડાબેટ જતા આવો

    ૧૨-એપ્રિલ-૨૦૨૩
કુલ દૃશ્યો |

Nadabet Border Tourism place in Gujarat
 
 
#  ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા ‘સીમાદર્શન’ પ્રોજેક્ટ અંતર્ગત અહીં બોર્ડર ટુરિઝમ વિકસાવવામાં આવ્યું છે
 
અટારી - વાઘા બોર્ડર જેમ અહીં ગુજરાત- પાકિસ્તાનની બોર્ડર પર સીમા દર્શન પોઇન્ટ બનાવવામાં આવ્યો છે
 
# પ્રવાસીઓ માટે અહીં રીટ્રીટ સેરેમની સાથે બીઅએસએફના જવાનોની કામગીરી અને શૌર્યને ઉજાગર કરતા અનેક ટુરિઝમ સ્પોટ બનાવાયા છે
 
 
Nadabet Border Tourism place in Gujarat
 
 
ભારત અને પાકિસ્તાનની સરહદ, અટારી - વાઘા બોર્ડર પર થતી રીટ્રીટ સેરેમની એ આપણામાં દેશભક્તિનો જુવાળ અને જુસ્સો લાવે છે. આ જ જુસ્સાને જો ગુજરાતમાં અનુભવવો હોય તો બનાસકાંઠાના નડાબેટ સીમાદર્શનનો લહાવો લેવા જેવો છે.
 
કચ્છથી નડાબેટ 375 કિલોમીટરના અંતરે આવેલું એક સંવેદનશીલ સ્થળ છે. ભક્તો અને પ્રવાસીઓ અહીં નડેશ્વરી માતાજીના દર્શનાર્થે આવે છે, તેમજ ભારત- પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા એટલે કે ઝીરો પોઇન્ટની મુલાકાત લે છે, આથી રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારને બોર્ડર ટૂરિઝમ તરીકે વિકસાવવામાં આવ્યો છે.
 

Nadabet Border Tourism place in Gujarat 
 

અહીં જોવાલાયક શું શું છે?

 
પરેડ ગ્રાઉન્ડ
 
અહીં દરરોજ સાંજે જવાનો દ્વારા રીટ્રીટ સેરેમની યોજવામાં આવે છે. શૌર્યતાને ઉજાગર કરતી આ સેરેમની પ્રવાસીઓમાં દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાની અનોખી ચેતના જન્માવે છે.
 
હથિયારોની પ્રદર્શની
 
સહેલાણીઓ માટે અહીં બોર્ડર વ્યુઇંગ પોઇન્ટ પર હથિયારોનું પ્રદર્શન, ફોટો ગેલેરી ઊભી કરવામાં આવી છે. જેમાં ઇ.સ 1965 અને 1971માં ભારત- પાકિસ્તાનના યુદ્ધોમાં વપરાયેલ હથિયારોની પ્રદર્શની સાથે તેના વિશેની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અહીં સરફેસ ટુ સરફેસ મિસાઇલ, સરફેસ ટુ એર મિસાઇલ, આર્ટીલરી ગન, ટોરપીડો, વિંગ ડ્રોપ ટેન્ક અને મિગ – 27 એરક્રાફ્ટ ડિસ્પલે કરવામાં આવ્યું છે.
 

Nadabet Border Tourism place in Gujarat 
 
મ્યુઝિયમ
 
મા ભારતીની રક્ષા માટે સેવામાં સતત ખડે પગે રહેનારા બી.એસ.એફના જવાનોના શૌર્યનો અનુભવ પ્રવાસીઓને મળી રહે તે માટે અહીં નડાબેટ બોર્ડરની થીમ પર મ્યુઝિયમ વિકસાવવામાં આવ્યું છે. આપણે નિશ્ચિત સૂઇ શકીએ તે માટે જવાનો ગરમી, ઠંડી સહિત વિવિધ પરિસ્થિતિઓમાં કેવી રીતે જીવે છે, તે જાણવાનો તદ્દ્ન અલગ જ અનુભવ અહીં નડાબેટ ખાતે અનુભવવા મળશે.
 

Nadabet Border Tourism place in Gujarat 
 
મેમોરિયલ અને આર્ટ ગેલેરી
 
રાષ્ટ્રની રક્ષા કાજે પ્રાણોની આહુતિ આપનાર વીર સૈનિકોની યાદમાં અહીં ‘અજય પ્રહરી’ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે 100 પ્રકારના પ્રદર્શનો ધરાવતી આર્ટ ગેલરી પણ જોવાલાયક છે. અહીં ઓડિયો- વિઝ્યુઅલ એક્સિપિરિયન્સ ઝોનમાં મુલાકાતીઓ 197ના ભારત- પાક યુદ્ધના ભવ્ય ભૂતકાળની પર શોર્ટ ડોક્યુમેન્ટરી જોઇ શકે છે. અહીં આધુનિક 360 ડિગ્રી બૂથ એક્સપિરિયન્સ ઝોન પણ છે.
 
 

Nadabet Border Tourism place in Gujarat 
 
ઉપરાંત સહેલાણીઓને આકર્ષવા પેંટબોલ, રોકેટ ઇજેક્ટર, ઝીપ લાઇન, બંજી બાસ્કેટ, રેપલિંગ, રણ સફારી જેવા એડવેન્ચરસ સ્પોર્ટસનું આકર્ષણ ઊભું કરવામાં આવ્યું છે.
 

• નડેશ્વરી મંદિર: અહીં નડેશ્વરી માતાનું મંદિર આવેલું છે. નડેશ્વરી મા સમગ્ર દેશની રક્ષક દેવી તરીકે પૂજાય છે. ભારતીય સૈન્યના જવાનો દ્વારા તેની પૂજા કરવામાં આવે છે.


Nadabet Border Tourism place in Gujarat 
 
 
# ઈતિહાસ 
 
એક દંતકથા મુજબ જુનાગઢના રાજા નવધણની ધર્મની બહેન જાહલ તેના પતિ સાસતિયા સાથે માલ લેવા પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ગઇ, જ્યાં સિંધના રાજા હમીર સુમેરા તેના પર મોહિત થતા તેને કેદ કરી લીધી, રાજા નવઘણ પોતાના વિશાળ લશ્કરી કાફલા સાથે જાસલને સિંધના મુસલમાન રાજાની કેદમાંથી છોડાવવા આક્રમણ કરવા નીકળ્યો ત્યારે રસ્તામાંથી પસાર થતા નડાબેટ ખાતે તેણે વિસામો લીધો. જ્યાં માતાજી સ્વરૃપે ચારણ કન્યા લશ્કરી કાફલાને જમાડે છે, ત્યારે રાજા નવઘણ સિંધમાં જલદી પહોંચવા માટે આ ચારણ કન્યાની મદદ માંગે છે. બાળ સ્વરૃપે ચારણ રાજાને પોતાનો ઘોડો નડાબેટના દરિયામાં દોડાવવા આદેશ કરે છે. માતાજીનો આદેશ માની રાજા નવઘણ દરિયામાં ઘોડો ચલાવે છે, જ્યાં ઘોડાના આગળના ડાંબલે પાણી તો પાછળના ડાબલે ધૂળ ઉડતી જાય છે. સિંધ પહોંચીને રાજા નવઘણ સુમરાને હરાવી નડાબેટ પાછા આવી રણમાં માતાજીની સ્થાપના કરે છે. ત્યારથી અહીં દરિયો રણ વિસ્તારમાં પરિવર્તિત થયો હોવાની લોકવાયકા છે. આજે પણ 1965 અને 1971ના ભારત- પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતીય સૈન્યએ માતાજીને મદદ કરી દિશાસૂચન કર્યુ હોવાની બીએસએફના સૈનિકોની આસ્થા છે.
 
 
# કેવી રીતે પહોંચવું
 
 
• નડાબેટ રોડ માર્ગે જવું વધારે સરળ છે. નડાબેટ સૂઇ ગામથી 20 કિલોમીટર વાવથી 48 કિલોમીટર, રાધનપુરથી 69 કિલોમીટર, ડીસાથી 142 કિલોમીટર, પાલનપુરથી 169 કિલોમીટર તેમજ અમદાવાદથી 267 કિલોમીટર દૂર છે. નજીકનું હવાઇ મથક અમદાવાદ છે.
 
• નડાબેટ જવા માટે પાલનપુર, ડીસા અને ભીલડી નજીકના રેલવે સ્ટેશન છે.
 
ખાસ નોંધ-
 
અહીં જવા દરેક પ્રવાસીઓએ સરકાર માન્ય ઓળખપત્ર સાથે રાખવું ફરજિયાત છે. અહીં સવારના 9 વાગેથી સાંજે 7 વાગે સુધી મુલાકાત લઇ શકે છે તેમજ સૂર્યાસ્ત પહેલાના અડધા કલાક પહેલા અહીં પરેડ યોજાય છે. ઝીરો પોઇન્ટની મુલાકાત લેવાનો સમય સવારે 9 વાગેથી 4 વાગે સુધી છે.
 
- જ્યોતિ દવે